ભાષાને શું વળગે ભૂર: ૧૦ (બાબુ સુથાર)


(૧૦) ગુજરાતી ભાષામાં નામ અને વિભક્તિ

આપણે જોયું કે ગુજરાતીમાં નામ માત્ર કાં તો પુલ્લિંગ હોય, કાં તો સ્ત્રીલિંગ હોય, કાં તો નપુસંકલિંગ હોય. એટલું જ નહીં, આપણે એ પણ જોયું કે આ ત્રણેય લિંગ કાં તો વ્યક્ત હોય, કાં તો અવ્યક્ત હોય. જો વ્યક્ત હોય તો પુલ્લિંગ -ઓ વડે, સ્ત્રીલિંગ -ઈ વડે અને નપુસંકલિંગ -ઉં વડે વ્યક્ત થતાં હોય છે. આપણે એ પણ જોયું કે નામો કાં તો એકવચનમાં હોય કં તો બહુવચનમાં હોય. આમાંનું એક વચન અવ્યક્ત હોય છે અને બહુવચન -ઓ વડે વ્યક્ત થાય છે. જો કે, કેટલાંક એવાં નામો પણ છે – જેમ કે ‘ઘઉં’- જે સ્વભાવે જ બહુવચન હોય છે. એમનું બહુવચન નથી થતું અને થાય છે તો એમનો અર્થ બદલાઈ જતો હોય છે. આ પ્રકરણમાં આપણે જોઈશું કે ગુજરાતી નામોને વિભક્તિના પ્રત્યયો પણ લાગતા હોય છે.

          ગુજરાતી ભાષા પરનાં બધાં જ પુસ્તકોમાં વિભક્તિની ચર્ચા કરવામાં આવી છે. પણ, એમાં વિભક્તિવ્યવસ્થાનો અભ્યાસ ભાગ્યે જ જોવા મળતો હોય છે. એટલું જ નહીં, અરવિંદ ભાંડારી જેવા ભાષાશાસ્ત્રીઓએ વિભક્તિ પર પુસ્તકો પણ લખ્યાં છે. પણ, એમાં ય એમનો અભિગમ તો taxonomic રહ્યો છે. આ અભિગમ જે તે વિષયવસ્તુનાં અવયવોની યાદી આપવાનો અને એમના ઉપયોગો સમજાવવાનો પ્રયાસ કરતો હોય છે. જો કે, આપણે પણ અહીં વિભક્તિવ્યવસ્થાની સ્વતંત્રપણે ચર્ચા કરવા માગતા નથી.

          ભાષાશાસ્ત્રનો ઇતિહાસ જોઈશું તો આપણને સમજાશે કે જેમ જેમ ભાષાશાસ્ત્ર વધુને વધુ વિકસતું ગયું એમ એમ વિભક્તિવ્યવસ્થા વધુને વધુ મહત્ત્વની બનતી ગઈ. એટલે સુધી કે એક તબક્કે તો કેટલાક ભાષાશાસ્ત્રીઓએ ભાષાની સંરચના સમજાવવા માટે કેવળ વિભક્તિ આધારિત વ્યાકરણ વિકસાવેલું. એ વ્યાકરણ Case grammarના નામે જાણીતું બન્યું છે.

          કોઈ પણ ભાષાના વિશ્લેષણમાં એક મુદ્દો ખૂબ મહત્ત્વનો હોય છે. વાક્યમાં ક્રિયાપદની સાથે બાકીના શબ્દો કઈ રીતે જોડાતા હોય છે? ભાષાશાસ્ત્રીઓ બે રીતોની વાત કરે છે. એક તે શબ્દક્રમ અને બીજી રીતે તે વિભક્તિવ્યવસ્થા. દાખલા તરીકે અંગ્રેજી ભાષાનું આ વાક્ય લો: Jack gave a book to Jill. અહીં ક્રિયાપદ છે ‘gave’. હવે વિચાર કરો કે એની સાથે ‘Jack’, ‘Jill’ અને ‘book’ કઈ રીતે જોડાયેલાં હશે? એ જ રીતે, આ જ વાક્યનું ગુજરાતી વાક્ય લો: “જેકે જીલને પુસ્તક આપ્યું.” આ વાક્યમાં પણ ‘આપ્યું’ સાથે ‘જેક’, ‘જીલ’ અને ‘પુસ્તક’ જોડાયેલાં છે. જો આપણે આ બન્ને વાક્યોની તુલના કરીશું તો આપણને સમજાશે કે અંગ્રેજીમાં ‘Jack’, ‘Jill’ અને ‘book’ ક્રિયાપદ સાથે શબ્દક્રમથી જોડાયેલાં છે. આપણે આ વાક્યમાં આવતા શબ્દોનો ક્રમ બદલી ન શકીએ. જો કે, આપણે Jack gave Jill a book કહી શકીએ ખરા. પણ, એની સામે ગુજરાતી વાક્યને મૂકો. આપણે એ વાક્ય આટલી રીતે બોલી શકીએ: (૧) જેકે પુસ્તક જીલને આપ્યું; (૨) પુસ્તક જેકે જીલને આપ્યું; (૩) જીલને જેકે પુસ્તક આપ્યું; (૪) જીલને જેકે પુસ્તક આપ્યું. વગેરે. એનો અર્થ એ થયો કે અંગ્રેજીમાં શબ્દક્રમ પ્રમાણમાં ઘણો ચૂસ્ત છે; ગુજરાતીમાં નથી. કેમ? કેમ કે અંગ્રેજીમાં વિભક્તિ વ્યવસ્થા ખૂબ મર્યાદિત પ્રમાણમાં છે. એ પણ બે નામ વચ્ચેના માલિકીપણાના સંબંધો વ્યક્ત કરવા પૂરતી જ. જેમ કે: Jack’s book. પણ, ગુજરાતીમાં વિભક્તિવ્યવસ્થા છે, એને કારણે આપણે શબ્દક્રમ સાથે ઘણી છૂટ લઈ શકીએ છીએ. જો કે, એ છૂટ પણ અમર્યાદિત તો નથી જ.

          આના પરથી આપણે એવા તારણ પર આવી શકીએ કે જે ભાષામાં વિભક્તિવ્યવસ્થા મર્યાદિત હોય એ ભાષામાં શબ્દક્રમ ચૂસ્ત હોય અને જે ભાષામાં વિભક્તિવ્યવસ્થા વધારે શક્તિશાળી હોય એ ભાષામાં શબ્દક્રમ વધારે મુક્ત હોય. આનો બીજો અર્થ એવો પણ કરી શકાય કે જે શબ્દક્રમ અને વિભક્તિવ્યવસ્થા લગભગ એકસરખું કામ કરે છે.

          હું ક્લાસમાં જ્યારે પણ ગુજરાતી વિભક્તિવ્યવસ્થાની વાત કરતો ત્યારે મારા વિદ્યાર્થીઓને વિચારવા માટે બે મુદ્દા આપતો: (૧) અંગ્રેજીમાં ગરબા કેમ શક્ય ન બને?: (૨) ગુજરાતીમાં રૅપ સંગીત કઈ રીતે શક્ય બને? તમે પણ એ વિશે વિચારજો. વાત એટલી જ છે કે જો શબ્દક્રમ ચૂસ્ત ન હોય તો રૅપ સંગીત જુદા જ પ્રકારનું બને.

          ગુજરાતીમાં નામોને વિભક્તિના આટલા પ્રત્યયો લાગતા હોય છે: શૂન્ય પ્રત્યય, -એ , -ને, -એ, -થી, -માં અને -નું. આમાંનો -નું પ્રત્યય બે નામને જોડતો હોય છે. જેમ કે: ‘રમેશનો છોકરો’; ‘રમેશની છોકરી’, ‘રમેશનું બાળક’, ‘રમેશની છોકરીઓ’. અહીં -નું વાસ્તવમાં તો બે ઘટકોનો બનેલો છે. એક તે -ન- અને બીજું ઘટક તે -ઉં. અહીં -ન- માલિકીસંબંધ વ્યક્ત કરે છે તો -ઉં માલિકીના પદાર્થના લિંગવચનને વ્યક્ત કરે છે. અહીં આપણે એક સૈદ્ધાન્તિક પ્રશ્ન પૂછી શકીએ: આપણે ‘-નું’ને વિભક્તિનો પ્રત્યય ગણવો જોઈએ કે ‘-ન-‘ને? હું એ વિષે વિચારીશ ને તમે પણ વિચારજો. બાકીના વિભક્તિના પ્રત્યયોની ચર્ચા મોટા ભાગનાં ગુજરાતી ભાષાના વ્યાકરણનાં પુસ્તકોમાં મળી આવશે. એમાં પણ કેટલાંક પર લેટિન વ્યાકરણનો તો કેટલાંક પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ છે. ગુજરાતીમાં જ વિભક્તિના પ્રત્યયોનું વર્તન કેવું છે એ બતાવતા અભ્યાસોની હજી રાહ જોવાય છે.

          આમાંનો કયો પ્રત્યય જે તે નામના ક્રિયાપદ સાથે કયો સંબંધ વ્યક્ત કરે છે એ મુદ્દો મહત્ત્વનો છે. પણ આપણે એમાં ઊંડા નહીં ઊતરીએ. કેમ કે આપણે અહીં વિભક્તિવ્યવસ્થાની વાત કરવા નથી માગતા. આપણે તો એટલું જ જોવા માગીએ છીએ કે ગુજરાતી ભાષામાં નામને ઓળખવું હોય તો આપણે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. પણ, મને લાગે છે કે અહીં આપણે ગુજરાતી વિભક્તિવ્યવસ્થા સાથે સંકળાયેલા બે મહત્ત્વના પ્રશ્નોની નોંધ લેવી જોઈએ.

          આ બે વાક્યો જુઓ: (૧) ‘રમેશે કાગળ કાપ્યો’; (૨) ‘રમેશ હસ્યો’. બન્ને વાક્યો ભૂતકાળમાં છે; બન્નેમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે. એમ છતાં પહેલા વાક્યમાં ‘રમેશ’ને -એ લાગ્યો છે અને બીજા વાક્યમાં ‘રમેશ’ને શૂન્ય પ્રત્યય લાગ્યો છે. એટલું જ નહીં, પહેલા વાક્યમાં ‘કાગળ’, અર્થાત્ કર્મ, પુલ્લિંગ એકવચન હોવાથી ક્રિયાપદ પણ પુલ્લિંગ એકવચન લે છે. જ્યારે બીજા વાક્યમાં ‘રમેશ’ પુલ્લિંગ એકવચન છે એટલે ક્રિયાપદ પણ પુલ્લિંગ એકવચનમાં છે. આપણે જરાક ધ્યાનથી જોઈશું તો આપણને સમજાશે કે ‘રમેશ’ અને ‘હસ્યો’ વચ્ચે જે પ્રકારના સંબંધ છે એ પ્રકારના જ સંબંધ ‘કાગળ’ અને ‘કાપ્યો’ વચ્ચે છે. ગુજરાતી વ્યાકરણનાં પુસ્તકોમાં આ પ્રકારની વાક્યરચનાઓ વિશે ખુલાસો મળતો નથી. હું આ વાક્યરચનાઓ પર પીએચ.ડી. કરવા અમેરિકા આવેલો. હજી મારી પાસે સોબસો પાનાંની નોંધો ક્યાંક પડી છે. એના પરથી ખ્યાલ આવી જશે કે આ વાક્યરચનાઓ કેટલી સંકુલ છે. ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારની વાક્યરચનાઓને Ergative pattern તરીકે ઓળખાવે છે અને પહેલા વાક્યમાં રમેશને લાગેલા -એ જેવા પ્રત્યયને ergative કે agentive case તરીકે ઓળખાવે છે. આવું કેવળ ગુજરાતી ભાષામાં જ નથી બનતું. જગતની ઘણી બધી ભાષાઓમાં બને છે. હું માનું છું કે આપણે આ પ્રત્યય માટે એક અલગ જ નામ વિચારવું જોઈએ. એ કર્તા પ્રગટ કરે છે એ વાત સાચી પણ એની ભાત જ જુદા પ્રકારની છે.

          હવે આપણે પરોક્ષ વિભક્તિ નામની એક વિભક્તિ વિશે વિચારીએ. ઉદાહરણ તરીકે આ વાક્ય લો: ‘ઘોડાથી દોડાતું નથી’ (ઊર્મિ દેસાઈના ‘વ્યાકરણવિમર્શ’માંથી). આપણા મોટા ભાગના વ્યાકરણશાસ્ત્રીઓ કહે છે કે મૂળ શબ્દ ‘ઘોડો’ છે. પણ એને -થી લાગતા પહેલાં -આ લાગ્યો છે અને આ -આ પરોક્ષ વિભક્તિ છે. જો મારી ભૂલ ન થતી હોય તો નર્મદે એના વ્યાકરણ પરના પુસ્તકમાં આ ‘-આ’નો જુદો ખુલાસો આપવાનો પ્રયાસ કરેલો. ત્યાર બાદ પી.જે. મીસ્ત્રીએ પણ. પણ, મીસ્ત્રી ઇશારો કરીને પરંપરાને વળગી રહેલા.

          મને સાચે જ આશ્ચર્ય થાય છે કે આપણા ભાષાશાસ્ત્રીઓએ એમનું આ વિશ્લેષણ સાચું છે કે ખોટું એ વિશે કેમ કોઈ પ્રશ્ન ઊભો નહીં કર્યો હોય. હું માનું છું કે આ ‘-આ’ વિભક્તિનો પ્રત્યય નથી. આવું માનવા માટે મારી પાસે બે કારણો છે. પહેલું કારણ તે એ કે ગુજરાતીમાં વિભક્તિનો પ્રત્યય શબ્દને લાગે છે; નહીં કે શબ્દના મૂળને. એનો અર્થ એ થયો કે આપણે ‘ઘોડો’ને -આ લગાડવો પડે. નહીં કે ‘ઘોડ્-‘ને. અને જો ‘ઘોડો’ને ‘-આ’ લગાડો તો ‘ઘોડોઆ’ શબ્દ બને અને પછી આપણે ‘-ઓ’ અને ‘-આ’ બન્ને એકબીજામાં ભલી જઈને ‘-આ’ બને છે એવી ધારણા બાંધવી પડે. તો પણ આપણે એક પ્રશ્નનો તો જવાબ આપવાનો રહે જ કે શા માટે અમુક નામોના મૂળને વિભક્તિનો પ્રત્યય લગાડવાનો. હા, આપણે એમ કહી શકીએ કે -ઓ અને -ઉં વાળા શબ્દો હોય તો શબ્દના મૂળને વિભક્તિનો પ્રત્યય લગાડવાનો. પણ, આ ધારણા મનોવિજ્ઞાનની દૃષ્ટિએ યોગ્ય લાગતી નથી. બીજું કારણ, જો આપણે એમ કહીએ કે -આ વિભક્તિ જે નામનોમાં પુલ્લિંગ અને નપુસંકલિંગને વ્યક્ત સ્વરૂપે હોય એમને જ લાગે તો પ્રશ્ન એ થાય કે જગતમાં એવી કોઈ ભાષાઓ છે ખરી જેમાં વિભક્તિના પ્રત્યયો લિંગવ્યવસ્થા પ્રમાણે કામ કરતા હોય? મેં એવાં કોઈ ઉદાહરણો જોયાં નથી. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં ‘-આ’ કોઈ વિભક્તિનો પ્રત્યય છે જ નહીં. પ્રબોધ પંડિતે પણ આવું ન વિચાર્યું; ભાયાણી સાહેબે પણ અને બીજા અનેકે પણ. આ તો એક ધ્વનિતાંત્રિક વ્યવસ્થા છે. જ્યારે પુલ્લિંગ -ઓ અને નપુસંકલિંગ -ઉં પછી વિભક્તિનો કોઈ પણ પ્રત્યય આવે ત્યારે -ઓ અને -ઉં -આ બને છે. આ નિયમ એક બાજુ ગુજરાતી ભાષાના ધ્વનિતંત્ર સાથે તો બીજી બાજુ એના વાક્યતંત્ર સાથે સંકળાયેલો છે. એ વિશે આપણે ક્યારેક વિગતે વાત કરીશું.

          છેલ્લે, ગુજરાતીમાં નામના ક્રિયાપદ સાથેના સંબંધો વ્યક્ત કરવા માટે ક્યારેક વિભક્તિના બેવડા પ્રત્યયો પણ વપરાય છે. જેમ કે, ‘-માંથી’, ‘-માંનું’. આવું કેવળ ગુજરાતીમાં જ નથી. જગતની ઘણી બધી ભાષાઓમાં બેવડા વિભક્તિના પ્રત્યયો મળી આવે છે.

          —

          ગુજરાતીમાં નામ વિશે આપણે આટલું શીખ્યા: (૧) દરેક નામ કાં તો પુલ્લિંગ હોય, કાં તો સ્ત્રીલિંગ હોય, કાં તો નપુસંકલિંગ હોય; (૨) દરેક નામ કાં તો એકવચન હોય કાં તો બહુવચન હોય; અને (૩) જ્યારે નામ વાક્યમાં વપરાય ત્યારે એ વિભક્તિનો કોઈને કોઈ પ્રત્યય લે. એ પ્રત્યય શૂન્ય પણ હોય. હવે પછીના પ્રકરણમાં આપણે ગુજરાતી સર્વનામોની વાત કરીશું. પણ, એ પહેલાં એક પ્રશ્ન: “મારી પાસે બે શર્ટ હતાં. એક લાલ અને એક સફેદ. મેં લાલને ઇસ્ત્રી કરી, સફેદને ન કરી” વાક્યમાં ‘સફેદને’ અને ‘લાલને’ વિભક્તિનો -ને પ્રત્યય લાગે છે. તો આપણે એમ કહી શકીએ ખરા કે અહીં ‘લાલ’ અને ‘સફેદ’ નામ છે? વિચારજો.

1 thoughts on “ભાષાને શું વળગે ભૂર: ૧૦ (બાબુ સુથાર)

  1. મા બાબુભા ઇના સ રસ લેખમા હવે ભુલવા આવેલા વ્યાકરણનો મઝાનો પ્રશ્ન !’ “મારી પાસે બે શર્ટ હતાં. એક લાલ અને એક સફેદ. મેં લાલને ઇસ્ત્રી કરી, સફેદને ન કરી” વાક્યમાં ‘સફેદને’ અને ‘લાલને’ વિભક્તિનો -ને પ્રત્યય લાગે છે. તો આપણે એમ કહી શકીએ ખરા કે અહીં ‘લાલ’ અને ‘સફેદ’ નામ છે? વિચારજો.’
    Share
    શબ્દની આગળ પ્રત્યય લાગે તેને પુર્વગ કહે છે.પુર્વગ દ્વારા પણ શબ્દ બને છે. ..

    Like

પ્રતિભાવ