ભાષાને શું વળગે ભૂર: ૧૧ (બાબુ સુથાર)


ગુજરાતીમાં સર્વનામ:૧   (પુરુષવાચક સર્વનામ)

આપણે શાળામાં ભણતા હતા ત્યારે આપણને કહેવામાં આવતું હતું કે સર્વનામ નામના વિકલ્પે વાપરી શકાય. આપણે ત્યારે આ વ્યાખ્યા વિશે શંકા ન’તી કરી. અત્યારે પણ નથી કરતા. પણ હકીકત એ છે કે સર્વનામો કાયમ નામના વિકલ્પે નથી વપરાતાં. દાખલા તરીકે તમે પુરુષવાચક સર્વનામ લો. ‘હું રોજ સવારે છ વાગે ઊઠું છું’માં વપરાયેલો ‘હું’ મારા નામના વિકલ્પે નથી વપરાયો કે મારા વિકલ્પે પણ નથી વપરાયો. જ્યારે આ જ વાક્ય કોઈ નીતા બોલે ત્યારે ‘હું’ સર્વનામ ‘નીતા’ નામનું સૂચન નથી કરતું. એ તો ‘નીતા’ નામની સ્ત્રીનું સૂચન કરતું હોય છે. એ જ રીતે, દર્શક સર્વનામ કે પ્રશ્નાર્થ સર્વનામ લો. આપણે ‘તમને કયો રંગ ગમે છે’ એમ કોઈને પૂછીએ ત્યારે ‘કયો’ સર્વનામ વાસ્તવમાં તો વિશેષણનું સૂચન કરતું હોય છે; નામનું નહીં. એટલું જ નહીં, ત્રીજા પુરુષમાં આવતાં ‘તે’ અને ‘તેઓ’ જેવાં પુરુષવાચક સર્વનામો પણ આ વ્યાખ્યાને ગાંઠતાં નથી. જો કે, એમનું વર્તન ‘હું’ કે ‘અમે’ જેવું નથી હોતું. અને એથી જ તો ગુજરાતી ભાષકો ‘તે’ને દર્શક સર્વનામ તરીકે વાપરતા હોય છે. એ વિશે આપણે દર્શક સર્વનામ જોઈશું ત્યારે વિગતે ચર્ચા કરીશું. આ ઉપરાંત પણ સર્વનામ વિશેની પરંપરાગત સમજ સાથે બીજા પણ ઘણા પ્રશ્નો સંકળાયેલા છે. આપણે એમાં ઊંડા નહીં ઉતરીએ. પણ, એક વાતની આપણે અવશ્ય નોંધ લઈશું કે મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ સર્વનામની આ પરંપરાગત વ્યાખ્યાનો સ્વીકાર કરતા નથી. એટલું જ નહીં, એમાંના પણ મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ તો એમ પણ કહે છે કે આપણે સર્વનામોને બે વર્ગમાં વહેંચી નાખવાં જોઈએ. એક તે પહેલા અને બીજા પુરુષનાં સર્વનામ અને બીજાં તે બાકીનાં સર્વનામ. કેમ કે એ બન્નેનું વર્તન જુદું હોય છે. જેમ કે ‘હું’ સર્વનામનો અર્થ બોલનાર બદલાય એમ બદલાય. એ જ રીતે, ‘તું’ કે ‘તમે’નો અર્થ શ્રોતા બદલાય એમ બદલાય. પણ, ‘તે’નો અર્થ એ રીતે ન બદલાય. જો આપણે ‘તે’નો અર્થ બદલવો હોય તો આપણે એનો referent બદલાવો પડે. એથી જ તો ડી.એન.એસ. ભટ્ટે એમના સર્વનામો પરના એક પુસ્તકમાં પહેલા અને બીજા પુરુષનાં સર્વનામોને ‘પુરુષવાચક’ સર્વનામ કહ્યાં છે અને બીજા પ્રકારનાં સર્વનામોને proform કહ્યાં છે. જો કે, બધા ભાષાશાસ્ત્રીઓ આ પરિભાષા વાપરતા નથી.

          ગુજરાતી વ્યાકરણનાં પુસ્તકો ગુજરાતી ભાષામાં સાત પ્રકારનાં સર્વનામોની વાત કરે છે. એ સાત પ્રકાર તે: (૧) પુરુષવાચક, (૨) દર્શક, (૩) પ્રશ્નાર્થ, (૪) અનિશ્ચિત, (૫) અનિશ્ચિત, (૬) સ્વવાચક અને (૭) વિતરણવાચક (વધુ માહિતી માટે જુઓ ઊર્મિ દેસાઈનું ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તક). સૌ પહેલાં પુરુષવાચક સર્વનામ લઈએ. ગુજરાતીમાં ત્રણ પુરુષવાચક સર્વનામો છે: પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. અને એ ત્રણેય નીચેના કોઠામાં દર્શાવ્યું છે એમ એકવચન અને બહુવચનમાં વહેંચાયેલાં છે.

એક વચન

બહુવચન

પહેલો પુરુષ

હું

અમે/આપણે

બીજો પુરુષ

તું

તમે

ત્રીજો પુરુષ

તે/(તેણી)

તેઓ

આપણે એ પણ જોઈ શકીએ છીએ કે ગુજરાતી ભાષામાં પહેલા પુરુષ બહુવચનનાં બે સ્વરૂપ છે. એક તે શ્રોતાઅસમાવેશી અને બીજું તે શ્રોતાસમાવેશી. જ્યારે હું એમ કહું કે ‘અમે બજારમાં જઈએ છીએ’ ત્યારે હું અમારી સાથે શ્રોતાનો સમાવેશ કરતો નથી. પણ, જ્યારે હું એમ કહું કે ‘આપણે બજારમાં જઈએ છીએ’ ત્યારે હું શ્રોતાનો સમાવેશ કરતો હોઉં છું. જગતની બીજી પણ ઘણી ભાષાઓ આવો ભેદ પાડે છે. જો કે, અંગ્રેજી ભાષા આવો ભેદ નથી પાડતી. અંગ્રેજી ભાષકો ‘અમે/આપણે’ માટે એક જ ‘We’ વાપરે છે.

          એક બીજો મુદ્દો પણ નોંધવાનો છે: ‘તું’ અને ‘તમે’ના બીજા પણ ઉપયોગો છે. ભાષાશાસ્ત્રમાં ભાષાની સંરચનાના ઉપયોગનો અભ્યાસ કરતું એક અલગ શાસ્ત્ર છે. એને અંગ્રેજીમાં Pragmatics તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે જોતાં, ગુજરાતી ભાષામાં ‘તું’ના બીજા બે ઉપયોગ થાય છે. એક તે તિરસ્કારવાચક/અપમાનવાચક અને બીજો તે વહાલવાચક. એ જ રીતે, ‘તમે’ના પણ બીજા બે ઉપયોગ થાય છે. એક કે તે તિરસ્કારવાચક/અપમાનવાચક અને બીજો તે માનવાચક. જે માનને લાયક હોય એના માટે હું ‘તું’ વાપરું તો એ તિરસ્કારવાચક/અપમાનવાચક ઉપયોગ થયો. એ જ રીતે, જે માનને લાયક ન હોય એના માટે હું માનવાચક ‘તમે’ વાપરું તો એ ઉપયોગ પણ તિરસ્કારવાચક/અપમાનવાચક થયો.

તમે એ પણ નોંધ્યું હશે કે આ સર્વનામોમાં બહુવચન -ઓ કેવળ ત્રીજા પુરુષને જ લાગેલો છે. બાકી બધાં સ્વરૂપો ‘એ રીતે સિદ્ધ થયેલાં નથી. અર્થાત્, અહીં ‘હું’ ‘હુંઓ’ કે ‘તું’નું ‘તુંઓ’ થતું નથી. તદ્ઉપરાંત, આ સર્વનામોમાં લિંગભેદ પણ  નથી. ‘હું આવી’ બોલવું કે ‘હું આવ્યો’ બોલવું એ બોલનાર વ્યક્તિની જીવવૈજ્ઞાનિક જાતિના આધારે નક્કી થતું હોય છે. જો કે, નાટક કે સિનેમામાં એવું નથી હોતું. પણ એ જુદાજ પ્રકારનો ભાષાપ્રયોગ હોય છે. જો બોલનાર સ્ત્રી હોય તો એ ‘હું આવી’ કહેશે અને પુરુષ હશે તો ‘હું આવ્યો’ કહેશે. એનો અર્થ એ થયો કે સર્વનામના સ્તરે લિંગ વ્યાકરણમૂલક નથી.

          ખાસ કરીને લેખકોએ ગુજરાતી ભાષાની આ હકીકત ખાસ યાદ રાખવા જેવી છે. આપણે બધાંએ પ્રાણીકથાઓમાં “પછી શિયાળભાઈ બોલ્યા” કે “પછી શિયાળબેન બોલ્યાં” જેવાં વાક્યો વાંચ્યાં છે. પણ આપણામાંના બહુ ઓછાએ એવોઆપણે “શિયાળભાઈ’ કે “શિયાળબેન” જેવાં નામ શા માટે વાપરીએ છીએ એવો પ્રશ્ન પૂછ્યો હશે. શું એમને બદલે એકલો ‘શિયાળ’ શબ્દ ન ચાલે? આપણે જાણીએ છીએ કે ‘શિયાળ’ નપુસંકલિંગ શબ્દ છે. પણ, વાર્તામાં જ્યારે શિયાળ બોલે ત્યારે એણે કાં તો પોતે ‘નર’ છે કે ‘માદા’ છે એ વ્યાકરણમાં પ્રગટ કરવું પડે. જો એણે નપુસંકલિંગ લિંગવ્યવસ્થામાં રહેવું હોય તો ગુજરાતી ભાષાના લિંગવ્યવસ્થાના કેટલાક નિયમો સ્વીકારવા પડે. એ નિયમો કયા હોઈ શકે એ વિશે તમે વિચારજો.

          ટૂંકમાં, નામની જેમ સર્વનામ વ્યક્ત કે અવ્યક્ત લિંગવાચક નથી હોતાં. હા, નામની જેમ એ કાં તો વચન કાં તો બહુવચન હોય ખરાં. પણ એમાંય બહુવચનનો -ઓ પ્રત્યય લેતું તો એક જ સર્વનામ છે. એ પણ ત્રીજો પુરુષ બહુવચન.

          જેમ નામને વિભક્તિના પ્રત્યય લાગે એમ નીચેના કોઠામાં બતાવ્યાં છે એમ સર્વનામને પણ વિભક્તિના પ્રત્યયો લાગતા હોય છે.

 

વચન

પ્રથમા

ઈર્ગેટીવ

(Ergative)

દ્વિતિયા/

સંપ્રદાન

સંબંધ-

વાચક:૧

સંબંધ-

વાચક:૨

અધિકરણ

કરણ/

અપાદાન

પહેલો પુરુષ

એકવચન

હું

મેં

મને

મારું

મારે

મારામાં

મારાથી

બહુવચન

અમે/આપણે

અમે/

આપણે

અમને/

આપણને

અમારું/

આપણું

અમારે/

આપણે

અમારામાં/

આપણામાં

અમારાથી/

આપણાથી

બીજો પુરુષ

એકવચન

તું

તેં

તને

તારું

તારે

તારામાં

તારાથી

બહુવચન

તમે

તમે

તમને

તમારું

તમારે

તમારામાં

તમારાથી

ત્રીજો પુરુષ

એકવચન

તે

તેણે

તેને

તેનું

તેને

તેનામાં

તેનાથી

બહુવચન

તેઓ

તેઓએ/

તેમણે

તેઓને/

તેમને

તેઓનું/

તેમનું

તેઓને/

તેમને

તેઓમાં/

તેમનામાં

તેઓથી/

તેમનાથી

નોંધ: સંબંધવાચક:૧માં કેવળ citation forms આપ્યાં છે. આવાં સર્વનામોનું સ્વરૂપ possessumના લિંગવચન પ્રમાણે બદલાય. જેમ કે, ‘મારો છોકરો’, ‘મારી છોકરી’. આ બન્ને ઉદાહરણોમાં possessum અનુક્રમે પુલ્લિંગ એકવચન અને સ્ત્રીલિંગ એકવચન હોવાથી citation form ‘મારું’ અનુક્રમે ‘મારો’ અને ‘મારી’ બને છે.

          જો કે, મધ્યકાલિન ગુજરાતીમાં ‘હુંએ’ અને ‘હુંને’ જેવાં સ્વરૂપો મળી આવે છે ખરાં. ત્યારે કેવાં સ્વરૂપો વપરાતાં હતાં અને એમાંનાં કયાં સ્વરૂપો અત્યારે ટકી રહ્યાં છે ને ક્યાં સ્વરૂપો અદૃશ્ય થઈ ગયાં છે એ એક તપાસનો વિષય છે.

          ઈર્ગેટીવ વિભક્તિ પ્રત્યય ખૂબ સંકુલ વિષય છે. ગુજરાતીમાં -એ પ્રત્યય ઘણા બધા સંદર્ભોમાં વપરાય છે. એમાંનો એક તે ઈર્ગેટીવ. થોડા વખત પહેલાં અમેરિકાની એક પ્રખ્યાત યુનિવર્સિટીનો પીએચ.ડી. શોધનિબંધ વાંચેલો. એમાં એવું કહેવામાં આવેલું કે ગુજરાતીમાં ‘અમે’, ‘આપણે’ અને ‘તમે’ને ઈર્ગેટિવ પ્રત્યય લાગતો નથી. પણ, ના. એ વાત ખોટી છે. એમને પણ -એ લાગે છે પણ લાગ્યા પછી assimilationના કારણે એ પ્રત્યય મૂ઼ળમાંના -એ સાથે ભળી જાય છે. દા.ત. təme+e = təme.

          ગુજરાતીમાં દર્શક સર્વનામો વિષે ઠીક ઠીક ગૂંચો પ્રવર્તે છે. આવતા પ્રકરણમાં આપણે એમાંની થોડીક ગૂંચો ઊકેલવાનો પ્રયાસ કરીશું.

પ્રતિભાવ