ભાષાને શું વળગે ભૂર: ૧૨ (બાબુ સુથાર)


ગુજરાતી સર્વનામો: ૨ (દર્શક સર્વનામો)

ગુજરાતી વ્યાકરણનાં મોટા ભાગનાં પુસ્તકો ‘આ’, ‘પેલું’, ‘એ’ અને ‘તે’નો દર્શક સર્વનામોમાં સમાવેશ કરે છે. એટલું જ નહીં, એ પુસ્તકો એમ પણ કહે છે કે ‘આ’ નજીકની વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરવા માટે વપરાય છે જ્યારે ‘એ’, ‘તે’ તથા ‘પેલું’ દૂરની વસ્તુઓ કે વ્યક્તિઓનો નિર્દેશ કરવા માટે વપરાય છે.

          મને લાગે છે કે દર્શક સર્વનામો માટે આટલું પૂરતું નથી. સૌ પ્રથમ તો એનું રૂપતંત્ર જોવા જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે અહીં ‘પેલું’ એક માત્ર વિકારી દર્શક સર્વનામ છે. અર્થાત્, એનું સ્વરૂપ એ જે વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે એના લિંગ અને વચન પ્રમાણે બદલાયા કરે છે. જેમ કે, ‘પેલો છોકરો’’ ‘પેલી છોકરી’; ‘પેલું છોકરું’, ‘પેલા છોકરા’, ‘પેલી છોકરીઓ’ અને ‘પેલાં છોકરાં’. ‘આ’ અને ‘તે’/‘એ’ એ રીતે બદલાતાં નથી.

          એટલું જ નહીં, આ સર્વનામો પણ બીજાં સર્વનામોની જેમ વિભક્તિના પ્રત્યયો લે છે. જેમકે, ‘આણે/એણે/પેલાએ કેરી ખાધી’. ‘આમાં/એમાં/પેલામાં કંઈ નથી’ જેવાં વાક્યોમાં આવતા આણે/એણે/પેલાએ તથા આમાં/એમાં/પેલામાં જેવા શબ્દો.

          એ જ રીતે આપણે આ સર્વનામોનું વાક્યતંત્ર તથા pragmatics પણ જોવું જોઈએ. જો કે, આપણે એમાં નહીં પડીએ કેમ કે એ કામ એક શોધનિબંધ જેટલું લાંબું બની જાય એમ છે. વળી, એ વિષયની વાત કરતી વખતે ઢગલાબંધ પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરવો પડે. એવા શબ્દો અને એમની સાથે સંકળાયેલી વિભાવનાઓ મોટે ભાષાશાસ્ત્રના અભ્યાસીઓ જ સમજી શકે.

એમ છતાં આપણે એક મુદ્દા પર તો ખાસ ધ્યાન આપવું પડશે. આપણે નોંધ્યું કે ગુજરાતી વ્યાકરણનાં પુસ્તકો આ સર્વનામોની વાત કરતી વખતે ‘નિકટ’ અને ‘દૂર’ જેવા માપદંડોનો પ્રયોગ કરે છે. પણ, એ પુસ્તકો એમનાં નિરીક્ષણોનું યોગ્ય ફ્રેમિંગ કરતાં નથી. એને કારણે એમની વાત ઘણી બધી દૃષ્ટિએ સાચી હોવા છતાં અશાસ્ત્રીય રહી જાય છે.

હું માનું છું કે જ્યારે આપણે ‘નિકટ’ અને ‘દૂર’ જેવા શબ્દો વાપરીએ ત્યારે એક વાત અવશ્ય યાદ રાખવી જોઈએ કે આ બન્ને શબ્દોના અર્થ વ્યક્તિનિષ્ઠ વાસ્તવિકતા પર આધાર રાખતા હોય છે. હું જ્યારે ‘પેલું પુસ્તક’ એમ કહું ત્યારે એ પુસ્તક મારી અર્થાત્ વક્તાથી અને મેં જેને સંબોધન કર્યું છે એનાથી, અર્થાત્ શ્રોતાથી, દૂર હોય છે. એ કેવળ મારાથી જ દૂર નથી હોતું. કહેવાનો આશય એટલો જ કે જ્યારે પણ આપણે નિકટ/દૂર જેવા માપદંડો વાપરીએ ત્યારે આપણે કોનાથી કે શાનાથી દૂર કે નિકટ એની વાત પણ કરવી જોઈએ.

          ગુજરાતીમાં ‘આ’ વક્તા અને શ્રોતાથી નિકટ વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરવા માટે વપરાય છે. જો કે, કેટલાક વિશિષ્ટ પ્રયોગોમાં શ્રોતા વક્તાની પાસે ન હોય એવું પણ બને. દાખલા તરીકે, મારાં પત્ની બીજા રૂમમાં હોય અને હું જોરથી બૂમ પાડીને કહું કે ‘આ પુસ્તક અહીં કોણે મૂક્યું છે?’ ત્યારે એ પુસ્તક મારી, અર્થાત્ વક્તાની નિકટ હોય છે પણ શ્રોતાથી દૂર હોય છે. જો કે, અહીં, નિકટતા અને દૂરતાને ભૌતિક અર્થમાં લેવાનાં નથી. જ્યારે હું મારાં પત્નીને એમ કહું કે ‘આ પુસ્તક અહીં કોણે મૂક્યું છે?’ ત્યારે હું અને મારાં પત્ની એક અમૂર્ત અથવા તો વિભાવનામૂલક અવકાશમાં એકમેકની નિકટ હોઈએ છીએ. જો કે, આ એક પૂર્વધારણા છે. વધુ સંશોધન પછી જ આપણને એ ખરેખર શું છે એ સમજાય. માનો કે મારાં પત્ની ભારત ગયેલાં હોય અને હું પહેલી વાર ફોન કરું ત્યારે એમ પૂછું કે ‘આ પુસ્તક તું અહીં શું કામ મૂકીને ગયેલી?’ ત્યારે એ આમ જુઓ તો મારાથી અનેક માઈલો દૂર હોય છે એમ છતાં ભાષાના જગત પૂરતાં અમે એકમેકની નિકટ હોઈએ છીએ. જો કે, હું થોડા દિવસો પછી બીજી વાર ફોન કરું ત્યારે કદાચ આ જ પ્રશ્ન આ રીતે નહીં પૂછી શકું. જો કે, જવાબમાં જો મારાં પત્ની એમ કહે કે‘એ પુસ્તક મેં ત્યાં નથી મૂક્યું’ ત્યારે જુદા જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. ત્યારે એ મને એનાથી દૂર ગણે. નિકટ નહીં.

          ‘પેલું’ દર્શક સર્વનામ વક્તા અને શ્રોતાથી દૂર હોય એવી વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરવા માટે વપરાય છે. જેમ કે, ‘પેલું બારીમાં બેઠું છે એ કયું પંખી છે?’ અહીં ‘બારીમાં બેઠેલું પંખી’ વક્તા અને શ્રોતા બન્નેથી દૂર છે. ઘણી ભાષાઓમાં આ દૂરતા માટે બબ્બે દર્શક સર્વનામો હોય છે. ખૂબ દૂર માટે જુદું અને બહુ દૂર નહીં એના માટે જુદું.

          ‘એ’ દર્શક સર્વનામ વક્તાથી દૂર અને શ્રોતાની નજીક એવી વસ્તુ કે વ્યક્તિનો નિર્દેશ કરવા માટે વપરાય છે. આપણે કોઈક દુકાનમાં કશુંક ખરીદવા જઈએ અને કોઈક વસ્તુ દુકાનદારની નજીક પડેલી હોય તો એના ભણી આંગળી ચીંધીને પૂછીશું: ‘એ શું છે?’ એવો પ્રશ્ન પૂછતી વખતે એ વસ્તુ આપણાથી દૂર હોય છે પણ શ્રોતાની નજીક હોય છે. આપણે આપણા મિત્રનું કોઈક ફોટો આલ્બમ જોતા હોઈએ અને એ વખતે આપણો મિત્ર રસોડામાં હોય. આપણે એને પૂછીશું: ‘તારા પપ્પા પાસે આ કોણ ઊભું છે?’ મિત્ર કહેશે, ‘એ મારા માસા છે.’ ત્યારે આપણા માટે એ ફોટો આપણી એટલે કે વક્તાની નજીક હોય છે જ્યારે શ્રોતા માટે દૂર હોય છે. પણ, એ જ્યારે આપણ઼ને જવાબ આપે ત્યારે એ ફોટો વક્તાથી દૂર હોય છે અને શ્રોતાની નજીક. હું નથી માનતો કે ગુજરાતી ભાષકો આ પ્રકારની ભાષાપરિસ્થિતિમાં ‘તે’ વાપરતા હોય. આપણે દુકાનદારને ‘તે શું છે?’ એમ નહીં પૂછીએ.

આના પરથી આપણે એટલું કહી શકીએ કે ગુજરાતીમાં દર્શક સર્વનામો બે માપદંડોની મર્યાદામાં રહીને કામ કરતાં હોય છે: (૧) વક્તા અને શ્રોતા અને (૨) નિકટતા અને દૂરતા. જો વક્તાની અને શ્રોતાની નજીક હોય તો ‘આ’; જો શ્રોતાની નજીક હોય તો ‘એ’ અને વક્તા અને શ્રોતા બન્નેથી દૂર હોય તો ‘પેલું’.

ગુજરાતીમાં ‘એ’ અને ‘તે’ની બાબતમાં ખાસ્સી એવી અરાજકતા પ્રવર્તે છે. કેટલાક વ્યાકરણશાસ્ત્રીઓ માને છે કે ‘એ’ અને ‘તે’ વિકલ્પે વાપરી શકાય. મને લાગે છે કે આ દાવાની વિગતે તપાસ કરવા જેવી છે. મારી સમજ એવું કહે છે કે આપણે ‘તે’ અને ‘એ’ને હંમેશાં વિકલ્પે ન વાપરી શકીએ. મેં અગાઉ નોંધ્યું છે એમ આપણે દુકાનદારને એમ નહીં પૂછીએ કે ‘તે શું છે?’. જો કે, આપણે કદાચ એમ પૂછી શકીએ ખરા કે ‘તમારી પાસે છે તે શું છે?’

આ પરિસ્થિતિ સમજવા માટે આપણે discourseની અને સંવાદની વિભાવનાઓ સમજવી પડશે. Discourse શબ્દ માનવવિદ્યાઓમાં પણ વપરાય છે અને સમાજવિજ્ઞાનોમાં પણ વપરાય છે. તદ્ઉપરાંત પણ આ શબ્દ વિજ્ઞાન અને ગણિત જેવી વિદ્યાશાખાઓમાં પણ વપરાય છે. ભાષાશાસ્ત્રમાં આ શબ્દ બે કે તેથી વધારે વાક્યો જોડાઈને ઊભા થતા વિશ્વ માટે વપરાય છે. દા.ત. આ વાક્ય લો: “રમેશ અમદાવાદથી સાંજે ઘેર આવ્યો અને રાતે મુંબઈ ગયો. પછી બીજા દિવસે એ ત્યાંથી દિલ્હી ગયો.” અહીં બધાં મળીને ત્રણ વાક્યો છે: (૧) રમેશ અમદાવાદથી સાંજે ઘેર આવ્યો; (૨) રમેશ રાતે મુંબઈ ગયો; અને (૩) રમેશ મુંબઈથી દિલ્હી ગયો. આપણે પહેલાં બે વાક્યોને ‘અને’ વડે જોડ્યાં. આ ‘અને’ વડે વાક્યોને જોડવાના પણ નિયમો છે. આપણે મનફાવે એમ વાક્યોને કે વાક્યખંડોને ‘અને’થી જોડી ન શકીએ. એ વિશે આપણે ક્યારેક વિગતે ચર્ચા કરીશું. પછીના ત્રીજા વાક્યમાં આપણે ‘રમેશ’ની જગ્યાએ ‘એ’ શબ્દ મૂક્યો. આ બધું હકીકતમાં તો discourseના સ્તર પર બન્યું છે. અર્થાત્, વાક્યની પેલે પારના જગતમાં બન્યું છે. પણ, એ જગત ફિલસૂફો જેની વાત કરે છે એવું trancedential  નથી.

જેમ discourseના એમ સંવાદના પણ નિયમો હોય છે. જો કે, આપણે એમાં ઊંડા નહીં ઉતરીએ. એમ છતાં, નીચે આપેલો એક ઉપજાવી કાઢેલો સંવાદ જુઓ. એમાં મોહનકાકા રમેશ સાથે ફોન પર વાત કરી રહ્યા છે.

મોહનકાકા: રમેશ, પપ્પા છે કે ઘેર?

રમેશ: ના, એ તો નથી.

મોહનકાકા: ક્યાં ગયા છે?

રમેશ: એ મુંબઈ ગયા છે.

મોહનકાકા: ક્યારે આવશે?

રમેશ: રવિવારે આવશે.

મોહનકાકા: સારું તો હું રવિવારે ફોન કરીશ.

અહીં રમેશ ‘પપ્પા’ને બદલે ‘એ’ દર્શક સર્વનામ વાપરે છે. ‘તે’ નથી વાપરતો. અને હું માનું છું ત્યાં સુધી આ પ્રકારના સંવાદમાં કોઈ ‘તે’ નહીં વાપરે.

          એનો અર્થ એ થયો કે ‘રમેશ અમદાવાદથી સાંજે ઘેર આવ્યો અને રાતે મુંબઈ ગયો. પછી બીજા દિવસે એ ત્યાંથી દિલ્હી ગયો’ જેવાં વાક્યોમાં ઘણા ગુજરાતી ભાષકો ‘એ’ને બદલે ‘તે’ વાપરતા હોય છે. પણ ઉપર આપેલા સંવાદમાં એ જ ભાષકો ‘એ’ને બદલે ‘તે’ નહીં વાપરે. એથી આપણા માટે જે પ્રશ્ન છે તે આ: આ હકીકતના આધારે આપણે ‘એ’ અને ‘તે’ને કઈ રીતે સમજવા જોઈએ?

આપણી પાસે બે રસ્તા છે. આપણે કાં તો એમ કહી શકીએ કે જે લોકો ‘તે’ વાપરે છે એ ખોટા છે. પણ, યાદ રાખો કે ભાષાશાસ્ત્રીઓ એવું નહીં કહે. તો બીજો રસ્તો એ છે કે આપણે એવું કહીએ કે ગુજરાતી ભાષા discourseના સ્તરે ‘એ’ અને ‘તે’ને વિકલ્પે વાપરે છે જ્યારે સંવાદના સ્તરે એ કેવળ ‘એ’ જ વાપરે છે. કદાચ આ સરળતાથી ગળે ઊતરે એવું સમાધાન છે.

          તો પણ, discourseના સ્તરે ય ‘એ’ અને ‘તે’નું વર્તન આપણે માનીએ છીએ એટલું સરળ નથી. અને એ માટે મારે મધુ રાયનો આભાર માનવો પડે. એક વાર વાતમાંથી વાત નીકળી ત્યારે મેં કહ્યું કે ગુજરાતીઓ discourseના સ્તરે ‘તે’ વાપરે છે એ ખોટું છે. મધુ રાયે તરત જ મને નરસિંહ મહેતાની એક પંક્તિ ટાંકી બતાવી: ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ આમાં ‘તે’ આવે છે, ‘એ’ નથી આવતો. એટલું જ નહીં, આ જ લખાણનો આ પહેલાંનો પરિચ્છેદ જુઓ. એની શરૂઆત આમ થાય છે: ‘આપણા માટે જે પ્રશ્ન છે તે આ.’ અહીં મેં ‘એ’ સર્વનામ નથી વાપર્યું. ‘તે’ વાપર્યું છે.

          હું માનું છું કે discourseના સ્તર પર ‘તે’ અને ‘એ’ જુદાં વર્તન કરે છે. ‘આપણા માટે જે પ્રશ્ન છે તે આ’માં આવતો ‘તે’નું કાર્ય ‘ચીંધવાનું’ અર્થાત્ pointingનું છે. અહીં ‘તે’ સર્વનામ કશાને refer કરતું નથી. એટલે કે એનો અર્થ સમજવા માટે મારે એની પૂર્વેના વાક્યના કોઈ નામ પાસે જવું પડતું નથી. પણ, ‘રમેશ અમદાવાદથી સાંજે ઘેર આવ્યો અને રાતે મુંબઈ ગયો. પછી બીજા દિવસે એ ત્યાંથી દિલ્હી ગયો’ વાક્યમાં આવતા ‘એ’ (અને જો ‘તે’ વાપરો તો ‘તે’) સર્વનામનો અર્થ જાણવા એની અગાઉના વાક્યમાં આવેલા ‘રમેશ’ પાસે જવું પડે છે.

મને લાગે છે કે ‘‘આપણા માટે જે પ્રશ્ન છે તે આ’ જેવાં વાક્યોમાં વપરાતો ‘તે’ ભાષાશાસ્ત્રમાં જેને cataphora કહે છે એ પ્રકારનો છે. ભાષાશાસ્ત્રીઓએ anaphora અને cataphora પર ખૂબ જ સંશોધન કર્યું છે. Anaphoraમાં બીજા અને ત્યાર પછીનાં વાક્યોમાં વપરાયેલાં સર્વનામ એમની અગાઉનાં વાક્યોમાંના નામ સાથે જોડાય જ્યારે cataphoraમાં પહેલા વાક્યમાંનું સર્વનામ ત્યાર પછીનાં વાક્યોમાંના નામ સાથે જોડાય. ‘આપણા માટે જે પ્રશ્ન છે તે આ’ અને ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ વાક્યોમાં આવતો ‘તે’ ત્યાર પછીનાં વાક્યોમાંના કોઈ એક નામને બદલે કોઈક x સાથે જોડાય છે જે x એકમાં ‘પ્રશ્ન’ છે, બીજામાં ‘વૈષ્ણવજન’ છે. મને લાગે છે કે આ ખૂબ જ રસ પડે એવો વિષય છે. હું પણ એના પર હજી વિચારી રહ્યો છું. મેં અહીં જે વિચારો રજુ કર્યા છે એ હજી અલ્પવિરામો સુધી જ પહોંચ્યા છે. કદાચ એ વિચારોમાં થોડા ફેરફાર થાય પણ ખરા.

પ્રતિભાવ