ભાષાને શું વળગે ભૂર -૧૩ (બાબુ સુથાર)


ગુજરાતી સર્વનામો: પ્રશ્નાર્થ અને અનિશ્ચિત સર્વનામો

આ પ્રકરણમાં આપણે પ્રશ્નાર્થ અને અનિશ્ચિત સર્વનામો વિશે વાત કરીશું. ગુજરાતીમાં આ બન્ને સર્વનામોની ચર્ચા ઘણી બધી થયેલી છે પણ મોટા ભાગની ચર્ચા ક્યાંકને ક્યાંક અસ્પષ્ટ છે અથવા અધૂરી છે. જો કે, જે કંઈ ચર્ચા થઈ છે એ ચર્ચાએ આ સર્વનામોનું વર્તન સમજવામાં કંઈકને કંઈક તો પ્રદાન કરેલું જ છે. આ પ્રકરણમાં આ પ્રકારનાં સર્વનામોની થોડીક ગૂંચો ઊકેલવાનો પ્રયાસ કરીશું.

ભાષાશાસ્ત્રીઓ નોંધે છે કે કેટલીક ભાષાઓમાં પ્રશ્નાર્થ અને અનિશ્ચતિ સર્વનામો ઘણી વાર એકસરખાં હોય છે. એ એમ પણ કહે છે કે કેટલીક ભાષાઓમાં પ્રશ્નાર્થ સર્વનામોમાંથી અનિશ્ચિત સર્વનામો derive કરેલાં હોય છે. જો કે, કેટલાક ભાષાશાસ્ત્રીઓ આ વિધાન સાથે સંમત થતા નથી. એ કહે છે કે એવી પણ ભાષાઓ છે જેમાં અનિશ્ચિત સર્વનામોમાંથી આપણે પ્રશ્નાર્થ સર્વનામો derive કરવાં પડે. અર્થાત્, આ બાબતમાં કોઈ universal કહી શકાય એવો સિદ્ધાન્ત ઘડી શકાય એમ નથી. આપણે આ મુદ્દાની વિગતે ચર્ચામાં નહીં ઊતરીએ. કેમ કે એવી ચર્ચા દેકીતી રીતે જ વધારે પડતી શાસ્ત્રીય બની જાય. પણ, એક વાત નક્કી છે કે આ બન્ને પ્રકારનાં સર્વનામોની વચ્ચે કોઈક ચોક્કસ પ્રકારનો સંબંધ છે અને એ સંબંધોની ચોક્કસ એવી કોઈક typology પણ છે. અમુક ભાષાઓમાં એક typeના સંબંધો મળી આવે તો બીજી ભાષામાં બીજી typeના.

          મોટા ભાગના ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ ગુજરાતીમાં બે પ્રશ્નાર્થ સર્વનામ અને ત્રણ અનિશ્ચિત સર્વનામો હોવાનો દાવો કરે છે. દાખલા તરીકે ઊર્મિબેન દેસાઈ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં બે પ્રશ્નાર્થ સર્વનામ (‘કોણ’ અને ‘શું’)ની અને ત્રણ/ચાર અનિશ્ચતિ સર્વનામની (‘કંઈક’/‘કાંઈક’, ‘કોઈ’ અને ‘કશું’) વાત કરે છે જ્યારે ડૉ. ભરતકુમાર શાહ એમના ‘સરળ ગુજરાતી વ્યાકરણ’માં પ્રશ્નાર્થમાં ‘કોને’ને ઉમેરે છે.

હું માનું છું કે આ યાદી જરાક વ્યવસ્થિત કરવાની જરૂર છે. એ પણ empirical સંશોધન કરીને. ઘણી વાર એવું બને કે ગુજરાતી વિદ્વાન ગુજરાતી ભાષા પર લખવા બેસે ત્યારે પૂરતી માહિતી એકત્ર કરવાને બદલે એ પોતાની ભાષાસૂઝ પર વધારે વિશ્વાસ રાખે. એને કારણે કામ સરળ બને પણ ક્યારેક પરિણામ આપણે ધાર્યું હોય એવું ન પણ આવે.

આ લેખ પૂરતા હું એવું ધારી લઉં છું કે ગુજરાતીમાં પ્રશ્નાર્થ અને અનિશ્ચતિ સર્વનામો માટે પણ કોઈક અમૂર્ત સ્વરૂપો છે અને આપણે જે પ્રશ્નાર્થ અને અનિશ્ચિત સર્વનામો વાપરીએ છીએ એ એ અમૂર્ત સ્વરૂપોમાંથી derive કરેલાં છે. આપણે કામચલાઉ એવું સ્વીકારી લઈએ કે ગુજરાતીમાં /કો-/ અને /શ્-/ પ્રશ્નાર્થ સર્વનામો છે અને એ બેમાંથી આ સર્વનામોનાં સ્વરૂપો derive કરવામાં આવ્યાં છે. આપણે હવે કહી શકીએ કે એક અમૂર્ત /કો-/માંથી આપણે ‘કોણ’, ‘કોણે’, ‘કોને’, ‘કોનાથી’, ‘કોનામાં’, ‘કોનું’ અને ‘કોનામાં’ જેવાં સ્વરૂપો derive કર્યાં છે અને /શ્-/માંથી ‘શું’, ‘શામાં’, ‘શાનામાં’, ‘શાને’ અને ‘શાનાથી’ જેવાં સ્વરૂપો derive કર્યાં છે. આ સર્વનામોમાંનું કેવળ /શ્-/ જ અમુક સંજોગોમાં લિંગ અને વચન લે છે અને એ રીતે એનું સ્વરૂપ બદલાતું હોય છે. જેમ કે, ‘શી’, ‘શો’, ‘શા’, ‘શાં’. જો કે, આ મુદ્દો પણ સૌ પહેલાં તો empirical તપાસ માગી લે છે. જો કે, બોલીઓમાં કદાચ આ પ્રશ્નાર્થ અને અનિશ્ચિત સર્વનામોને બદલે બીજાં પણ મળી આવે.

આપણે જોઈ શકીએ છીએ કે આમાંના મોટા ભાગનાં સર્વનામો આપણે ધારેલા અમૂર્ત સ્વરૂપને વિભક્તિનો પ્રત્યય લગાડીને derive કરવામાં આવ્યા છે. જો કે, ‘શાં’ હજી પણ એક કોયડો રહે. કેટલાક કોયડા ઐતિહાસિક ભાષાશાસ્ત્રીઓ જ ઉકેલી શકે. કમનસીબે, હું એમાં નિષ્ણાત નથી.

પણ, આ ચર્ચાના આધારે આપણે આટલું તો કહી શકીએ કે નામની જેમ આ સર્વનામોને પણ વિભક્તિના પ્રત્યયો લાગે છે. પણ, એના પર કેટલાંક નિયંત્રણો પણ છે. અભ્યાસીઓએ એ નિયંત્રણોનો અભ્યાસ કરવો જોઈએ.

/કો-/ અને /શ્-/નાં વિવિધ સ્વરૂપો કયા સંદર્ભમાં વપરાય છે એના વિષે પણ આપણા ભાષાશાસ્ત્રીઓએ અને વ્યાકરણશાસ્ત્રીઓએ ચર્ચા કરી છે. પણ, એમાંય એ વિદ્વાનો એકમત નથી.

          કેટલાક વિદ્વાનો એવું કહે છે કે /કો-/ સર્વનામો સચેતન માટે વપરાય છે જ્યારે /શ્-/ સર્વનામો અચેતન માટે વપરાય છે. એ જ રીતે, કેટલાક એવું પણ કહે છે કે /કો-/ માનવ માટે વપરાય છે અને /શ્-/ માનવેતર માટે વપરાય છે. આમાંનું બીજું નિરીક્ષણ સાચું છે. એ પ્રમાણે: /કો-/ સર્વનામો માનવ માટે વપરાય છે જ્યારે /શ્-/ સર્વનામો માનવેતર – જેમાં નિર્જીવ પદાર્થોનો પણ સમાવેશ થઈ જાય – જીવો કે વસ્તુઓ માટે વપરાય છે. જ્યારે હું પૂછું કે ‘પેલા ટેબલ પર શું છે?’ ત્યારે હું મોટે ભાગે તો હું ટેબલ પર પડેલા કોઈક માનવેતર, નિર્જીવ પદાર્થ વિશે પૂછતો હોઉં છું. પણ, જ્યારે હું એમ પૂછું કે ‘પેલા ખૂણામાં શું તરફડે છે?’ ત્યારે હું કોઈક માનવેતર જીવ વિશે પૂછતો હોઉં છું.

          જો કે, એક વાત યાદ રાખવાની કે આ માનવ/માનવેતર ભેદને વાસ્તવિકતાને બદલે આપણે જગતને કઈ રીતે જોઈએ છે એની સાથે સંબંધ છે. જ્યારે હું કોઈને એમ પૂછું કે “પછી તને કોઈ વિચાર આવ્યો?’ ત્યારે હું ‘કોઈ’ ‘વિચાર’ માટે વાપરતો હોઉં છું અને એ વિચાર મારા જગતમાં ‘માનવ’ જેવો હોય છે. પણ જો હું એમ પૂછું કે ‘તેં શું વિચાર કર્યો?’ ત્યારે હું વિચારને માનવેતર વસ્તુ/પદાર્થ તરીકે જોતો હોઉં છું.

          પ્રશ્નાર્થ સર્વનામની જેમ અનિશ્ચિત સર્વનામોને પણ વિભક્તિના પ્રત્યયો લાગે. જો કે, કયા પ્રત્યયો લાગે ને કયા ન લાગે એ એક તપાસનો વિષય છે. એ જ રીતે, હું સમજું છું ત્યાં સુધી આ સર્વનામો બહુવચનમાં વપરાતાં નથી. એનું પણ કારણ છે. જો આપણે એમને બહુવચનમાં વાપરીએ તો એનો અર્થ એ થયો કે આપણે એના અર્થના એક પાસાની બાબતમાં, સંખ્યાની બાબતમાં, નિશ્ચિત છીએ. અને જો આપણે એ અર્થ માટે નિશ્ચિત હોઈએ તો એના માટે આપણે અનિશ્ચિત સર્વનામ વાપરી ન શકીએ.

          જો કે, એનો અર્થ એવો પણ નથી કરવાનો કે અનિશ્ચિત સર્વનામો હંમેશાં અનિશ્ચિતતાનો જ અર્થ પ્રગટ કરે. હું સમજું છું ત્યાં સુધી ગુજરાતી અનિશ્ચિત સર્વનામો બે પ્રકારની અનિશ્ચિતતા વચ્ચે ભેદ પાડે છે. એક તે અનિશ્ચિત અનિશ્ચિતતા અને બીજી નિશ્ચિત અનિશ્ચતતા. આ શબ્દો જરા વિરોધાભાસી છે પણ મેં જાણી જોઈને, વાચકોને જરા provoke કરવા માટે આ શબ્દો વાપર્યા છે. દા.ત. ‘કોઈ’, ‘કંઈ’/‘કાંઈ’ અને ‘કશું’ અનિશ્ચતતા દર્શાવે. આ ઉદાહરણ જુઓ: ‘તમારામાંથી કોઈ એક જણ મારી સાથે આવે.’ એનો અર્થ એ થયો કે સામે મનુષ્યોનો એક set છે અને બોલનાર એ setના કોઈ એક સભ્યને પોતાની સાથે આવવાનું કહે છે. હવે આ ઉદાહરણ જુઓ: ‘તમે ઘેર ન હતા ત્યારે કોઈક આવેલું પણ હું બારણું ખોલું એ પહેલાં એ જતું રહ્યું.’ બોલનારને એટલી ખબર છે કે કોઈક માણસ આવેલો. સ્ત્રી કે પુરુષ એને ખબર નથી. એટલે એ ‘જતું રહ્યું’માં નાન્યતર, એકવચન વાપરે છે. આ નિશ્વિત અર્થ થયો. ગુજરાતીમાં આ પ્રકારનાં નિશ્ચિત અર્થ ધરાવતાં અનિશ્ચિત સર્વનામ બનાવવા માટે આપણે ‘ક’ નિપાત વાપરીએ છીએ. એને કારણે આપણે ‘કોઈક’, ‘કંઈક’/‘કાંઈક’ અને ‘કશુંક’ જેવાં સર્વનામો બનાવી શકીએ છીએ.

          આ ‘ક’ નિપાત સાચે જ ખૂબ ઉપયોગી છે. જો તમારે નક્કી કરવું હોય કે પ્રશ્નાર્થ સર્વનામોમાંનાં ક્યાં સર્વનામો અનિશ્ચિત સર્વનામ તરીકે વાપરી શકાય તો તમારે બીજું કશું જ કરવાનું નથી. પ્રશ્નાર્થ સર્વનામોને ખાલી ‘ક’ લગાડીને વાક્યો બનાવવાનાં છે. દા.ત. ‘કોઈ આવ્યું?’/’કોઈક આવ્યું’. સ્વીકાર્ય. ‘કોણે કહ્યું?’ ‘કોણેક કહ્યું?’ અસ્વીકાર્યં. વગેરે.

પ્રશ્નાર્થ સર્વનામો અને અનિશ્ચિત સર્વનામો વચ્ચે એક બીજો ભેદ પણ છે. પ્રશ્નાર્થ સર્વનામ હંમેશાં પ્રશ્નાર્થ વાક્યમાં જ વપરાય. ‘કોઈ આવ્યું’ અને ‘કોઈ આવ્યું?’માંના પહેલા વાક્યમાંનું ‘કોઈ’ અનિશ્ચિત સર્વનામ છે; જ્યારે બીજા વાક્યમાંનું ‘કોઈ’ પ્રશ્નાર્થ સર્વનામ છે. તમે ‘કોઈક આવ્યું?’ એવું વાક્ય નહીં બનાવી શકો. તમને ‘ક’ નડશે.

હવે પછીના પ્રકરણમાં આવા જ સંકુલ એવા એક બીજા પ્રકારના સર્વનામની, અર્થાત્ સ્વવાચક સર્વનામની, વાત કરીશું.

 

 

 

 

પ્રતિભાવ