ભાષાને શું વળગે ભૂર -૧૪ (બાબુ સુથાર)


ગુજરાતી સર્વનામો: સ્વવાચક અને પરસ્પરવાચક

આ લેખમાં આપણે ગુજરાતી સ્વવાચક અને પરસ્પરવાચી સર્વનામોની વાત કરીએ.

          ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ આ બન્ને પ્રકારનાં સર્વનામોની નોંધ લીધી છે અને એમની વર્ણનાત્મક યાદી પણ આપી છે. પણ એમણે આ સર્વનામો ગુજરાતી ભાષામાં કઈ રીતે કામ કરે છે એના પર ખાસ ધ્યાન આપ્યું નથી. જો કે, મીસ્ત્રીએ એમના Lexical Anaphors and Pronouns in Gujaratiમાં આ વિષય પર થોડી વાત કરી છે ખરી.

સ્વવાચક સર્વનામ: 

          મોટા ભાગના વ્યાકરણશાસ્ત્રીઓ સ્વવાચક સર્વનામમાં ‘પોતે’, ‘મેતે’, ‘મેળે’, ‘જાતે’, ‘પંડે, ‘ખુદ’, ‘સ્વયં’ વગેરેનો સમાવેશ કરે છે. આમાંનાં કેટલાંક પ્રાદેશિક બોલીઓમાં બોલાય છે તો કેટલાંક સામાજિક બોલીઓમાં. જો કે, માન્ય ગુજરાતીમાં ‘પોતે’ સૌથી વધારે વપરાય છે.

          પણ, પ્રશ્ન એ થાય કે ‘પોતે’નું મૂળ સ્વરૂપ શું હશે? ભાયાણી કહે છે કે ‘પોતે’ એક રૂઢ થઈ ગયેલું સ્વરૂપ છે. એમ હોવાથી એને જ citation form ગણવું પડે. જો એમ કરવા જઈએ તો આપણે વિભક્તિના બીજા પ્રત્યયો ‘પોતે’ને લગાડવા પડે. પણ એવું તો નથી લાગતું. ગુજરાતીમાં આપણને ‘પોતે’નાં આટલાં સ્વરૂપો મળી આવે છે:

પોતે

pote

પોતાને

potane

પોતાનું

potanũ

પોતાથી

potathʰi

પોતામાં

potamã

પોતાનામાં

potanamã

પોતાનાથી

potanatʰi

જો આપણે ‘પોતે’ને મૂળ સ્વરૂપ ગણીએ તો આપણે એમ કહેવું પડશે કે ‘પોતાને’, ‘પોતામાં’ જેવાં સ્વરૂપો ‘પોતે’ને વિભક્તિનો પ્રત્યય લગાડીને બનાવવામાં આવ્યાં છે. અને જો આપણે આ દલીલનો પણ સ્વીકાર કરીએ તો આપણે એમ કહેવું પડશે કે ‘પોતે’ને ‘-ને’ લગાડ્યા પછી એના અંત્ય ‘-એ’નો ‘-આ’ થઈ જાય છે. આ દલીલ મને સ્વીકાર્ય લાગતી નથી. કેમ કે વિભક્તના ‘-એ’નો -આ થતો હોય એવાં કોઈ ઉદાહરણ ગુજરાતીમાં મળતાં નથી.

          એમ હોવાથી આપણે એમ કહેવું પડે કે ‘પોતે’નું મૂળ ‘પોત્’ (pot) છે અને આ ‘પોત્’ને વિભક્તિના પ્રત્યયો લાગે છે. એ રીતે જોતાં ઉપર આપેલાં ‘પોતે’નાં સ્વરૂપો આ રીતે થાય:

પોત્.એ

pot.e

પોત્.આ.ને

pot.a.ne

પોત્.આ.નું

pot.a.nũ

પોત્.આ.થી

pot.a.thʰi

પોત્.આ.માં

pot.a.mã

પોત્.આ.નામાં

pot.a.namã

પોત્.આ.નાથી

pot.a.natʰi

          ‘પોતે’ને બદલે મૂળ તરીકે ‘પોત્’ સ્વીકારવું મને વધારે વ્યાજબી લાગે છે. જૂની ગુજરાતીમાં પણ આપણને ‘પોતઈ’ અને ‘પોતિ’ જેવાં સ્વરૂપો મળે છે. જેમ કે, ‘તેહનઉ ચઉથઉ ભાગ પોતઇ રાખઇ’, ‘વસ્ત્ર ભૂષણ પિહિર્યાં પોતિ, ભક્ષ કીધાં પાન.’ (બન્ને ઉદાહરણો ‘જૂની ગુજરાતી ભાષા’ લેખક: ચતુરભાઈ પુરુષોત્તમદાસ પટેલ’માંથી). એમ છતાં હજી આપણને ‘પોત્’નાં આ સ્વરૂપોમાં આવતા ‘-આ’નો ખુલાસો તો મળતો નથી.

          આપણે કદાચ એમ કહેવું પડે કે ગુજરાતીમાં ‘પોત્’ સ્વવાચક સર્વનામ છે અને એને વિભક્તિના પ્રત્યય લાગે છે. જો વિભક્તિનો પ્રત્યય વ્યંજનથી શરૂ થતો હોય તો પહેલાં -આ લાગ્યા પછી એને વિભક્તિના પ્રત્યયો લાગતા હોય છે.

          જો કે, અહીં કોઈ પ્રશ્ન પૂછી શકે કે તો પછી ‘જાતે’નું મૂળ સ્વરૂપ કયું? આપણા વ્યાકરણશાસ્ત્રીઓ ‘જાતે’ને પણ સ્વવાચક સર્વનામ તરીકે સ્વીકારે છે. ‘પોતે’ના આ વિશ્લેષણના આધારે આપણે ‘જાતે’ માટે મૂળ શબ્દ ‘જાત’ સ્વીકારવો પડે. પણ જ્યારે ‘જાત’ને વિભક્તિનો ‘-નું’ જેવો, અર્થાત્ વ્યંજનથી શરૂ થતો પ્રત્યય લગાડીએ તો ‘જાત’નું ‘જાતા’ થતું નથી. આપણે ‘જાતાનું’ કરતા નથી. શું એવું બને ખરું કે ‘પોત્’ને બદલે મૂળ સ્વરૂપ ‘પોતા’ જ હોય? વર્તમાન ગુજરાતીમાં પણ ‘પોતાપણું’ જેવો શબ્દ વપરાય છે. એ જ રીતે ‘પોતાવટ’ શબ્દ પણ અખાએ વાપર્યો છે. આપણે હવે એમ કહેવું કે ઉપર જે નિયમ બનાવ્યો છે એ કેવળ ‘પોત્’ને જ લાગુ પડે કાં તો આપણા ચિત્તમાં ‘પોતા’ શબ્દ પડેલો છે. હું આ બીજી ધારણાની તરફેણ કરું છું. ‘પોતા’ને -ઈ લાગે તો એ ‘પોતે’ થઈ શકે. એમ છતાં એક વાત યાદ રાખવાની કે આ એક ધારણા જ છે. આશા રાખીએ કે કોઈક સંશોધક ભવિષ્યમાં આપણને આ કોયડો ઊકેલી આપશે.

          આ પૂર્વધારણાના બીજા પણ સૂચિતાર્થો છે. દા.ત. જો આપણે ‘પોત્’ને કે ‘પોતા’ને મૂળ તરીકે સ્વીકારીએ તો આપણે જોડણીકોશમાં પણ એ પ્રમાણે સુધારો કરવો પડશે. શબ્દકોશમાં citation forms ને ત્યાં સુધી વિભક્તિના પ્રત્યય સાથે નથી હોતાં.

          આપણે અહીં ગુજરાતીમાં ‘પોત્/પોતા’ કઈ રીતે વપરાય છે અને એના કયા કયા ઉપયોગો છે એની ચર્ચામાં નહીં પડીએ. દેખીતી રીતે જ, આમાંના પહેલા પ્રશ્નને વાક્યતંત્ર સાથે જ્યારે બીજા પ્રશ્નને અર્થવિજ્ઞાન અને pragmatics સાથે સંબંધ છે.

          આ જ રીતે, ‘જાતે’ જેવાં સ્વવાચક સર્વનામોની પણ તપાસ થવી જોઈએ. મારું એવું માનવું છે કે ‘જાતે’નું પણ મૂળ સ્વરૂપ તો ‘જાત્’ જ છે અને ‘પોત્’ના પ્રમાણમાં એનું participation ઠીક ઠીક ઓછું હશે. જેમ કે, આપણે ‘અમે જાતજાતના ઘેર ગયાં’ ન કહી શકીએ.

પરસ્પરવાચી સર્વનામ

          પરસ્પરવાચી સર્વનામોમાં ‘એકબીજું’, ‘પરસ્પર’, ‘અરસપરસ’ તથા ‘અન્યોન્ય’ જેવાં સર્વનામોનો સમાવેશ થાય છે. પણ આમાંનું કદાચ ‘એકબીજું’ વધારે વપરાશમાં હશે. સ્વવાચક અને પરસ્પરવાચક સર્વનામની વચ્ચે એક મહત્ત્વનો ભેદ છે: આ સર્વનામ હંમેશાં બહુવચન નામપદ સાથે જ વપરાય. જેમ કે, ‘ગીતાએ અને સીતાએ એકબીજાને પુસ્તક આપ્યું’ અથવા, ‘અમે એકબીજાને પુસ્તક આપ્યું.’ આ ઉપરાંત પણ બીજી ઘણી શરતો છે પણ એ વિશે ક્યારેક. અત્યારે તો આપણે એ જોવા માગીએ છીએ કે ગુજરાતીમાં ‘એકબીજું’ પરસ્પરવાચી સર્વનામ તરીકે કઈ રીતે કામ કરે છે.

          આ સર્વનામ પણ નામની જેમ વિભક્તિના પ્રત્યયો લે. પણ અમુક જ. જેમ કે, આપણે ‘અમે એકબીજાએ કેરી કાપી’ ન કહી શકીએ. પણ, ‘અમે એકબીજાની કેરી કાપી’ કહી શકીએ. એનો અર્થ એ થયો કે ‘એકબીજું’ને -એ પ્રત્યય ન લગાડી શકાય પણ -નું લગાડી શકાય. એ જ રીતે, ‘અમે એકબીજાથી ઘેર આવ્યા’ પણ ન કહી શકાય. ‘એકબીજું’ને વિભક્તિના કયા પ્રત્યયો લગાડી શકાય અને કયા ન લગાડી શકાય એ પણ એક તપાસનો વિષય છે. કેટલાંક સર્વનામો મર્યાદિત પ્રમાણમાં ભાષામાં ભાગ લેતાં હોય છે. ‘એકબીજું’ પણ એમાંનું એક સર્વનામ છે.

2 thoughts on “ભાષાને શું વળગે ભૂર -૧૪ (બાબુ સુથાર)

  1. બની શકે તો ગુજરાતી ભાષાના જોડણી દોષ અને સાચી જોડણીઓ વિષે એક લેખ લખશો ; ક્યારે દીર્ઘ ઈ આવે અને ક્યારે ક્યાં સંજોગોમાં હ્ર્સ્વ ઈ લખાય વગેરે ; અને ક્યારે અનુસ્વાર બહુવચન માટે વપરાય વગેરે વિષે બની શકે તો લખવા વિનંતી! Thanks.

    Like

  2. ‘પોતે’નું મૂળ સ્વરૂપ અંગે વિચાર આવે…આત્મન્ પરથી ઉદ્દભવેલો શબ્દ જેનો અર્થ પોતે એવો થાય છે. ભારતીય દર્શનશાસ્ત્રોમાં આત્મા વિશે ઘણું વર્ણન કરવામાં આવ્યું છે તે મુજબ કોઇ પણ જીવાત્માનું સાચું સ્વરુપ તે શરીર નહિં પણ અંદર રહેલો આત્મા છે. આત્માને અનુભવગમ્ય કહ્યો છે અને તેનો પૂર્ણ રીતે અનુભવ કરી શકાય છે જેને આત્મસાક્ષાત્કાર કહેવામાં આવે છે

    Like

પ્રતિભાવ