ભાષાને શું વળગે ભૂર -૧૬ (બાબુ સુથાર)


સાપેક્ષ સર્વનામો

સાપેક્ષ સર્વનામો બે વાક્યોને જોડવાનું કામ કરતાં હોય છે. જેમ કે: “જે કામ કરશે એ કમાશે.” અહીં ‘કામ કરશે’ એક વાક્ય છે અને ‘કમાશે’ એ બીજું વાક્ય છે. અને એ બન્ને વાક્યો ‘જે’ અને ‘એ’ વડે જોડાયેલાં છે. આ પ્રકારનાં વાક્યોમાં પહેલા ક્રમે આવતું સર્વનામ આપણે ન વાપરીએ તો ચાલે. એથી જ તો ‘કામ કરશે એ કમાશે’ જેવાં વાક્યો ગુજરાતી ભાષામાં સ્વીકાર્ય છે.

ગુજરાતીમાં ત્રણ પ્રકારનાં સાપેક્ષ સર્વનામ છે: (૧) પુરુષવાચક સાપેક્ષ સર્વનામ, (૨) સ્થળવાચક સાપેક્ષ સર્વનામ, અને (૩) સમયવાચક સાપેક્ષ સર્વનામ. ‘જે…..એ/તે..’ પુરુષવાચક સાપેક્ષ સર્વનામ છે; ‘જ્યાં…ત્યાં..’ સ્થળવાચક સાપેક્ષ સર્વનામ છે અને ‘જ્યારે…ત્યારે…’ સમયવાચક સાપેક્ષ સર્વનામ છે.

આ બધાનાં underlying forms શું છે એ એક તપાસનો વિષય છે. એટલુંજ નહીં, આ બધાં સર્વનામ વાક્યમાં કઈ કઈ જગ્યાએ આવી શકે એ પણ એક તપાસનો વિષય છે. જેમ કે, “જે બાળક આવશે એને રમકડું મળશે”માં ‘જે’ ‘નામ’ પહેલાં આવે છે. આપણે “બાળક જે આવશે એને રમકડું મળશે’ એમ ન કહી શકીએ. પણ “જ્યાંથી તમે આવો છો ત્યાં હું પણ હતો” વાક્યમાંના ‘જ્યાંથી’નું સ્થાન બદલી શકાય અને કહી શકાય કે “તમે જ્યાંથી આવો છો ત્યાં હું પણ હતો.” એ જ રીતે, “જ્યારથી તમે ગામમાં આવ્યા છો ત્યારથી અહીં ઝગડા શરૂ થઈ ગયા છે” વાક્યમાં પણ ‘જ્યારથી’નું સ્થાન બદલી શકાય અને કહી શકાય કે “તમે જ્યારથી આવ્યા છો ત્યાંરથી ગામમાં ઝગડા શરૂ થઈ ગયા છે.” એ જ રીતે, આપણે ‘જે બાળક આવશે એને રમકડું મળશે’માંના પહેલા વાક્યમાંથી ‘બાળક’ શબ્દ પડતો મૂકી શકીએ અને “જે આવશે એ બાળકને રમકડું મળશે” જેવું વાક્ય બનાવી શકીએ. ભાષાશાસ્ત્રમાં સાપેક્ષ સર્વનામો પર અઢળક સંશોધનો થયાં છે. કેટલાંક તો એટલાં બધાં ટેકનીકલ છે કે નિષ્ણાતોએ પણ એમને સમજવા માટે કવાયત કરવી પડે. દેખીતી રીતે જ, આપણે અત્યારે એમાં નહીં પડીએ.

ગુજરાતીમાં, આપણે ઉપર નોંધ્યું છે એમ ‘જે…એ/તે..’ પુરુષવાચક સર્વનામો છે. આમાંનાં ‘એ/તે’ સાચેસાચ એકબીજાના વિકલ્પે વાપરી શકાય કે નહીં એ એક તપાસનો વિષય છે. આ સર્વનામો ક્યારેક એકલાં તો ક્યારેક નામની સાથે પણ વાપરી શકાતાં હોય છે. દા.ત. નીચેનાં વાક્યો જુઓ:

(૧) જે આવશે એ ખાશે.

(૨) જે છોકરો વહેલો નિશાળે ગયો એ વહેલો ઘેર આવ્યો.

(૩) જેને આવવું હશે એ આવશે.

(૪) જે છોકરાને આવવું હશે એ આવશે.

(૫) જે આવ્યું એ ગયું.

અહીં (૧), (૩) અને (૫)માં આ સર્વનામો એકલાં વપરાયાં છે તો (૨) અને (૪)માં એ નામ સાથે વપરાયાં છે.

બીજું, જ્યારે આ સર્વનામો એકલાં હોય અને ભૂતકાળમાં વપરાય ત્યારે એ નાન્યતર લિંગ વ્યક્ત કરતાં હોય છે. જેમ કે, વાક્ય (૫). ભાષાશાસ્ત્રીઓ એને default gender તરીકે ઓળખે છે. જો કે, જ્યારે આ સર્વનામો નામ સાથે વપરાય ત્યારે જુદાજ પ્રકારની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. ત્યારે જે તે નામની લિંગવ્યવસ્થા agreement controllerનું કામ કરતી હોય છે. આ મુદ્દો, પણ ઘણો સંકુલ છે. આપણે અત્યારે એની ચર્ચા નહીં કરીએ.

          આ સર્વનામો અને વચન વચ્ચેનો સંબંધ પણ ઊંડી તપાસ માગી લે એવો છે. જેમ કે, “જેઓ આવશે એઓ ખાશે” એવાં વાક્યો કદાચ કોઈકને કઠે પણ એવાં વાક્યો મને તો તદ્દન અસ્વીકાર્ય લાગતાં નથી. એની સામે છેડે, “જે લોકો આવશે એ લોકો ખાશે” જેવાં વાક્યો તદ્દન સ્વીકાર્ય લાગે છે. એ જ રીતે, “જેમનાં નામ ન હોય એ બધા આ બાજુ બેસો” તથા “જે લોકોનાં નામ ન હોય એ બધા આ બાજુ બેસો” જેવાં વાક્યો વિશે પણ વિચારી શકાય. આપ઼ણે એમ કહી શકીએ કે જેમ નામ બહુવચન વ્યક્ત કરવા માટે -ઓ પ્રત્યય લે છે એમ ‘જે…એ/તે’ કર્તા પદે વપરાય ત્યારે બહુવચનનો -ઓ પ્રત્યય લઈ શકે. જોકે, બીજી પરિસ્થિતિઓમાં ‘જે…એ/તે’ જુદી રીતે બહુવચનનો અર્થ પ્રગટ કરતાં હોય છે. એ પરિસ્થિતિઓ સાપેક્ષ સર્વનામ અને વિભક્તિ પરની ચર્ચામાં વધારે સ્પષ્ટ થશે.

          નામ અને બીજાં ઘણાં બધાં સર્વનામોની જેમ સાપેક્ષ સર્વનામોને પણ, નીચેનો કોઠો બતાવે છે એમ, વિભક્તિના પ્રત્યય લાગતા હોય છે.

એકવચન

બહુવચન

કર્તા

જે…એ/તે…

જે… એ/તે…

Ergative

જેણે…એણે/તેણે…

જેમણે…એમણે/તેમણે…

કર્મ

જેને…એને/તેને…

જેમને..એમને/તેમને…

અધિકરણ

જેમાં…એમાં/તેમાં…

જેમનામાં…એમનામાં/તેમનામાં…

સંબંધ

જેનું…એનું/તેનું…

જેમનું..એમનું/તેમનું…

કરણ

જેનાથી..એનાથી/તેનાથી…

જેમનાથી..એમનાથી/તેમનાથી…

 

એ જ રીતે, ગુજરાતીમાં જ્યાં…ત્યાં’ સ્થળવાચક સર્વનામો છે. આ સર્વનામો લિંગ અને વચનનો ભેદ વ્યક્ત કરતાં નથી. પણ એમને વિભક્તિનો -થી (અપાદાન) પ્રત્યય લાગતો હોય છે. એથી જ આપણ઼ને ‘જ્યાંથી…ત્યાંથી’ જેવાં સ્થળવાચક સર્વનામો મળતાં હોય છે. ઉદાહરણ તરીકે આ વાક્ય જુઓ: “જ્યાંથી રમેશ આવ્યો ત્યાંથી મહેશ પણ આવ્યો.”

‘જ્યારે…ત્યારે..’ સમયવાચક સાપેક્ષ સર્વનામો પણ સ્થળવાચક સાપેક્ષ સર્વનામની જેમ કામ કરતાં હોય છે. એ પણ લિંગ અને વચનનો ભેદ વ્યક્ત કરતાં નથી અને એમને પણ વિભક્તિનો -થી (અપાદાન) પ્રત્યય લાગતો હોય છે. એને કારણે આપણને ‘જ્યારથી… ત્યારથી’ જેવાં રૂપો મળે છે. દાખલા તરીકે “તું જ્યારથી આવ્યો ત્યારથી હું આ કામ કરી રહ્યો છું” વાક્ય જુઓ.

આ ઉપરાંત, ગુજરાતીમાં કદવાચક ‘જેવડું…એવડું/તેવડું…’ અને દળ/સંખ્યાવાચક ‘જેટલું…એટલું/તેટલું…’ તથા રીતિવાચક ‘જેમ…એમ/તેમ’ જેવાં સાપેક્ષ સર્વનામો પણ છે. આમાંનાં કદવાચક તથા દળ/સંખ્યાવાચક સાપેક્ષ સર્વનામો લિંગ અને વચન પ્રમાણે બદલાતાં હોય છે. એટલું જ નહીં, આ બન્ને પ્રકારનાં સાપેક્ષ સર્વનામો મર્યાદિત વિભક્તિના પ્રત્યયો લેતાં હોય છે. એ પ્રત્યયોમાં અધિકરણ (‘જેવડામાં…એવડામાં/તેવડામાં..’ તથા ‘જેટલામાં…એટલામાં/તેટલામાં’) તથા કરણ (‘જેવડાથી…એવડાથી’ તથા ‘જેટલાથી..એટલાથી/તેટલાથી’) વિભક્તિના પ્રત્યયોનો સમાવેશ થાય છે. ‘જેમ…એમ/તેમ’ પણ સંબંધ વિભક્તિનો પ્રત્યય લેતાં હોય છે. જેમ કે, ‘જેમનું…એમનું/તેમનું’ (ઉદા. જેમનું કરવું હોય એમનું કર).

2 thoughts on “ભાષાને શું વળગે ભૂર -૧૬ (બાબુ સુથાર)

  1. પુરુષવાચક સર્વનામ, દર્શક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, અનિશ્ચિત સર્વનામ, સ્વવાચક સર્વનામ વચ્ચે શું ભેદ છે ? વાસ્તવિક રીતે ભણતા હતા ત્યારેય આ પલ્લે નહોતું પડતું અને અત્યારે પણ આ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. હા, પણ સંવેદનાનું વ્યાકરણ તો દરેક જીવે શીખવું જ પડે. વહાલ અને વાત્સલ્યનું વ્યાકરણ જેમને આવડે તેમના માટે ભાષાનું વ્યાકરણ મહત્વનું નથી રહેતું. કેટલીક સંવેદનાઓ પણ અછતી જ રહી જતી હોય છે.
    પીંજરનું પંખી ચાંચ ઝબોળી શક્યું નહીં
    જન્માંતરોથી સ્વપ્ન – સરોવર અબોટ છે
    તમારી આંખ સપનાના ઝરણને ઝૂરતી રહેશે
    તમારે એક ટીપું ઊંઘ માટે જાગવું પડશે…પીંજરનું પંખી, કૂવામાંનો દેડકો અને ચાર દીવાલોમાં બંધાઈ ગયેલી સ્ત્રી પોતપોતાનો ઝુરાપો ભોગવે છે. તેઓ સતત એક તકની રાહ જોતાં હોય છે કે ક્યારે બંધનમાંથી મુક્તિ મળે. કેટલીક વાર જિંદગી એવા વળાંકો લે કે આંખમાં મેશને બદલે લાલાશ જ ઘર કરી બેસે.મોટા ભાગે એવું થાય કે સ્વજન પાસેથી જ દુ:ખનો એટલો દલ્લો મળે કે એની નીચે ઇચ્છાઓ દબાઈને અધમૂઈ થઈ જાય. અધૂરાં સપનાંઓનું વજન પૂર્ણ થયેલા કાર્ય કરતાં અનેકગણું વધારે હોય છે.

    Liked by 1 person

પ્રતિભાવ