ભાષાને શું વળગે ભૂર – ૧૭ (બાબુ સુથાર)


ગુજરાતીમાં વિશેષણો: છૂટક નોંધો

ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષાનાં વિશેષણોની ઠીક ઠીક ચર્ચા કરી છે. જો કે, એ ચર્ચા મુખ્યત્વે બે પ્રવાહોમાં વહેંચાય જાય છે. એક તે સૂચનાત્મક/આદેશાત્મક (prescriptive) અને બીજી તે વર્ણનાત્મક (descriptive). મારો અભિગમ, મેં આ શ્રેણીના આરંભમાં નોંધ્યું છે એમ typological છે. હું વિશેષણોની typologyમાં ગુજરાતી વિશેષણો કઈ રીતે બંધ બેસે છે એના પર વધારે ધ્યાન આપવા માગું છું.

બધાજ ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ ગુજરાતી વિશેષણો સાથે સંકળાયેલી બે હકીકતો સાથે સંમત થાય છે: (૧) ગુજરાતી વિશેષણો કાં તો અસાધિત હોય, કાં તો સાધિત હોય; અને (૨) ગુજરાતી વિશેષણો કાં તો અવિકારી હોય, કાં તો વિકારી હોય. આપણા વ્યાકરણશાસ્ત્રીઓ ‘અસાધિત’ માટે ઘણી વાર ‘મૂળ’ અથવા તો ‘સાદું’ જેવી સંજ્ઞાઓ પણ વાપરતા હોય છે.

મૂળ વિશેષણ અને સાધિત વિશેષણ:

ગુજરાતીમાં વિવિધ પ્રત્યયોના ઉપયોગ વડે આપણે નામ, સર્વનામ, ક્રિયાપદ અને ક્રિયાવિશેષણોમાંથી વિશેષણો બનાવી શકીએ છીએ. જો કે, એમ કરતી વખતે આપણે જે તે નામ/સર્વનામ/ક્રિયાપદ અને ક્રિયાવિશેષણના અંગને પ્રત્યય લગાડતા હોઈએ છીએ. નહીં કે શબ્દને. જેમ કે, જ્યારે આપણે -નાર પ્રત્યય વાપરીને ‘હસવું’ ક્રિયાપદમાંથી વિશેષણ બનાવીએ ત્યારે આપણે ‘હસવું’ને નહીં, પણ ‘હસ્-‘ને ‘-નાર’ પ્રત્યય લગાડતા હોઈએ છીએ અને એ રીતે ‘હસનાર’ વિશેષણ બનાવતા હોઈએ છીએ. જો કે, કેટલાક શબ્દોમાં મૂળ અને શબ્દ બન્ને એક જ હોય છે. જેમ કે, ‘ઉતાવળ’ શબ્દ લો. ‘ઉતાવળ’ અંગ પણ છે ને શબ્દ પણ. એને -ઈયું પ્રત્યય લગાડીને આપણે ‘ઉતાવળિયું’ વિશેષણ બનાવી શકીએ.

  એટલું જ નહીં, ઘણી વાર આપણે વિશેષણમાંથી પણ બીજાં વિશેષણો બનાવતા હોઈએ છીએ. ત્યારે પણ આપણે વિશેષણ બનાવતો પ્રત્યય મૂળ વિશેષણના અંગને જ લગાડતા હોઈએ છીએ. જેમ કે, ‘આઘું’ વિશેષણ લો. એમાંથી ‘આઘેરું’ બનાવવા માટે આપણે ‘આઘું’ને નહીં પણ ‘આઘ્-‘ને -એરું પ્રત્યય લગાડતા હોઈએ છીએ.

સાધિત વિશેષણો માટે આપણે કયા પ્રત્યયો વાપરીએ છીએ અને એ પ્રત્યયો વપરાય ત્યારે મૂળ શબ્દમાં (કે પ્રત્યયમાં પણ) કોઈ ફેરફાર થાય છે કે નહીં એ એક તપાસનો વિષય છે. એ વિશે વધુ માહિતી મેળવવા માટે ઊર્મિ દેસાઈનાં ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તક જોવા જેવું છે. એમાં એમણે આવા પ્રત્યયોની લાંબી યાદી, અલબત્ત ઉદાહરણો સહિત, આપી છે.

અવિકારી અને વિકારી વિશેષણો:

ગુજરાતી વિશેષણો અવિકારી અને વિકારી એમ બે વર્ગમાં પણ વહેંચાઈ જાય છે. આમાંનાં વિકારી વિશેષણો જે તે નામનાં લિંગ અને વચન પ્રમાણે લિંગવચન લેતાં હોય છે. જો કે, આ વિશેષણો સ્ત્રીલિંગ બહુવચન નામો માટે વપરાય ત્યારે વચનનો પ્રત્યય લેતાં નથી.  જેમ કે:

એકવચન

બહુવચન

પુલ્લિંગ

ઊંચો છોકરો

ઊંચા છોકરા/ઓ

સ્ત્રીલિંગ

ઊંચી છોકરી

ઊંચી છોકરીઓ

નપુસંકલિંગ

ઊંચું છોકરું

ઊંચાં છોકરાં/ઓ

અવિકારી વિશેષણોનું સ્વરૂપ. નીચે આપેલા કોઠામાં બતાવ્યું છે એમ, આ રીતે બદલાતું નથી.

એકવચન

બહુવચન

પુલ્લિંગ

હોંશિયાર છોકરો

હોંશિયાર છોકરા/ઓ

સ્ત્રીલિંગ

હોંશિયાર છોકરી

હોંશિયાર છોકરીઓ

નપુસંકલિંગ

હોંશિયાર છોકરું

હોંશિયાર છોકરાં/ઓ

ગુજરાતીમાં વિશેષણોના વ્યાકરણ/વાક્યતંત્ર વિશે ઝાઝી વાત થઈ નથી અને જે કંઈ થઈ છે એમાંની મોટા ભાગની પ્રાથમિક સ્તરની તથા છૂટીછવાઈ છે. મને લાગે છે કે કોઈએ ગુજરાતીમાં વિશેષણો કઈ રીતે કામ કરે છે અથવા તો ગુજરાતી વ્યાકરણમાં એ કઈ રીતે ભાગ લે છે એના પર સંશોધન કરવું જોઈએ. જો એમ થશે તો આપણને ઘણું બધું નવું જાણવા મળશે. એમ છતાં અહીં આપણે, ટેકનીકલ પરિભાષામાં જવાનું જોખમ લીધા વિના એકબે મુદ્દાઓની ચર્ચા કરીશું.

સૌ પહેલાં તો વિશેષણના સ્થાનનો મુદ્દો.

ગુજરાતીમાં વિશેષણ કાં તો predicative (વિધેયાત્મક) હોય કાં તો attributive હોય. અર્થાત્, કાં તો વિધેયમાં આવે કાં તો નામપદમાં આવે. નીચેનાં ઉદાહરણો જુઓ:

૧. આ કાર સફેદ છે.

૨. લીલા સુંદર છે.

૩. આ પુસ્તક સારું છે.

૪. આ મકાન ઊંચું છે.

ઉપરનાં વાક્યોમાં ‘આ કાર’, ‘લીલા’, ‘આ પુસ્તક’, અને ‘આ મકાન’ કર્તા છે અને ‘સફેદ છે’, ‘સુંદર છે’, ‘સારું છે’ અને ‘ઊંચું છે’ વિધેય છે. આ બધાં જ વાક્યોમાં આવતાં ‘સફેદ’, ‘સુંદર’, ‘સારું’ અને ‘ઊચું’ વિશેષણો વિધેયમાં વપરાયાં છે.

          નામપદમાં આવતાં વિશેષણો માટે ઉપર વિકારી અને અવિકારી વિશેષણો સમજાવવા માટે આપેલાં ઉદાહરણોમાંનાં કેટલાંક મેં અહીં ફરીથી આપ્યાં છે:

૫. ઊંચો છોકરો

૬. ઊંચી છોકરી

૭. ઊંચું છોકરું

૮. હોંશિયાર છોકરા/ઓ

૯. હોંશિયાર છોકરીઓ

૧૦. હોંશિયાર છોકરાં/ઓ

ગુજરાતીમાં નામપદની સંરચના શી છે એ વિષય પર હજી જોઈએ એટલું કામ થયું નથી. એટલે અત્યારે તો આપણે વર્ણનાત્મક ભાષાશાસ્ત્રની મર્યાદામાં રહીને આ સંજ્ઞા સમજવાની છે.

          જો કે, આ બન્ને સ્થાન પર આવતાં વિશેષણોનું વ્યાકરણમૂલક વર્તન એકસમાન છે. આ વિશેષણો પણ જો વિકારી હોય તો જે તે નામનાં લિંગ અને વચન લેતાં હોય છે.

          ઘણા ભાષાશાસ્ત્રીઓ એવી દલીલ કરતા હોય છે કે જે ભાષાઓમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ (Subject, Object, Verb ટૂંકામાં, SOV) શબ્દક્રમ હોય એ ભાષાઓમાં વિશેષણો મોટે ભાગે નામ પછી આવતાં હોય છે, પહેલાં નહીં. જેમ કે સ્પેનિશ ભાષાનાં નીચે આપેલાં ઉદાહરણો જુઓ.

૧૧.    la actriz inglesa

          the English acresss

૧૨.    el cine japones

          the Japanese cinema

પણ, ગુજરાતી વિશેષણો આ નિયમને અનુસરતાં નથી. એમ હોવાથી પ્રશ્ન એ થાય કે તો પછી ગુજરાતી ભાષાનાં વિશેષણોને આપણે typologyના આ નિયમ સાથે કઈ રીતે જોડીશું?

          એ જ રીતે, એક બીજો પ્રશ્ન પણ થાય: ગુજરાતી વિશેષણો વિભક્તિનો પ્રત્યય લે છે ખરાં? દા.ત. આ વાક્ય જુઓ: “મોહનભાઈને બે દીકરા. એક મોટો એક નાનો. નાનાએ લગ્ન કરી નાખ્યાં. મોટો હજી કુંવારો છે.” અહીં ‘નાનાએ’માં વિભક્તિનો -એ પ્રત્યય વિશેષણને લાગ્યો છે. જો કે, આવી પરિસ્થિતિ આપણને કેવળ discourseના સ્તર પર જ જોવા મળે છે.

ભાષાશાસ્ત્રીઓ પાસે આ પ્રકારની પરિસ્થિતિનું સમાધાન છે પણ આ હકીકત પણ સમજવા જેવી છે. અહીં આપણે નામને પડતું મૂક્યું છે પણ નામનું પ્રતિનિધિત્વ કરતો વિભક્તિનો પ્રત્યય હાજર છે. એટલું જ નહીં, વિશેષણ અને વિભક્તિના પ્રત્યયના કારણે એ એના પૂર્વના વાક્યમાં આવેલા નામનો પણ ઉલ્લેખ કરે છે. સવાલ એ છે કે આ સંરચના કયા પ્રકારની છે અને કઈ રીતે કામ કરે છે. આપણે કહી શકીએ કે ગુજરાતીમાં discourseના સ્તરે વિશેષણો અમુક ચોક્કસ પરિસ્થિતિમાં વિભક્તનો પ્રત્યય લેતાં હોય છે. પણ સપાટી પર જ. એમાં જે તે નામ implied હોય છે.

વિશેષણો અને અર્થ

કેટલાક ભાષાશાસ્ત્રીઓ વિશેષણોનું અર્થમૂલક (semantic) વર્ગીકરણ કરતી વખતે એમને (૧) મુખ્ય (core) અને (૨) ગૌણ (peripheral) એમ બે વર્ગમાં વહેંચી નાખે છે. જુઓ Dixon અને Aikhenvaldનું Adjective Classes: A Cross-linguistic Typology પુસ્તક.

આ ભાષાશાસ્ત્રીઓ મુખ્ય વિશેષણોમાં કદવાચક (‘મોટું’, ‘નાનું’, ‘જાડું’, ‘પાતળું’, ‘ઊંચું’, ‘નીચું’, ‘ટૂંકું’…), આયુષ્યવાચક (‘નવું’, ‘જૂનું’, ‘યુવાન’, ‘ઘરડું’…), મૂલ્યવાચક (‘સારું’, ‘ખરાબ’, ‘સુંદર’, ‘દેખાવડું’, ‘સંપૂર્ણ’, ‘અઘુરું’…) અને રંગવાચક (‘કાળું’, ‘ધોળું’, ‘રાતું’, ‘લીલું’, ‘પીળું’..) વિશેષણોનો સમાવેશ કરે છે.

જ્યારે ગૌણ વિશેષણોમાં ભૌતિકલક્ષણો દર્શાવતાં વિશેષણો (‘સખત’, ‘પોચું’, ‘ભારે’, ‘હળવું’…), સ્વભાવવાચક વિશેષણો (‘સુખી’, ‘દુ:ખી’, ‘હોંશિયાર’, ‘ઉદાર’, ‘ક્રુર’…) અને ગતિવાચક (‘ધીમું’, ‘ઝડપી’, ‘ઉતાવળું’…) વિશેષણોનો સમાવેશ કરે છે.

ગુજરાતીમાં ક્યાં વિશેષણો મુખ્ય ગણવાં જોઈએ અને કયાં ગૌણ એ એક સંશોધનનો વિષય છે. આશા રાખીએ કે કોઈક આ વિષય પર કામ કરીને આ વિષય પર પ્રકાશ પાડે.

કેટલાક ભાષાશાસ્ત્રીઓ આ ઉપરાંત પણ વિશેષણોના બીજા કેટલાક પ્રકારનોની વાત કરતા હોય છે. જેમ કે, પ્રતિકૂળતાવાચક વિશેષણો (‘અઘરું’, ‘સહેલું’, ‘સરળ’, ‘મુશ્કેલ’…), સાદૃશ્યવાચક વિશેષણો (‘સરખું’, ‘આવું’, ‘એવું’, ‘જેવું’, ‘જુદું’…), ગુણવાચક વિશેષણો (‘સાચું’, ‘શક્ય’, ‘અશક્ય’…), પ્રમાણવાચક વિશેષણો (‘આખું’, ‘અરધું’, ‘કેટલુંક’, ‘બધું’…), સ્થાનવાચક વિશેષણો (‘ઊંચું’, ‘નીચું’, ‘ડાબું’, ‘જમણું’…) અને સંખ્યાવાચક વિશેષણો (‘એક’, ‘બે’, ‘ત્રણ’, ‘પોણું’, ‘પહેલું’, ‘બીજું’…).

ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ વિશેષણોના વિવિધ પ્રકારો પાડ્યા છે. કોઈકે એમનો અભ્યાસ કરીને એ વર્ગીકરણોનું મૂલ્યાંકન કરવું જોઈએ. આ સંદર્ભમાં પણ ઊર્મિ દેસાઈનું ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તક જોવા જેવું છે.

1 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૧૭ (બાબુ સુથાર)

  1. ‘ગુજરાતીમાં વિશેષણો: છૂટક નોંધો’મઝાનો લેખ માણતા ‘ગુજરાતીમાં વિશેષણો કઈ રીતે કામ કરે છે અથવા તો ગુજરાતી વ્યાકરણમાં એ કઈ રીતે ભાગ લે છે એના પર સંશોધન કરવું જોઈએ’ વાતે-“બુર્ઝવા” વિશેષણ યાદે
    .
    સુરેશ જોષી કહે છે કે ‘બુર્ઝવા અને જડભરત લોકો પોતાના કાવ્યથી દૂર રહે માટે જાણી કરીને એ દુર્બોધતાનો આશ્રય લે છે. આવા લોકો તરફથી મળેલી માન્યતાને એ અપમાન લેખે છે.’ ‘(શૃણ્વન્તુ’)
    .
    રા.પા.
    ‘દયા બયા છે સહુ દંભ ; મિથ્યા
    આચાર બુર્ઝવા જન માત્ર કલ્પિત.
    .’
    બુર્ઝવા (Bourgeois)વર્ગ પાસે સત્તા અને પૈસા છે, આ વર્ગ સામાજિક અને સંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પ્રભાવશાળી છે.સાર્ત્રની દલીલ છે કે ફ્રેંચ રીવોલ્યુસન (French Revolution) પછી બુર્ઝવા વર્ગ માટે લખવા લાગ્યો છે.
    .
    કાર્લ માર્કસે તેમને પેટી-બુર્ઝવા કહ્યા છે. પેરીટ એટલે ફ્રેંચ ભાષામાં નાનું અથવા કોઈ ચીજવસ્તુનો ઉપવિભાગ.
    .
    બુર્ઝવા – મધ્યવર્ગીય સ્થિતિમાં જન્મ્યાનું એ પરિણામ .સામ્યવાદીઓ માટે “બુર્ઝવા” શબ્દ એક એવું વિશેષણ છે જે વિશેષણનો તેઓ, જેઓ પ્રતિકાર કરે તેમને માટે કરે છે. ખાસ કરીને સામ્યવાદીઓ “પોતે માની લીધેલા સ્વસ્થ સમાજ”ની સ્થાપના માટે જે કામ કરી રહ્યા છે

    Like

પ્રતિભાવ