ભાષાને શું વળગે ભૂર – ૧૮


ગુજરાતી ક્રિયાપદો:૧

ગુજરાતી ક્રિયાપદની સંરચના આ રીતે છે: આખ્યાતિક મૂળ + infinitive. ઉદાહરણ:

(૧) ખાવું

kʰa.v.ũ

(૨) રમવું

rəm.v.ũ

(૩) પીવું

pi.v.ũ

(૪) હસવું

həs.v.ũ

(૫) લખવું

lakʰ.v.ũ

(૧)થી (૫)માં અનુક્રમે ‘ખા-’, ‘રમ્-’, ‘પી-’, ‘હસ્-’ અને ‘લખ્-’ આખ્યાતિક મૂળ છે અને ‘-વું’ infinitive છે. આ infitive હકીકતમાં તો બે ઘટકોનાં બનેલાં હોય છે. એક તે -વ્- અને બીજું -ઉં. આમાંનું –વ- infitive marker છે જ્યારે ‘-ઉં’ નપુસંકલિંગ એકવચનનો પ્રત્યય છે જે પરિસ્થિતિ પ્રમાણે બદલાતો હોય છે. આ વિશે આપણે આગળ ચર્ચા કરીશું.

          આ ક્રિયાપદોને આપણે copular ક્રિયાપદોથી જુદાં પાડવાં પડે. ‘હું શિક્ષક છું’, ‘એ માણસ ભલો છે’, ‘લીલા શિક્ષિકા હતી’, ‘હું શિક્ષક હોઈશ’ જેવાં વાક્યોમાં આવતાં ‘છું’, ‘છે’, ‘હતી’ અને ‘હોઈશ’ copular ક્રિયાપદો છે. ગુજરાતીમાં આ ક્રિયાપદો કઈ રીતે કામ કરે છે એ વિશે આપણે આગળ જોઈશું. કમનસીબે, મોટા ભાગનાં ગુજરાતી વ્યાકરણો આવાં ક્રિયાપદોને સહાયકારી ક્રિયાપદ તરીકે ઓળખાવે છે. એ વાત સાચી છે કે આ જ ક્રિયાપદો સહાયકારક ક્રિયાપાદો તરીકે પણ વપરાય છે પણ અહીં એમનું વ્યાકરણમૂલક વર્તન સહાયકારક ક્રિયાપદો કરતાં જુદું છે.

ધ્વનિશાસ્ત્રની રીતે જોતાં આખ્યાતિક મૂળ કાં તો વ્યંજનાન્ત હોઈ શકે, કાં તો સ્વરાંત. દા.ત.

વ્યંજનાન્ત:

(૬) કર.વું

kər.vũ

(૭) કાપ.વું

kap.vũ

(૮) પાક.વું

pak.vũ

(૯) આપ.વું

ap.vũ

સ્વરાંત:

(૧૦) ખાવું

kʰa.vũ

-આ

(૧૧) બીવું

bi.vũ

-ઈ

(૧૨) સૂવું

su.vũ

-ઉ

(૧૩) કહેવું

kəhe.vũ

-એ

(૧૪) ખોવું

kʰo.vũ

-ઓ

આ વર્ગીકરણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કેમ કે કાળવ્યવસ્થામાં એ મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે.

આખ્યાતિક મૂળ કાં તો અકર્મક હોઈ શકે કાં તો સકર્મક. અકર્મક એટલે એવાં ક્રિયાપદો જે કર્મ વગર સંપૂર્ણ/આદર્શ વાક્ય બનાવી શકે. દા.ત. ‘હું હસવાનું હસું છું’ કે ‘હું પુસ્તક હસું છું’ એમ આપણે નહીં કહીએ કેમ કે ‘હસવું’ અકર્મક ક્રિયાપદ છે એથી એને ‘હસવાનું’ કે ‘પુસ્તક’ જેવાં કર્મની જરૂર નથી. એને બદલે આપણે એમ કહીશું કે ‘હું હસું છું’.

 સકર્મક ક્રિયાપદો એટલે એવાં વાક્યો જે કર્મ વગર સંપૂર્ણ/આદર્શ વાક્ય ન બનાવી શકે. જેમ કે, ‘હું કાપું છું’ વાક્ય અપૂર્ણ છે. કેમ કે એમાં કાપનાર શું કાપે છે એ માહિતી આપવામાં આવી નથી. એ વાક્ય પૂરું અથવા તો આદર્શ બનાવવા માટે આપણે અહીં કર્તા શું કાપે છે એની માહિતી આપવી પડશે. દા.ત. આપણે એમ કહીએ કે ‘હું કેરી કાપું છું’ તો એ એક સંપૂર્ણ/આદર્શ વાક્ય છે.

નીચેના કોઠામાં સકર્મક અને અકર્મક ક્રિયાપાદોનાં થોડાંક ઉદાહરણ આપ્યાં છે:

અકર્મક

સકર્મક

હસવું

həs.v.ũ

કાપવું

kap.v.ũ

જાવું

ja.v.ũ

કરવું

kər.v.ũ

તરવું

tər.v.ũ

ખાવું

kʰa.v.ũ

આવવું

av.v.ũ

પીવું

pi.v.ũ

ઘણા વ્યાકરણશાસ્ત્રીઓ સકર્મક ક્રિયાપદોને સકર્મક અને દ્વિકર્મક એમ બે વર્ગોમાં વહેંચી નાખતા હોય છે. દ્વિકર્મક ક્રિયાપદો એટલે એવાં ક્રિયાપદો જેમાં ઓછામાં ઓછાં બે કર્મ જોઈએ. જેમ કે, ‘મેં મોહનને પુસ્તક મોકલ્યું’. અહીં ‘મોકલવું’ દ્વિકર્મક ક્રિયાપદ છે. હું ‘મેં પુસ્તક મોકલ્યું’ કે ‘મેં મોહનને મોકલ્યું’ જેવાં વાક્યો ન બનાવી શકું. આદર્શ વાક્ય બનાવવા માટે મારે એમાં બન્ને કર્મોનો સમાવેશ કરવો જ પડે. એ જ રીતે, ‘આપવું’ ક્રિયાપદ લો. ‘મેં મીનાને પુસ્તક આપ્યું’ જેવાં વાક્યોમાં આપણે બે કર્મ વાપરવાં જ પડે. આ કર્મો કયા ક્રમમાં આવવાં જોઈએ એ એક સૈદ્ધાન્તિક ચર્ચાનો વિષય છે. અત્યારે આપણે એમાં નહીં પડીએ. પણ, કોઈએ સંશોધન કરવું હોય તો આ વિષય ખૂબ રસ પડે એવો છે.

          ક્રિયાપદોની કર્મકતા ખૂબ જ રસ પડે એવો મુદ્દો છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓએ કર્મકતાને કેટલાંક ઘટકોમાં વહેંચી નાખી છે. એટલું જ નહીં, એમણે એ ઘટકોને + અથવા – મૂલ્ય આપ્યું છે. આ ભાષાશાસ્ત્રીઓ કહે છે કે કર્મકતા કેટલાંક નિશ્ચિત એવાં ઘટકોની એક વ્યવસ્થા છે. અમુક ક્રિયાપદોમાંનાં એમાંનાં કેટલાંક ઘટકો ઉપસ્થિત હોય, અમુક ન હોય. જે ઉપસ્થિત હોય એમના માટે + વપરાય અને ન હોય એમના માટે – વપરાય. આ ભાષાશાસ્ત્રીઓ એવી દલીલ પણ કરે છે કે કર્મકતાને માત્રા સાથે સંબંધ છે. અમુક ક્રિયાપદોમાં અમુક ઘટકો વધારે હોય, જ્યારે બીજાં ક્રિયાપદોમાં એ ઓછાં હોય.

આ પ્રકારની વિચારણાએ ક્રિયાપદ સાથે સંકળાયેલા ઘણા બધા કોયડાઓ ઉકેલવામાં મદદ કરી છે. દાખલા તરીકે ‘લાવવું’ ક્રિયાપદ લો. આ ક્રિયાપદ સકર્મક છે. પણ, પૂર્ણભૂતકાળમાં આ ક્રિયાપદ અકર્મકની જેમ વર્તે છે. કેમ કે આપ઼ણે ‘હું સાઈકલ લાવ્યો’ કહીએ છીએ પણ ‘મેં સાઈકલ લાવ્યો’ નથી કહેતા. એ જ રીતે, ‘કાપવું’ પણ સકર્મક ક્રિયાપદ છે. પણ આપણે ‘હું કેરી કાપ્યો’ નથી કહેતા. એને બદલે આપણે ‘મેં કેરી કાપી’ કહીએ છીએ. જેમ ‘મેં કેરી કાપી’માં ‘મેં’ આવે છે એમ જ ‘હું સાયકલ લાવ્યો’માં પણ ‘મેં’ આવવું જોઈતું હતું. પણ એમ નથી થયું. એનો અર્થ એ થયો કે ‘કાપવું’ ક્રિયાપદના પ્રમાણમાં ‘લાવવું’ ક્રિયાપદની કર્મકતા ઓછી છે. જો કે, આ તો એક પૂર્વધારણા છે. બની શકે કે બીજા ભાષાશાસ્ત્રીઓ આ જ હકીકતનો બીજી રીતે પણ ખુલાસો આપે. પણ અત્યારે તો કર્મકતાની માત્રાનો ખુલાસો વધારે સરળતાથી સ્વીકારી શકાય એવો છે.

          સકર્મક/અકર્મક ઉપરાંત પણ ભાષાશાસ્ત્રીઓએ ક્રિયાપદોના બીજા પણ પ્રકારો પાડ્યા છે. દા.ત. ‘વાગવું’ ક્રિયાપદ લો. આપણે ‘હું વાગ્યો’ કે ‘મેં કાંટો વાગ્યો’ જેવાં વાક્યો નહીં બનાવી શકીએ. પણ, ‘મને કાંટો વાગ્યો’ કે ‘મને પત્થર વાગ્યો’ જેવાં વાક્યો બનાવી શકીએ. એનો અર્થ એ થયો કે ‘વાગવું’ ક્રિયાપદ ભલે અકર્મક હોય તો પણ એનું વર્તન બીજાં અકર્મક ક્રિયાપદો કરતાં જુદા પ્રકારનું છે. ઘણા ભાષાશાસ્ત્રીઓ આ પ્રકારનાં ક્રિયાપદોને experiencer કે dative experiencers ક્રિયાપદો તરીકે ઓળખાવે છે. આ પ્રકારનાં ક્રિયાપદોએ ભાષાશાસ્ત્રીઓ માટે ઘણા પડકાર ઊભા કર્યા છે. દેખીતી રીતે જ, એને કારણે આવાં ક્રિયાપદોના વ્યાકરણ પર ઘણું સંશોધન પણ થયું છે.

          એ જ રીતે કેટલાક ભાષાશાસ્ત્રીઓ પૂર્ણ અને અપૂર્ણ ક્રિયાપદો વચ્ચે પણ ભેદ પાડતા હોય છે. અપૂર્ણ ક્રિયાપદો એટલે એવાં ક્રિયાપદો જે ક્રિયાપદ હોય પણ ક્રિયાપદોનાં બધાં જ કાર્યોમાં ભાગ ન લે. જરાક મજાકમાં કહેવું હોય તો આપણે કહી શકીએ કે આવાં ક્રિયાપદો ક્રિયાપદોની ‘નાતના’ બધા જ રિવાજોમાં ભાગ લેતાં નથી. ગુજરાતીમાં એવું એક જ ક્રિયાપદ છે: ‘જોઈ-‘. ‘મારે કાગળ જોઈએ છે’માં આવતું ‘જોઈ-’. જોડણીકોષના સંપાદકોએ આ ક્રિયાપદનું ‘જોઈવું’ citation form આપ્યું છે. મારી દૃષ્ટિએ એ બરાબર નથી. ‘જોઈ-’ જ આપવું જોઈએ. કેમ કે આ ક્રિયાપદ ક્યારેય પણ infinitive form સાથે વપરાતું નથી. જો કે, જોડણીકોશના સંપાદકો એવું નોંધે છે ખરા કે સુરત બાજુ ‘કાલે મારે આ ચોપડી જોઈવાની છે’ જેવાં વાક્યો બોલાય છે. મેં એકબે સુરતી મિત્રોને પૂછ્યું તો એ લોકોએ મને કહ્યું કે ના, એ આવું બોલતા નથી! પણ, આ પણ એક તપાસનો વિષય છે.

‘જોઈ-’ હકીકતમાં તો એક ખૂબ જ રસ પડે એવું ક્રિયાપદ છે. કેમ કે એનાં પ્રેરક રૂપો નથી બનતાં. એટલું જ નહીં, એનાં passive રૂપો પણ નથી બનતાં. એ જ રીતે એ પૂર્ણભૂતકાળમાં પણ ભાગ લેતું નથી. આપણે ‘હું ઉંઘ્યો’ કહી શકીએ પણ ‘હું જોઈઓ’ કે ‘મેં કેરી જોઈઓ’ ન કહી શકીએ. આ ક્રિયાપદ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં વાપરી શકાય. પણ, એમાં ય સર્વનામ વાપરવું હોય તો આપણે ‘મારે/તારે’-વર્ગનાં સર્વનામ વાપરવાં પડશે. જેમ કે, ‘મારે કેરીઓ જોઈએ છે’ અને ‘મારે કેરીઓ જોઈશે.’ જો કે, કેટલાક ભાષકો ‘મારે/તારે’ને બદલે ‘મને/તને’ વર્ગનાં સર્વનામો પણ વાપરતા હોય છે. એમના માટે ‘મને પુસ્તક જોઈએ છે’ કે ‘મને પુસ્તક જોઈશે’ જેવાં વાક્યો સ્વીકાર્ય હોય છે. જો આ ક્રિયાપદ સાથે સર્વનામને બદલે નામ વાપરીએ તો નામને વિભક્તિનો -ને પ્રત્યય લગાડવો પડે. જેમ કે, ‘રમેશને આ પુસ્તક જોઈએ છે’.

જે ક્રિયાપદો infinitive -વ-ઉં પ્રત્યય ન લેતાં હોય એમને આપણે આજ્ઞાર્થમાં પણ ન વાપરી શકીએ. એથી જ તો આપણે કોઈને ‘તું ગા’ કે ‘તું ખા’ કહી શકીએ. પણ ‘તું જોઈ’ ન કહી શકીએ.

          એ જ રીતે ભાષાશાસ્ત્રીઓ સંપ્રદાન (dative) ક્રિયાપદોની પણ વાત કરતા હોય છે. આ પ્રકારનાં ક્રિયાપદોમાં કર્તા હંમેશાં સંપ્રદાન વિભક્તિ જ લે. જેમકે, ‘મને પુસ્તક મળ્યું’, ‘મને કાગળ જડ્યો.’

જો કે, કેટલાંક ક્રિયાપદો એક કરતાં વધારે વર્ગમાં પણ વહેંચાયેલાં હોઈ શકે. ‘હું શિક્ષક થયો’માં ‘થવું’ અને ‘મને ઉધરસ થઈ છે’માં આવતું ‘થવું’ ક્રિયાપદ બન્ને સંજોગોમાં જુદું વ્યાકરણમૂલક વર્તન કરતું હોય છે.

ક્રિયાપદોનું અર્થવિજ્ઞાન ખૂબ જ રસ પડે એવું છે અને એના પર અઢળક કામ થયું છે. અનેક ભાષાશાસ્ત્રીઓએ અલગ અલગ અર્થવૈજ્ઞાનિક (semantic) માપદંડોના આધારે ક્રિયાપદોના પ્રકાર પાડ્યા છે. એટલું જ નહીં, કેટલાક ભાષાશાસ્ત્રીઓએ તો એવી દલીલ પણ કરી છે કે વાક્યતંત્ર (syntax) વગર કેવળ અર્થવિજ્ઞાનના આધારે પણ ક્રિયાપદોના વ્યાકરણને સમજી શકાય. આ હકીકતમાં તો સિદ્ધાન્તચર્ચાનો વિષય છે અને એના ઘણા સૂચિતાર્થો પણ છે. પણ, એની ચર્ચા પણ આપણે અહીં નહીં કરીએ.

તો પણ, આપણે એક વાત અવશ્ય નોંધવી જોઈએ કે મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ અર્થને ધ્યાનમાં રાખીને ક્રિયાપદોને action ક્રિયાપદો અને stative ક્રિયાપદો એવા બે વર્ગમાં વહેંચી નાખે છે. Action ક્રિયાપદો ક્રિયા વ્યક્ત કરે. જેમ કે, ‘દોડવું’. હું જ્યારે એમ કહું કે ‘હું દોડું છું’ ત્યારે હું દોડવાની ક્રિયા ચાલુ હોય છે અને એ અમુક સમયે પૂરી પણ થવાની હોય છે. પણ જો હું એમ કહું કે ‘હું નીતાને ચાહું છું’ તો ‘ચાહવું’ ક્રિયાપદ વડે કોઈ action વ્યક્ત નથી કરતો. હું કોઈક state વ્યક્ત કરતો હોઉં છું. મારી નીતાને ચાહવાની પ્રક્રિયા પૂર્ણ થવાની નથી. સિવાય કે કોઈક અકસ્માત થાય.

ગુજરાતી ભાષાનાં ક્રિયાપદોનું અર્થમૂલક વિશ્લેષણ હજી વણખેડાયેલું ક્ષેત્ર છે.

1 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૧૮

  1. ક્રિયાપદોનું અર્થમૂલક વિશ્લેષણ સમજવા પ્રયત્ન કરીએ
    પ્રેમ ક્રિયાપદ અને નામ બંને છે.પ્રેમ એ એક જ લાગણી નથી, પરંતુ બે કે બેથી વધારે લાગણીઓમાંથી નીપજેલું સંવેદન છે.આપણા માટે કંઈ પણ મહત્વનું હોય, તે એક કરતા વધારે લાગણીઓને જન્મ આપે છે અને આપણે આપણી લાગણીઓ અંગે લાગણીઓ ધરાવીએ છીએ. [ અર્થોનું વૈવિધ્ય અને તેની સાથે સંકળાયેલી લાગણીઓની સંકુલતા પ્રેમ શબ્દને અન્ય સંવેદનશીલ સ્થિતિઓની સરખામણીમાં પણ સાતત્યપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે.

    Like

પ્રતિભાવ