ભાષાને શું વળગે ભૂર -૧૯ (બાબુ સુથાર)


ગુજરાતી: એક pro-drop ભાષા

ગુજરાતી સર્વનામોની વાત કરતી વખતે એક મુદ્દો રહી ગયેલો. એ મુદ્દો તે pro-dropનો. Pro- એટલે ‘pronoun’. ભાષાશાસ્ત્રીઓ pro-drom અને non-pro-drop ભાષાઓની વાત કરતા હોય છે. જો કે, કેટલાક ભાષાશાસ્ત્રીઓ એને Null subject parameter પણ કહેતા હોય છે. Pro-drop ભાષાઓ એટલે કે એવી ભાષાઓ જેમાં ભાષકો પુરુષવાચક સર્વનામો ન વાપરે તો પણ જે તે વાક્ય સ્વીકાર્ય બને. આ પ્રકારની ભાષાઓમાં પુરુષવાચક સર્વનામની ઉપસ્થિતિ મોટે ભાગે ક્રિયાપદ પર પ્રગટ થતી હોય છે. ઇટાલિયન અને એરેબિક એવી ભાષાઓ છે. એની સામે છેડે ફ્રેંચ અને અંગ્રેજી ભાષાઓ pro-drop ભાષાઓ નથી. એમાં આપણે ફરજિયાત પુરુષવાચક સર્વનામ વાપરવું પડે.

        આપણા માટે જે પ્રશ્ન છે તે એ કે શું ગુજરાતી pro-drop ભાષા છે ખરી? જો હા, તો કયા પ્રકારની? બીજા શબ્દોમાં આપણે એવો પ્રશ્ન પણ પૂછી શકીએ કે ગુજરાતી ભાષામાં pro-drop વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે?

        ગુજરાતી, બીજી કેટલીક ભાષાઓની જેમ, pro-drop ભાષા છે પણ મર્યાદિત અર્થમાં. હું એના માટે split-pro-drop સંજ્ઞા વાપરું છું. આ મુદ્દો સમજવા માટે નીચે (૧)માં વર્તમાનકાળમાં અને (૨)માં ભવિષ્યકાળમાં આપેલાં વાક્યો જુઓ:

(૧)

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

હું આવું છું.

અમે/આપણે આવીએ છીએ.

બીજો પુરુષ

તું આવે છે.

તમે આવો છો.

ત્રીજો પુરુષ

તે આવે છે.

તેઓ આવે છે.

(૨)

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

હું આવીશ.

અમે/આપણે આવીશું.

બીજો પુરુષ

તું આવશે.

તમે આવશો.

ત્રીજો પુરુષ

તે આવશે.

તેઓ આવશે

આપણે જોઈ શકીએ છીએ કે અહીં કેવળ પહેલા પુરુષ એકવચન તથા બહુવચન અને બીજા પુરુષ બહુવચનમાં પુરુષવાચક સર્વનામની ઉપસ્થિતિ બે જગ્યાએ પ્રગટ થાય છે. જેમ કે, ‘હું આવું છું’ માં પુરુષવાચક સર્વનામ ‘હું’ દ્વારા તો પ્રગટ થાય છે જ પણ તદ્ઉપરાંત, ‘આવું છું’માં મૂળ ક્રિયાપદ ‘આવું’માં તથા સહાયકારક ક્રિયાપદ ‘છું’માં પણ પહેલો પુરુષ પ્રગટ થાય છે. એવું જ બીજા પુરુષ બહુવચનમાં પણ બને છે.

આવી જ પરિસ્થિતિ ભવિષ્યકાળમાં પણ છે. જેમ કે ‘હું આવીશ’માં ‘હું’ અને ‘આવીશ’ બન્ને સ્થળે પહેલો પુરુષ એકવચન પ્રગટ થાય છે. એવું જ પહેલા પુરુષ બહુવચનમાં અને બીજા પુરુષ બહુવચનમાં પણ બને છે. એનો અર્થ એ થયો કે આપણે વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં પહેલા પુરુષ એકવચન તથા બહુવચનમાં અને બીજા પુરુષ બહુવચનમાં પુરુષવાચક સર્વનામ પડતાં મૂકીએ તો પણ જે તે વાક્યો સ્વીકાર્ય બને. દા.ત.

(૩)

(અ) આવું છું

(બ) આવીએ છીએ.

(ક) આવો છો

 (૪)

(અ) આવીશ.

(બ) આવીશું.

(૩) આવશો

પણ આપણે નીચે (૫)માં આપ્યાં છે એવાં વાક્યો ન બનાવી શકીએ.

(૫)

(અ) આવે.

(બ) આવશે

કેમ કે ‘આવે’ અને ‘આવશે’ના અહીં ત્રણ અર્થ થઈ શકે: (૧) ‘તું આવે/આવશે, (૨) ‘તે આવે/આવશે’ અને (૩) ‘તેઓ આવે/આવશે’.

હવે આ જ પુરુષવાચક સર્વનામો ભૂતકાળમાં કઈ રીતે કામ કરે છે એ જુઓ.

(૬)

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

હું આવ્યો.

અમે/આપણે આવ્યા.

બીજો પુરુષ

તું આવ્યો.

તમે આવ્યા.

ત્રીજો પુરુષ

તે આવ્યો.

તેઓ આવ્યા.

(૭)

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

હું આવેલો.

અમે/આપણે આવેલા.

બીજો પુરુષ

તું આવેલો.

તમે આવેલા.

ત્રીજો પુરુષ

તે આવેલો.

તેઓ આવેલા.

(૮)

એકવચન

બહુવચન

પહેલો પુરુષ

હું આવતો હતો.

અમે/આપણે આવતા હતા.

બીજો પુરુષ

તું આવતો હતો.

તમે આવતા હતા.

ત્રીજો પુરુષ

તે આવતો હતો.

તેઓ આવતા હતા.

        ઉપર (૪), (૫) અને (૬)માં આપેલાં વાક્યોમાં પુરુષવાચક સર્વનામ જે તે વાક્યના ક્રિયાપદ પર પ્રગટ થતો નથી. એનો અર્થ એ થયો કે ભૂતકાળમાં આપણે કદી પણ પુરુષવાચક સર્વનામોને પડતાં મૂકી ન શકીએ. જો કે, હું અહીં discourseના સ્તર પર આવતાં વાક્યોની વાત નથી કરતો. Discourseના સ્તર પર વાક્યો કદી એકલાં નથી હોતાં. એ એમના અગાઉનાં વાક્યો સાથે જોડાયેલાં હોય છે. એને કારણે ‘એ આવ્યો. પછી ઊંઘી ગયો’ જેવા કથનના બીજા વાક્યમાં આપણે પુરુષવાચક સર્વનામ ‘એ’ પડતું મૂકી શકીએ.

આટલી ચર્ચાના આધારે આપણે આટલું કહી શકીએ:

(૧) ગુજરાતી pro-drop ભાષા છે પણ split-pro-drop.

(૨) એમ હોવાથી આપણે કેવળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જ, પહેલો પુરુષ (એકવચન તથા બહુવચન) અને બીજા પુરુષ બહુવચનમાં સર્વનામ પડતું મૂકી શકીએ. બીજે નહીં.

આ પ્રકારની split-pro-drop વ્યવસ્થા અનેક પ્રશ્નો ઊભા કરતી હોય છે. દા.ત. અંગ્રેજી કે ફ્રેંચ ભાષા શીખતા ગુજરાતીએ split-pro-dropમાંથી સીધા જ non-pro-dropમાં પ્રવેશવું પડતું હોય છે. ઘણા ભાષાશાસ્ત્રીઓએ second language acquisitionના ભાગ રૂપે આ મુદ્દાની ચર્ચા કરી છે. એ જ રીતે, આ વ્યવસ્થા universal languageના વિચાર માટે પણ ઘણા પ્રશ્નો ઊભા કરે છે. આપણે અત્યારે એની સૈદ્ધાન્તિક ચર્ચામાં નહીં જઈએ.

        આપણા ઘણા સર્જકો અને પત્રકારો pro-dropનો મુદ્દો બરાબર સમજતા નથી. એને કારણે એ લોકો ગમે ત્યારે પુરુષવાચક સર્વનામ પડતું મૂકતા હોય છે. જો કે, વાચકો ભાષાની એ ખામીને જાતે repair કરીને જે તે લેખક શું કહેવા માગે છે એ સમજવાનો પ્રયાસ કરતા હોય છે ખરા.

        આ pro-drop વ્યવસ્થા discourseના સ્તર પર કઈ રીતે કામ કરે છે એ એક તપાસનો વિષય છે.

1 thoughts on “ભાષાને શું વળગે ભૂર -૧૯ (બાબુ સુથાર)

  1. મા બાબુભાઇનો ગુજરાતી: એક pro-drop ભાષા અંગે સરસ લેખ
    સર જ્યોર્જ ગ્રીયર્સને કરેલા ‘લિંગવીસ્ટીક સર્વે ઓફ ઈન્ડિયા’ માં આ ઉપરાંત પણ ગુજરાતી ભાષાની અનેક બોલીઓનો ઉલ્લેખ જોવા મળે છે, જેમકે, નગરોની નાગરી, મુસલમાનોની મુસલમાની, પારસીઓની પારસી ગુજરાતી, ચેન્નઈમાં વસતા વણકારોની પટનોલી, અફઘાનિસ્તાનથી આવેલા કાકર પઠાનોની કાકરી ગુજરાતી તો દક્ષિણ ગુજરાતમાં વસતા ઘીસડી સમાજની ઘીસડી કે તરિમોકી ગુજરાતી. ગુજરાતી ભાષાની બોલીઓ વિષે થયેલો આ સર્વે તે સમયના સંદર્ભમાં જોઈએ તો ઘણો વિસ્તૃત અને ઊંડાણ પૂર્વકનો કહી શકાય.

    Like

પ્રતિભાવ