ભાષાને શું વળગે ભૂર – ૨૦ (બાબુ સુથાર)


‘જવું’ કે ‘જાવું’? થવું કે ‘થાવું’?

ગુજરાતી ક્રિયાપદોની વાત કરતી વખતે આપણે જોયું કે ગુજરાતી ભાષામાં ક્રિયાપદો બે ઘટકનાં બનેલાં હોય છે. એક તે આખ્યાતિક મૂળ (root) અને બીજું તે infinitive. આપણે એ પણ જોયું કે infinitive પણ બે ઘટકનાં બનેલાં હોય છે. એક તે infinitive marker -વ્- અને બીજું default gender marker -ઉં. દા.ત. ‘રમવું’ ક્રિયાપદ લો. એમાં ‘રમ્-’ આખ્યાતિક ક્રિયાપદ છે, -વ્- infinitive marker છે અને -ઉં default gender marker છે. તદ્ઉપરાંત, આપણે એ પણ જોયું કે આખ્યાતિક મૂળ કાં તો સાદાં હોય, કાં તો સાધિત હોય. જેમ કે, ‘રમવું’નું મૂળ ‘રમ્-’ સાદું છે. અર્થાત્, એ સાધિત નથી.

          આપણે આખ્યાતિક મૂળની પ્રકૃતિ વિશે વિચારતાં એ પણ જોયું છે કે આખ્યાતિક મૂળ કાં તો વ્યંજનાન્ત (જેમ કે ‘રમ્-’) હોય, કાં તો સ્વરાન્ત (જેમ કે, ‘ખા-’) હોય. તદ્ઉપરાંત, આપણે આખ્યાતિક મૂળની સકર્મકતા વિશે પણ થોડી ચર્ચા કરી છે અને કહ્યું છે કે આખ્યાતિક મૂળ કાં તો અકર્મક (જેમ કે, ‘રડ્-’) હોય, કાં તો સકર્મક (જેમ કે, ‘કાપ્-’) હોય, કાં તો દ્વિકર્મક (જેમ કે, ‘મોકલ્-’) હોય. પણ, આપણે એક મુદ્દાની ચર્ચા કરી નથી. અને હું સમજું છું ત્યાં સુધી આપણાં ગુજરાતી વ્યાકરણ તથા ગુજરાતી ભાષા પરનાં મોટા ભાગનાં પુસ્તકોએ પણ આ મુદ્દાની ચર્ચા કરવાનું ટાળ્યું છે. અને એ મુદ્દો છે: કેટલાંક ક્રિયાપદોનાં મૂળ નક્કી કરવાનો. ગુજરાતીમાં કેટલાંક ક્રિયાપદો એવાં છે જેનાં આખ્યાતિક મૂળ કયાં છે એની આપણને ખબર છે પણ આપણે એમના વિશે કોઈ પ્રશ્નો પૂછ્યા નથી. આવું બનતું હોય છે. ખાસ કરીને ભાષાની સંરચનાની વાત કરતી વખતે. આપણે આપણી ભાષામાં એટલા બધા ડૂબેલા હોઈએ છીએ કે આપણે એની બહાર નીકળીને એની સામે જોવાનો પ્રયાસ પણ કરતા નથી.

          દાખલા તરીકે ‘જવું’ ક્રિયાપદ લો. સાર્થ જોડણી કોશમાં ‘જવું’ ક્રિયાપદ પણ આપેલું છે અને ‘જાવું’ પણ. એ જ રીતે, ‘થવું’ ક્રિયાપદ લો. ફરી એક વાર આપણે સાર્થ જોડણીકોશમાં જોઈએ. એમાં ‘થવું’ આપેલું છે પણ ‘થાવું’ નથી. એમ હોવાથી આપણા માટે સવાલ એ થાય કે ‘જવું’/‘જાવું’ અને ‘થવું’/‘થાવું’નાં આખ્યાતિક મૂળ કયાં? ‘જવું’/‘જાવું’ માટે જ- કે જા-? એ જ રીતે, ‘થવું’/‘થાવું’ માટે થ- કે થા-? એમ તો ‘ખાવું’ ક્રિયાપદ પણ અમુક અંશે પ્રશ્નો ઊભા કરે એવું છે. કેમ કે, આપણે ‘હું ખઉં છું’ કે ‘હું ખઈશ’ જેવાં વાક્યોમાં ‘ખા-‘ નથી વાપરતા. પણ આપણે આ લેખ પૂરતા ‘ખાવું’ ક્રિયાપાદની ચર્ચા બાજુ પર રાખીએ. કેમ કે, આપણા શબ્દકોશોમાં પણ આપણને જેમ ‘જેવું’ કે ‘થવું’ મળે છે એમ ‘ખવું’ ક્રિયાપદ નથી મળતું.

          કોઈ કહેશે કે આ તો પંડિતોનો વિષય છે. સરેરાશ માણસને આની કંઈ પડી નથી. કમનસીબે, ગુજરાતીમાં આવી ટીકા કરનારાઓનો તોટો નથી. પણ, આ મુદ્દો મારી દૃષ્ટિએ તો ખૂબ જ મહત્ત્વનો છે. એ પણ બે કારણથી. સૌ પહેલું કારણ તે શબ્દકોશશાસ્ત્ર સાથે સંકળાયેલું. આપણે જાણીએ છીએ એમ શબ્દકોશોમાં આપણે જે તે શબ્દોનાં citation forms આપતા હોઈએ છીએ. એમ હોવાથી આપણા માટે જે પ્રશ્ન ઉપસ્થિત થાય તે એ કે આ બન્ને ક્રિયાપદોનાં આખ્યાતિક મૂળ ક્યાં ગણવાં? શબ્દકોશવિજ્ઞાન એમ કહે છે કે કોઈ પણ એક શબ્દનાં એક કરતાં વધારે citation forms ન હોઈ શકે. જો આપણે બન્ને ક્રિયાપદોનો સમાવેશ કરીએ તો આપણે શબ્દકોશવિજ્ઞાનના પાયાના સિદ્ધાન્તનો ભંગ કરીએ.

          બીજો મુદ્દો mental lexicon સાથે જોડાયેલો છે. અહીં આપવામાં આવેલાં આરંભનાં લખાણોમાં આપણે આ વિષયની ચર્ચા કરી છે. એમાં આપણે ભાષા વિશેની બે પાયાની સમજની વાત કરેલી. એક સમજ એવું માને છે કે ભાષા એક જ્ઞાનવ્યવસ્થા છે. અર્થાત્, આપણા બધાના ચિત્તમાં ભાષાની એક જ્ઞાનવ્યવસ્થા પડેલી છે અને જ્યારે પણ આપણે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એ જ્ઞાનવ્યવસ્થાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજી સમજ એમ કહે છે કે ભાષા એક વર્તન છે. આપણે જ્યારે ભાષાનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે અમુક રીતે જ વર્તતા હોઈએ છીએ. જો કોઈ વડીલને ‘તું’ કહે તો આપણે તરત જ એને ટોકીશું: “એમ ન કહેવાય. એ તારા કરતાં મોટા/મોટાં છે.” પણ જો કોઈ સંતાન એની માને ‘તું’ કહે તો આપણે એને નહીં ટોકીએ. બહુ બહુ તો આપણે એક વાતની નોંધ લઈશું કે એ બોલનારના કુટુંબમાં સંતાનો માને ‘તું’ કહે છે. હું મારાં બાને હંમેશાં ‘તમે’ કહેતો; મારો દીકરો એની માને હંમેશાં ‘તું’ કહે છે.

          આપણે સ્વીકાર્યું છે કે ભાષા એક જ્ઞાનવ્યવસ્થા છે. મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ એ વ્યવસ્થાને બે પેટાવ્યવસ્થાઓમાં વહેંચી નાખે છે. એક તે lexicon અને બીજી તે વ્યાકરણ. Lexiconમાં જે તે ભાષાના શબ્દોનો સંગ્રહ થયેલો હોય અને વ્યાકરણમાં જે તે ભાષાના વ્યાકરણના નિયમો હોય. જ્યારે આપણે “હું જાઉં છું’ એમ બોલીએ ત્યારે આપણે lexiconમાંથી ‘જવું’ કે ‘જાવું’ પસંદ કરતા હોઈએ છીએ. દેખીતી રીતે જ, અહીં કાં તો ‘જવું’ પડેલું હોય કાં તો ‘જાવું’. બન્ને ન હોય. એ જ રીતે, ‘થવું’ અને ‘થાવું’ વિશે પણ સમજવાનું. આપણા માટે પ્રશ્ન એ છે કે તો પછી આપણી mental lexiconમાં કયું સ્વરૂપ સંઘરાયેલું હશે?

          મેં શરૂઆતનાં લખાણોમાં એક સ્પષ્ટતા કરી છે કે આ લખાણોનો આશય વાચકોને ભાષા વિશે વિચારતા કરવાનો છે. હું બીજા બધા વ્યાકરણશાસ્ત્રીઓની જેમ વાચકોને તૈયાર જ્ઞાન કે માહિતી આપવા નથી માગતો. અહીં પણ હું એમ જ કરવા માગું છું. એથી આ જવું/જાવુ અને થવું/થાવું પ્રશ્નના સંદર્ભમાં આપણે બે પૂર્વધારણાઓ બાંધી શકીએ: (૧) આપણી mental lexiconમાં ‘જવું’ અને ‘થવું’ પડેલાં છે; અને (૨) આપણી mental lexiconમાં ‘જાવું’ અને ‘થાવું’ પડેલાં છે. હવે આપણે આ બન્ને પૂર્વધારણાઓ તપાસીએ.

          પૂર્વધારણા: ૧. જો આપણી mental lexiconમાં ‘જવું’ અને ‘થવું’ પડેલાં હોય તો ‘હું જઉં છું’, ‘અમે જઈએ છીએ’ વાક્યો બરાબર છે. પણ, આપણે ‘તું જય છે’, ‘તમે જય છો’ કે ‘રમેશ જય છે’ નથી બોલતા. એનો અર્થ એ થયો કે બીજા અને ત્રીજા પુરુષમાં આપણે ‘જવું’ના અને એ જ રીતે ‘થવું’ના આખ્યાતિક મૂળમાં -આ ઉમેરવાનો નિયમ બનાવવો પડે. આપણે એમ કહેવું પડે કે બીજા અને ત્રીજા પુરુષમાં આ ક્રિયાપદોના મૂળમાં -આ ઉમેરવો. જો કે, એની સામે છેડે, ‘હું જાઉં છું’ અને ‘આમે જાઈએ છીએ’ પણ ખોટાં નથી. એટલે કે અહીં, અર્થાત્, પહેલા પુરુષમાં આપણને બે variations મળે છે. એ સંજોગોમાં આપણે એક બીજો નિયમ પણ બનાવવો પડે. પહેલા પુરુષમાં ‘જવું’ના મૂળમાં -આ વિકલ્પે ઉમેરી શકાય. એ જ રીતે, ‘થવું’માં પણ. હવે આ જ ક્રિયાપદ ભવિષ્યકાળમાં કઈ રીતે કામ કરે છે એ જુઓ. ‘હું જઈશ’, ‘અમે જઈશું’, ‘તું જશે’, ‘તમે જશો’ અને ‘તે/તેઓ જશે’માં ક્યાંય પણ મૂળમાં -આ ઉમેરવો પડતો નથી. જો કે, ‘હું જાઈશ’, ‘અમે/આપણે જાઈશું’, ‘તું જાશે’, ‘તમે જાશો’ અને ‘તે/તેઓ જાશે’ વાક્યો પણ ખોટાં નથી. એનો અર્થ એ થયો કે આખ્યાતિક મૂળમાં -આ ઉમેરવાનો નિયમ કેવળ વર્તમાનકાળમાં જ લાગુ પડે. હજી એક ત્રીજું પરિક્ષણ પણ બાકી છે. એ છે આજ્ઞાર્થ રૂપોનું. ‘જવું’ અને ‘થવું’નાં આજ્ઞાર્થ ‘જા’ અને ‘થા’ થાય. ગુજરાતીમાં એક સામાન્ય નિયમ છે કે ક્રિયાપદના infinitive markerને પડતું મૂકવાથી આજ્ઞાર્થ બનાવી શકાય. જો આપણે ‘જવું’ અને ‘થવું’ સ્વીકારીએ તો આપણે આજ્ઞાર્થમાં -આ ઉમેરવાનો નિયમ બનાવવો પડે.

          હવે બીજી પૂર્વધારણા લો. એ પ્રમાણે આપણે એવું સ્વીકારીએ કે આપણી mental lexiconમાં ‘જાવું’ અને ‘થાવું’ છે. જો એમ હોય તો ‘હું જાઉં છું’, ‘અમે જાઈએ છીએ’, ‘તમે જાઓ છો’ અને ‘તું/તે/તેઓ જાય છે’ થાય અને પહેલા પુરુષ પૂરતાં આપણે સ્વીકારવું પડે કે કોઈક ધ્વનિતંત્રના નિયમના કારણે ‘જાઉં’ અને ‘જાઈએ’નું અનુક્રમે ‘જઉં’ અને ‘જઈએ’ થતું હશે. અત્યારે આપણે એ નિયમમાં જતા નથી. હવે ભવિષ્યકાળ ‘જાવું’ કઈ રીતે આવે છે એ જોઈએ. ‘હું જાઈશ’, ‘અમે જાઈશું’, ‘તું/તે.તેઓ જાશે’ અને ‘તમે જાશો’ જેવાં વાક્યો મને તો અસ્વીકાર્ય નથી લાગતાં. સવાલ એ છે કે અહીં ‘જવું’ ક્રિયાપદ કેમ વધારે વપરાશમાં હશે? અને એ ક્યારે તથા કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું હશે? આ પણ કદાચ ધ્વનિતંત્રના કોઈક નિયમના કારણે થતું હોય. ક્યારેક એવું પણ બને કે કોઈ એક ઠેકાણે ધ્વનિતંત્રના કોઈક સિદ્ધાન્તના કારણે મૂળનું સ્વરૂપ બદલાય અને પછી એ જ સિદ્ધાન્ત બીજે લાગુ ન પડતો હોય તો પણ પડે. આ વિશે ઐતિહાસિક ભાષાશાસ્ત્રીઓ જ આપણને વધારે સારો જવાબ આપી શકે. એક બીજી વાત પણ નોંધવાનું કે જો આપણે ‘જાવું’ અને ‘થાવું’ને મૂળ તરીકે સ્વીકારીએ તો આજ્ઞાર્થમાં આપણે કોઈ નિયમ બનાવવાનો ન રહે. એનો અર્થ એ થયો કે ‘જવું’ અને ‘થવું’ને બદલે જો આપણે ‘જાવું’ અને ‘થાવું’ આખ્યાતિક મૂળ તરીકે સ્વીકારીએ તો કદાચ આપણે ‘જવું’/‘થવું’ મેળવવા ખૂબ ઓછા નિયમોની જરૂર પડે.

          ‘જાવું’ અને ‘થાવું’ ક્રિયાપદોનાં આપણે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં રૂપો જોયાં. ભૂતકાળમાં ‘જાવું’ માટે આપણે ‘ગયું’નું અનિયમિત રૂપ વાપરીએ છીએ. પણ, ‘થાવું’માં એવું બનતું નથી. ‘થાવું’ ભૂતકાળમાં વપરાય છે. જેમ કે, ‘હું મોટો થયો/થઈ’. અહીં આપણે ‘હું મોટો થાયો/થાઈ’ કે નથી વાપરતા. અહીં પણ ધ્વનિતંત્રના કોઈક નિયમને કારણે ‘થાવું’નું ‘થયો’/‘થઈ’ થતું હશે. ટૂંકમાં, હું જે કહેવા માગું છું તે એટલું જ કે આપણી mental lexiconમાં ‘થવું’ કે ‘જવું’ને બદલે ‘થાવું’ અને ‘જાવું’ પડેલાં છે. આ સાચે જ એક સંશોધનનો વિષય છે. આશા રાખીએ કે કોઈક ભવિષ્યમાં આવા વિષયો પર સંશોધન કરશે.

          ગુજરાતીમાં ‘ખાધું’, ‘પીધું’, ‘લીધું’, ‘કીધું’, ‘બેઠું’, ‘પેઠું’, ‘દીઠું’ અને ‘ગયું’ જેવાં કેટલાંક અનિયમિત ક્રિયાપદો પણ છે. સવાલ એ થાય કે આવાં ક્રિયાપદોનાં મૂળનું સ્વરૂપ કેવું હશે? ‘ખાધું’ અને પીધું’માં તો જાણે મૂળનું સ્વરૂપ સ્પષ્ટ છે. ‘ખાધું’ના મૂળમાં ‘ખા-’ અને ‘પીધું’ના મૂળમાં ‘પી-’ છે. પણ, બાકીનાં અનિયમિત ક્રિયાપદો કેવળ પૂર્ણ ભૂતકાળમાં જ વપરાય છે. શું આપણે આ ક્રિયાપદોનાં મૂળ ‘લી-’, ‘કી-’, ‘બે-’, ‘પે-’, ‘દી-’, અને ‘ગ-’ છે એવું સ્વીકારી શકીએ ખરા? આ પ્રશ્ન હું વાચકો પર છોડું છું. Mental lexiconના નિષ્ણાતો એમ કહે છે કે આ પ્રકારની lexiconમાં વ્યાકરણના નિયમોને વશ ન હોય એવાં સ્વરૂપોનો સંગ્રહ થતો હોય છે. આમાંથી આપણે કોઈ મદદ મેળવી શકીએ ખરા?

2 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૨૦ (બાબુ સુથાર)

  1. .
    ‘ક્રિયાપદના infinitive markerને પડતું મૂકવાથી આજ્ઞાર્થ બનાવી શકાય. જો આપણે ‘જવું’ અને ‘થવું’ સ્વીકારીએ તો આપણે આજ્ઞાર્થમાં -આ ઉમેરવાનો નિયમ બનાવવો પડે.’ વાતે યાદ આવે
    આ જીંદગી તમને મળી,
    જોઈલો છે કેવડી,
    આવવું અને પાછા જવું,
    એ બે ક્રિયાપદ જેવડી,
    હસવું પરાણે રડવું છૂપા,
    એ બે ક્રિયાપદ જેવડી,
    પામી પામીને મૂકી જવું
    એ જીંદગી પણ
    વેઢારવી કે શણગારવી
    એ પસંદગી આપની
    આપણું જીવન એ ભગવાન તરફથી આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. તે ભેટનું સુચારુ ઉપયોગ કરવાને માટે આપણે જીવન તરફ જોવાની વિશિષ્ટ દ્રષ્ટિ કેળવવી જોઈએ

    Like

પ્રતિભાવ