ભાષાને શું વળગે ભૂર – ૨૩ (બાબુ સુથાર)


કાળ/અવસ્થા/વૃત્તિ

ક્રિયાપદોને આપણે કાં તો infinitive સાથે વાપરી શકીએ (જેમ કે, ‘મારું આવવું), કાં તો infinitive વગર. જ્યારે આપણે infinitive વગર વાપરીએ ત્યારે infinitiveની જગ્યાએ આપણે બીજી કોઈક સામગ્રી વાપરવી પડે. એ સામગ્રી આજ્ઞાર્થવાચક પણ હોઈ શકે, કાળ/અવસ્થા/વૃત્તિવાચક પણ હોઈ શકે અથવા તો કૃદંતવાચક પણ હોઈ શકે. આપણે આ પહેલાંના લેખમાં infinitiveની જગ્યાએ વપરાતી આજ્ઞાર્થવાચક સામગ્રી જોઈ. એમાં એક વાતનો ઉલ્લેખ કરવાનું હું ચૂકી ગયેલો:‘જા’ કે ‘આવ’ જેવાં આજ્ઞાર્થમાં infinitive ‘-વું’ની જગ્યાએ કંઈ જ નથી એમ કહેવાને બદલે આપણે એમ કહેવું જોઈએ કે ત્યાં ‘-વું’ની જગ્યાએ શૂન્ય છે. યાદ રાખો કે ભારતીય ફિલસૂફીમાં પણ શૂન્ય એટલે ‘કંઈજ નહીં’ એવો અર્થ નથી થતો. એક બીજો મુદ્દો પણ અહીં ખૂબ મહત્ત્વનો છે. મેં ક્રિયાપદોના સ્વરૂપની વાત કરતી વખતે કહેલું કે ગુજરાતીમાં -વું infinitive નથી. -વ્- infinitive છે. -ઉં તો લિંગ અને વચનનો નિર્દેશ કરતો પ્રત્યય છે અને એ જરૂરિયાત પ્રમાણે બદલાતો રહેતો હોય છે. એથી અહીં આપણે ‘-વ્-ઉં’ની જગ્યાએ વપરાતા કાળ/અવસ્થા/વૃત્તિનો નિર્દેશ કરતી સામગ્રીની વાત કરીશું.

કાળ (tense), અવસ્થા (aspect) અને વૃત્તિ (mood) માટે ભાષાશાસ્ત્રીઓ ટૂંકમાં TAM સંજ્ઞા વાપરે છે. આ લેખમાં આપણે પણ એ જ સંજ્ઞા વાપરીશું. આ TAM ખૂબ જ સંકુલ વ્યવસ્થા છે અને એ માટે ઘણાં કારણો પણ છે. સૌથી પહેલું કારણ તે એ કે આ ત્રણે હંમેશાં પ્રત્યય વડે જ પ્રગટ થાય એવું નથી. એ શબ્દ વડે પણ પ્રગટ થાય. કેટલીક ભાષાઓમાં આમાંની કોઈ એક પેટાવ્યવસ્થા શબ્દ વડે પ્રગટ થતી હોય ને બીજી પ્રત્યય વડે પ્રગટ થતી હોય એવું પણ બને. જો કે, ગુજરાતીમાં એ શબ્દ વડે નહીં, પણ પ્રત્યયો વડે પ્રગટ થાય છે. બીજું, ઘણી ભાષાઓમાં આ ત્રણેય અલગ અલગ પ્રત્યયો વડે પ્રગટ થતાં હોય છે, તો વળી કેટલીક ભાષાઓમાં કોઈ એક કે બે પ્રત્યયો વડે આ વ્યવસ્થા પ્રગટ થતી હોય છે. ક્યારેક એવું પણ બને કે આ જ વ્યવસ્થા અમુક કાળનો અર્થ પ્રગટ કરવા બીજી કોઈક વ્યવસ્થાની પણ મદદ લે. દા.ત. ‘હું આવું’ અને ‘હું આવું છું’ જેવાં વાક્યો લો. પહેલું વાક્ય સામાન્ય સંભાવનાર્થે વપરાય છે જ્યારે બીજું વાક્ય નિર્દેશાત્મક ભાવ પ્રગટ કરવા માટે વપરાય છે. જો બીજા વાક્યમાં આપણે સહાયકારક ક્રિયાપદ ન વાપરીએ તો આપણે નિર્દેશના અર્થમાં એ વાક્ય ન વાપરી શકીએ. ઘણી વાર એવું પણ બને કે આ TAM વ્યવસ્થા લિંગ, પુરુષ અને વચન પ્રમાણે બદલાય પણ ખરી. આપણે જાણીએ છીએ એમ ગુજરાતીમાં પહેલો, બીજો અને ત્રીજો એમ ત્રણ પુરુષની વ્યવસ્થા છે. એટલું જ નહીં, ગુજરાતીમાં આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નાન્યતર એમ ત્રણ લિંગની વચ્ચે અને એકવચન અને બહુવચન એમ બે વચનની વચ્ચે ભેદ પાડીએ છીએ. જો કે, આપણે દરેક કાળમાં આ ત્રણેય વચ્ચેનો ભેદ નથી જાળવતા. દાખલા તરીકે, વર્તમાનકાળ અને ભવિષ્યકાળનાં વાક્યો જુઓ. તમને તરતજ ખ્યાલ આવશે કે એ બન્ને કાળની TAM વ્યવસ્થા લિંગભેદને ધ્યાનમાં લેતી નથી. એની સામે છેડે ભૂતકાળની TAM વ્યવસ્થા લિંગભેદને ધ્યાનમાં લે છે પણ પહેલા, બીજા અને ત્રીજા પુરુષ વચ્ચે ભેદ પાડતી નથી. આ એક ખૂબ જ રસ પડે એવી હકીકત છે. જ્યારે પુરુષ ઉપસ્થિત હોય ત્યારે લિંગ અનુપસ્થિત હોય અને જ્યારે લિંગ ઉપસ્થિત હોય ત્યારે પુરુષ અનુપસ્થિત હોય. અહીં એક સૈદ્ધાન્તિક પ્રશ્ન ઊભો થાય છે: શું પુરુષવ્યવસ્થા અને લિંગવ્યવસ્થા કોઈ એક જ વ્યવસ્થા પ્રગટ કરતી બે અલગ અલગ વ્યવસ્થાઓ છે? આ પ્રશ્ન પણ આપણે ભાષાશાસ્ત્રીઓ પર છોડીએ.

          વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં જે પુરુષવ્યવસ્થા છે એ પણ વિચાર લાગી લે એવી છે. કેમ કે, આ પુરુષવ્યવસ્થા પહેલા પુરુષ એકવચન અને બહુવચન તથા બીજા પુરુષ બહુવચનમાં જુદી પડે છે પણ બીજા પુરુષ એકવચન અને ત્રીજા પુરુષ એકવચન બહુવચનમાં એક સમાન છે. કેટલાક ભાષાશાસ્ત્રીઓએ ગુજરાતી ભાષાની આ હકીકતની નોંધ લીધી છે અને એની સૈદ્ધાન્તિક ચર્ચા પણ કરી છે. એમાંના મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ માને છે કે આવું થવા પાછળ ભાષાની ઉત્ક્રાંતિ જવાબદાર હશે. કમનસીબે, આપણી પાસે આ ઉત્ક્રાંતિ સ્પષ્ટ કરી આપે એવા ઐતિહાસિક ભાષાશાસ્ત્રીઓ નથી. એથી જ તો મેં ઓનલાઈન મૂકેલા ગુજરાતી-અંગ્રેજી શબ્દકોશનો પરિચય આપતાં પહેલું વાક્ય આમ લખેલું: ગુજરાતી સમૃદ્ધ પ્રજાની ગરીબડી ભાષા છે. કેટલાકે આવું કહેવા બદલ મારી ટીકા પણ કરેલી. પણ જે ભાષા અગિયારમી સદીથી વિકસી રહી હોય એ ભાષાની મૂળભૂત સંરચનાઓ પણ આપણે સમજાવી શકીએ નહીં ત્યારે આ દરિદ્રતા સાચે જ ગૌરવ લેવા જેવી તો નથી જ. ક્યારેક આપણે આના વિશે પણ ચર્ચા કરીશું. અત્યારે તો આ TAM વ્યવસ્થાનાં ઘટકોની વાત કરીએ. જો કે, અહીં હું કાળ, અવસ્થા અને વૃત્તિના અર્થભેદોની ચર્ચા કરવાનો નથી. એ કામ હું ભવિષ્ય પર રાખું છું.

          ગુજરાતીમાં infinitiveની જગ્યાએ, એટલે કે ‘-વ્-ઉં’ની જગ્યાએ આવતા નીચેના પ્રત્યયો વર્તમાનનો તથા પુરુષ અને વચનનો ભાવ પ્રગટ કરતા હોય છે.

એકવચન

બહુવચન

૧ લો પુરુષ

-ઉં

-ઈએ

૨ જો પુરુષ

-એ

-ઓ

૩ જો પુરુષ

-એ

-એ

અહીં જોઈ શકાય છે કે આ વ્યવસ્થા પહેલા પુરુષ એકવચન અને બહુવચન તથા બીજા પુરુષ બહુવચનમાં અલગ અલગ સામગ્રીનો ઉપયોગ કરે છે જ્યારે બીજા પુરુષ એકવચન થતા ત્રીજા પુરુષ એકવચન અને બહુવચનમાં એ એક જ રીતે કામ કરે છે.

ભવિષ્યકાળમાં પણ, નીચે આપેલા કોઠામાં બતાવ્યું છે એમ, TAM વ્યવસ્થા એ જ રીતે કામ કરે છે.

એકવચન

બહુવચન

૧ લો પુરુષ

-ઈશ

-ઈશું

૨ જો પુરુષ

-શે

-શો

૩ જો પુરુષ

-શે

-શે

          તમે નોંધ્યું હશે કે વર્તમાનકાળ અને ભવિષ્યકાળમાં ‘-વ્-ઉં’ની જગ્યાએ કાળ, પુરુષ તથા વચનભેદ દર્શાવતા પ્રત્યયો વપરાય છે. અને એ પ્રત્યયો પાછા જુદા જુદા નથી.

ગુજરાતીમાં આપણે ચાલુ ભૂતકાળ અને પૂર્ણભૂતકાળ એમ બે પ્રકારના ભૂતકાળની વચ્ચે ભેદ પાડીએ છીએ. ચાલુ ભૂતકાળમાં આપણે infinitiveની જગ્યાએ નીચે પ્રમાણેની સામગ્રી વાપરીએ છીએ. આ સામગ્રી પણ બે ઘટકોમાં વહેંચાયેલી છે. એક તે -વ્-ની જગ્યાએ વપરાતી સામગ્રી અને બીજી તે ‘-ઉં’ની જગ્યાએ વપરાતી સામગ્રી. અહીં ‘-ત્-‘ હકીકતમાં તો ક્રિયા ચાલુ હોવાનું સૂચન કરે છે. આપણે એમ કહી શકીએ કે આ -ત્- ક્રિયા અપૂર્ણ હોવાનું સૂચન કરે છે. આપણે એને અપૂર્ણ અવસ્થા કહીએ છીએ. એનો અર્થ એ થયો કે -ત્- કાળનું સૂચન કરતો પ્રત્યય નથી. કાળનું સૂચન તો મુખ્ય ક્રિયાપદની સાથે સહાયકારી -હ- વાપરીએ ત્યારે જ થાય છે. એ વિશે આપણે એક અલગ પ્રકરણમાં વાત કરીશું. એ જ રીતે ‘-વ્-ઉં’માં આવતો લિંગવાચક -ઉં પણ, નીચે આપેલા કોઠામાં બતાવ્યું છે એમ, લિંગ અને વચન પ્રમાણે બદલાતો રહેતો હોય છે.

એકવચન

બહુવચન

પુલ્લિંગ

-ત્-ઓ

-ત્-આ

સ્ત્રીલિંગ

-ત્-ઈ

-ત્-ઈ

નપુસંકલિંગ

-ત્-ઉં

-ત્-આં

          Infinitive -વ્-ની જગ્યાએ આપણે -ય્- અને -એલ્- પ્રત્યયો વાપરીને અનુક્રમે સામાન્ય ભૂતકાળ અને પરોક્ષ ભૂતકાળ વચ્ચે ભેદ પાડતા હોઈએ છીએ. આ બન્ને પ્રત્યયો પૂર્ણ અવસ્થાનો ભાવ પ્રગટ કરવાની સાથોસાથ ભૂતકાળનો ભાવ પણ પ્રગટ કરતા હોય છે. એટલું જ નહીં, નીચે આપેલા બે કોઠાઓમાં બતાવ્યું છે એમ -ઉં આ બન્ને પ્રકારના ભૂતકાળમાં ક્યારેક કર્તા તો ક્યારેક કર્મના લિંગવચન પ્રમાણે બદલાતો હોય છે. આ વિશે પણ આપણે ભવિષ્યમાં વિગતે વાત કરીશું.

સાદો ભુતકાળ:

એકવચન

બહુવચન

પુલ્લિંગ

-ય્-ઓ

-ય્-આ

સ્ત્રીલિંગ

-ય્-ઈ

-ય્-ઈ

નપુસંકલિંગ

-ય્-ઉં

-ય્-આં

પરોક્ષ ભૂતકાળ:

એકવચન

બહુવચન

પુલ્લિંગ

-એલ્-ઓ

-એલ્-આ

સ્ત્રીલિંગ

-એલ્-ઈ

-એલ્-ઈ

નપુસંકલિંગ

-એલ્-ઉં

-એલ્-આં

          યાદ રાખો કે આપણે અહીં કાળની વાત નથી કરતા. આપણે હજી ક્રિયાપદોની સંરચના સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હવે પછીના લેખમાં આપણે ગુજરાતીમાં infinitive ‘-વ્-ઉં’ની જગ્યાએ કૃદંતદર્શક સામગ્રી કઈ રીતે વપરાય છે એની વાત કરીશું.

1 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૨૩ (બાબુ સુથાર)

  1. .ક્રિયાપદોની સંરચના અગે સ રસ સમજુતી
    રાહ
    ગુજરાતીમાં infinitive ‘-વ્-ઉં’ની જગ્યાએ કૃદંતદર્શક સામગ્રી કઈ રીતે વપરાય છે એની

    Like

પ્રતિભાવ