અનુવાદ – ૧૨ (અશોક વૈષ્ણવ)


૧૨. એમએકે પટૌડી મેમોરિયલ વ્યાખ્યાનમાળા  (ભાગ ૨ જો)

ટાઇગર બહુ મસ્તીખોર પણ હતા. મને લાગે છે મારા ઘણા ભૂતપૂર્વ સાથી ખેલાડીઓ સહમત થશે કે તેઓ પણ તેમની મસ્તીઓના શિકાર બન્યા છે. તે પ્રચાર માધ્યમો સાથે હંમેશાં મજાકમસ્તી કરતા રહેતા હતા. મહોરાં પહેરીને ટીમના મિત્રોનાં બારણા ખખડાવીને તેમના હોશકોશ ઊડાડી દેવામાં તે બહુ પાવરધા હતા. આવી મસ્તીખોરી રાજવંશી યુવાનમાં હોય તેવું ક્યાંથી માન્યામાં આવે! તેઓ ઓછાબોલા તો જરૂર હતા, પણ જીવનની નાની નાની મજાકમસ્તીમાં તો દિલદાર હતા.

એક વાર વિશી-જી આર વિશ્વનાથ- તેમનો શિકાર બની ચૂક્યો છે. તેઓ ત્યારે ભોપાલમાં મેચ રમવા ગયા હતા. બસ, અચાનક નક્કી કર્યું કે, ચાલો શિકાર ખેલવા. પટૌડી સિવાય,એમાંના કોઇએ જીવનમાં કદી બંદૂક હાથમાં પણ પકડી નહોતી. પણ બધા તૈયાર થઇ ગયા.

એ લોકો હજૂ જંગલમાં પહોંચ્યા જ હતા કે, અચાનક જ કેટલાક ડાકુઓએ એમને ઘેરી લીધા. બધાને ગળે બંદુકનાં નાળચાંઓ ખેંચાઇ ચૂક્યાં હતાં, બધા બહુ જ ડરી ગયા હતા. વિશી આજે પણ, એ વાત યાદ આવતાં પરસેવે ન્હાઇ જાય છે. એરાપલ્લી પ્રસન્નાએ ભાગવા કોશીશ કરી, તો તેની તરફ ગોળીબાર કરાયો હતો.ટાઈગર પોતાનું હસવું રોકી નહોતા શકતા, એટલે ડાકુઓ એમને બાજુની ઝાડીમાં ખેંચી ગયા.

વિશીને તો ઝાડ સાથે બાંધી દીધો. જો કે વિશીએ ટાઈગરે તેને પહેરવા પૂરતો આપેલ રેશમી કુર્તો અને ઝરીવાળો ગલપટ્ટો વગેરે ઠઠાડીને આવ્યો હતો. એટલે ડાકુઓ તો તેને સ્વાભાવિક પણે “ના, ના, તું જ તો નવાબ છો” કરતા રહ્યા અને વિશી કાલાવાલા કરીને મનાવવાની કોશીશ કરતો રહ્યો કે તે તો સીધો સાદો ગુંડપ્પા વિશ્વનાથ છે, પટૌડીના નવાબ તો આજુબાજુમાં બીજે કશેક હશે. તો ડાકુઓ કહે,” અરે, સાવ ખોટી વાત, તમારાં રઇસી કપડાં જ કહી દે છે, નવાબ તો તમે જ છો.”

બીજા એક ક્રિકેટરને પણ ઝાડ સાથે બાંધ્યો હતો. એનું હું તમને નામ નહીં કહું! એ જેમ જેમ કહેતો જાય કે, ભાઇ હું તો ભારતનો ટૅસ્ટ ક્રિકેટર છું, તેમ તેમ બંદુકનું નાળચું વધારે ને વધારે દબાતું જતું હતું. બહુ દિલધડક અનુભવ બની રહ્યો હતો. એવામાં જેને ગોળીએ માર્યો હતો, તે પ્રસન્ના, અને પટૌડી ઝાડીમાંથી બહાર આવ્યા. ત્યાં સુધીમાં તો આ મજાકને કારણે લોકોના જીવ તાળવે બંધાઇ ચૂક્યા હતા. એટલે જાહેર કરાયું કે એ ડાકુઓ તો નવાબના જ માણસો હતા, જેઓએ આ વેશ કાઢીને લોકોને બંધક બનાવ્યા હતા.

તેઓ એ રમતમાં પણ જીવનનો તેમનો એ અભિગમ – મસ્તી- અપનાવ્યો હતો.

અને મારૂં માનવું છે કે આજનાં આધુનિક ક્રિકેટમાં એ અભિગમની ખાસ જરૂર છે. હા,જ્યારે આપણે આપણા દેશનું, કે પછી કોઇ પણ ટીમનું, પ્રતિનિધત્વ કરતાં હોઇએ, ત્યારે આપણી  રમતમાં એક જોશ અને દિલકશ લગન જરૂર હોવી જોઇએ.પણ જો એમાં થોડી મજાક મસ્તી પણ ભળે, તો ક્રિકેટની રમત માણવાલાયક વ્યાવસયિક ખેલ બની રહે.

ક્રિકેટ આજે ઘણી, ઘણી સારી સ્થિતિમાં છે. ઘણા વધારે લોકો, ઘણા વધારે દેશોમાં, ક્રિકેટ રમે છે. ખેલાડીઓમાં આજે કેટલાય કરોડાધિપતિઓ પણ છે.ટ્વેન્ટી૨૦ને કારણે, આજે અમેરિકા, ચીન કે કદાચ યુરૉપ જેવા ઉભરતા દેશો સુધી પહોંચીને,  ક્રિકેટ આજે લગભગ સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચૂક્યું છે. ક્રિકેટને વૈશ્વિક સ્તર સુધી પહોંચાડવા માટે કદાચ રમતનું એ સ્વરૂપ જ વધારે યોગ્ય પણ છે. પણ મારા માનવા પ્રમાણે – અને કદાચ ટાઇગર પણ એમ જ કહેતા – આપણે રમત સાથે બહુ છેડછાડ કરતાં રહીએ છીએ. આપણે રમતમાં એવા, અને એટલા, ફેરફારો કરતાં રહીએ છીએ કે જે દેશોને ક્રિકેટવિશે બહુ સમજ નથી પડતી તેમના માટે તો વધારે મુશ્કેલી થઇ જાય છે. ફૂટ્બૉલ, કે ગૉલ્ફ કે ટેનીસની સફળતાનું એક કારણ કદાચ એ છે કે તેના નિયમો બહુ સરળ છે. તે સમજવા સહેલા પડે છે,અને તેથી જે લોકો પહેલાં એ રમત નથી રમ્યાં કે જે દેશમાં તે મુખ્ય રમતો નથી, તેમને પણ તેને સમજવામાં તકલીફ નથી પડતી. ક્રિકેટના વહીવટકર્તાઓએ આ બાબતને ધ્યાન પર લેવી જોઇએ.

જો કે, હું તો હજુ પણ માનું છું કે ક્રિકૅટની ખરી પરાકાષ્ઠાત્મક કસોટી તો ટૅસ્ટ ક્રિકેટ જ છે. અહીં હાજર બધાજ ખેલાડીઓ સ્વીકારશે, કે રમતનાં એ સ્વરૂપ દ્વારા જ કોઇ પણ ખેલાડી , સારો, કે મહાન, કે પછી સામાન્ય ખેલાડીતરીકે ઓળખાશે.ટી૨૦ કે ૫૦-ઑવરનાં સ્વરૂપમાં નોંધપાત્ર પ્રદર્શન સારી વાત અને વખાણવા લાયક જરૂર છે, પણ ક્રિકેટરની સાચી પરખ, ઓળખાણ અને પ્રસિધ્ધિ તો ટેસ્ટ ક્રિકેટમાં તેનું પ્રદર્શન જ કરાવશે.

ટૅસ્ટ ક્રિકેટ રમતા ૧૦ દેશો પૈકી  ચાર કે પાંચ મુખ્ય દેશોના વહીવટકર્તાઓએ એ સુનિશ્ચિત કરવાનું કરતા રહેવું જ જોઇએ કે ટૅસ્ટ ક્રિકેટ તેનાં સર્વોચ્ચ સ્થાને અગ્રેસર બની રહે. એ માટે, સાવ એકતરફી ખેલ બની રહે તેવી પિચને બદલે  સંતુલીત પિચ તૈયાર થતી રહેવી જોઇએ. રમતની પિચ એવી હોવી જોઇએ કે શ્રેષ્ઠ ખેલાડીને શ્રેષ્ઠ ખેલાડી સામે પોતાનું કૌશલ્ય બતાવાની કસોટીમય , સરખી, તક મળી રહે, કારણકે ટૅસ્ટ મેચ એ માત્ર તમારી આવડત અને અભ્યાસની જ કસોટી માત્ર નથી. એમાં તો તમારી હિંમ્મત અને તમારા નૈસર્ગીક, સ્વાભાવિક, માનસીક અભિગમની પણ કસોટી છે. મારૂં હંમેશ માનવું રહ્યું છે કે છોકરડાઓમાંથી મરદને અલગ તારવવા હોય તો, ટેસ્ટ ક્રિકેટના ધગધતા દેગડામાં જ ખેલાડીનો સ્વભાવ કેવો રહે છે તે જ જોવું જોઇએ.  બધાજ વહીવટકર્તાઓને મારી અરજ છે કે આ બાબત પ્રત્યે તો ખાસ ધ્યાન આપે.

રવિ શાસ્ત્રી અને શ્રી એન સ્રિનિવાસને કહ્યું છે તેમ, ટાઇગર પટૌડી ઓછા બોલા હતા. અને આપણે આજે ટી૨૦ના યુગમાં જીવીએ છીએ. એટલે, હું પણ હવે વધારે નહીં ચલાવ્યે રાખું. આવતા બે એક દિવસમાં જ, હંમેશાં રસાકસી ભરેલ રહેલ એવી, ટેસ્ટ મૅચ શૃંખલા શરૂ થઈ રહી છે. હું બન્ને ટીમોને ઢગલાબંધ શુભેચ્છાઓ પાઠવીશ – જો કે ભારતીય ટીમને થોડી વધારે, કારણકે ઑસ્ટ્રેલીયન ટીમ કરતાં તેમને તેની થોડી વધારે જરૂર છે. હમણાં હમણાંથી ઑસ્ટ્રેલીયન ટીમ વધારે જીતે છે, જ્યારે ભારતીય ટીમ કંઇક અંશે ઓછી જીતે છે. મને આશા છે. અને ખાત્રી પણ છે, કે આ પણ એક ખૂબ જ રસપ્રદ શૃંખલા નીવડશે.

ભારત- ઑસ્ટ્રેલીયાની શૃંખલા હંમેશાં ખાસી ચડસા ચડસીભરી અને, ખાસી આંકડે-આંકડા ભીડાવીને, રમાતી રહેતી હોય છે. પણ જેમ ટાઇગર કરતા, તેમ રમતમાં થોડી મસ્તી જરૂર રાખજો. જ્યારે બૅટ્સમૅન અર્ધશતક કે શતક બનાવે કે બૉલર વિકેટ લે ત્યારે ચહેરા પર ખુશીનું સ્મિત ફરકાવજો. થોડું અમસ્તું એ સ્મિત પણ બહુ મોટી અસર કરે છે. તેનાથી ટૅલીવિઝનના દર્શકો અને બીજાં બધાંને બહુ સારું લાગે છે. તે જોઇને યુવાનોને પણ આ ખેલ રમવાની ચાનક લાગશે.

ફરી એક વાર, હું બન્ને ટીમોને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શ્રી સ્રિનિવાસન અને બી.સી.સી.આઈનો પણ હું બહુ જ આભારી છું કે તેમણે મને આ પ્રથમ એમએકે પટૌડી મેમોરિયલ વ્યાખ્યાનમાળામાં બોલવાનો અવસર આપ્યો. એક પ્રારંભીક બૅટ્સમેન હંમેશ, આખી જીંદગી, પ્રારંભીક બૅટ્સમેન જ રહેતો હોય છે!

 અને ટાઇગર, તમે જો ત્યાં હાજર રહીને મને સાંભળતા હો, તો મારા, અને તમારા સંપર્કમાં આવેલ સહુ વતી, આ ખેલને સમૃધ્ધિનાં આ શીખર સુધી પહોંચાડી આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર માનું છું,

સન્નારીઓ અને સજ્જનો, આપ સહુનો પણ ખુબ ખુબ આભાર.

1 thought on “અનુવાદ – ૧૨ (અશોક વૈષ્ણવ)

  1. શ્રેષ્ઠ ખેલાડીને શ્રેષ્ઠ ખેલાડી સામે પોતાનું કૌશલ્ય બતાવાની કસોટીમય , સરખી, તક મળી રહે, કારણકે ટૅસ્ટ મેચ એ માત્ર તમારી આવડત અને અભ્યાસની જ કસોટી માત્ર નથી. એમાં તો તમારી હિંમ્મત અને તમારા નૈસર્ગીક, સ્વાભાવિક, માનસીક અભિગમની પણ કસોટી છે. મારૂં હંમેશ માનવું રહ્યું છે કે છોકરડાઓમાંથી મરદને અલગ તારવવા હોય તો, ટેસ્ટ ક્રિકેટના ધગધતા દેગડામાં જ ખેલાડીનો સ્વભાવ કેવો રહે છે તે જ જોવું જોઇએ. બધાજ વહીવટકર્તાઓને મારી અરજ છે કે આ બાબત પ્રત્યે તો ખાસ ધ્યાન આપે.
    સુંદર પ્રેરણાદાયી વાત

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s