ભાષાને શું વળગે ભૂર – ૨૬ (બાબુ સુથાર)


Variationsનું ભાષાશાસ્ત્ર

આમ તો આ લેખમાં મારે ક્રિયાપદોમાંથી બનાવવામાં આવતાં ક્રિયાવિશેષણોની વાત કરવાની હતી. પણ સમયના અભાવે એ કામ પૂરું થઈ શક્યું નથી. એથી હું આ લેખમાં એક બીજા જ, પણ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલા, મુદ્દાની વાત કરવા માગું છું. એ મુદ્દો પણ ગુજરાતી ભાષા સાથે સંકળાયેલો છે.

જે વાચકો આ શ્રેણીમાં પ્રગટ થયેલાં લખાણો વાંચતા આવ્યા છે એમને એક વાત યાદ હશે. આપણે ભાષાની વાત કરતી વખતે બે પ્રકારના અભિગમની વાત કરેલી. એમાંનો એક અભિગમ ભાષાને જ્ઞાન (knowledge) તરીકે જુએ છે અને બીજો અભિગમ ભાષાને કાર્ય (function) તરીકે જુએ છે. જો કે, આ વર્ગીકરણ પણ વધારે પડતું simplistic છે. કમનસીબે કે સદનસીબે, આ મુદ્દો આટલો બધો સરળ નથી. એમ છતાં આપણે એની સંકુલતાની ચર્ચામાં નહીં પડીએ. કેમ કે મારો આશય વાચકોને વિચારતા કરવાનો છે. વાચકોને જ્ઞાન આપવાનો નહીં.

ભાષાને જ્ઞાન તરીકે જોતા ભાષાશાસ્ત્રીઓ માને છે કે ભાષા એક homogeneous વ્યવસ્થા છે. એટલે કે ભાષામાં કોઈ variations હોતાં નથી અને જો હોય છે તો એ ચોક્કસ એવા નિયમને વશ વર્તીને કામ કરતાં હોય છે. દા.ત. આ બે વાક્યો લો: (૧) મને બે ભાઈ છે અને (૨) મારે બે ભાઈ છે. ઘણા ગુજરાતી ભાષકો આમાનું પહેલું વાક્ય વાપરતા હોય છે. અને એ ખોટું પણ નથી. કેમકે ‘રમેશને બે ભાઈ છે’ જેવાં વાક્યોમાં આપણે ‘રમેશ’ને -ને લગાડીએ છીએ. જે ભાષાશાસ્ત્રીઓ ભાષાને જ્ઞાન તરીકે જુએ છે એ લોકો આ બન્ને વાક્યોને કોઈ એક જ સિદ્ધાન્ત વડે સમજાવવાનો પ્રયાસ કરશે. પણ, જે લોકો ભાષાને કાર્ય તરીકે જુએ છે એ લોકો કહેશે કે ભાષા homogeneous વ્યવસ્થા નથી પણ heterogenous વ્યવસ્થા છે. એમાં variations હોય જ અને કેટલાંક variations જ્ઞાન સાથે નહીં પણ સમાજ સાથે સંકળાયેલાં હોય છે.

          ભાષાશાસ્ત્રમાં નૉમ ચોમ્સકીએ ભાષાને homogeneous વ્યવસ્થા તરીકે સ્વીકારી. એની સામે છેડે વિલિયમ લેબોવ નામના ભાષાશાસ્ત્રીએ ભાષાને heterogenous વ્યવસ્થા તરીકે સ્વીકારી. મજાની વાત એ છે કે ચોમ્સકીએ એમનું પીએચડી યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી કરેલું અને લેબોવે એમની જીંદગીમાં મોટા ભાગનાં વર્ષો યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ભાષાશાસ્ત્ર ભણાવવામાં ગાળેલાં. જો કે, અત્યારે તો એ નિવૃત્ત થઈ ગયા છે.

          લેબોવે ત્યારે, ખાસ કરીને ધ્વનિનાં variationsની વાત કરતી વખતે બે પ્રકારનાં variationsની વાત કરેલી. એક variation તે મુક્ત (free) variation અને બીજું તે બદ્ધ (bound) variations. દાખલા તરીકે તમે ‘કળા’ અને ‘કલા’ શબ્દ લો. બન્નેના અર્થ એક જ છે. પણ એકમાં ‘ળ’ છે અને બીજામાં ‘લ’ છે. આપણા માટે સવાલ એ થાય કે આ કયા પ્રકારનું variation છે? મુક્ત કે બદ્ધ છે? લેબોવ કહે છે કે મુક્ત variationsને આપણે ન તો ભાષાની આંતરિક સંરચના સાથે સાંકળી શકીએ ન તો ભાષાની બહારના સમાજ સાથે. જ્યારે બદ્ધ variationsને આપણે કાં તો ભાષાની આંતરિક સંરચના સાથે જોડી શકીએ કાં તો ભાષાની બહારના સમાજ સાથે. અહીં સમાજમાં ભૂગોળનો પણ સમાવેશ કરવાનો. જ્યારે ગુજરાતી પ્રજાએ બાર ગાઉએ બોલી બદલાય એમ કહ્યું હશે ત્યારે એમના મનમાં પણ આ જ હશે: variationsને ભૌગોલિક વાસ્તવિકતા સાથે જોડી શકાય. આપણને ખબર નથી કે ‘કળા’ અને ‘કલા’ કયા પ્રકારનાં variations છે.

આવું એક બીજું ઉદાહરણ લો: ‘બહેન’ અને ‘બેન’. કેટલાક લોકો ‘બહેન’ લખે છે તો કેટલાક ‘બેન’. જોડણીકોશ ‘બહેન’ની તરફેણ કરે છે. પણ, ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ જોતાં બન્નેમાંથી એકેયની જોડણી ખોટી નથી. ગુજરાતીમાં એક નિયમ છે. એ પ્રમાણે બે સ્વર વચ્ચે આવતા -હ-નો લોપ કરી શકાય. bəhenમાં ə અને e વચ્ચે h આવે છે. એનો લોપ થવાથી આપણે ‘બહેન’ લખીશું. અહીં આપણે કહી શકીએ કે આ variation બદ્ધ છે અને એ ભાષાની સંરચના સાથે સંકળાયેલું છે. આ variationને નિયમ આપીને સમજાવી શકાય.

જો કે, એવું પણ બને કે આપણા સમાજનો કોઈ એક વર્ગ આ -હ- લોપનો નિયમ વાપરતો હોય અને બીજો વર્ગ ન વાપરતો હોય! જો એમ હોય તો આ variation બદ્ધ પણ બને! જો કે, આ હ-લોપ સાથે કોઈ સમાજવ્યવસ્થા સંકળાયેલી છે કે નહીં એની આપણને ખબર નથી.

          આવાં variations રૂપતંત્રના સ્તરે પણ હોઈ શકે. જો કોઈ ‘ચા પીધો’ બોલે તો આપણે તરત જ કહીશું કે એ ભાઈ સૌરાષ્ટ્રમાંથી આવતા હશે. આપણે જાણીએ છીએ કે ‘ચા પીધો’ અને ‘ચા પીધી’ બન્ને variations છે અને એમાંની પહેલી variety સૌરાષ્ટ્રમાં વધારે વપરાય છે. લેબોવના મત પ્રમાણે જઈએ તો આ એક બદ્ધ variation છે. પણ ગુજરાતની અને ગુજરાતી ભાષાની ભૂગોળ સાથે સંકળાયેલી!

જો કે, એનો અર્થ એવો નથી કરવાનો કે સૌરાષ્ટ્રના બધ્ધા જ માણસો હંમેશાં ‘ચા પીધો’ બોલે છે. કેટલાક ન પણ બોલતા હોય. કેટલાક સૌરાષ્ટ્રમાં હોય ત્યારે બોલતા હોય પણ અમદાવાદમાં ન બોલતા હોય. એવું પણ બને કે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રીઓ ‘ચા પીધો’ બોલતા હોય પણ એ જ સૌરાષ્ટ્રીઓ સુરતના બીજા વિસ્તારમાં કામે જાય ત્યારે ‘ચા પીધી’ બોલતા હોય. આ એક તપાસનો વિષય છે.

          એ જ રીતે આવાં variations વાક્યના સ્તરે પણ જોવા મળે. મેં ‘હુએ કીધું’ અને ‘મેં કીધું’ જેવાં વાક્યો સાંભળ્યાં છે. આ variations પણ મુક્ત કે બદ્ધ હોઈ શકે. જો બદ્ધ હોય તો કદાચ ભૂગોળ પ્રમાણે કદાચ સામાજિક વર્ગ પ્રમાણે. કદાચ બન્ને પણ કોઈક ભૂમિકા ભજવતાં હોય. આવાં બીજાં અનેક વાક્યો છે. દા.ત. “હું મીનાને મળવા ગયો” અને ‘હું મીનાને મળવા માટે ગયો” વાક્યો લો. એકમાં ‘માટે’નો લોપ થયો છે, બીજામાં નથી થયો.

          જેમ ધ્વનિતંત્ર, રૂપતંત્ર અને વાક્યતંત્રના સ્તરે variations હોય છે એમ શબ્દોના સ્તરે પણ variations હોઈ શકે. ભાષાશાસ્ત્રીઓ એને lexical variations કહે છે. આ મુદ્દો સમજવા‘પલળી જવું’ અને ‘પિલ્લઈ જવું’ જેવાં ક્રિયાપદો લો. સુરત બાજુ ‘પિલ્લઈ જવું’ વધારે વપરાય છે. એ જ રીતે, ‘પૂરણપોળી’, ‘વેડમી’ અને‘ગળી રોટલી’ જેવા શબ્દો લો. ત્રણેય એક જ વાનગી માટે વપરાય છે પણ આ ત્રણેય કદાચ ત્રણ જુદા જુદા સામાજિક વર્ગમાં બોલાતાં હશે. આ સંદર્ભમાં નાગર food namesનો અભ્યાસ કરવા જેવો ખરો. બરાબર એમ જ મરણની ભાષા લો. ‘અક્ષરનિવાસી થવું’ સ્વામીનારાયણ સંપ્રદાયમાં વપરાય છે જ્યારે ‘ગોલોકવાસી’ થવું વૈષ્ણવ સંપ્રદાયમાં. ગુજરાતીમાં મરણના narrativeની ભાષા પર કોઈ ધારે તો પીએચડી કરી શકે.

          ગુજરાતી ભાષા સાચેક અનેક રીતે વિશિષ્ટ છે. હું જે પ્રકારનાં variationsની વાત કરું છું એવાં variations આપણને જોડણીના સ્તરે પણ મળી રહે. તમે સુરેશ જોષીનાં લખાણો વાંચો તો તમને ‘સંત’, ‘સંપ’ ‘ચંડી’ જેવા શબ્દોને બદલે ‘સન્ત’, ‘સમ્પ’ અને ‘ચણ્ડી’ જેવા શબ્દો મળશે. એ જમાનામાં સુરેશ જોષીની સાથે સંકળાયેલા મોટા ભાગના લેખકો આ રીતે જોડણી કરતા હતા. આને સામાજિક બદ્ધ variation કહી શકાય. જોડણીકોશમાં આવાં ઘણાં બધાં variations સ્વીકારવામાં આવ્યાં છે. આવી જ પરિસ્થિતિ macro સ્તર પર પણ જોવા મળે છે. ઘણા લોકો ઊંઝા જોડણીના નામે કેવળ હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ જ વાપરે છે. એને કારણે આપણી જોડણીવ્યવસ્થા પણ બે સામાજિક વર્ગોમાં વહેંચાઈ ગઈ છે. અત્યારે તો આપણે એક ત્રીજી વ્યવસ્થાની પણ કલ્પના કરવી પડે જેમાં અરાજકતા સિવાય બીજું કશું જોવા મળતું નથી. એક જ લેખક ક્યારેક ‘દીકરો’ પણ લખે ને ‘દીકરો’ પણ. આવાં variationsની સાથે કઈ રીતે કામ પાર પાડવું એ એક પ્રશ્ન છે.

          લેબોવ કહે છે કે જે variationsને આપણે સમાજ સાથે જોડી શકીએ એ variations ઘણી વાર જે તે સમાજની ઓળખ બની જતાં હોય છે. એથી જ તો variations અને identity પર અનેક પુસ્તકો અને સંશોધન લેખો પ્રગટ થયાં છે.

જો કે, એમાંનાં ભૌગોલોક variations ઓળખવાં પ્રમાણમાં વધારે સહેલાં છે. કેટલાંક સામાજિક variations પણ એ જ રીતે ઓળખી શકાય એવાં હોય છે. પણ, એ બધાં variationsના આપણે જોઈએ એવા અભ્યાસ કર્યા નથી એથી અત્યારે આપણે કંઈ કહી શકીએ એમ નથી. બાકી જેમ રાજ્યની કે દેશની ભૂગોળના નકશા બનાવી શકાય એમ ભાષા variationsના નકશા પણ બનાવી શકાય અને એવા જ સામાજિક નકશા પણ.

          આ પ્રકારનાં variationsનો અભ્યાસ મોટે ભાગે તો સમાજભાષાશાસ્ત્રના અભ્યાસના એક ભાગ રૂપે થતો હોય છે. એનો અભ્યાસ કરવાની પણ પદ્ધતિઓ છે. એમાં સૌ પહેલાં તો સંશોધક variationsના બને એટલા નમૂના એકત્ર કરતો હોય છે અને ત્યારબાદ એ variationsને કાં તો ભૂગોળ સાથે કાં તો સામાજિકવ્યવસ્થા સાથે સાંકળતો હોય છે. એમ કરતી વખતે એ આંકડાશાસ્ત્રનો પણ ઉપયોગ કરે અને ક્યારેક એના નકશા પણ બનાવે.

ગુજરાતીમાં વર્ષો પહેલાં પ્રબોધ પંડિતે આ દિશામાં થોડું કામ કરેલું. ત્યાર પછી બીજા ભાષાશાસ્ત્રીઓએ પણ છૂંટુંછવાયું કામ કર્યું છે પણ છેલ્લે મારે એટલું જ કહેવાનું કે આ ક્ષેત્રમાં પણ હજી આપણે ઘણા પાછળ છીએ.

1 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૨૬ (બાબુ સુથાર)

  1. Variationsનું ભાષાશાસ્ત્ર.સુંદર
    લેખ ઘણું નવુ જાણવા મળ્યું
    ”આવી જ પરિસ્થિતિ macro સ્તર પર પણ જોવા મળે છે. ઘણા લોકો ઊંઝા જોડણીના નામે કેવળ હ્રસ્વ ઉ અને દીર્ઘ ઈ જ વાપરે છે. એને કારણે આપણી જોડણીવ્યવસ્થા પણ બે સામાજિક વર્ગોમાં વહેંચાઈ ગઈ છે. અત્યારે તો આપણે એક ત્રીજી વ્યવસ્થાની પણ કલ્પના કરવી પડે જેમાં અરાજકતા સિવાય બીજું કશું જોવા મળતું નથી
    અને દરેક પોતાને રેશનાલીસ્ટ માને!
    ‘સુરતના વરાછા વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રીઓ ‘ચા પીધો’ બોલતા હોય પણ એ જ સૌરાષ્ટ્રીઓ સુરતના બીજા વિસ્તારમાં કામે જાય ત્યારે ‘ચા પીધી બોલે !
    ‘ચા પીધો’ બોલે ત્યારે લાગે છે કે ચામાં કેફેન અને ટેનિક એસિડની માત્રા વધી ગઇ !.

    Liked by 1 person

પ્રતિભાવ