ભાષાને શું વળગે ભૂર – ૨૭ (બાબુ સુથાર)


ક્રિયાવિશેષણ કૃદંત

આપણે જોયું કે વર્તમાનકાળ અને ભૂતકાળની વ્યવસ્થા (system) કૃદંતની વ્યવસ્થામાં ભાગ લેતી નથી. કેમ કે એ બન્ને વ્યવસ્થાઓ સાથે પુરુષવ્યવસ્થા (પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ) સંકળાયેલી છે અને ગુજરાતી કૃદંતની વ્યવસ્થામાં પુરુષવ્યવસ્થા કોઈ ભૂમિકા ભજવતી નથી. અર્થાત્, કૃદંતની વ્યવસ્થામાં આપણે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ જેવી કોઈ વ્યવસ્થા કામ કરતી જોતા નથી.

આપણે એ પણ જોયું કે -ત્- અને -ય્-/-એલ્ પ્રત્યયો કાળ કરતાં વધારે તો અવસ્થા સાથે સંકળાયેલા છે. -ત્- અપૂર્ણ અર્થાત્ ચાલુ અવસ્થાનું સૂચન કરે છે જ્યારે -ય્-/-એલ્ પૂર્ણ અવસ્થાનું સૂચન કરે છે. એમ હોવાથી હું માનું છું કે આ પ્રત્યયોના ઉપયોગથી બનતાં કૃંદતોને આપણે અનુક્રમે અપૂર્ણ કૃદંત અને પૂર્ણ કૃદંત તરીકે ઓળખવાં જોઈએ.

          આમાંના -ત્- પ્રત્યયનો, અર્થાત્ અપૂર્ણઅવસ્થા વાચક -ત્-નો આપણે ક્રિયાપદોમાંથી ક્રિયાવિશેષણો બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ. જો કે, એમ કરતી વખતે આપણે કેવળ -ત્- પ્રત્યય જ નથી વાપરતા. એની સાથે આપણે -આં પ્રત્યય પણ જોડીએ છીએ. આપણે કદાચ એમ કહી શકીએ કે -ત્- અપૂર્ણ અથવા તો ચાલુ અવસ્થાનું સૂચન કરે છે જ્યારે -આં ક્રિયાવિશેષણનું. અથવા તો બન્ને ભેગાં થઈને ક્રિયાવિશેષણ બનાવે છે.

          આ પ્રકારનાં ક્રિયાવિશેષણો આપણે ઓછામાં ઓછી બે ક્રિયાઓની વાત કરતી વખતે વાપરતા હોઈએ છીએ. દા.ત. (૧) ‘રમેશ ચાલતાં ચાલતાં પડી ગયો’ વાક્ય લો. અહીં ‘રમેશ’ બે ક્રિયાઓ કરી રહ્યો છે. એક તો ચાલવાની અને બીજી તે પડી જવાની. આ વાક્યમાં ‘ચાલતાં ચાલતાં’ ક્રિયાવિશેષણના મૂળમાં ‘ચાલવું’ ક્રિયાપદ છે. એમાં infinitive ‘-વું’ની જગ્યાએ આપણે -ત્-આં (-તાં) પ્રત્યય વાપર્યો છે.

          આ પ્રકારનાં ક્રિયાવિશેષણોનું વર્તન નિયમિત ક્રિયાવિશેષણો જેવું જ છે કે જુદું એ એક અભ્યાસનો વિષય છે. દા.ત. આપણે (૩) ‘રમેશે માંડ માંડ દવા લીધી’, (૪) ‘માંડ માંડ રમેશે દવા પીધી’, (૫) ‘રમેશે દવા માંડ માંડ પીધી’ જેવાં વાક્યો બનાવી શકીએ છીએ. કોઈ કહેશે કે આ વાક્યોમાં ‘માંડ માંડ’ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. જો કે, એક સિદ્ધાન્ત એવો પણ છે જે એમ કહે છે કે ‘માંડ માંડ’ એક જ જગ્યાએ રહે છે અને બાકીના વાક્યમૂલક શબ્દો ફરે છે. વરસો પહેલાં આપણે એવું માનતા હતા કે પૃથ્વી જ આ જગતના કેન્દ્રમાં છે. પણ, પાછળથી વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે પૃથ્વી નહીં, સૂર્ય આ જગતના કેન્દ્રમાં છે અને આપણે સૂર્યની આસપાસ ફરીએ છીએ. ભાષાશાસ્ત્રમાં પણ કંઈક એવી જ ઘટના બની. પહેલાં આપણે એવું માનતા હતા કે ક્રિયાવિશેષણો ક્રિયાપદોની આસપાસ ફરતાં હશે. પણ કેટલાક ભાષાશાસ્ત્રીઓએ, ખાસ કરીને જનરેટીવ ભાષાશાસ્ત્રને વરેલા ભાષાશાસ્ત્રીઓએ, એવી દલીલ કરી કે ક્રિયાવિશેષણો એક જ જગ્યાએ રહે છે. બીજી વાક્યમૂલક કોટિઓ ફરતી હોય છે. જો કે, અત્યારે, ખાસ કરીને ચોમ્સકીના minimalist program પછી આ માન્યતા કેટલી અને કઈ રીતે સ્વીકાર્ય છે એ પણ એક મુદ્દો છે. અત્યારે આપણે એ બધામાં નહીં પડીએ.

વાક્ય (૩)-(૫)ની જેમ આપણે (૬) ‘રમેશ ચાલતાં ચાલતાં પડી ગયો’ અને (૭)  ‘ચાલતાં ચાલતાં રમેશ પડી ગયો’ જેવાં વાક્યો પણ બનાવી શકીએ છીએ. એ જ રીતે આપણે (૮) ‘રમેશને દુકાને જતાં વાર લાગી’ જેવું વાક્ય બનાવી શકીએ પણ (૯) *‘જતાં રમેશને દુકાને વાર લાગી’ કે (૧૦) *‘રમેશને જતાં દુકાને વાર લાગી’ જેવાં વાક્યો ન બનાવી શકીએ. (૮), (૯) અને (૧૦)માં પણ ‘જતાં’ ક્રિયાવિશેષણ જ છે. એનો અર્થ એ થયો કે ગુજરાતીમાં આવાં ક્રિયાવિશેષણોનો એક વર્ગ છે જે નિયમિત ક્રિયાવિશેષણો જેવું વર્તન નથી કરતો.

          હવે સવાલ એ થાય કે આ પ્રકારનાં ક્રિયાવિશેષણો કયા પ્રકારના અર્થ પ્રગટ કરે છે? હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’ પુસ્તકમાં પ્રગટ થયેલા ‘-આં પ્રત્યયવાળાં ક્રિયાવિશેષણીય વર્તમાન કૃદંત આદિ’ લેખમાં આ પ્રકારનાં ક્રિયાવિશેષણોના વિવિધ અર્થો આપ્યા છે. એમની યાદી ઘણી લાંબી છે. પણ, આપણે એ યાદીનું સામાન્યીકરણ કરીને કહી શકીએ કે ગુજરાતીમાં આ પ્રકારનાં ક્રિયાવિશેષણો કાં તો બે ક્રિયાઓનું સહપ્રવર્તન (simultaneous) પ્રગટ કરે કાં તો આનુપૂર્વી. જો કે, અહીં સહપ્રવર્તનની વિભાવના પણ જરા સ્પષ્ટ કરવી પડે. એમાં, આપણે નોંધ્યું છે એમ, ઓછામાં ઓછી બે ક્રિયાઓ હોય પણ ઘણી વાર એમાંની એક ક્રિયા પહેલી બનતી હોય અને એ દરમિયાન બીજી ક્રિયા બનતી હોય. ક્યારેક બન્ને ક્રિયાઓ એકસાથે પણ બને. હું માનું છું કે ભાયાણીએ જે પ્રકારો આપ્યા છે એ બધાનો આપણે આ બે મુખ્ય પ્રકારોમાં સમાવેશ કરી શકીએ.

આ વાત આપણે થોડાં ઉદાહરણો લઈને સમજીએ. દાખલા તરીકે (૧૧) ‘રમેશ ચાલતાં ચાલતાં ગબડી પડ્યો’ વાક્ય લો. એમાં, આપણે આગળ જોયું એમ, બે ક્રિયાઓ બને છે. એક તે ‘ચાલવાની’ અને બીજી તે પડી જવાની. અહીં બન્ને ક્રિયાઓ સાથે બને છે પણ એક ક્રિયા, અર્થાત્, ચાલવાની ક્રિયા પહેલાં શરૂ થઈ ગઈ છે. એને આપણે પશ્ચાદક્રિયા કે એવું કંઈક નામ આપી શકીએ. એ જ રીતે (૧૨) ‘આ કવિતા તને વાંચતાં વાંચતાં સમજાશે’ જેવાં વાક્યો લો. એમાં પણ બન્ને ક્રિયાઓ એક સાથે બને છે પણ કવિતા વાંચવાની અને સમજવાની બન્ને ક્રિયાઓ એક સાથે શરૂ થાય છે. બરાબર એમ જ (૧૩) ‘રમા ચાલતાં લપસી પડી’ વાક્ય લો. એમાં પણ પહેલાં ચાલવાની ક્રિયા શરૂ થાય છે અને એ ક્રિયા ચાલુ હોય ત્યારે લપસી પડવાની ઘટના બને છે. અને એ જ રીતે, (૧૪) ‘રમા પડતાં બચી ગઈ’ જેવાં વાક્યો લો. ભાયાણી એમાં likelyનો અર્થ જુએ છે અને એમાં કશું ખોટું પણ નથી પણ એમાં ય એક ક્રિયા પહેલાં શરૂ થઈ જાય છે ને એ ક્રિયા ચાલુ હોય એ દરમિયાન બીજી ક્રિયા બને છે. જો કે, અહીં આપણે (૧૧) અને (૧૩)ની વચ્ચે રહેલો એક મહત્ત્વનો ભેદ નોંધવો જોઈએ. (૧૧)માં પશ્ચાદ્‌ક્રિયાનું પુનરાવર્તન બતાવવામાં આવ્યું છે. એ પણ કૃદંતની દ્વિરુક્તિ વડે. (૧૩)માં એવું પુનરાવર્તન નથી. હું સમજું છું ત્યાં સુધી આ પુનરાવર્તન ખૂબ મહત્ત્વનો વિચાર છે. હવે પછીના લેખમાં આપણે એની પણ થોડીક ચર્ચા કરીશું.

હવે આનુપૂર્વીસૂચક ક્રિયાપદમૂલક ક્રિયાવિશેષણો લો. (૧૫) ‘રમેશ જતાં અમને ભારે ખોટ પડી’ જેવાં વાક્યો લો. આ વાક્યમાં રમેશની ‘જવાની’ ઘટના પહેલાં બને છે અને પછી એની ‘ખોટ પડવાની’ ઘટના બને છે. આપણે આને આનુપૂર્વીદર્શક પ્રયોગ કહી શકીએ. ભાયાણી અહીં કાર્યકારણનો સંબંધ જુએ છે. એ અર્થઘટન પણ ખોટું નથી. એ જ રીતે, ભાયાણી (૧૬) ‘ખાતાં ખવાઈ ગયું’ જેવાં વાક્યો પણ આપે છે ને કહે છે કે આ પ્રકારનાં વાક્યો અકસ્માત પ્રગટ કરે છે. ભાયાણી ખોટા નથી પણ આ પ્રકારનાં વાક્યો જરા વધારે ઊંડી ચર્ચા માગી લે છે. કેમ કે એમાં બે ક્રિયાઓ બને છે પણ બન્ને એક જ ક્રિયાપદ દ્વારા દર્શાવાતી ક્રિયાઓ છે. એમાંની એક ક્રિયા કૃદંત દ્વારા પ્રગટ થાય છે, બીજી ક્રિયાપદ દ્વારા અને એ બન્નેનાં મૂળ એક જ ક્રિયાપદમાં છે. આવાં બીજાં બેત્રણ વાક્યો જોવાથી આ વાત સમજાઈ જશે. દા.ત. (૧૭) ‘પીતાં પીવાઈ ગયું’, (૧૮) ‘રમતાં રમાઈ ગયું’. (૧૯) ‘બોલતાં બોલાઈ ગયું’. પણ, તમે (૧૯) ‘જાગતાં જગાઈ ગયું’, (૨૦) ‘પડતાં પડાઈ ગયું’, (૨૧) ‘મરતાં મરાઈ ગયું’ કે (૨૨) ‘જનમતાં જન્માઈ ગયું’ જેવાં વાક્યો બોલશો ખરા? ચતુર કરો વિચાર.

જો કે, આ પ્રકારનાં કૃંદતોના અર્થ પ્રમાણે વર્ગીકરણ કરવાનું કામ ક્યારેક મુશ્કેલ બની જાય. જેમ કે, (૨૩) ‘રમા જોતાં (જ) ગમી જાય એવી છે’ જેવાં વાક્યો લો. અહીં બે ક્રિયાઓ એક સાથે બને છે કે વારાફરતી? ભાયાણી કહે છે કે આ પ્રકારનાં વાક્યો immediacyનો અર્થ પ્રગટ કરે છે. એ વાત પણ સાચી છે પણ એ immediacy ‘જ’ને કારણે તો નથી ને? ફરી એક વાર ચતુર કરો વિચાર.

(નોંધ: અહીં આપેલાં ઘણાં બધાં ઉદાહરણો ભાયાણીના લેખમાંનાં ઉદાહરણોને આધારે બનાવવામાં આવ્યાં છે).

 

 

 

1 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૨૭ (બાબુ સુથાર)

  1. ‘ખાતાં ખવાઈ ગયું’ જેવાં વાક્યો પણ આપે છે ને કહે છે કે આ પ્રકારનાં વાક્યો અકસ્માત પ્રગટ કરે છે. ભાયાણી ખોટા નથી પણ આ પ્રકારનાં વાક્યો જરા વધારે ઊંડી ચર્ચા માગી લે છે. કેમ કે એમાં બે ક્રિયાઓ બને છે પણ બન્ને એક જ ક્રિયાપદ દ્વારા દર્શાવાતી ક્રિયાઓ છે. એમાંની એક ક્રિયા કૃદંત દ્વારા પ્રગટ થાય છે, બીજી ક્રિયાપદ દ્વારા અને એ બન્નેનાં મૂળ એક જ ક્રિયાપદમાં છે. ‘ ચતુર કરો વિચાર.જેવી વાત ગમી

    Like

પ્રતિભાવ