છાયા ત્રિવેદીની ગઝલો


છાયાબેન ત્રિવેદી "દાવડાનું આંગણું" માટે નવા નથી. એમની સુંદર વાર્તાઓથી અને બહુમુખી પ્રતિભાથી આપ સહુ વાચકો પરિચિત છો. આજે એમની ત્રણ તાજગીસભર ગઝલો મૂકતાં મને અત્યંત આનંદ થાય છે. આશા છે આપ સહુ એમને ઉમળકાભેર વધાવી લેશો.
ત્રણ ગઝલ  – છાયા ત્રિવેદી
૧. સમજ 

નીચેની ગઝલ આત્માને ઉજાગર કરવાની વાત કરે છે.  આભને આંબવા માટે પહેલા પોતાના ઘરની અગાશી સુધી તો પહોંચો. સાતેય સમંદરને ખેડવાના કોડ ભલે રાખો પણ કિનારા સુધી પહોંચવા માટે પ્રતિબદ્ધ ખલાસીનું સાગરખેડુ સાથે સંવાદિત હોવું બહુ જ જરૂરી છે. આખી ગઝલમાં આ એક ભાવનું સાતત્ય હોવા છતાં, સૂક્ષ્મપણે એમાં ગઝલના પ્રત્યેક શેરનો આગવો મિજાજ પણ છે. લાગણી થી માગણી સુધી, ગીતથી ઉદાસી સુધી અને અંધારથી ઉજાસ કરનારા સુધીની દરેક સફરમાં અંતરમનની ખોજ જુદી જુદી રીતે કરવી પડે છે અને એ ખોજની સૂતરના તાંતણે જ આખી ગઝલ બંધાઈ છે.

આભ સુધી પ્હોંચવા માટે અગાશીને સમજ
સાગરો ખેડાય નહીં અમથા, ખલાસીને સમજ.

એ પછી સમજી શકાશે લાગણી ને માગણી,
સૌપ્રથમ તો એક પથ્થરને તરાશીને સમજ.

પાંદડાં પણ ગાઈ ઊઠે કોઈ પંખી જેવું જો,
દોસ્ત પ્હેલાં ઝાડમાં ગોપિત ઉદાસીને સમજ.

પામવો સ્હેલો નથી અંધારને બસ એકલો –
આગિયા માફક જરા તું પણ પ્રકાશીને સમજ.

એકદમ અટકી જશે ખોટી ધમાલો આ બધી
મન પલાંઠી વાળ, ભીતરના નિવાસીને સમજ.

૨.  રહે તો રહે પણ

આ ગઝલની મઝા એ છે કે ઉપરછલ્લી દ્રષ્ટિથી એમ લાગે કે દરેક ચરઅચર વસ્તુઓ માટે એક નિશ્ચિત ગતિ છે, ગુણધર્મ છે. આ જ ગુણધર્મની ધરી પર સહુનું અસ્તિત્વ, એક સુનિશ્ચિત ઘટમાળ પ્રમાણે ચાલ્યા કરે છે. પરંતુ, આમાં કવિ એક છાની છટકબારી મૂકી જાય છે જે આ ગઝલને મુક્ત આકાશનું પંખી-Free spirited –  બનાવે છે અને એ છે એના રદીફ કાફિયામાં છુપાયેલી સ્વતંત્રતા અને સ્વૈચ્છિક વિહારની ઝંખના. હવે ધ્યાનથી રદીફ કાફિયા વાંચો, “રહે તો રહે પણ, બને તો બને પણ, તરે તો તરે પણ ..” અને કવિની સ્વચ્છંદી નહીં, પણ સ્વૈચ્છિક સ્વૈરવિહારની પ્રચ્છન્ન આરત ઊડીને આંખે ન વળગે તો જ નવાઈ.

લઈ લીધું ખોબો ભરી જળ, રહે તો રહે પણ
ફરી ને ફરી માછલાં એ, તરે તો તરે પણ.

વહેતા કરી દો જરા, એક-બે-ત્રણ લસરકા
કદી, ક્યાંક, કોઈ લકીરો, બને તો બને પણ.

ભલે સૂર તારો હશે મન્દ્રનો, છેડજે બસ –
ન પાડીશ તું સાદ, પડઘો મળે તો મળે પણ.

ઉપર જોઈને દોસ્ત, લંબાવજે હાથ અમથા
ઘટાટોપ આકાશ આખું, નમે તો નમે પણ.

હયાતી હતી કે હશે કે પછી છે – ખબર ક્યાં ?
હવા જેમ એ ફરફરે છે, અડે તો અડે પણ.

૩.  સાંજ ઢળતાં 

એકતારો વાગી રહ્યો હોય, ને ગગનમાં પણ ધીરે ધીરે એક સિતારો ઉદય થાઉંથાઉં કરતો હોય, હ્રદયને આ એકાંતની ઉદાસી ગમતી પણ હોય અને ન પણ ગમતી હોય, તેજ અને તિમિરના પડછાયા એકમેક સંગે સંતાકૂકડી રમતાં હોય , એવી એક  સાંજે,  આખા દિવસની ચહલપહલ પછી બાંકડાને એકલા છોડીને સહુ પોતપોતાના ઘરમાં સ્નેહીજન સાથે હોય ત્યારે એને લાગતા એકલવાયપણાની ચિંતા કોણ કરે? કવિ અહીં આ બાંકડો ક્યાં છે, કેમ એકલો અટૂલો છે, આ સાંજ કઈ ને ક્યારે ઢળે છે એની કોઈ ચોખવટ કર્યા વિના પણ સીધેસીધા આ શબ્દોથી દોરાયેલા રેખાચિત્રો લઈને આપણાઅંતરમાં ઊતરી જાય છે. કોઈ પણ જાતનો આડંબર નથી, સારા કે ખરાબ દેખાવાની ઈચ્છા નથી, બસ, વિયોગની વેદનાની આછી ટીશ વાચકોની આંગળીએ વળગાડીને ગઝલને રમતી મૂકી દે છે. આ જ કવિની “સીગ્નેચર સ્ટાઈલ” છે.

એકતારો એકધારો રોજ વાગે સાંજ ઢળતાં
એક તારો નિજ ગગનમાં સ્હેજ જાગે સાંજ ઢળતાં.

માગવા જો બેસું તો આપી જતે કેદાર પાછો,
હાથમાં કરતાલ લઈને કોણ માગે, સાંજ ઢળતાં !

સૂર્ય સાથે સાથ આપે ને લપાતા જાય તમસે
પોતપોતાના જ પડછાયા ય ભાગે સાંજ ઢળતાં.

આમ તો પાછા ફરે સૌ, પણ પક્ષી એકાદ એવું,
વૃક્ષ પર છોડી ટહુકા, નીડ તાગે સાંજ ઢળતાં.

સાવ ખાલીખમ પડેલા બાંકડાને કોણ પૂછે –
દોસ્ત એકલવાયું જોને, કેવું લાગે સાંજ ઢળતાં !

4 thoughts on “છાયા ત્રિવેદીની ગઝલો

 1. ત્રણેય ગઝલો વિચારસમૃદ્ધ અને કાવ્ય સૌંદર્ય થી મંડિત.રસાસ્વાદ પણ મધુર.

  Liked by 1 person

 2. સરસ રચાનાઓ.
  સાવ ખાલીખમ પડેલા બાંકડાને કોણ પૂછે –
  દોસ્ત એકલવાયું જોને, કેવું લાગે સાંજ ઢળતાં !

  Liked by 1 person

 3. સુ શ્રી છાયા ત્રિવેદીની ત્રણે ય સુંદર ગઝલ –
  સ રસ રસાસ્વાદ
  સાવ ખાલીખમ પડેલા બાંકડાને કોણ પૂછે –
  દોસ્ત એકલવાયું જોને, કેવું લાગે સાંજ ઢળતાં !
  વાહ
  યાદ આવે
  યાદ છે, તરબોળ ભીંજાયા હતાં,
  બાગના એ બાંકડે વરસાદમાં.
  સાવ એકલતા અડે વરસાદમાં,
  યાદનાં ફોરાં પડે વરસાદમાં
  યુવાન હૈયાં એકલાં હોય તો ઝૂરી રહે અને સંગાથે હોય તો ઝૂમી ઊઠે એ આ મોસમનો પ્રતાપ !!
  વ્યક્તિ કોઇપણ હોય, વરસતો વરસાદ એનામાં જરૂર વ્યાકુળતા જન્માવશે, પછી એ પ્રિયજનને મળવાની હોય, બાગના બાંકડે જઇ પલળવાની હોય !

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s