“મનને દળવા બેઠી”- કાવ્ય- દેવિકા ધ્રુવ


કાળના મહાપ્રવાહમાં કેટકેટલું ઘસડાઈ જાય છે, વિસરાઈ જાય છે પણ એ જ સમય ક્યારેક ને ક્યારેક, કોઈ ને કોઈ રીતે મૌન રહી અચાનક,નજર સામે ઘણું બધું પાછું ખડું કરી આપે છે. કોરોનાની  મહામારીના સમયમાં માનવીને સમગ્રતયા બદલાવું પડ્યું અને ઘડિયાળના કાંટે ચાલતો,ઘડીની યે નવરાશ ન પામતો એ જ માણસ સ્વયં કેટકેટલું અવનવા રૂપે ઉલેચી લાવ્યો!

વર્ષો જૂની, થાળાવાળી મોટી ઘંટી, મનને દળવા બેઠી.

મૂઠી ધાન, સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

ઘંટો સુધી બેસી સાથે,

ઘંટી-હાથો પકડી સામે;

ગોળ ઘૂમાવી કચડ કચડ હું

બે પડ વચ્ચે, પીસાતા દાણા, રુદિયે ભરવા બેઠી.

છાજલી પરથી  ઉતારી બરણી,

ડાઘા-ડૂઘી, લૂછીને  ભરતી,

નવા મસોતે ઝાપટી, ઝુપટી

ઢાંકી ઘંટી, કણ કણ ક્ષણની ધરવા બેઠી.

વર્ષો જૂની થાળાવાળી, બાની ઘંટી, મનને દળવા બેઠી…

મૂઠી ધાન સ્મરણોના ઓરી, સમય ભરડવા બેઠી.

(થાળું=જ્યાં ઘંટીનો લોટ કે દાણા ભેગાં થાય તે થાળું. )

(મસોતુ=સફાઈ કરતું પોતું. ‘કોરોના’ જેવું!)

3 thoughts on ““મનને દળવા બેઠી”- કાવ્ય- દેવિકા ધ્રુવ

  1. સુ શ્રી દેવિકા ધ્રુવની “મનને દળવા બેઠી”-ખુબ સરસ કાવ્ય.
    આપે ગુંથેલા શબ્દો વર્ષો પહેલા અમારા દાદી દળતા , અવાર નવાર જરુર પડે મેં પણ દળવાનું ચાલુ રાખ્યું અને હાલ એ જ જુની ઘંટીથી કસરત સાથે તાજો કેમીકલ વગરનો લોટ મળે તે આધારે સ્વપાકી દીકરો પરેશ દળે છે તે દ્રશ્ય તાદ્રશ થાય છે.
    દેવિકાબેન આપની કલમ માં જબરદસ્ત તાકાત છે . આપે ગુંથેલા શબ્દો થી મને વર્ષો પહેલા મારા દાદી જી ઘંટી ચલાવતા તે દ્રશ્ય તાદ્રશ થઈ ગયું .આ આપણું મન ઘંટીની જેમ કેટકેટલું દળતું જાય છે !
    સમય ,સ્વ અને સ્વજનો સાથેના સંબંધોના સ્મરણો…
    કેટલુંક દળાય છે અને કેટલુંક થાળામાં રહી પણ જાય
    ધન્યવાદ

    Liked by 2 people

પ્રતિભાવ