‘વારતા રે વારતા’ – (૯) – બાબુ સુથાર


બોટલમાં પૂરાયેલી નારીની કથા

બાબુ સુથાર

ઇઝરાયલની લેખિકા આલ્ચિના લુબિશ ડોમેકે (Alcina Lubitch Domecq) એમની ‘Bottles’ નામની વાર્તામાં પોતાની જાત સાથેનો સંબંધ ગુમાવી બેઠેલી અને યંત્રની માફક જીવ્યા કરતી એક સ્ત્રીની વાત કરી છે. આમ જુઓ તો આ વાર્તા સાવ સરળ છે. એમાં નાયિકા આપણને એની મા વિશે વાત કરી રહી છે. વાર્તાના આરંભમાં જ એ કહે છે કે મારા બાપુજીએ મને કહ્યું છે કે મારી માને ક્યાંક દૂર લઈ જવામાં આવી છે. જો કે, એને ક્યાં લઈ જવામાં આવી છે એ વિશે એમણે અમને કશું કહ્યું નથી. પણ, એમ ચોક્કસ કહ્યું છે કે મારી મા જ્યાં હશે ત્યાં સુખી હશે. એની સરસ કાળજી લેવામાં આવતી હશે. જે હોય તે. પણ મને મારી માની ખૂબ ખોટ સાલે છે. પછી એ કહે છે કે બાપુજીએ મને કહ્યું છે તારી માને બોટલોને પ્રેમ કરવાનો રોગ થયેલો હતો. અહીં ‘પ્રેમ કરવો’ ક્રિયાપદમાં કોઈ erotic ભાવ નથી એ વાત યાદ રાખવાની છે. સાવ વાસ્તવવાદી modeમાં કરવામાં આવેલા આ કથનમાં લેખિકાએ એક બીજી વાત પણ ગૂંથી નાખી છે. પણ, એ વાત કોઈક ચતુર વાચક જ સમજી શકે એમ છે. એ કહે છે કે “બાપુજીએ કહ્યું છે.” પણ એની સાથોસાથ એ એમ પણ કહે છે કે એને ક્યાં લઈ જવામાં આવી છે એ વિશે કંઈ કહ્યું નથી. અહીં ‘બાપુજી” એક પ્રકારની સત્તા તરીકે આવતા હોય એવું લાગે છે. જ્યારે બાપુજી નાયિકાને એમ કહે કે એ જ્યાં હશે ત્યાં એની સરસ કાળજી લેવાતી હશે ત્યારે પણ બાપુજી આપણને જરાક બેજવાબદાર લાગે.

આટલી વાત કર્યા પછી નાયિકા/કથક કહે છે કે મારી માને પ્લાસ્ટિક અને કાચની બોટલો ભેગી કરવાનો શોખ હતો. એવો શોખ એણે કેમ વિકસાવ્યો એ વિષે નાયિકા આપણને કશું કહેતી નથી. પણ, એ કહે છે કે માએ સૌ પહેલાં તો સુપરમાર્કેટમાં જઈને પ્લાસ્ટિકનીઅને કાચની બોટલો ખરીદવાનું શરૂ કરેલું. એ દરેક પ્રકારની બોટલો ખરીદતી. નાની, મોટી, સાંકડી, પહોળી.માનો આ પ્રેમ આગળ વધે છે. હવે એ દરેક વસ્તુને બોટલમાં ભરવા લાગે છે. કંઈ પણ હોય એ બોટલમાં જ હોવું જોઈએ. એ બાથરૂમનો સાબુ પણ બોટલમાં ભરે છે, લીબુ જ્યુસ પણ અને પેન્સિલો પણ. એને બોટલમાં ન ભરી શકાય એવી કોઈ પણ વસ્તુ સ્વીકાર્ય લાગતી જ નથી! જો કે, નાયિકાના કહેવા પ્રમાણે માની આ ટેવ બધાંને ગમતી ન હતી. સૌ પહેલાં તો નાયિકાના પિતાએ જ એનો વિરોધ કરેલો. પણ, નાયિકાની માએ એમના વિરોધને કાને ન હતો ધર્યો. એ તો બોટલો ખરીદતી જ ગયેલી. એટલું જ નહીં, એ તમામ વસ્તુઓને પણ બોટલોમાં ભરતી ગયેલી. એક તબક્કો તો એવો આવેલો કે એ બોટલમાં ન સમાય એવી કોઈ જ વસ્તુ ખરીદતી નહીં. નાયિકા કહે છે કે એના કારણે ક્યારેક ઘરમાં ટોઈલેટ પેપર ખૂટી જતાં. કેમ કે, ટોઈલેટ પેપર બોટલમાં ભરી શકાય નહીં. માના બોટલ-પ્રેમની વાત કરતાં નાયિકા આગળ કહે છે કે મા બોટલો ધોતી; એમને ચૂમતી; એમની સાથે વાત પણ કરતી; અને ક્યારેક એ બોટલોને એમ પણ કહેતી કે એક દિવસે હું તમને ખાઈ જઈશ. માનો આ પ્રેમ આખરે એટલો બધો આગળ નીકળી ગયો કે ઘરમાં બોટલો સિવાય ભાગ્યે જ બીજું કશું દેખાતું. રસોડામાં કેબિનેટ ખોલો અને એમાં પણ બોટલો જ. નાયિકા કહે છે કે ક્યારેક તો મા ગારબેજ કેન જેવડી બોટલો લઈ આવતી અને કપડાં એમાં ભરતી. દેખીતી રીતે જ, નાયિકાને અને એની બહેનને માની આ રીત ગમતી ન હતી. નાયિકા કહે છે કે બાપુજી ઘણી વાર એવું કહેતા કે માને લોજીકની ખબર નથી પડતી. એક રાતે તો મા હું હમણાં જ આવું છું એમ કહીને બજારમાં ચાલી ગયેલી અને ત્યાં આવેલી એક દારૂની દુકાનમાંથી એક બોકસ ભરેલી બાટલીઓ લઈ આવેલી. એણે એ બધ્ધો દારૂ ખરીદેલો અને દુકાનના બાથરૂમમાં જ ઢોળી નાખેલો! એને દારૂની પડી ન હતી. એને તો બોટલની પડી હતી. એ કહે છે કે મા જ્યારે બોટલોને ધોતી, એમને ચૂમતી, એમને વહાલ કરતી ત્યારે એ દૃશ્ય જોઈને હું અને મારી બહેન રડી પડતાં. આ બધી જ વાત નાયિકા આપણને કહી રહી છે. એની કહેવાની રીતના કારણે આપણને એની મા માટે અનુકંપા થઈ આવે પણ દીકરી માટે અર્થાત્ કથક માટે નહીં. એટલું જ નહીં, આપણને નાયિકાના બાપ માટે પણ કેટલાક પ્રશ્નો થાય. આપણને લાગે કે નાયિકાનો બાપ નાયિકાની મા સાથે કદાચ યોગ્ય વર્તન નથી કરી રહ્યો. દાખલા તરીકે, નાયિકા કહે છે કે એક વાર તો મારા બાપુજીએ પોલીસને બોલાવેલી. પણ,પોલીસ પણ શું કરે? એ તો આવીને ચાલી ગયેલી.

જો કે, હવે નાયિકાની માની પરિસ્થિતિ વધારે વણસે છે. એક દિવસે એ રડતાં રડતાં કહે છે કે મને દિવસો રહ્યા છે. નાયિકા કહે છે કે મારી નાની બેન માના ઉદરમાં હતી ત્યારે પણ મા આ રીતે જ રડતી હતી. એ એમ પણ કહેતી કે એના ઉદરમાં પ્લાસ્ટિકની એક બોટલ ઊછરી રહી છે. એને એની પીડા પણ થતી અને એ ઊલટીઓ પણ કરતી હતી. આવું થયું ત્યારે નાયિકાના બાપુજી એને દવાખાને લઈ ગયેલા. દાક્તરે બધી જ તપાસ કરેલી પણ એના પેટમાંથી કશું જ ન હતું નીકળ્યું. જો કે, ત્યાર પછી પણ, નાયિકા કહે છે કે, મારી મા મને અને મારી બહેનને સતત કહ્યા કરતી કે મારા પેટમાં એક બોટલ ઊછરી રહી છે. જો કે, એ વાત એ મારા બાપુજીને ન હતી કહેતી. કેમ કે એ એનું સાંભળતા જ ન હતા. પછી નાયિકાની માને એવું લાગવા માંડે છે કે એને કશુંક થઈ જવાનું છે. એક દિવસે નાયિકા અને એની બહેન ઘેર આવ્યાં ત્યારે એમણે જોયું તો મા પલંગ પાસે ઊભી હતી. એ જરા પણ હાલતી ન હતી. ચાલતી પણ ન હતી. એ કહે છે કે અમે એને બોલાવી તો એ બોલી ખરી. પણ એ ત્યાંથી ખસવા માટે તૈયાર ન હતી. નાયિકાએ જ્યારે એને કહ્યું કે તું અહીંથી ખસ તો એણે એને જવાબ આપેલો: હું બોટલમાં પૂરાઈ ગઈ છું. મારાથી નથી હલાતું કે નથી ચલાતું. હકીકતમાં એ કોઈ બોટલમાં પૂરાયેલી ન હતી. પછી વાત આગળ વધે છે. નાયિકા કહે છે કે માએ પછી અમને એમ પણ કહેલું કે મને કોઈ અડકે તો આ બોટલને કારણે મને એના અડકવાનો કોઈ અનુભવ થતો નથી. નાયિકા આપણને ખાતરી કરાવતાં કહે છે કે મેં માને અડકવાનો પ્રયાસ કરેલો પણ મને મારી અને એની વચ્ચે કોઈ કાચ હોય એવું લાગ્યું જ ન હતું. મા કંઈ કેટલાય દિવસો સુધી એમ જ ઊભી રહેલી એમ કહીને નાયિકા માનું વર્ણન કરતાં કહે છે કે મા હવે મને વાડામાંથી પકડીને કોઈક ડબ્બામાં પૂરી દેવામાં આવેલા ગૂંગળાતા કરોળિયા જેવી લાગતી હતી. વાર્તાના અન્તે નાયિકા કહે છે કે એમ્બ્યુલન્સ માને લઈ ગઈ પછી અમે ઘરમાં હતી એ બધી જ બોટલો ફેંકી દીધેલી. પાડોશીઓ તો જોતા જ રહેલા. મેં આ પહેલાં કહ્યું છે એમ આપણે કોઈ પણ વાર્તા વાંચીએ ત્યારે સૌ પહેલો પ્રશ્ન એ પૂછવાનો કે લેખકે આ વાર્તા કયા modeમાં લખી છે. લેખિકાએ આ વાર્તા દેખીતી રીતે જ વાસ્તવવાદી modeમાં નથી લખી. કોઈ માણસને બોટલો ભેગી કરવાનો શોખ હોઈ શકે. પણ, એ શોખ આટલી હદ સુધી પહોંચી જાય એ આપણને કદાચ જરા વધારે પડતું પણ લાગે. એમ છતાં એ આપણને નડતું નથી. એનો અર્થ એ થયો કે લેખિકાએ કોઈક બીજા જ modeમાં આ વા્ર્તા લખી છે. મને લાગે છે કે એમણે આ વાર્તા અતિવાસ્તવવાદી modeમાં લખી છે. બીજો પ્રશ્ન આપણે એ પૂછવાનો કે વાર્તા કયા પુરુષમાં કહેવામાં આવી છે. આ વાર્તા પહેલા પુરુષમાં કહેવામાં આવી છે. એક છોકરી આપણને એ વાત કરી રહી છે. છોકરીની ઉમર વગેરે વિશે લેખિકાએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી. પણ, એને નિશાળે જતી બતાવી છે. આમ આ આખી અવાસ્તવ લાગતી વાત લેખિકાએ એક બાળકીના મુખમાં મૂકી છે. એને કારણે આ વાર્તા આપણને વધારે પ્રમાણભૂત લાગે છે. અતિવાસ્તવવાદી મોડમાં લખાતી વાર્તાઓમાં લેખકે એવી કોઈક વ્યવસ્થા કરવી પડે જેથી આપણને એ વાર્તા પ્રમાણભૂત લાગે. બીજું, અહીં લેખક બાળકની નિર્દોષતાને પણ જોખમમાં મૂકે છે. નાયિકા બે ચાર વાર બાપનો ઉલ્લેખ કરે છે અને દરેક ઉલ્લેખમાં એ એક વાતનો નિર્દેશ કરે છે કે એના બાપને અને એની માને ખાસ બનતું નથી. ત્રીજો પ્રશ્ન એ પૂછવાનો કે આ વાર્તામાં કથાવસ્તુ મહત્ત્વની છે કે ક્રિયાઓ. હું નથી માનતો કે આ વાર્તાનો સાર આપણે કહી શકીએ. એનો અર્થ એ થયો કે અહીં ક્રિયાઓ મહત્ત્વની છે. જો કે, નાયિકા એની માતાનો બોટલો માટેનો પ્રેમ એને ક્યાં સુધી લઈ જાય છે એની વાત કરે છે ખરી. આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લે નાયિકાની માતા એવું માનવા લાગે છે કે એ એક વિશાળકાય બોટલમાં પૂરાઈ ગઈ છે. વાર્તાકારે અહીં બાળકના મોંઢે એક એક સ્ત્રીની વાત કરી છે જે એના પતિના પ્રેમથી વંચિત છે.

આપણે જોઈ શકીએ છીએ કે કથકે ક્યાંય એમ નથી કહ્યું કે આવી બધી ઘટનાઓથી મારા બાપુજી વ્યથિત હતા. પહેલી ઘટનામાં પતિ પત્નીને તર્કહીન વર્તન કરતી સ્ત્રી તરીકે જુએ છે. બીજી ઘટનામાં પતિ એના પેટમાંથી બોટલ કાઢવા એને દવાખાને લઈ જાય છે. ત્રીજી ઘટનામાં પતિ, પત્ની માટે પોલીસને બોલાવે છે અને ચોથી ઘટનામાં પતિ પત્નીને દવાખાને કે મેન્ટલ હૉસ્પિટલમાં મોકલે છે અને કહે છે કે જ્યાં હશે ત્યાં સુખી હશે. લેખિકાએ આ બધી ઘટનાઓને લાગણીના રંગે રંગી નથી. હવે નાયિકાની માનું પાત્ર લો. બોટલો ભેગી કરવી; બોટલોને ધોવી; બોટલોને ચૂમવી; બધી જ વસ્તુઓને બોટલોમાં ભરવી; ઉદરમાં બોટલ ઉછરે છે એવી લાગણી થવી; અને છેલ્લે બોટલમાં પૂરાઈ જવાની લાગણી થવી – આ બધી ઘટનાઓ શું સૂચવે છે? પ્રેમથી વિમુખ સ્ત્રી બીજે ક્યાંક, અર્થાત્ નિર્જીવ બોટલોમાં, પ્રેમ શોધી રહી છે એમ કહી શકાય કે નહીં? લેખિકાએ એ વિશે કશું પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી. ટૂંકી વાર્તાની આ જ મજા છે. સારો વાર્તાકાર કશું ન કહીને ઘણું બધું કહી દેતો હોય છે. ગુજરાતીમાં મોટા ભાગના વાર્તાકારો વાર્તા કહેતી વખતે ચમચી લઈને બેસતા હોય છે. જ્યાં વાચકને વાર્તા ન સમજાય ત્યાં એ એને ચમચીએ ચમચીએ લાગણીનો સિરપ પીવડાવતા હોય છે. હવે નાયિકાનું પાત્ર લો. એ એની માને કઈ રીતે જુએ છે. માંડ અઢી પાનાની આ વાર્તામાં એ બે વાર કહે છે કે મને મારી માની ખોટ સાલે છે. એટલું જ નહીં, છેલ્લે એ માને વાડામાંથી પકડીને ડબ્બામાં પૂરેલા અને ડબ્બામાં ગૂંગળાતા કરોળિયા સાથે સરખાવે છે. અહીં વાર્તા કરૂણ બની જાય છે. અહીં આપણને નાયિકા/કથક પણ કરૂણ હાલતમાં હોય એવી લાગણી થતી હોય છે.

 

1 thoughts on “‘વારતા રે વારતા’ – (૯) – બાબુ સુથાર

  1. મા બાબુ સુથારની બોટલમાં પૂરાયેલી નારીની કથા– સ રસ ભાવાનુવાદ
    ઇઝરાયલની લેખિકા આલ્ચિના લુબિશ ડોમેકે એમની બોટલો ભેગી કરવી; બોટલોને ધોવી; બોટલોને ચૂમવી; બધી જ વસ્તુઓને બોટલોમાં ભરવી; ઉદરમાં બોટલ ઉછરે છે એવી લાગણી થવી; અને છેલ્લે બોટલમાં પૂરાઈ જવાની લાગણી થવી – આ બધી ઘટનાઓ પ્રેમથી વિમુખ સ્ત્રી બીજે ક્યાંક, અર્થાત્ નિર્જીવ બોટલોમાં, પ્રેમ શોધી રહી છે.

    Like

પ્રતિભાવ