આપઘાત – વાર્તા – સપના વિજાપુરા


આપઘાત 

ભીખુકાકા કડકડતી ટાઢમાં કાળમીંઢ પાણા ઉપર બેઠા હતાં. મોઢામાં બત્રીસ દાંત તો ન હતાં પણ જેટલાં હતા એટલા ટાઢમાં કપકપી રહ્યા હતાં. ભીખુકાકાની અડધી ધોળી મૂંછ માંથી જાણે લાચારી ટપકી રહી હતી. પગમાં ફાટેલા સ્લીપર હતાં. માથા પર મેલો ફેંટો,  મેલું કેડિયું અને મેલી, મેલી ચોયણી ભીખુકાકા ભારતનાં ગામડાનું પ્રતિક દેખાતા હતાં. ભીખુકાકા બે હાથ ઘસીને ટાઢ ઉડાડવાના મિથ્યા પ્રયાસ કરી રહ્યા હતાં. ચાંદની પણ ફીકી ફીકી લાગી રહી હતી. જાણે કોઈ વિધવાની સફેદ સાડી!

સામે રેલગાડીનાં પાટા દોડી રહ્યા હતાં. જાણે કદી એકબીજાને ના મળવાના સમ ખાધા હોય એમ, દૂર થાંભલાની લાઈટની આજુબાજુ જીવડાં ઊડી રહ્યા હતાં.ગાંધીધામનાં સૂના સ્ટેશન ઉપર ચકલું પણ દેખાતું ના હતું. સ્ટેશન માસ્તરની ઓફિસમાં ઝાંખી લાઈટ દેખાતી હતી. ભીખુકાકા એકવાર ઊભા થઈ ઊંચા થઈને સ્ટેશન માસ્તરની ઓફિસમાં ફાંફા મારવાની કોશિશ કરી. ત્યાં કોઈ પણ જાતની ચહલ પહલ દેખાતી ન હતી.

ભીખુકાકા ગાંધીધામના રેલ્વે સ્ટેશન પર કુલી નું કામ કરતાં હતાં. દુનિયા જ્યારે ઝડપી ગતિમાં આગળ ધપી રહી છે ત્યારે રેલવેમાં મુસાફરી કરવાંવાળા કોઈ એકલ દોકલ હોય અને ગાંધીધામનાં સ્ટેશન પર ઉતરવાવાળા કેટલાં હોય? અને વળી વળી ખીસ્સામાંથી દોઢિયું નીકળે નહી. ઘણાં તો કુલી કરે જ નહીં અને ઘણાં પાસે પૈડાવાળી પેટી હોય તો કુલીની શું જરૂર? પણ, ભીખુકાકાને બીજું કોઈ કામ ફાવે નહીં અને બાપદાદાના કોઈ ખેતર કે જમીન નહીં.

ભીખુકાકાનો બુઢાપાનો આશરો એક નો એક દીકરો જગો હતો. એ પણ કેટલી બાધાઆખડીથી થયો હતો. જીવીબેન ભીખુકાકાની ઘરવાળીની કૂખ વરસો સુધી સૂની રહી ત્યારે બાધા અને આખડીથી. ભગવાને જીવીબેનની કૂખ ભરી. જગો કાકા અને કાકીને જીવથી ય વહાલો. પાણી માંગે અને દૂધ હાજર. કાકાથી બનતું બધુ સુખ જગા માટે. આમ તો જગમોહન નામ પણ જગો મોઢે ચડી ગયું હતું. જીવીકાકી ડોશી બની ગયાં હતાં. ઘણી વાર કહેતા પણ ખરા, “ભગવાને જાતી ઉમરે જગો આપ્યો. કોને ખબર, એને પીઠી ભર્યો જોઈશ કે નહીં?” ડોશીને ખૂબ ઓરતાં છે દીકરાને ઘોડી ચડાવવાનાં. ભીખુકાકા મલકી ગયાં.

આજ સ્ટેશન માસ્તરે ખરો પકડમાં લીધો. સ્ટેશન માસ્તર ભીખુકાકા પાસે આવ્યાં અને કહ્યું કે “કાકા એક કામ પડ્યું છે તમારું.” કાકા ઘેર જવાની તૈયારીમાં જ હતાં. પ્રશ્નાર્થ નજરે કાકાએ સાહેબની સામે જોયું.”કાકા, પાટા ઉપર એક લાશ મળી છે. લાગે છે કોઈએ આપઘાત કર્યો છે. ડોકું ઊડીને આઘું પડ્યું છે અને ધડ પાટા પાસે. હું પોલીસને બોલાવવા જાઉં છું. ત્યાં લગી તમે લાશની ચોકી કરો.” ભીખુકાકાને ઘેર જવાની ઉતાવળ હતી પણ સાહેબને કોણ ના પાડે? “સારુ” કહી પાણા પર બેસી ગયા.

લાશ ઉપર સાહેબે કપડું ઢાંક્યું હતું. કપડા પર લોહીનાં ડાઘ પણ પડ્યાં હતાં. ભીખુકાકા લાશની સામે પાણા પર બેસી રહ્યા.” માણસે જીવ શું કામ આપવાનો? માણહ પણ કેવા છે! આ લ્યો મેં જીવનમાં શું નથી વેઠયું? પણ, જીવ તો ભગવાને આપ્યો ભગવાન જ લેહે. જવાન માણસ હશે, એવાં કેવાં દખ પડ્યાં હશે કે જીવ આપવો પડ્યો? ના, રે! જીવ ભગવાને આપ્યો છે ભગવાનની થાપણ છે. અને મા બાપ ભાઈ ભાંડુનું શું? મા તો મરી જ જાહે. ભગવાન કોઈ મા બાપને આવા દન ના દેખાડે! મરનારને ક્યાં ખબર હહે કે મા બાપને મન એ એનું જીવતર હહે આવો કારમો આઘાત કેમ કરી ખમશે? ભીખુકાકાની આંખો ભીની થઈ ગઈ. “અરેરે …જીવ તે આ શું કર્યુ?” અડધા ઊગેલા ચાંદાંના અજવાળામાં ભીખુકાકાએ લાશ સામે જોઈને નિસાસો નાંખ્યો.

ત્રણ કલાક થવા આવ્યાં. ભીખુકાકા ઠંડીથી કોકડું વળી ગયેલાં. પોલીસ લઈને સાહેબ પણ આવતાં નથી. આ લાશની ચોકી વળી શું કરવાની? આ બાપડો હવે ક્યાં નાહી જવાનો છે? જીવતરથી નાહેલો હવે ક્યાં નાહવાનો! મારા પેટમાં તો ઊંદરડા બોલે છે અને ડોશી પણ કંટાળી હશે…જગલો પણ આવી ગયો હશે..જગલાને હવે ખીલે બાંધવો પડશે. ડોશી પણ ક્યાં લગી ખેંચે? કોઈ ઘરે કામ કરવાવાળું આવે તો ડોશી પણ નવરી થાય! એ બચારીએ આખી જિંદગી મારી પાછળ કાઢી નાખી! ભગવાન પણ ખરો છે. દુખ આપે તો પણ ઢગલાબંધ અને જેને સુખ આપે એને ઢગલાબંધ! માપ-તોલ રાખતો હોય તો! ચાલ જીવ, જે ભગવાને આપ્યું તે ખરું! અરે, પણ આ સાહેબ ક્યાં રહી ગયાં? ભીખુકાકા ફરી ઊભા થઈ ગયાં. સ્ટેશન માસ્તરની ઓફીસ તરફ ચાલવાં લાગ્યાં. પણ એટલામાં જીપનો અવાજ આવ્યો. બે પોલીસ ગરમ ખાખી રંગનાં ધાબળા ઓઢીને બહાર આવ્યાં. કાતિલ ઠંડી!

પોલીસનાં હાથમાં બેટરી હતી. બેટરીના અજવાળામાં ચારે તરફ જોવા લાગ્યા. ભીખુકાકા મેલો ફેંટો માથા પર મૂકી સાહેબને કહેવા લાગ્યાં, “સાહેબ, ત્યારે હું નીકળું?” સાહેબે જવાબ ના આપ્યો. પોલીસે ધડ ઉપરથી કપડું હટાવ્યું .અને બીજા પોલીસને માથું લાવવા કહ્યું. કાકાની હિંમત ન હતી કે ધડ સામે જુએ! કાકા ચાલવા લાગ્યા. હજી એમણે તો માંડ બે પાંચ ડગલાં પણ ભર્યા ન હતાં કે બીજો પોલીસ ઝાડીમાંથી માથું શોધીને લઈ આવ્યો. ધડ અને શરીરને સાથે મૂકી પોલીસ તપાસ કરવાં લાગી કે કાંઈ એવી વસ્તુ મળી આવે કે જેનાથી લાશનીઓળખાણ પડે. ખીસ્સા ફંફોળતા ખીસ્સામાંથી એક મોબાઇલ ફોન મળ્યો.

પોલીસે ‘બાપુ’ લખ્યું હતું એ નંબર ડાયલ કર્યો. ભીખુકાકા તો ચાલ્યે જતા હતાં. અચાનક મોબાઇલની ઘંટડી વાગી. જગાએ બળજબરી કરી બે મોબાઇલ લીધેલા એક બાપુને આપ્યો હતો અને એક પોતે રાખેલો, કે બાપુ આ સસ્તાવાળા ફોન છે. કઈ અજુગતું થાય તો ખબર આપી શકાય. ભીખુકાકાને તો ફોન કેવી રીતે પકડવો એ સમજતા પણ બે અઠવાડિયા લાગેલા. ભીખુકાકા સમજ્યા કે જગલો ચિંતા કરતો હશે કે બાપુ કેમ ના આવ્યાં! ફોન ઉપાડ્યો તો સામેથી અજાણ્યો અવાજ આવ્યો. ભીખુકાકા સમજી ના શક્યા કે કોનો અવાજ છે. “કોણ બોલે છે?” હું ગાંધીધામનો પોલીસ બોલું છું. કાકા તમે ગાંધીધામ રેલ્વે સ્ટેશને આવી જાઓ.”

ભીખુકાકાએ પાછળ ફરીને જોયું તો પોલીસ કોઇને ફોન કરી રહ્યો હતો. કાકાજલ્દી પાછાં પગલે આવ્યા. હજુ કાંઈ સમજ પડતી ના હતી. કે શું કામ પોલીસે કાકાને બોલાવ્યા. “સાહેબ આપે મને બોલાવ્યો?” પોલીસે કાકાના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું કાકા આ ફોન કોનો છે?” કાકાએ ફોન હાથમાં લઈ ને કહ્યુ” અરે આ તો મારા જગાનો ફોન છે. તમને ક્યાંથી મળ્યો સાહેબ?“ પોલીસે ધીરેથી ધડ ઉપરથી કપડું હટાવ્યુ.! ધડ સાથે માથું ગોઠવવામાં આવ્યું હતું. બેટરીનું અજવાળું લાશનાં માથાં પર ફેંકી કાકાની સામે જોયું.” આ જગો છે?” કાકાનાં હાથમાં થી ફોન સરકી ગયો. કાકા ફાટી આંખે જગાનાં ધડથી છૂટા પડેલાં માથાને જોઇ રહ્યા. મોઢું ખુલ્લુ રહી ગયું.. આંખમાં પાણી થંભી ગયાં. ત્રણ કલાકથી જે લાશની કાકા ચોકી કરતાં હતાં એ કોઈ બીજાની નહી પણ પોતાનાં એકના એક રતન જગાની હતી અરે રે જગા તે આ શુ કર્યુ? અરે તને કોઈ દુખ હતું તો મને કહેવું હતું. અરે હું તારી માને શું જવાબ દઈશ. અરેરે!! છાતીમાં કેમ ગુંગળામણ થાય છે શબ્દો કેમ બહાર નથી આવતાં. અરે મારે કૈંક કહેવું છે જગાને ઠપકો આપવો છે. જગા જગા જગા.” ભીખુકાકાના ગળામાંથી એક પણ શબ્દ ના નીકળ્યો. જગાનો અંતિમ સંસ્કાર થયો. ડોશી માથું કૂટી કૂટીને રડી પણ કાકા ચૂપચાપ ફોન હાથમાં લઈ ફોનને તાક્યા કરે છે. કાકાની જબાન તાળવે ચોટી ગઈ છે. હ્રદયમાં બોલાતાં શબ્દો બહાર આવતાં નથી. ગળામાં ડૂમાઓ ફસાઈ ગયાં છે! કાકાની નજર સામે વારંવાર પાટા પર પડેલી લાશ આવી જતી! માથાં વગરનું ધડ બીજાં કોઈનું નહીં પણ જગાનું હતું. એ હજુ પણ આ વાત માનવા તૈયાર નથી. જીવી ડોશી ખૂણામાં બેઠી બેઠી રડ્યાં કરે છે. કાકાએ મૌન ધરેલું છે હાથમાં મોબાઈલ છે પણ હવે એમાં કોઈ રીંગ સંભળાતી નથી!!

2 thoughts on “આપઘાત – વાર્તા – સપના વિજાપુરા

  1. જગાનો આપઘાતમાની માન્યતા આધારે અંતિમ સંસ્કાર કર્યા !
    હવે મોતનું રહસ્ય સાઇકોલોજિકલ ઓટોપ્સી દ્વારા જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.

    Liked by 2 people

પ્રતિભાવ