પ્રાર્થનાને પત્રો- (૧૧૦) અને (૧૧૧) – ભાગ્યેશ જહા


પ્રાર્થનાને પત્રો…(૧૧૦)

પ્રિય પ્રાર્થના,

ગરમી ચાલુ થઈ ગઈ છે, આમ તો શિવરાત્રી પછી અપેક્ષિત પણ હોય છે કે ઠંડી ‘શિવ, શિવ..’ કરતી ચાલી જાય. પણ જુદી રીતે ગઈ. દિવસે ચાલી જાય અને રાત્રે પાછી આવે. ગામમાં પિયર અને ગામમાં જ સાસરું હોય ત્યારે નવી વહુ જેમ ‘આવે-જાય’ એવો ઘાટ બન્યો છે, જો કે વહુની આવનજાવન બદલ એને સૂચન કે ખખડાવવાની સગવડ સૌ સૌની તાકાત, રિવાજ અને માહોલ પ્રમાણે ઉપલબ્ધ હોય છે. સવારે ઠંડી ક્યારેક તો ‘મોર્નિંગ વૉક’માં સ્વેટર પહેરવાની ફરજ પણ પાડે છે. જો કે ઠંડીનો બીજો અને ફાઈનલ એક્ઝીટ -ગેટ હોળી પણ ક્યાં દુર છે ? પણ પછી કેવી ગરમી પડશે તેની જાતજાતની આગાહીઓ ચાલી રહી છે. આ આગાહીઓ માત્રથી લોકો ધ્રુજી રહ્યા છે. [ કેવું કહેવાય, આ ધ્રુજવાનું ? કોરોનાવાઈરસ પછી આ જગતને તદ્દન નવા જ પ્રકારના ભયનો સામનો કરવો પડી રહ્યો છે..

ગરમીની વાત આવી ત્યારે આ અઠવાડિયે અમદાવાદને આંગણે જે ‘નમસ્તે ટ્રમ્પ’ નો જે ટ્રમ્પોત્સવ થયો તે યાદ આવે છે. અદભુત અને  અનન્ય. આ વખતે હું ટીવી-ચેનલ એબીપી-અસ્મિતા પર હતો, ત્યાંથી થતા ‘લાઈવ-પ્રસારણ’માં તજજ્ઞ તરીકે પેનલ-સંવાદમાં હતો. યાદ આવે છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ ઝીંગ-પીંગ અમદાવાદ આવેલા અને વડાપ્રધાન શ્રી નરેંદ્રભાઇએ અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રીએ મને સંપૂર્ણ રીવરફ્રન્ટ અને એરપોર્ટ સ્વાગતને સાંસ્કૃતિક ઘટના બનાવવાનું કહેલું. આવા કાર્યક્રમોને પહેલી વાર વિચારવાના હોય કે એની સંરચના કરવાની હોય ત્યારે એની ‘ક્રિયેટીવ-પ્રક્રિયા’નો ભારે આનંદ હોય છે. રીવરફ્રન્ટની જે વિગતવાર ડાયરી બનાવેલી અને એનો મિનિટેમિનીટનો અને પ્રત્યેક દશા ફુટ પર કેવી સાંસ્કૃતિક ઘટનાઓ આકાર લેશે તેનું આયોજન અને અમલનો રોમાંચ આજે પણ સચવાયેલો પડ્યો છે. બે બાબતો હોય છે, એક તો રોડ-શો હોય ત્યારે દર સો મીટરનું આયોજન કરવું પડે છે અને જ્યાં સ્ટેજ બનાવીને કાર્યક્રમ આપવાનો હોય છે એની ગોઠવણી અને કલાકારોની પસંદમાં થીમ-કોસ્ચ્યુમ અને સમયનું આયોજન અગત્યનું બને છે. શ્રી નરેંદ્રભાઇ મોદીસાહેબ વડાપ્રધાન બન્યા બાદ બનેલી દાંડીકુટિરનું રેકોર્ડ ટાઈમમાં નિર્માણ અને ચીનના રાષ્ટ્રપતિની મુલાકાતમાં મારું ક્રિયેટીવ-ભાગમાં પ્રદાન મારા જીવનની ધન્ય ક્ષણો રહેશે. આ વખતે દૂરથી એક અવલોકનકારની ભુમિકા પણ રસપ્રદ રહી.

એક બીજી અનુભૂતિપ્રચુર પ્રવાસ પોંડીચેરીનો રહ્યો. મઝા આવી. અમે ચાર કપલ ગયા હતા. ડૉ.અમિત-જાસ્મિનની હસમુખી મૈત્રી તો સાથે હોય જ, પણ સાથે સાથે વડોદરાથી શ્રી મુકેશભાઇ અને વિભાબેન જોડાયા હતા. તો અમદાવાદથી ડૉ.ઉત્પલ પટેલ અને અલ્પવી પટેલ હતા. હસવાનું અટકવું ના જોઇએ એ પૂર્વશરત હતી, પ્રત્યેક પળને જીવંત રાખવાની અને સતત પ્રવાસના રસકેંદ્રો અને નિરસકેંદ્રો તરફ સાવધાન રહેવાનું. નિરસકેંદ્રો એટલે તડકાને અવગણીને જુના કોઇ હેરીટેજ મકાનને જોવા દોંડવું, ખાવાના સમયને અવગણવો, વેકેશનમાં પણ છાપું વાંચવાનો મોહ રાખવાનો…. અને હા, સમયને સાચવવાની કલા હાથવગી રાખો તો જ જામે. સદનસીબે અમે બધા આ બધી બાબતોમાં સ્વયંશિસ્ત સ્વીકારેલી તેને કારણે એકપણ મિનિટ સમય વધારે પડતો તીખો કે કડવો ના બન્યો.

અનુભૂતિની ઉંચાઈ તો માતૃમંદિરમાં મળી. લીલોછમ્મ ટાપુ લાગે એવું ઓરોવીલ નગર. એમાં જગતભરની નાગરિકોના વસવાટનો કોઇ મોટો અવાજ નથી. બધા લોકો એક વૃક્ષની જેમ સુર પુરાવે. અહીંના વાતાવરણમાં આધ્યાત્મિકતાનું ઝીણું સંગીત વાગ્યા કરે. અમે ગયા ત્યારે અમારે એક એરિકને મળવાનું હતું. આ એરિકની ઓળખાણ વલ્લભવિદ્યાનગરના તેજસ્વી પ્રાદ્યાપિકા અને શ્રી અરવિંદના સાધક શ્રીમતી વિભાબેન વૈષ્ણવે કરાવી. ફ્રેન્ચ માણસ, એમની સાદગીથી વણાયેલી ભાષા સાંભળવી ગમે, થોડા ઉચ્ચારો પહોળા, માણસ ઉંચો, આંખો લાંબી. અણિયાળી આંખો પણ કશું શોધતી ના હોય અથવા કશું જડી ગયું છે એવા ભાવથી લથબથ આંખો. એમણે અમને ગાઈડ કર્યા. માતૃમંદિરનો ડોમ એ ઓરોવીલેનો આત્મા કહેવાય છે એટલે એની આભા અને પ્રભા અમને ખેંચી રહ્યા હતા. પ્રવેશતાંની સાથે છવ્વીસ પગથિયાં ચઢવાનાં હતાં, એક એક પગથિયે મૌનની સુચનાઓ હતી. છવ્વીસ પગથિયાં ઓળંગીએ એટલે જાણે કે પ્રત્યેક પગથિયાને બન્ને છેડે ઉભેલા બાવન મુળાક્ષરો ખરી પડ્યા. ભાષા છુટે પછી જ મૌનનું ચઢાણ આવે છે. રેમ્પ પણ રેમ્પ લાગે નહીં, કારપેટ પર ચાલો, એમણે આપેલા સફેદ મોજાથી ઢંકાયેલા પગમાંથી જ મૌન ફુટે, વચ્ચે મૂર્તિની જેમ ઉભેલી સાધિકા બહેનો મૌનને ગાઢ બનાવનારી દેવાંગનાઓ લાગ્યા કરે. અંદર મુખ્ય મેડિટેશન હૉલમાં સફેદ હવાનું આવરણ ઝમ્યા કરે, શરુઆતમાં મૌનની ખરબચડી કેડીઓ આવી પણ પછી તો ઓગળતા અસ્તિત્ત્વને કોણ રોકી શકે ! ખબર નથી કેટલો સમય બેઠા. પણ એક અલૌકિક અનુભૂતિ થઈ. મહર્ષિ અરવિંદ અને માતાજીની સૂક્ષ્મ ચેતનાનો હળવો મોરપિંછ જેવો સ્પર્શ થયા કરે. મૌનનો સફેદ રંગ પણ ઓલવાઇ જાય પછી રંગ વગરની, અંગ વગરની સૃષ્ટિ ખુલે. એમાં ભાષા નહિ અને મૌન પણ નહીં, કેવળ અસ્તિત્ત્વ. એક પ્રવાહની અને સ્થિરતાની ભાવાતીત અનુભૂતિનો આ પ્રદેશ. થોડા વર્ષો તૈયારીઓ કર્યા પછી [ ધ્યાનની ] તમારે ત્યાં જઈને અઠવાડિયું રહેવું જોઇએ. જીવન સફળતાઓનો સરવાળો નથી, એ તો અનુભૂતિઓનું આલિંગન છે. ઉંડું જીવવાનું અનોખું સૌંદર્ય હોય છે. ઉપરછલ્લા જીવનારા જ બધો કોલાહલ મચાવતા હોય છે.

આ  એક અનોખો પ્રવાસ રહ્યો. બે વાત બીજી કહેવી છે. એક છે અહીંના બીચના મિજાજની અને બીજી છે ફ્રેન્ચ કોલોની હોવાના વાતાવરણની… સમુદ્રકિનારાના પવનના હસ્તાક્ષર ઉડાઉડ લાગણીઓના પતંગિયાં જેવા લાગે. માયામી [ફ્લોરિડા ]ની અસર વર્તાવા જાય ત્યાં જ મહર્ષિનું મૌન આવી ચઢે. મેળો જામે, પ્રવાસીઓની ભીડમાંથી રસ્તો કાઢીને પણ પવન તમને અચૂક ભેટે.

ફ્રેંચ રેસ્ટોરંટ શોધીને જાસ્મિન અમને જમવા લઈ ગયી. અદભુત જગા, દરિયાની બુમાબુમ વિનાની ઠંડક જેટલી ઠંડકથી પીરસાતું ભોજન[ કદાચ એમને કોઇ વાતે ઉતાવળ જ નથી], મોજાંઓના સંગીત જેવો આનંદનો માહોલ, અને વિશાળતાનો છંટકાવ કરતું આકાશ. જાસ્મિનને આ જગા શોધવા માટે સૌએ અભિનંદન આપ્યા એનું એક કારણ આગળના દિવસની નિરાશા પણ હતી. આમ, એક વીક-એન્ડમાં અમે આઠ જણાએ ગુજરાતથી દુર જઈને એકસાથે અધ્યાત્મ, ઇતિહાસ, એકાંત, જમણ અને પ્રકૃતિનો ભરપુર આનંદ લીધો…. આ જ જીવન છે, પ્રત્યેક પળને ઉર્મિઓથી સજાવવાની, ક્ષણોને ગોખલે ગોખલે દીવા મુકવાના, ઘડિયાળને ભુંસી નાંખવાના ચાળા કરવાના, ગમતા લોકો સાથે ગમ્મતવાનું..

મઝા કરો. મળતા રહીશું….

જયશ્રીકૃષ્ણ..

ભાગ્યેશ.

જય જય ગરવી ગુજરાત.

**********

પ્રાર્થનાને પત્રો... (૧૧૧)

પ્રિય પ્રાર્થના, 

હોળી પહેલાંની ગરમી પડી રહી છે, ત્યાં વળી આ કોરોનાવાઈરસ આવી ગયો… બધા ગભરાયેલા છે, પણ અમેરિકા જેટલા નહીં. ખબર નથી પણ અહીં બધા જરા બિંદાસ્ત છે. એક તો અમારી પાસે તડકાની મિલક્ત ભારે છે. એવું કહેવાય છે કે આ તડકામાં કોઇ વાયરસ ટકે નહી, કોરોનાવાઈરસ તો ચોક્કસ ના જીવી શકે… બહુ સગવડપ્રિય લાગે છે આ ઝીણા જીવો… ! જો કે હસ્તધૂનન છોડીને હવે નમસ્તે તો ચલણમાં આવી ગયું છે, ગઈકાલે તો ઇઝરાયેલના વડાપ્રધાને કહ્યું કે , ‘ભારતનું નમસ્તે અપનાવો… !’ તમારે ત્યાં થોડું વધારે ‘પેનિક’ હોવાનું લાગે છે. તું કહે છે તેમ સંખ્યાબંધ એડવાઈઝરી પ્રસારિત થઈ રહી છે. ડલાસથી ભાઈ રીપલ પણ કહે છે, ‘અમે તો બધો ટ્રાવેલપ્લાન બદલી નાંખ્યો છે.  કે  એટલાન્ટાથી હેત્વી કહે છે, ‘ અહીં લોકો પાણી ભરવા લાગ્યા છે’. ચારે બાજુ ભય હોવાનું તો જણાય છે, કેટલો સાચો, કેટલો કાલ્પનિક એના વિશે વધું કહેવું મુશ્કેલ લાગે છે… પણ જગત એવું તો અનુભવી રહ્યું છે કે ‘આ જીવન ક્ષણભંગુર છે’. 

ગયા વીક-એન્ડ પર, સપ્તાહાન્તે એમ કહીશું, હું વડોદરા હતો. બે કાર્યક્રમ હતા. એક અસ્મિતા શાહ નામની કવિયત્રીના કાવ્યસંગ્રહ ‘અસ્મિતાયન’નું વિમોચન અને નીડર પત્રકાર શ્રી જીતુભાઈ પંડ્યાના લગ્નજીવનની ચાલીસમી વર્ષગાંઠ ઉજવવાની હતી. મઝા એ વાતની ચે કે વડોદરામાં હું આજેય ઑડિયન્સમાં એક સૂક્ષ્મભાવે છલકાતો પ્રેમ જોઈ શકું છું. કોઇ સમાજશાસ્ત્રીએ ભવિષ્યમાં અભ્યાસ કરવો પડશે કે એક કલેક્ટરને એક મેટ્રોપોલિટન શહેર કેટલા લાંબા સમય સુધી ચાહી શકે. પંદર વર્ષ થઈ ગયા. એ નવમી જુન બેહજાર પાંચની સાંજે અમે ગાંધીનગર ગયા હતા. બદલી હતી, સરકારી રાહે બદલી હતી. પણ પ્રજાએ જુદું જ નક્કી કરી રાખેલું. જો તો ખરા… ! આજે પંદર વર્ષ પછી પણ એ સંબંધો અને એ પ્રેમ, એ સન્માન એમને એમ અકબંધ છે. અસ્મિતા શાહના કાવ્યસંગ્રહના વિમોચન માટે હૉટેલના એક મીડિયમ-સાઈઝના હૉલમાં પ્રવેશ્યો એની સાથે જ ‘એનર્જી’ની ફીલ આવી ગઈ. વડોદરાના અને થોડા બહારગામના એમ મળીને દોઢસો-બસો જણ હશે. પણ ઉત્સાહ અનોખો હતો. વડોદરાના કવિઓ હાજર હતા. એ સ્મિતસભર મકરંદ મુસળે, ગઝલની ગંભીરતા લઈને બેઠેલા વિવેક કાણે, શબ્દના ઉંડાણ માપીને બેઠેલા ગઝલ ગુરું રશીદ મીર અને રાજ બ્રહ્મભટ્ટ. આ પુસ્તક વિમોચન પછી બીજા ભાગમાં જે કવિ સમ્મેલન હતું તેના કવિસંચાલક શ્રી હરદ્વાર ગોસ્વામી અને કવિયત્રી રક્ષા શુક્લ. માહોલ મહેફિલનો હતો. જો કે અસ્મિતા શાહના સગાંઓ માટે તો અવસર ઉજવણીનો પણ હતો. ગોસ્વામી પૂ.વાગીશકુમાર મહોદય હતા એટલે ધર્મ-મિશ્રિત-કાવ્યાનંદની લાગણી પણ વહેતી હતી. એક સાંસ્કૃતિક બાબત નોંધવી જોઇએ કે પુષ્ટિ માર્ગના અને વલ્લભકુળના બાવાશ્રીઓ કલા, સંગીત અને કાવ્ય-સાહિત્યને મહત્ત્વ આપતા હોય છે અને એમને એના વિકાસમાં વિશિષ્ટ રુચિ જોવા મળે છે. વળી, આપણે અનુભવ્યું છે કે જેજે કે બાવાશ્રીઓ પોતે ખુબ જ સારા ભાવકો હોય છે.પૂ.દ્વારકેશલાલજી, પૂ.વ્રજરાજકુમારજી અને પૂ.વાગીશકુમારજીને મેં કવિતા અને સાહિત્યને માણતા જોયા છે, સાંભળ્યા છે. પુણ્યશ્લોક ઇંદિરાબેટીજી તો સ્વયં કવિયત્રી હતા. આમ પૂ.વાગીશકુમારજીની ઉપસ્થિતિથી વાતાવરણ કાવ્યતત્ત્વને પોષે તેવું બન્યું હતું. તો બીજી તરફ,  અસ્મિતાના પતિ અતુલભાઇના મિત્રોનો થોડો અલગ પડે એવો ઇવેન્ટ-મેનેજમેન્ટનો ઉત્સાહ પણ દેખાતો હતો. આ બધામાં શબ્દનો મહિમા કરવો હતો. એનો આનંદ હતો… કવિતા કેવી કેવી રીતે પોતાનો રસ્તો કાઢતી હોય છે તે પણ માણવા મળ્યું. મેં કહ્યું છંદ કે અછાંદસ એ મહત્ત્વનું હોવા છતાં સૌથી અગત્યની બાબત તો રસ છે. શબ્દ રસાત્મક બને છે, કથનમાં રસનિષ્પત્તિ નીતરે છે. શબ્દ તો લોકબોલીનો હોય પણ કવિની કલમનો સ્પર્શ થતાં કમનીયતા, અર્થોની લચકતા અને કશીક ઝીણી ચમત્કૃતિ અનુભવાય છે. જો આવી અનુભૂતિ ઉભી કરી શકે તો જ એ શબ્દ કે વાક્ય કે કથન કાવ્યત્વને પામે છે. બધા કાવ્યોની ચર્ચા કરવી તે તો નાનકડા સમારંભમાં શક્ય નથી હોતું પણ ઑડિયન્સમાં બેઠેલા કાવ્યપિપાસુઓને કાવ્યતત્ત્વની સમજ આપી શકો અથવા તમારી કાવ્યત્વની નિસ્બત વ્યક્ત કરી શકો એનો ખુબ જ આનંદ આવે છે. 

આ અઠવાડિયે મઝા આવે એવું એક પુસ્તક હાથમાં આવ્યું. મઝા આવી, કારણ આમાં આપણા જાણીતા અમેરિકન ગુજરાતીઓનાં શબ્દચિત્રો છે. પુસ્તકના લેખક છે, શ્રી મણિલાલ હ. પટેલ અને પુસ્તકનું નામ છે, ‘સંઘર્ષ અને સિધ્ધિ’. ઘણા બધા જાણીતા મિત્રોની સંઘર્ષકથા અને સિધ્ધિઓ બહુ રસાળ શૈલીમાં લખવામાં આવી છે. મુળમાં શ્રી મણિલાલભાઇ એક સારા કવિ અને નિબંધકાર છે એટલે એમની ક્ષમતાને કારણે જે મહાનુભાવનું શબ્દચિત્ર બનાવવાનું હોય એમાં કવિની કથન શૈલી ભળે, કવિ મણિલાલ કો’ક શબ્દચિત્રને કવિની પીંછીંથી સરસ કલાત્મક લસરકો મારે. આ પુસ્તકની વાત આજે  તો પુરી નહીં થાય પણ આવતા થોડા પત્રોમાં થોડીઘણી વાતો લખીને વાત કરીશું. 

વાત સરસ બની છે, મુળ સ્વપ્ન હતું શ્રી મધુસૂદન કાપડિયાનું. એ લખે છે, ‘ મારું એક સ્વપ્ન હતું-છે કે અમેરિકામાં આવેલા ગુજરાતીઓની પ્રથમ પેઢી આ રંગભૂમિ પરથી વિદાય લે તે પહેલાં તેમનાં સંઘર્ષનાં, સફળતા-નિષ્ફળતાનાં સંસ્મરણો શબ્દબધ્ધ કરી લેવાં જોઇએ…”  સદનસીબે એમને મણિલાલ પટેલ જેવા ચરિત્રકાર મળે છે. બન્ને સારસ્વતોના દ્રષ્ટિવંત આયોજનને કારણે એક ‘ડૉક્યુમેન્ટ’ કહી શકાય એ પ્રકારનું પુસ્તક થયું છે. મણિલાલની ભાષા, એમની અવલોકન કરવાની અને એને ખુબ જ અસરકારક રીતે શબ્દસ્થ કરવાની અપ્રતિમ શક્તિને કારણે આ પુસ્તક વાચકભોગ્ય બન્યું છે. આપણી ભાષામાં આવા શબ્દચિત્રો લખવામાં પોતાની હાસ્યશક્તિને કારણે વિનોદા ભટ્ટ અમર બની ગયા છે. એમની શ્રેણી ‘વિનોદની નજરે.. ‘જેવી કોલમની વાચકો રાહ જોતા. અહીં મણિલાલનો સર્જકપુરુષાર્થ જુદી દિશાનો અને અને નોખા ઉદ્દેશ્ય સાથે થયેલો છે. એમની દિશા ગુજરાતી જણનું સત્ત્વ અને તત્ત્વ બહારા લાવવાનું છે. એમનો ઉદ્દેશ્ય એક તરફ ડૉક્યુમેન્ટેશનનું તો છે જ, પણ નવી પેઢીને અથવા નવી-જુનીપેઢીને કશુંક ભાથું પીરસવાનો અને એ દ્વારા  કમ્યુનીટી કાર્યકરની એક નવી પેઢી તૈયાર કરવાનો છે. આ પુસ્તક વિશે વધું વાતો કરીશું, કારણ ડાયસ્પોરા સાહિત્યનું આ અગત્યનું પુસ્તક છે. 

અંતે, 

જો આ પત્ર સવારે લખવાનો ચાલું કર્યો ત્યારે ગરમી હતી અને પરિણામે કોરોનાવાઈરસને બીક લાગે તેવી પરિસ્થિતિ હતી, પણ અત્યારે રાત્રે પરિસ્થિતિ જુદી છે. સમીસાંજે વરસાદ પડ્યો છે. કોરોનાવાઇરસને આ વરસાદ કેટલું જીવતદાન આપી શકશે તેની ચર્ચા સવારે થનારી ‘ચાય-પે-ચર્ચા’ના મેળાવડામાં થશે. એની વાત આવતા અઠવાડિયે કરીશું, અત્યારે તો બસ, આટલું જ… 

જય શ્રીકૃષ્ણ. 

ભાગ્યેશ. 

જય જય ગરવી ગુજરાત… 

1 thought on “પ્રાર્થનાને પત્રો- (૧૧૦) અને (૧૧૧) – ભાગ્યેશ જહા

  1. પ્રકૃતિ માનુ સવારે પિયર અને સાંજે સાસરેવાળુ વર્નન ગમ્યું
    અનુભૂતિપ્રચુર પોંડીચેરીનો પ્રવાસ બે વાર માણવાની અનુભૂતિપુર્ણ મજા આવી
    કોરોનાવાઈરસ અંગેના અનુભવોનુ અનુભવાતુ વર્ણન
    ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s