જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૨૦ (જયશ્રી વિનુ મરચંટ)

(જયશ્રીબહેનના “જિદગી એક સફર હૈ સુહાના” ધારાવાહીના ૨૦ માં એપીસોડ સાથે, આંગણાં પૂરતું આ ધારાવાહી અહીં સમાપ્ત થાય છે. થોડા દિવસમાં જ આ બધા લેખ અને થોડા વધારાના લેખ મુંબઈમાં એક વિમોચન સમારંભમાં એક પુસ્તક સ્વરૂપે પ્રગટ થશે. પુસ્તકના વિમોચન બાદ હું એની વધારાની વિગતો આંગણાંમાં મૂકીશ. જયશ્રીબહેનના આ ધારાવાહીને લીધે આંગણાંના મુલાકાતીઓની સંખ્યામાં સારો વધારો થયો છે. આંગણાંનું માન વધ્યું છે. એ મને મોટાભાઈ માને છે, એટલે આભાર માનીને એમની લાગણીની કીમત ઓછી નહીં કરું. આંગણાંના “ધારાવાહી” વિભાગના સંપાદનનું  કામ મેં જયશ્રીબહેનને સોંપ્યું છે, એટલે હવે પછીના બધા ધારાવાહી લખાણોની પસંદગી અને સંપાદન જયશ્રીબહેન કરશે.

એમના અગાઉના ૧૯ એપીસોડસ હ્રદયસ્પર્શી હતા, પણ આ એપીસોડે હચમચાવી દીધો. એક ક્ષણમાં જીવન કેવો પલટો લે છે?

તેરે બિના જિંદગીસે કોઈ શિકવા તો નહીં!”

આજે આ અંતિમ પ્રકરણમાં આપને વિનુ, મારા સ્મૃતિશેષ પતિનો પરિચય કરાવવાનું મન છે. અમારા લગ્નના ૪૫ વર્ષો પછી અને વિનુની આ ફાની જગતમાંથી વિદાયના બે વર્ષ અને અગિયાર માસ પછી, મન હજી માનતું નથી કે એ જતા રહ્યા છે, અને હવે, પાછા આવવાની શક્યાતા જ નથી.

૧૯૭૧માં, હું અમેરિકાથી ભણીને પાછી ગઈ હતી.  મારા માટે યોગ્ય મુરતિયો શોધવાની ગતિવિધી જોરશોરમાં શરૂ થઈ ગઈ. મુંબઈના ભાટિયા પરિવારોમાં લગ્ન નક્કી કરતાં પહેલાં જ્ન્મકુંડળી, ઘર, વર અને વ્યવસાયની ચકાસણી કરવામાં આવતી. વિનુ સહિત, પાંચ ઉમેદવારો “શોર્ટ લીસ્ટ” કરવામાં આવ્યા. સૌને કુતુહલ હતું કે, ૧૯૬૯-૭૦-૭૧માં રૂઢિચુસ્ત, શ્રીમંત ભાટિયા ખાનદાનની ૧૯-૨૦ વર્ષની દિકરી, બે+ વર્ષ માટે મિશીગન યુનિવર્સીટીના કેમ્પસ પર ફાર્મસીનું ભણીને, ફાર્મસીની ડિગ્રી લીધા વિના પાછી આવી હતી, તો શું એક પરંપરાવાદી પરિવારની કન્યા, પશ્ચિમી સંસ્કૃતિમાં રંગાઈને આવી હતી કે ભારતીય અને કૌટુંબિક નીતિમત્તાના ધોરણો હજુ વર્તન અને વિચારોમાં અકબંધ રહ્યા હતા? ઘણા એવું પણ કહેતા, “પિતાજી શ્રીમંત છે, એટલે વિના ડિગ્રી પાછા આવવાના તાના પોષાય! આવી પૈસેટકે “છૂટ્ટી” છોકરી કેવી રીતે ઘરમાં ભળી શકશે?” વિનુને મળ્યા પહેલાં હું ચાર “કુકી કટર” જેવા મૂરતિયાઓને મળી ચૂકી હતી. એમના સવાલો સ્ટાન્ડર્ડ હતાં, “રસોઈ બનાવતાં આવડે છે? અમેરિકામાં “ડેટીંગ” કરતી હતી? “મીટ” અને ઇંડા ખાતી હતી?” કોઈક પૂછતું, “તમે કેમ્પસ પર ડ્રગ્સ લેતાં હતાં અને દારૂ પીતા હતા?” મેં ના કહી તો એક પોટેન્શિયલ મૂરતિયાએ તો, હું “ઈન્ટરનેશનલ” અપરાધી હોઉં એવી રીતે જોઈને કહ્યું, “એકાદવાર વ્હીસ્કીનો પેગ લીધો ન હોય, અમેરિકામાં એકલા કેમ્પસ પર રહીને, એવું બને જ કેમ?” વિનુ સિવાયના, ચારે ચાર મૂરતિયાઓએ મને સીધો સવાલ પૂછ્યો હતો કે “તમારો કોઈ બોયફ્રેન્ડ છે કે હતો, અહીં કોલેજમાં કે અમેરિકામાં?” એકાદ ઉમેદવારે તો જાણે મોટી મજાક કરી હોય એમ કહ્યું, “તમે તો પતિ પાસેથી પોલિટીક્સની, શેરબજારની કે બીઝનેસની કે આર્ટિસ્ટીક વાતોની અપેક્ષા રાખતા હશો, નહીં?” મેં એ ચારેચાર ઉમેદવારોને એક જ સવાલ પૂછ્યો હતો, “તમે પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ માટે શું વિચાર્યું છે?” લગભગ, જુદીજુદી રીતે, જુદાજુદા શબ્દોમાં, તાત્વિક રીતે સહુએ કઈંક આવું કહ્યું, “એમાં વિચારવું શું? વડીલો કહે તેમ કરીશું. ફૅમિલીનો આટલો મોટો બીઝનેસ છે, યુ નો, ઈન બીઝનેસ, વન કેન નોટ પ્રીડીક્ટ ફ્યુચર. ફાધરના કહેવાથી ડિગ્રી લઈ લીધી!”

૨૨ વરસની હું, વિનુને, આવા અનુભવોથી બંધાયેલા પૂર્વગ્રહ સાથે મળી હતી. અમારી વચ્ચે આઠ વર્ષનો ફરક હતો. વિનુના કુટુંબમાં બધા સ્વતંત્ર વિચારસરણી સાથે “Opinionated Personalities” ધરાવતા હતા, જેને કારણે, એમના ઘરમાં દલીલો ખૂબ થતી, ને એ દલીલો કે મતભેદોની ખબર જ્ઞાતિમાં પણ હતી. મારા સસરાને જોવાનું સૌભાગ્ય મને નહોતું મળ્યું. તેઓ સફળ બિઝનેસમેન હતા, અને રીયલ એસ્ટેટમાં એમનું પુષ્કળ રોકાણ હતું, પણ એ પોતે ખૂબ કરકસર અને સાદાઈમાં જીવ્યા હતા. કઈંક અંશે, શ્વસુરપક્ષની છાપ વધુ પડતા કરકસરિયા તરીકેની હતી. મારા મોટા બહેન તથા મોટાભાઈ-ભાભીને અચકાટ હતો કે છત અને છૂટમાં ઊછરેલી હું, વિનુના બાર ભાઈબહેનોના વિશાળ કુટુંબમાં કઈ રીતે નિભાવ કરીશ? અમે મુંબઈની WI ક્લબમાં મળ્યાં અને એ ચા-કોફીનો ઓર્ડર આપે, એ પહેલાં મેં એમને કહ્યું, “આપણે વાત શરૂ કરીએ એ પહેલાં મારે કઈં કહેવું છે. હું, અમેરિકામાં ડોર્મમાં રહેતી હતી કેમ્પસ પર, અમેરિકન રુમમેટ સાથે. મેં મીટ ચાખ્યું નથી પણ ઈંડા ખાતી હતી. મને “ક્રશ” હતો કિશોરવયમાં અને મુગ્ધાવસ્થામાં, પણ બોયફ્રેન્ડ કદી નથી રહ્યો. હા, ઘણા બધા બોયસ ફ્રેન્ડ તરીકે આજે પણ છે, જે વિષે, મા-ભાઈને મેં, એમને દુખ ન પહોંચે એ માટે કઈં કહ્યું નથી. હું સૌથી નાની છું અને ભાઈ(પિતાજી)ની લાડલી છું. મેં આલ્કોહોલ – હાર્ડ લીકર – કે ડ્રગ્સ કદી નથી લીધા પણ, ઓકેઝનલી, સોશ્યલ ઈવેન્ટમાં, બિયર ને વાઈન ટ્રાય કર્યું છે. મને હિંદી ફિલ્મો અને એના ગીતો બહુ ગમે છે. સંગીત, ઈન જનરલ, ગમે છે. રોજિંદી રસોઈ આવડે છે પણ રસોડાનો શોખ નથી. આજ સુધી જેટલા ભાટિયા છોકરાઓ જોયા એમાંના સહુએ આ કોમ્બીનેશનમાં વાતો પૂછી છે. આ બધું જ તમને પહેલાં કહી દઉં જેથી આવા સવાલોમાં તમારો, ને જવાબોમાં મારો સમય ન બગડે. તમને ન ગમ્યું હોય તો લાંબી વાત ન કરીએ.” મારા આ એકપાત્રી સંવાદને વિનુ, આછા સ્મિત સાથે સાંભળતા હતા. પછી એમણે કહ્યું,હું રામ નથી અને મને સીતાજીની શોધ નથી. તમે અને હું જો આ સંબંધમાં બંધાઈએ છીએ તો તમને તમારી મનપસંદના મિત્રો સાથે મૈત્રી રાખવા માટે કોઈ દિવસ મારી રજા લેવાની જરૂર નથી. ભૂતકાળમાં, તમારો જો કોઈ બોયફ્રેન્ડ હોય તો શું થયું? હું માનું છું કે A man and woman belong to each other. They do not own each other.એમનું વક્ત્વ્ય પૂરૂં થયું. વિનુ પોતે મિતભાષી હતા. આ કદાચ એમનો સૌથી લાંબો એકતરફી સંવાદ હતો! એ વખતે મેં પહેલીવાર, એમને ધારીને જોયા હતા, કે, કઈ માટીનો બનેલો છે, આ, પરંપરાવાદી ભાટિયા કુટુંબનો દિકરો, આટલી બધી લીબરલ- સુધારાવાદી વાતો આટલા આત્મવિશ્વાસથી કરે છે! પછી, એમણે મારા અમેરિકાના અભ્યાસ અને યુનિવર્સીટીના અનુભવો વિષે, તેમ જ મારા અહીંના તથા અમેરિકાના મિત્રો વિશે ખૂબ જ રસપૂર્વક પ્રશ્નો પૂછ્યા. પોતે સી.એ. એલ.એલ.બી. હોવાથી મેડીસીન અને એને લગતી બીજી બધી વિજ્ઞાનની શાખાઓ વિષે એમનું જ્ઞાન સીમિત હતું એવી નિખાલસતાથી કબૂલાત કરી, મારી વાતો રસપૂર્વક એમણે સાંભળી. (જોકે લગ્ન પછી એમણે કહ્યું હતું કે એમને બહુ બોલવાની ટેવ નહોતી, આથી આ એમની તરકીબ હતી જેથી એમને વધુ બોલવું ન પડે!) મેં એમને કહ્યું કે, “હું ભણી છું વિજ્ઞાન પણ સાહિત્યમાં મને ખૂબ રસ છે.” તે પછી, ક.મા. મુનશીથી માંડી ચંદ્રકાંત બક્ષી, ર.વ. દેસાઈ, સુરેશ જોષી, ઉમાશંકર, કાન્ત અને બ.ક.ઠાકોરથી માંડી કલાપી ને સુરેશ દલાલ ને હરીન્દ્રભાઈ દવેના સાહિત્ય સર્જનની વાતો કરી. વિનુનું ગુજરાતી અને હિન્દી સાહિત્યનું વાંચન વિશાળ હતું. ત્રણ થી ચાર કલાકની અમારી એ પહેલી મુલાકાતની વાતચીત હજુ મારા મનમાં એટલી જ તાજી છે જાણે કે ગઈ કાલની વાત હોય! પછી તો, એમણે એમના બહોળા કુટુંબની વાતો કરી, એટલું જ નહીં પણ કુટુંબમાં ચાલતા “અંડર કરન્ટ”ની વાતો ખૂબ જ નિખાલસતાથી કરી. એમણે જ્યારે મને કહ્યું કે,” હું જ્યારે ભાટિયા કુટુંબોમાં પુરુષોને પત્નીઓ પર “આર્ય-પતિ” બનીને હુકમ ચલાવતાં જોઉં છું તો ખૂબ ખરાબ લાગે છે. આપાણા સમાજમાં સ્ત્રી-પુરુષો અને દિકરા-દિકરીઓ વચ્ચેના વ્યવહારમાં સમાનતા ક્યારે આવશે?” હું એમના આ વિચારોની જ્વાળાથી સદંતર અંજાઈ ગઈ હતી. અમને કશું જ યાદ ન આવ્યું કે અમારા વચ્ચે ઉમરનો તફાવત છે, રહેણી-કરણી, ઉછેર, કુટુંબોની પરંપરાવાદી વિચારસરણી અને આર્થિક ફિલોસોફીમાં પણ આસમાન જમીનનો ફરક છે! મારા મનમાં એ વસી ગયા હતા. અમારી સગાઈ એકાદ મહિનો રહી હતી. એક મહિનાના ટૂંકા સમયમાં અમે રોજ મળતાં ને અમને સમય ઓછો પડતો. ધીરે ધીરે એમના ભાવવિશ્વનો અને મનોવિશ્વનો ઉઘાડ થતો ગયો. પછી, ટૂંકા સગાઈના ગાળા બાદ, સાદાઈથી, મુંબઈના આર્યસમાજ મંદિરમાં, આર્યસમાજ વિધીથી, અંગત કુટુંબીઓની અને મિત્રોની હાજરીમાં અમે લગ્ન કરી લીધાં.

અમે સાઉથ મુંબઈમાં પેડર રોડ પર ફ્લેટ લઈને અમારા લગ્નજીવનની શરૂઆત કરી હતી. એમને મા, નાના ભાઈઓ અને સૌથી નાની બહેન માટે સવિશેષ અને અનહદ પ્રેમ હતો પણ કદીયે લાગણી શબ્દોમાં વ્યક્ત કરી શકતા નહોતા. એમની ઓછું બોલવાની ટેવ, એમનું આભૂષણ હતું, પણ, તે સાથે અમુક સંજોગોમાં, કૌટુંબિક, સામાજિક અને પ્રોફેશનલ દુનિયામાં આ જ ટેવ એમની મર્યાદા પણ બની જતી હતી. આ મર્યાદાને જ કારણે વિનુ પ્રોફેશનલ દુનિયામાં આવડત હોવા છતાં, વિકાસ ધીરે પામતા પણ એક ફાયદો થતો કે એમને, પોતાને વારંવાર સાબિત ન કરવા પડતા. એમને મેં કદી આત્મા પર બોજો લઈ જીવતા જોયા ન હતાં. વિનુ ૧૪ વર્ષના હતા ત્યારથી, છેક જીવનના અંતિમ દિવસ સુધી, રોજ સવારે, સ્વિમિંગ અને યોગા કરતા. કદાચ, એને લીધે એ સદૈવ માનસિક તણાવથી દૂર હતા. સ્વભાવગત પણ, વિનુને કશુંયે ખોઈ દેવાની બીક કદી નહોતી લાગતી, જેથી, એમની સમજપૂર્વક, એમને જે સત્ય લાગે તે, નિર્ભયતાથી સ્વીકારી શકતા અને કહી શકતા. ક્યારેક હું એમની આ આદતને લીધે કહેતી, “લોકો તો પૂછે, પણ કડવું સત્ય કહેવાની જરૂર શી?” વિનુ હસીને કહેતા, “હું ક્યાં કહું છું કે મારું કહ્યું માનો? જો મને પૂછે છે તો હું જે મને સાચું લાગતું હોય એ જ કહું છું.” વરસે એકાદ બે વાર તો આ બાબતમાં દલીલ થતી પરંતુ એનું નિરાકરણ કદીયે ન આવતું.

અમે બેઉ અલગ-અલગ, તીવ્ર પસંદ અને નાપસંદ ધરવતા હતાં. વિનુને મારા અમુક મિત્રો કે મારી કોઈ રીત ન ગમતી હોય કે મને એમના દોસ્ત કે એમના અભિપ્રાય માટે અણગમો હોય તો એકબીજાને સંપૂર્ણ છૂટ હતી પોતાની રીતે, પોતાના નિર્ણયો લેવાની. અમે બેઉ આ નિર્ણયોનો આદર કરતા. અમે એકમેકને અણગમતા વ્યક્તિ કે રીત કે વ્યવહાર માટે સહમતિ જરૂર લેતા, પણ સંમતિ ન હોય તો વાંધો ન લેતાં. એનો અર્થ એ પણ નહોતો કે અમારી વચ્ચે કોઈ ઝઘડો કે મતભેદો ન હતા. ઘણીવાર, વિનુ સ્પષ્ટવક્તા હોવાથી, બધાની વચ્ચે, મને વસમા ને આકરા બોલ બોલી જતાં. આથી અમારે ઘણીવાર ઝઘડા થતાં ને અબોલા પણ થતાં, પણ, પાયાના મુદ્દે, હું એમના મનની વાત, એમના કહ્યા વિના સમજતી, એ એમને ગમતું હતું. હું ઘરનાં સર્વને સ્નેહથી મારા પોતાના જ માનતી હતી (અને આજે પણ માનું છું) એનો વિનુ આદર કરતા. વિના કારણ, વિરોધાભાસી મત પાડીને, ખોટી દલીલબાજીમાં ઊતરવું મને ગમતું નહોતું (આજે પણ નથી ગમતું), આથી જ્યાં કોઈનેય નુકસાન ન પહોંચે એવી અન્યની વાતો હું સાંભળી લેતી અને કોઈ કશું કહી જાય તો ગમ ખાઈ જવું મને સહજ હતું. આને કારણે, હું અનેક વિપરીત, વિરોધાભાસી સંજોગોમાં અમસ્તી જ અટવાઈ જતી, ત્યારે, વિનુ કહેતા, “જે કહેવું હોય તે ડર્યા વિના, કે પછી એના પર સુગર કોટિંગ કર્યા વિના બોલ.” કાશ, વિનુ, તમારી હાજરીમાં સ્ફટિક જેટલી પારદર્શકતાથી, મનની વાત, ડર્યા વિના કહેતાં હું શીખી શકી હોત!

લગ્ન પછી, ૫૦૦ સ્કેવર ફૂટના અમારા ફ્લેટમાં, અમારી નાની દુનિયાની, નાની ખુશીઓમાં “અમેઅનેક અભાવોમાં પણ ખૂબ ભાવથી રહેતાં હતાં. આ “અમેનો વ્યાપ વિશાળ હતો, જેમાં અમે બે, અમારા સંતાનો, અમારા મા (સાસુમા), અને બહોળા કુટુંબના વડીલો, મારા દિયરો, સૌથી નાના નણંદ, (એમના બધાના મિત્રો, સાથે,) અમારા મિત્રો તથા અમારા વ્યવસાય સાથે સંકળાયેલાં સંબંધો અને આડોશીપાડોશી- એ સૌનો સમાવેશ હતો. અમારા ઘરમાં અવરજવર સતત રહેતી અને અતિથીઓ કે સ્વજનોની આગતા-સ્વાગતામાં, એ, હાથોહાથ, નાનામોટા દરેક કામ મને કરવતા. ઘણીવાર એવું પણ થતું કે કામ કરતાં કે બાળકોને જમાડતી કે સુવડવતી વખતે, કાગળની ચબરખીઓ પર કે કોઈ વાર છૂટાછવાયા પાના પર, કવિતાઓ લખતી. વિનુના હાથમાં એ કાગળ આવે ત્યારે એને સાચવીને એક ફાઈલમાં મૂકતાં. રાત્રે અમે જ્યારે બાળકોની સાથે વાંચવા બેસતાં ત્યારે મને કહેતા, “આજે જે કવિતા લખી છે તે સારી છે. થોડી મઠારીને મોકલજે” અથવા તો, “આ કવિતા નબળી છે પણ ફેંકી ન દેતી. મેં ફાઈલમાં મૂકી છે.” વિનુ દર શનિવારે, બપોરના બે કે અઢી વાગ્યાની વચ્ચે ઓફિસથી ઘરે આવતા ને મને કહેતાં કે “તારે કઈં વાંચવું-લખવું હોય તો, સાંજની રસોઈ, બજાર કે શેનીયે તાણ રાખ્યા વિના, લાઈબ્રેરીમાં જા કે ઘરમાં વાંચ કે લખ. તારી મરજી હોય તે કર. ફ્રેન્ડ્સની સાથે મુવી કે નાટક જોવા જવું હોય તો, જઈ આવ.” આ બે કે ત્રણ કલાકનો મારો વખત મને નવી ઊર્જા આપી દેતો. હું ઘરે પાછી આવતી ત્યારે, જો કામવાળી ન આવી હોય તોયે, – કૂકર મુકવાનું, શાક સમારવાનું કે લોટ બાંધવાનું થી માંડી બાળકોને બહાર રમાડવા લઈ જવાનું- બધા જ કામો સમયસર પૂરા કરી લેતા. મારા સૌથી નાના નણંદે, અમને સંતાનો મોટા કરવામાં ખૂબ મદદ કરી છે, (અમારા પરિવારમાં, બાળકોને સહુનો પ્રેમ અને સહકાર હંમેશાં મળ્યાં છે.) જ્યારે પણ વખત મળતો, વિનુ અમારા સંતાનોને જમાડવામાં, રમાડવામાં, પુસ્તકો વાંચવામાં, નવડાવવામાં ને એમને સૂવડાવવામાં કોઈ પણ છોછ વિના, મદદરુપ થતા. વિનુની સજ્જડ માન્યતા હતી કે ભારતીય પતિઓ જેટલા સજાગ અને સંભૂતિપૂર્ણ હોવા જોઈએ એટલા નથી. મારા જેઠાણી કહેતાં, “હું જ્યારે ગર્ભાવસ્થામાં, છેલ્લા મહિનામાં હતી ત્યારે વિનુભાઈ સી.એ.ની પરીક્ષાનું વાંચવા, કામ પરથી રજા લઈ ઘરે હતા. મને રોટલીઓ કે પૂરી બનાવવામાં તકલીફ પડતી. એ સમયે, વિનુભાઈ કહેતા, “ભાભી, તમે, બેસીને કે ઊભા રહીને, જે અનુકૂળ પડે તેમ રોટલી કે પૂરી વણો. હું શેકી આપીશ કે તળી આપીશ.” મા પણ કહેતાં, “કામવાળા ન આવ્યા હોય ને ઘઉં દળાવવાના હોય તો ઓફિસે જતાં, વિનુ ડબ્બો ચક્કી પર મૂકી આવતો અને ઓફિસેથી પાછા વળતાં લઈ આવતો. વિનુને કામની કદી શરમ ન હતી. વિનુએ સી.એ. ભણવાનું શરૂ કર્યું, ત્યારથી તારા ભાઈ પાસેથી ક્યારેય પૈસા માગતો નહીં. હું એની ફિકર કરતી કે આ છોકરો કઈં બોલતો નથી તે એનું શું થશે! ઘણીવાર આટલા મોટા કુટુંબમાં કોઈ સાથે મનદુઃખ થયું હોય તો ઘરમાંથી તરત જ વિનુ ગુસ્સામાં, કોઈનેય કશું કહ્યા વિના, બહાર જતો રહેતો ત્યારે હું મનમાં એની ચિંતા કર્યા કરતી!” વિનુ દ્રઢપણે માનતા કે બોલવાનો કોઈ ફાયદો નથી. કોઈનેય જ્ઞાન નથી સાંભળવું. ઉમરલાયક થવા પછી પણ ઉમરને લાયક ન વર્તે એ, કોઈના ભાષણને સાંભળીને ક્યાં બદલવાના?

ભારત કે અમેરિકામાં, વિનુની ખાવા-પીવા માટેની ખસિયતો કે માંગણી ક્યારેય નથી રહી. એમનું ધ્રુવ વાક્ય હતું, “ચાલશે, ભાવશે, ફાવશે,” જે, અંતિમ દિવસ સુધી એમણે પાળ્યું. એમના સહકારને લીધે, હું જોબ કરતાં કરતાં ભણી પણ શકી, એ સાથે, મારા પોતાના વાંચન-લેખનના શોખને વ્યક્તિગત રીતે વિકસાવી શકી. એમણે મને કદી પૂછ્યું નહોતું કે હું ક્યાં પૈસા વાપરું છું અને બજેટ કે હિસાબથી વધારાના રુપિયા શેને માટે જોઈએ છે! અમારા લગ્નજીવનના શરૂઆતના સમયમાં, નજીકના સ્વજનોએ વિનુને કહ્યું, ”બૈરીને ટ્રેઈન કરીને અત્યારથી જ કંન્ટ્રોલ કર, દાબમાં રાખ, નહીં તો પાછળથી માથે ચડી બેસશે!” એમણે ત્યારે સ્પષ્ટતાથી કહ્યું હતું, “જયશ્રી પાળેલું પ્રાણી નથી કે એને ટ્રેઈન કરીને કંન્ટ્રોલમાં કે દાબમાં રાખું!”  અમારી વચ્ચેની સહજતાએ અમારા સાયુજ્યને અનેક કપરા અને વસમા સંજોગોમાં ધબકતું રાખ્યું હતું.

 અમેરિકા આવ્યા બાદ પણ વિનુ, ખભેખભો મિલાવીને મારી સાથે કામ કરતા. ભારતમાં કે અમેરિકામાં જ્યારે અમે સખીઓ, પોતાના પતિદેવો વિના, મળતી ત્યારે બધાની હરીફરીને એક સર્વસામાન્ય ફરિયાદ રહેતી કે એમના પતિ ઘરના કામકાજમાં મદદ નથી કરતા ત્યારે મારે ચૂપ રહેવું પડતું! જો કઈં બોલવા જાઉં તો સખીઓ કહેતી, ”તું તો બોલતી જ નહીં!” મારી એક અત્યંત વ્હાલી સખી કહેતી, “જયુ, તારા માટે વિનુભાઈ કદાચ ફરિયાદ કરે તો એ અમે બધાં જ સમજી શકીએ હોં!” અને મારી પાસે કૃત્રિમ ગુસ્સો કરવા સિવાય બીજો કોઈ અપવાદ પણ નહોતો! ક્યારેક, અમેરિકાની મારી સખીઓ વિનુને કહેતી, “વિનુભાઈ, તમે સમર કેમ્પ કરો. અમે $૫૦૦ આપીને અમારા વરોને ટ્રેઈન થવા મોકલએ કે પત્નીને મદદ કેમ કરવી!” ક્યારેક મને થતું કે વતનમાં અને પરદેશમાં, ઘરનાં સ્વજનો કે અમુક મિત્રો આ બાબતે વિનુની પાછળથી છાની મશ્કરીઓ કરતાં હતાં. મારું મન દુભાતું. હું એમને કહેતી, “તમે આ બધા જજમેન્ટલ લોકો- ભલે એ પછી આપણા ઘરના હોય કે આપણા મિત્રો હોય – એ સૌની સામે, આમ, ઘરના કામમાં મદદ ન કરો. મને નથી ગમતું કે બધા તમને પુરુષ કે પતિ તરીકે, “So Called Macho Man” ની એરણ પર, ઉતરતા ગણે!” વિનુ ત્યારે માત્ર એટલું જ કહેતા, ”Who cares? તું શું માને છે?” ને, અમે હસી પડતાં.

  અમેરિકામાં ઈમીગ્રેટ થવાના દસ મહિનામાં, સવારના કામ પર જતા, રસ્તો ક્રોસ કરતી વખતે, કોઈ કાર ડ્રાઈવરે વિનુને ટક્કર મારતાં, અકસ્માત થયો હતો. આ “હીટ અને રન” અકસ્માત, અમારી જિંદગીની ડગર કાયમ માટે બદલી ગયો. વિનુ અન્ય રાહચાલકો સાથે ગ્રીન લાઈટમાં રસ્તો ક્રોસ કરતા, ગાડીની અડફેટે આવી, ૨૦ ફૂટ હવામાં ઉછળીને, સામી બાજુથી આવતી બસના ટાયર પાસે પડ્યા. જો બસ ડ્રાઈવરની સમયસૂચકતા ન હોત અને ઉપરવાળાની દયા ન હોત તો એમનો બચી જવાનો કોઈ અવકાશ નહોતો. એ એક્સીડન્ટ પછી, અનેક સ્વજનો સમા મિત્રોની સહાય અને હૂંફને લીધે તથા અમેરિકાના છેલ્લામાં છેલ્લા તબીબી સંશોધનો સભરની સારવારને લીધે, ત્રણ વર્ષ બાદ, વિનુ સાજા થયા. આ સમય દરમ્યાન, આ “હીટ અને રન” અકસ્માત હોવાથી, વિનુનો પગાર આવતો બંધ થયો હતો. એ ટાઈમના કાયદા પ્રમાણે, કેસ પતે નહીં ત્યાં સુધી પગારનો નિવેડો પણ આવવાનો ન હતો. વકીલોના કહેવા પ્રમાણે એકાદ, વરસ ઓછમાં ઓછું લાગવાનું હતું. એ દરમ્યાન, મારી સ્વૈચ્છિક તાલિમ – વોલેન્ટરી ટ્રેનિંગ – હોસ્પિટલની લેબોરેટરીમાં પૂરી થઈ. મને રાતની પાળીમાં, ઘરથી બે માઈલ દૂર, હોસ્પિટલની ક્લીનીકલ લેબોરેટરીમાં નોકરી મળી. વિનુ ઘરમાં હતા, આથી, બાળકો નાના હોવા છતાં રાતની શીફ્ટનું કામ હું કરી શકી.  રાતની શીફ્ટમાંથી, સવારના સાત વાગે આવી, દિકરી-દિકરાને સ્કૂલમાં આઠ વાગે મૂકી આવીને, હું સૂઈ જતી. વિનુ મને સાડા અગિયારે જગાડતા જેથી બાર વાગે દિકરાને પાછો લાવવા જઈ શકું. ત્યાં સુધીમાં વિનુ ક્રચીસ- કાખઘોડી – પર એક બે પગલાં ધીરે ધીરે ચાલીને, મારા માટે ચા બનાવી મૂકતા તથા લંચમાં સેન્ડવીચ બનાવીને તૈયાર રાખતા જેથી મને આરામ માટે સમય મળે. સાડા ત્રણ વાગે ફરી સ્કૂલમાં જઈ, દિકરીને લઈ આવતી. વિનુ જ્યારે બેઉનું હોમવર્ક અને અભ્યાસ કરવતા ત્યારે હું બહારના કામ અને રસોઈ પતાવતી. બાળકોને ક્યારેક ઓછું આવી જતું, એ જોઈ, હું નાહિંમત થઈ જતી. વિનુ મૂંગે મોઢે, અમારા વાંસા પર હાથ ફેરવીને, અહેસાસ કરાવતાં કે, “હું છું ને, બધું જ સારું થશે.” હું, ને મારા સંતાનો, જેસલ અને ભાવિન આજે જ્યારે યાદ કરીએ છીએ, ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે..

ઈશ્વરે અમને આનંદ પણ ખુલ્લે હાથે વહેંચ્યો હતો અને અમે ભર્યુંભર્યું જીવન ભરપૂરતાથી જીવ્યા. મને અને અમારા સંતાનોને એમની કમી સાલે છે. આ વિનુ સાથે ગાળેલા ૪૨ વરસોનો કમાલ છે. એમણે મને શાંતિ સાથે ઓળખ કરાવી, સંતોષ સાથે પરિચય કરાવ્યો અને સ્વયં પર નિર્ભર રહેવાની હિંમત આપી. વિનુ અને મને, બેઉને થતું કે અનેક વસમી પરિસ્થિતિવાળા, પ્રતિકુળ સંજોગોમાં, એકમેકથી સદંતર અલગ પ્રકૃતિવાળા અમે, તો અમારું સાયુજ્ય ટકી કેવી રીતે ગયું? અમે ક્યારેક વિચારતા ને આ પ્રશ્નનો જવાબ ન મળતાં હસી પણ પડતાં. ૩ ડિસેમ્બર, ૨૦૧૪ ને રોજ, એમની મોતિયાની સર્જરી હતી. હું એમની સાથે પ્રી-ઓપ રુમમાં હતી. ત્યારે ઓચિંતા એમણે મને કહ્યું કે “મને ખબર છે કે આપણી વચ્ચે એવું શું છે જે આપણા સાથને ટકાવી રાખે છે. આપણે એકમેકની શક્તિઓના- સ્ટ્રેન્થના- નહીં પણ એકમેકની નબળાઈઓના પૂરક છીએ. એટલે જ આપણે જિંદગી માણી!” મેં પૂછ્યું, “આવો વિચાર ક્યાંથી આવ્યો?” એમને કહ્યું, “બસ, આવ્યો અને તને કહી દીધો!”

૮ મી ડિસેમ્બર ૨૦૧૪ની, એ ગોઝારી સાંજ પછી, રોજ એકલી બેસીને બસ, આ જ વિચારું છું, કે કાશ, તમે એ પણ કહ્યું હોત કે, તમારા ગયા પછી, નોધારી બનેલી મારી નબળાઈઓ સાથે, એના પૂરકતત્વ વિના, છત વિહોણી જિંદગી મારે જીવવી કેવી રીતે? તમારા વિના, મને તો મારી કમીઓને જીરવતાં પણ નથી આવડતું, જીવતાં આવડવાની વાત તો બહુ દૂરની છે!

Advertisements

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૯ (જયશ્રી વિનુ મરચંટ)

(જિંદગી એક સફર હૈ સુહાનાનો ૨૦ મો, અને આંગણાં માટેનો અંતીમ હપ્તો આવતા સોમવારે આંગણાંમાં મૂકવામાં આવશે. આંગણાંના મુલાકાતિઓમાં આ ધારાવાહીને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. પ્રસિધ્ધ પ્રકાશક “ઈમેજ પબ્લીકેશન” આ ધારાવાહીને બીજા આઠ હપ્તા ઉમેરીને ટુંકમાં જ પુસ્તકના રૂપમાં પ્રકાશિત કરવાના છે. બાકીના આઠ હપ્તા તો તમારે એ પુસ્તકમાં જ વાંચવાના રહેશે. ધારાવાહી વિભાગમાં હવે પછી અમેરિકા સ્થિત એક જાણીતા સાહિત્યકાર અને સમાજ અને સરકારમાં જાણીતા એવા મહેમાનનો લાભ મળશે.)

જિંદગી ઈત્તફાક હૈ!

                     સરલાની કારનું પંકચર તો ક્યારનુંય રીપેર થઈ ગયું પણ ડો. ખન્ના અને સરલા, બેઉ હજી પાછળના પાર્કીંગ લોટમાં સરલાની કાર પાસે ઊભા ઊભા વાતો કરી રહ્યા “છે!” થોડું કટાક્ષમાં હસીને, સીમીએ આંખો મીંચકારીને, રસોડામાં વાસણો સાફ કરતાં કહ્યું. અમારી ૧૯૮૩ની દિવાળી પાર્ટી પૂરી થઈ હતી અને છેલ્લે અમે પાંચ-સાત કપલ્સ બાકી રહ્યા હતા, જે બધું ક્લીનીંગ કરવામાં મદદ કરી રહ્યા હતાં. એ સમયે અમે એપાર્ટમેન્ટમાં રહેતાં અને દિવાળી પાર્ટી અમારા એપાર્ટમેન્ટના ક્લબ હાઉસના હોલમાં કરી હતી. નીમિતા બોલી, “તું બહાર જોવાનું બંધ કર અને જલદી કામ પતાવ. તારા બાળકોને પણ હવે ઊંઘ આવી રહી છે.” સીમીને થયું કે આવી મજેદાર ગોસિપમાં કોઈ જ રસ નથી લેતું. એ જરાક નિરાશ થઈ ગઈ અને કહે, “ડો. ખન્નાની ફિલિપીનો વાઈફ એના નાના બાળકને લઈને ઘરે જતી રહી! સરલાની ગાડીનું ટાયર પંકચર થયું એટલે એ રીપેર કરાવવા ખન્નાજીને લઈ ગઈ! પાર્ટીમાં એન્જોય તો બધાએ કર્યું, તો પાછળનું કામ પણ સાથે મળીને થવું જોઈએ. સરલાની ગાડીનું પંકચર આપણે નથી કર્યું કે એના હાલ જે ડિવોર્સ થયા એ કઈં આપણે લીધે તો નથી થયાં! બહાર ટેબલ-ખુરસી સરખા મૂકવાના છે, ટ્રેશ કાઢવાનો છે અને સાફસૂફી ત્યાં પણ આપણા બધાંના હસબન્ડ કરી રહ્યા છે. ખન્નાજીને પણ સમજણ હોવી જોઈએ કે એ જઈને ત્યાં મદદ કરાવે. નીમિતાને સરલાનું બહુ લાગી આવે છે!” નીમિતા આ સાંભળે એમ જ સીમી બોલી હતી. હું પણ ત્યાં જ કામ કરતી હતી. મેં વાત બદલી, “સીમી, તારે આવતા અઠવાડિયે નવા જોબ માટે ટ્રેનિંગ છે ને? વ્હેર ડુ યુ હેવ ટુ ગો?” એ ડિસ્ટ્રેક્ટ થઈ અને કહે, “સેન્ટર સીટીમાં.”  અને સીમી પોતાના જોબની વાતો કરતાં કામમાં પડી ગઈ.

                  બીજે દિવસે, રવિવારે સવારે સરલાનો ફોન આવ્યો, “હાય જયશ્રી, સોરી આઈ કોલડ સો અર્લી. વિનુભાઈ છે?” મેં કહ્યું, “બાળકોને લઈને ગ્રોસરી માટે ગયા છે, કઈં કામ હતું?” એ કહે, “હા, થોડીક ટેક્સ માટે એડવાઈઝ જોઈતી હતી. આવે તો ફોન કરાવીશ?” “ભલે. તું આજે સાંજની શીફ્ટમાં કામ કરે છે?” “ના, મારે ઓફ છે. એટલે જો વિનુભાઈ પાસે સમય હોય તો હું આવું.” હું જે કમ્યુનીટી હોસ્પિટલમાં કામ કરતી હતી ત્યાં જ ઈમરજન્સીરૂમમાં, સરલા, નર્સ તરીકે કામ કરતી હતી. મેં કહ્યું, “આવ. અમે ઘરે જ છીએ. બપોરે ત્રણ વાગે ફાવે તો આવજે. આપણે સાથે ચા પીશું.” સરલા સમયસર આવી ગઈ. ઊંચી, નાજુક, નમણી અને સહેજ શ્યામ, પણ ખૂબ જ આકર્ષક દેખાતી. દેખાવડી અને મ્રુદભાષી સરલા, મુંબઈમાં બ્રીચકેન્ડી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી, જ્યાં એ એના એક્સ-પતિને મળી હતી. વણિક કુટુંબના ગુજરાતી માતાપિતાની મરજી વિરુધ્ધ, એ તામિલ ડોક્ટર સાથે, લગ્ન કરીને ન્યુ યોર્ક આવી. એ બેઉના માતાપિતા અને કુટુંબીજનોએ સહુ સંબંધો કાપી નાખ્યાં હતાં. અહીં આવવાના બે વરસોમાં એના પતિના લગ્નેતર સંબંધોને લીધે, ડિવોર્સ થતાં, સરલા બે મહિના પહેલાં, ફિલાડેલ્ફિયા, અમારા કોમ્પલેક્સમાં મુવ થઈ હતી. સરલા આવી રીતે, પહેલીવાર અમારે ઘરે આવી રહી હતી. સરલા આવી અને વિનુ સાથે ટેક્સની વાતો પૂરી થતાં, મારી પાસે કિચનમાં આવી મને મદદ કરાવવા લાગી. અમે ચા પીતાં, વાતો કરતાં હતાં ત્યાં જ સરલા વ્યંગમાં હસીને બોલી, “જયશ્રી, તને વિનુભાઈ પર હું જાદુ કરી દઈશ એવું ન લાગ્યું? મને ખબર છે કે મારી પાછળ બધાં જ આવું વિચારે છે, મારા માટે!” જવાબમાં હું હસીને કહ્યું, “ખોટા સિક્કા બેઉ બાજુથી એક છાપના હોય તેમ, વિનુ પણ અંદરથી અને બહારથી, કોઈ પણ વિરોધાભાસ વિનાના છે! અમારા બેઉમાંથી કોઈ એકને પણ લઈ જશે તો સામા પૈસા દઈને પાછા મૂકી જશે! બીક શેની?” તો, વિનુ હસીને બોલ્યાં, “બધાનું છોડો. તમે શું તમારા વિષે વિચારો છો?” સરલા પણ હસી પડી. સરલાએ પછી આગળ વાત કરી, “મને ક્યારેક ખેદ થાય છે, જ્યારે, લોકો મારા પર અપવાદ મૂકે છે કે મારામાં જ કમી હશે જેથી મારા ડિવોર્સ થયા! મેં માતાપિતાની મરજી વગર લગ્ન કર્યા એનું દુઃખ તો ખરું પણ મારું જજમેન્ટ માણસ પારખવામાં ખોટું ગયું એ દર્દ ભૂલાતું નથી, પણ…..” એણે ભીની આંખો લૂછી અને કહ્યું, “મારો ભરોસો મારા પરથી જ ઊઠી ગયો છે! આઈ હેવ બીકમ વલ્નરેબલ! જોઈએ, આગળનો રસ્તો મને ક્યાં લઈ જાય છે!” વ્યક્તિગત રીતે, સરલા સાથેના અમારા પરિચયનો આ પહેલો પ્રસંગ હતો. હું વધુ કઈં ન બોલી. વિનુ માટે મને એક જ ઈર્ષા રહેતી કે હું કેમ એમની જેમ ઓછું નથી બોલી શકતી! એ ન બોલે તો લોકોને અજુગતું ન લાગતું પણ, હું કશું ન બોલું તો સામાવાળાને ઓછું આવી જતું! આથી મેં, કહેવા ખાતર કહ્યું, “તું પણ શું વાત કરે છે સરલા!” અને, પછી, જનરલ વાતો કરીને અમે છૂટાં પડ્યાં. સરલા ગઈ પછી મેં વિનુને કહ્યું, “ડો. રાજીવ ખન્ના, સરલા સાથે એ થોડાક વધુ ફ્રેન્ડલી નથી લાગતા?” વિનુ એમની ખાસિયત પ્રમાણે ત્રણ શબ્દો બોલ્યા, “સહુનો જેવો સ્વભાવ.” અને વાત પૂરી થઈ!

                  પછીના દિવસોમાં, સરલા અને હું, હોસ્પિટલમાં, સેકન્ડ શીફ્ટમાં ક્યારેક, ડિનર બ્રેક વખતે મળતાં. સરલા હવે મારી સાથે થોડીક નોર્મલ વાતો કરવા માંડી હતી. એક દિવસ એણે મને પૂછ્યું, “એક વાત પૂછું? તું અને વિનુભાઈ, ડો. ખન્ના અને રમોલા, એમની ફિલિપીનો પત્નીને, કેટલા સમયથી ઓળખો છો?” મે કહ્યું, “જ્યારથી અમે અહીં આવ્યાં છીએ, ત્યારથી, સાડા પાંચ વરસથી.” અને પછી, એણે વધુ ઈન્ફરમેશન પૂછતાં મેં વિગતો કહી, જે મને ખબર હતી. ડો. ખન્ના અમેરિકામાં ૭૦ના દસકાની શરૂઆતમાં આવ્યા હતા. તે સમયે, વિયેટનામના યુધ્ધ અને નિક્સનની ફેઈલડ પ્રેસીડન્સી પછીનું રીસેસન ચાલતું હતું. અહીં રહી જવા માટે ડો. રાજીવ ખન્નાએ અમેરિકન નેવીમાં, ડોક્ટર તરીકે સર્વીસ આપવા નામ નોંધાવ્યું અને વિયેટનામ યુધ્ધમાં પણ ગયા હતા. એના ફળસ્વરુપ, એમને અહીંની સિટીઝનશીપ મળી ગઈ. હાલ પણ, એ યુ.એસ. નેવીમાં જ મેડિકલ ઓફિસર કામ કરતા હતા. આ કામ દરમિયાન, ડો. ખન્ના, ત્રણ મહિના ઓન ધ ગ્રાઉન્ડ, રજા પર અને ત્રણ મહિના ઓન ધ શીપ ડ્યુટી પર રહેતા. હાલ, હજુ બે મહિના માટે ઓફ ડ્યુટી હતા. પછી મેં પૂછ્યું, “કઈં સ્પેસીફિક કારણથી પૂછી રહી છે?” એ બોલતાં બોલતાં જાણે શબ્દો ગળી ગઈ અને કહ્યું, “કઈં નહીં, અમસ્તાં જ પૂછ્યું.”  આમ ને આમ, એકાદ અઠવાડિયું વીતી ગયું. તેના પછી, ડિનર બ્રેક વખતે સરલા બહાર જતી હતી, આથી, હું સરલાને મળી નહોતી. આમને આમ, થોડાક અઠવાડિયા વીતી ગયા. એક દિવસ, સરલા ખૂબ જ સૂઝેલી આંખો સાથે કામ પર આવી હતી. તે દિવસે, કેટલા બધા અઠવાડિયાઓ પછી અમે ડિનર બ્રેકમાં મળ્યા. સરલાનું ધ્યાન ક્યાં હતું કોને ખબર? મેં ખાલી એટલું જ પૂછ્યું, “આર યુ ઓકે?” એ બોલી, “મને ક્યાં કશું થવાનું છે?” બીજે દિવસે, સરલા ખૂબ જ સારા મૂડમાં હતી. ડિનર બ્રેકમાં મને કહે, “આજે મેં બે વીકની નોટિસ આપી. હું વોશિંગ્ટન ડી.સી. મુવ થાઉં છું.” મેં કહ્યું, “કોન્ગ્રેચ્યુલેશન્સ! પ્રમોશન મળ્યું? કઈ હોસ્પિટલમાં કામ મળ્યું?” એણે કહ્યું, “હજી નથી મળ્યું પણ ત્યાં જઈને એપ્લાય કરીશ.” સરલા મારી જોડે ફ્રેન્ડલી હતી પણ એક લોખંડી પડદો તો વચ્ચે સદા રહેતો અને એની આરપાર જઈ, રીયલ સરલા સુધી પહોંચવું ખૂબ જ અઘરૂં હતું. મેં પણ વધુ કઈં પૂછ્યું નહીં. નીકળવાના છેલ્લા દિવસે, એણે મને ખૂબ જ આત્મીયતાથી હગ આપી અને કહ્યું, “જયશ્રી, તું અને વિનુભાઈ મને હંમેશા યાદ રહેશો.” મેં એને કહ્યું, “હું તારા વેલ બીઈંગ માટે સદા પ્રાર્થના કરીશ.”

                  સમય વીતતો ગયો. ૧૯૮૪ના પ્રારંભમાં અમે ઘર લીધું અને ફિલાડેલ્ફિયાના બીજા સબર્બન ટાઉનમાં મુવ થયા, એકે એક કરીને, એપાર્ટમેન્ટના અમે જૂના મિત્રો ઘર ખરીદતાં, ત્યાંથી નીકળી ગયા હતા. થોડાક મિત્રો તો ફિલા છોડીને બીજા સ્ટેટમાં મુવ થઈ ગયા હતા. અમે ઘર તો બદલ્યું, પણ એ સાથે વિનુ અને મેં જોબ પણ બદલ્યો. હું હવે ફિલાના ડાઉનટાઉનની યુનિવર્સીટી હોસ્પિટલની લેબમાં કામ કરતી હતી. એ સાથે, સાંજની શીફ્ટમાં, આ જ યુનિવર્સીટીમાં મારું ક્લિનિકલ પેથોલોજીનું માસ્ટર્સ કરી રહી હતી.  આમને આમ બીજા દસ વરસ વિતી ગયા. મારું એમ.એસ. પતી ગયું હતું હવે હું એ જ હોસ્પિટલની ચિલ્ડ્રન’સ હોસ્પિટલની લેબ રન કરતી હતી. એક દિવસ, હું અમારી હોસ્પિટલના સામેના બિલ્ડીંગમાં આવેલી, પીડિયાટ્રીક આઉટ પેશન્ટ ક્લિનિકમાં, બોન મેરો કલેક્શન માટે ગઈ. ઓપરેટીવ રૂમમાં જતા પહેલાં, હિમેટોલોજીસ્ટ પેશન્ટના એક્ઝામીનેશન રૂમમાં જતા હતા. હું પણ ત્યાં, પેશન્ટના રૂમમાં, એમની સાથે ગઈ. સાઈઠ-સિત્તેરની વચ્ચે લાગતું એક ફિલિપીનો દંપતી, દસ વરસની, દેખાવે ઈન્ડિયન લાગતી છોકરી સાથે હતું. હું એન્ટર થઈ કે તરત જ એ છોકરી મને જોઈને હસી, અને, એ ફિલિપીનો દંપતીને કહે, “લુક, ગ્રાન્ડપા, ગ્રાન્ડમા, શી લુક્સ લાઈક મી.” એ દંપતી હસ્યા. પછી, મારી સાથે અને હિમેટોલોજીસ્ટ સાથે હાથ મેળવીને, ફિલિપીનો એક્સન્ટમાં, અંગ્રેજીમાં કહે, “વી આર મિસ્ટર એન્ડ મિસીસ મરસેડ, ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓફ જીયા.” હિમેટોલોજીસ્ટે, જીયાનો ચાર્ટ વાંચતાં પૂછ્યું, “એના પેરેન્ટ્સ નથી આવ્યાં? તમને ખબર છે ને કે શું તકલીફ છે? આપણે બહાર જઈને વાત કરી શકીએ” મિસીસ મરસેડે કહ્યું, “અહીં જ વાત કરીએ. જીયાને પણ ખબર છે કે એને શી તકલીફ છે. હકીકતમાં, જીયા મારી દિકરીની સ્ટેપ ડોટર છે. મારી દિકરી અને જીયાની મા, બેઉ, અનુક્રમે છ અને સાત વરસ પહેલાં મૃત્યુ પામ્યા. જીયાના પિતાનું મૃત્યુ આઠ વરસ પહેલાં થયું હતું. જીયાનું કોઈ નહોતું. અમારી દિકરીનો દિકરો નોર્મલ છે પણ, જીયા…!” એ વૃધ્ધાની આંખોમાં આંસુ આવ્યાં. જીયા હસીને બોલી,”ડુ નોટ ક્રાય ગ્રાન્ડમા.” પછી, ડોક્ટર તરફ ફરીને, ઈંગ્લીશમાં કહે, “આઈ હેવ એઈડ્સ. મારો બોન મેરો સરપ્રેસ્ડ છે. મારી મા અને સ્ટેપ મા, બેઉને એઈડસ હતો. મારા પિતાને એઈડસ હતો.” જીયા એકી શ્વાસે બોલી તો ગઈ પણ એનો અવાજ ભીનો હતો. હિમેટોલોજીસ્ટે પેશન્ટનો ચાર્ટ ટેબલ પર મૂક્યો, અને જીયાનો હાથ, હાથમાં લઈને થાબડતાં કહ્યું, “વોટ અ બ્રેવ ગર્લ!” મેં પેશન્ટ હિસ્ટરી વાંચવા માટે ચાર્ટ લીધો અને પેશન્ટનું નામ વાંચ્યું, “જીયા રાજીવ ખન્ના!”

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૮ (જયશ્રી વિનુ મરચંટ)

યે ક્યા હુઆ, કૈસે હુઆ, કબ હુઆ

                     ફિલાની અમારી સ્ટ્રીટ માંડ ૦.૧ માઈલની હતી. આ નાની અને શાંત સ્ટ્રીટની બેઉ બાજુ ઘરોની હાર હતી. ૧૯૮૭, જૂનના અંત કે જૂલાઈની શરૂઆતનો સમય હતો. વિનુ અને હું, અમારા ફિલાના ઘરના આગળના ઓટલા પર, સાંજના ૫થી છ વચ્ચે, સૂરજ આથમવાની રાહ જોતાં ઊભા હતાં. અચાનક, ઘરના ડ્રાઈવ વેમાં એક બ્લુ રંગની, ૧૯૭૯-૮૦ના મોડેલની ઈમ્પાલા આવીને ઊભી રહી. આગળ જુવાન ગોરું કપલ હતું. પાછળની સીટ પર કોઈ બેઠું હતું. મેં ધ્યાનથી પાછળ બેઠેલી વ્યક્તિને જોઈ. એ અમારી તરફ જોઈ હાથ હલાવતી હતી, અને આશ્ચર્યથી હું બોલી ઊઠી, “અરે, આ તો સવિતા છે!” ડ્રાઈવરસીટ પરથી ગોરા યુવકે ઊતરીને પાછળનો દરવાજો ખોલ્યો. ઘોડી જેમ થનગનતી દોડે, એમ ગાડીમાંથી ઊતરીને એ અમારા તરફ દોડી, અમને બેઉને પગે લાગી. મેં એને ઊભી કરી. મેં પૂછ્યું, “સવિતા, તું અહીં આવી કેવી રીતે? કોણ છે આ લોકો?” ત્યાં સુધીમાં પેલો ગોરો યુવક અમારા ઓટલા પર આવ્યો. અમને અંગ્રેજીમાં કહ્યુ,“સવિતા Philadelphia’s 30th Street Stationની બહાર માર્કેટ સ્ટ્રીટ પર, પાર્કિંગ મીટર્સ પાસે ઊભી ઊભી, બ્રોકન ઈંગલીશમાં તમારું એડ્રેસ બતાવીને ત્યાં કેમ જવું એવું પૂછી રહી હતી. અમે તમારા ઘરથી દસ માઈલ દૂર રહીએ છીએ આથી રાઈડ આપી.” વિનુ અને મેં, સવિતાને અહીં સુધી મૂકી જવા માટે એમનો આભાર માન્યો અને “બાય, બાય” કહી અમે ઘરમાં આવ્યાં.

                     મેં, સવિતાને, બાથરૂમ બતાવી ફ્રેશ થવા કહ્યું, પછી પૂછ્યું, “સવિતા, તું ૩૦મી સ્ટ્રીટના સ્ટેશન પર આવી કેવી રીતે? ક્યાંથી આવી?” સવિતા મરાઠીમાં બોલી, “હું ન્યૂ યોર્કથી આવી. મુંબઈમાં આપણા મકાનમાં પાંચમા માળની ઝવેરી બાઈ મને એના છોકરાઓનું ધ્યાન રાખવા લઈ આવી. એ લોકો અમેરિકા ફરવા આવ્યા હતા. હું નહાઈને આવી.” સવિતા, અમારા મુંબઈના ઘરમાં ટેમ્પરરી હેલ્પર તરીકે ઘરકામમાં મદદ કરતી, સવિતા છૂટાં ઘરકામ કરવા જ્યારે અમારા બિલ્ડિંગમાં મુંબઈમાં આવી ત્યારે માંડ પંદર વરસની હશે. સવિતા સતારાથી મુંબઈ આવી હતી. થોડા સમયમાં એણે, એના હસમુખા સ્વભાવ, મહેનત અને લગનથી બિલ્ડિંગમાં રહેનારાઓના દિલ જીતી લીધાં હતાં. અમે અમેરિકા આવ્યાં ત્યાં સુધી સવિતા અમારા કુટુંબની સભ્ય સમી હતી. અમારું કામ દોડીને કરી આપતી. વિનુએ મને પૂછ્યું, “તેં સવિતાને સરનામું આપ્યું હતું?” હું બોલી, “નીચે આવશે ત્યારે એને પૂછીશ!” સવિતા ફ્રેશ થઈને આવી. હું એના માટે ચા બનાવવા ગઈ તો મને કહે, “મેમસા’બ, હું બધું શોધીને કરી લઈશ. બાબા-બેબી ક્યાં છે? હવે તો મોટા થઈ ગયાં હશે!” મેં હસીને ડોકું ધુણાવ્યું. સવિતા કામકાજે પાવરધી હતી. ચા નાસ્તો કરતાં એની પર જે વીત્યું એની વાત કરવા બેઠી. જે ઝવેરી કુટુંબ સાથે એ આવી હતી એણે એને એમ કહીને બોસ્ટનમાં કોઈક મોટેલમાં કામ કરવા મૂકી, કે, જો એ અહીં રહેશે તો લગભગ $૨,૫૦૦ છ મહિનામાં કમાશે, જેની કિમત તે વખતે ૨ લાખ રૂપિયા થતી હતી. સવિતા લોભમાં આવી ગઈ. એને કહેવામાં આવ્યું હતું કે, આ મોટેલના માલિક સવિતાનો પાસપોર્ટ, બીજા પેપેર્સ અને ઝવેરી કુટુંબે એના મહેનતાણાના આપેલા $૪૦૦ બરાબર સંભાળશે. ઝવેરી કુટુંબ તો પાછું ઈન્ડિયા જતું રહ્યું. પહેલા બે ચાર દિવસ, મોટેલ માલિક પતિ-પત્નીએ એને સારી રીતે રાખી પણ પછીથી કનડગત શરૂ થઈ. ૪૦ યુનિટની એ મોટેલની બધી લોન્ડ્રી કરવાની અને વેક્યુમ કરવાનું, દેશી ખાવાનું બનાવવાનું અને પછી રાતના સમયે, મોટેલમાં, આગળની ઓફિસરૂમમાં સૂવાનું. કોઇ ગ્રાહક જો આવે તો, માલિકને ઊઠાડવાનું. આમ ને આમ મહિનો વીત્યા પછી, સવિતાએ જ્યારે પગાર માંગ્યો તો મોટેલના ઓનરે કહ્યું કે સવિતાને ઝવેરી કુટુંબે મોટેલવાળાને ૨,૦૦૦ ડોલર્સમાં વેચી છે! એની ભરપાઈ ન થઈ જાય ત્યાં સુધી એને પગાર કે પાસપોર્ટ નહીં મળે. સવિતા રડતાંરડતાં બોલી, “મોટેલમાં ન્યુ યોર્કથી એક પંજાબી ફેમિલી આવ્યું હતું. મેં એમને વાત કરી, તમારું સરનામું, તમારા પડોશી પાસેથી લાવી હતી, તે બતાવી કહ્યું કે મારે અહીં જવું છે તો એ બોલ્યાં, “આ ફિલાડેલ્ફિયાનું એડ્રેસ છે. અમે ન્યુ યોર્ક સુધી રાઈડ આપી, તને ટ્રેનમાં બેસાડી, ૧૫-૨૦ ડોલર્સ આપવા સિવાય બીજી કોઈ મદદ નહીં કરીએ.” બસ, એમની કારમાં નીકળવાના દસ મિનિટ પહેલાં જઈને સંતાઈ ગઈ અને ન્યુ યોર્કેથી અહીંના ટ્રેન સ્ટેશન સુધી આવી.” હું તો અવાક બની ગઈ. મેં એને પૂછ્યું, “તારો સામાન? પાસપોર્ટ?” તો એ બોલી, “મેમસા’બ, પાસપોર્ટ તો એ લોકો આપવાથી રહ્યાં. હું ચાર જોડી કપડા ગારબેજ બેગમાં નાખીને આવી ગઈ!” મારું અચરજ વધતું જતું હતું, “અરે પણ, તેં રાઈડ કેવી રીતે માગી? સવિતા હસીને કહે, “મેમસા’બ, તૂટકફૂટક અંગ્રેજી વાંચતાં અને બોલતાં શીખી ગઈ છું” અને પછી પોતાની માતૃભાષા મરાઠીમાં બોલી, “ટીવી પર અંગૂઠો બતાવીને રાઈડ માંગતાં લોકો જોયા હતાં. મેમસા”બ, મારા વિઝા છે ત્યાં સુધી મને તમારે ત્યાં રાખો” મેં કહ્યું, “તું રહે અહીં પણ મને પગાર ડોલર્સમાં આપવો પરવડે નહીં.” સવિતા કહે, “તો પછી મને ઘરકામની નોકરી અપાવી દો.”  મેં કહ્યું, “કાલે વાત કરીશું”.

                         હું મારા બેડરૂમમાં ગઈ. વિનુ ટીવી જોઈ રહ્યા હતા.  મેં એમને પૂછ્યું, “સવિતાનું શું કરવું છે? નવો પાસપોર્ટ બનાવીને, થોડા પૈસા આપીને, ટિકિટ કઢાવીને ઈન્ડિયા મોકલી આપીએ?” વિનુએ કહ્યું, “સાઉન્ડસ ગુડ ટુ મી” બીજે દિવસે, અમે સવિતા સાથે વાત કરી. “સવિતા, અમે તને થોડા પૈસા- ૫૦ થી ૬૦ હજાર જેટલા- ઈન્ડિયામાં આપી શકીએ અને અહીંથી તારી વન-વે ટિકિટ કઢાવી શકીએ. તારો નવો પાસપોર્ટ અને વિઝા પણ બનાવી લઈશું. આ બધું કરવામાં સમય તો લાગશે.” સવિતા કહે, “મને કામ પર રખાવી ન દો? હું થોડુંક કમાઈ લઈશ.” સવિતાનો નવો પાસપોર્ટ અને વિઝા થતાં પાંચથી છ અઠવાડિયા થવાના જ હતાં. પ્રારંભના ત્રણ અઠવાડિયામાં, સવિતાને, મેં, છ જુદા જુદા ડોક્ટરોને ત્યાં બેબી સીટીંગ માટે રખાવી. બધેથી બેચાર દિવસોમાં એ પાછી આવતી! એને ક્યાંય ફાવતું નહીં. મોટે ભાગે, એને મેમસાબ ન ગમતી અને મેમસાબોને એ ન ગમતી! ત્રીસ વરસની હસમુખી સવિતા, નમણાં નાકનકશાવાળી હતી. અમને ઓલમોસ્ટ યુનેનીમસલી ફીડબેક મળતાં કે સવિતા બધાના પતિ સાથે ફ્લર્ટ કરે છે! મને અને વિનુને સમજાતું નહીં કે અમે પણ શું કરીએ! ત્રણ અઠવાડિયા પછી તો મારે એને માટે કામ શોધવાની જરૂર ન રહી! જે ઘરોમાં કામ માટે જતી એમની ફોનની ડાયરીમાંથી એમના દેશી મિત્રોના નામ-નંબર, લખી જ ન લેતી પણ, મોઢે કરી લેતી! પછી, ત્યાંથી જ કોલ કરીને કહેતી કે જો એને વધુ પૈસા આપવા તૈયાર હો તો એને લઈ જાવ! થોડા મિત્રોએ અમને ફરિયાદ કરી. મેં અને વિનુએ દિલગીરી અને શર્મિંદગીથી સોરી કહ્યું. તકલીફ એ હતી કે ચાર કે છ દિવસો સુધી ટકતા એના એમ્પ્લોયમેન્ટની વચ્ચેના ગાળામાં, એ અમારે ઘરે, ક્યારેક રાઈડ માગીને તો ક્યારેક ટેક્સીમાં આવતી. એને કમાણીની સમજ પડી ગઈ હતી! અમારા ઘરેથી ત્રણેક દિવસોમાં પાછી પોતે જે નામો નંબરો મોઢે કરી લીધાં હોય એમને ફોનો કરીને કામ મેળવી લેતી. વિનુ કહેતા, “આપણે ભૂલ કરી. સવિતાને એના મોટેલ ઓનરના નામ એડ્રેસ વિષે પૂછી લેવું હતું. આપણે પણ સચ્ચાઈ જાણવાની પરવા ન કરી.” એકવાર એ જોબોની વચ્ચે, અમારે ત્યાં આવી હતી, ત્યારે અમે એના પાસપોર્ટ અને વિઝા એને આપ્યા અને એને પૂછ્યું, “તારે ક્યારે પાછા જવું છે, જો કહે તો એની વન વે ટિકિટ કઢાવી લઈએ!” એ બોલી, “મેમસા’બ, પાછા કોને જવું છે? મારે તો અહીં જ રહેવું છે. પણ હું તમને બેઉને કદી નહીં ભૂલું.” એના પછી, બે દિવસમાં એને પાછો બીજો જોબ મળી ગયો અને એ ગઈ.

                      હવે દરેક એમ્પલોયમેન્ટ વચ્ચે ગાળો થોડો વધીને ત્રણ કે ચાર દિવસોને બદલે, ત્રણ અઠવાડિયાનો થઈ ગયો હતો! હું મારી થિસિસની તૈયારીઓ કરતી હતી. ફુલટાઈમ જોબ, ભણવાનું, ઘર અને બાળકોની જવાબદારી સાથે મને જરા પણ સમય મળતો નહોતો. આ બધાની વચ્ચે એક ફડકો મને ને વિનુને સતત રહેતો કે સવિતામા ક્યારે પ્રગટ થશે! વિનુ એક વાર એમના ઓડિટ માટે આઉટ ઓફ ટાઉન હતા. સવિતામા પ્રગટ્યાં અને મેં બાજુમાં રહેતા મારા દિયરને બોલાવ્યાં. એમણે સવિતાને કહ્યું, “ભાઈ-ભાભીથી તારા માટે થઈ શકે એ બધું જ કર્યું છે. તું ક્યાંય ઠરીઠામ નથી થતી. કામ છોડીને કોઈ પણ નોટિસ વિના તું આવે છે એ ખૂબ ડિસરપ્ટીવ છે. તું કાલે અહીંથી નહીં નીકળે તો કમને પોલિસ બોલાવીશ.” સવિતાના જવાબે અમને દંગ કરી દીધાં. એ બોલી, “હું ક્યાં બાઈને નડું છું? ચોર નથી, સાબ અને મેમસાબની ઈજ્જત કરું છું. મને ચાવી આપી રાખો આથી તમને કોઈ તકલીફ જ નહીં!  બોસ્ટનમાં પોલિસ બોલાવવામાં આવી હતી, પણ જો તમે ખુશીથી મને ઘરમાં આવવા દીધી હોય, મેં ચોરી-ચપાટી ન કરી હોય તો પોલિસ પણ મને અહીંથી કાઢી શકે નહીં!” અમને લાગ્યું કે એ ફેંકે છે. અમે તે જ સમયે પોલિસને બોલાવી. પોલિસે એક્ઝેટલી એજ કહ્યું જે સવિતાએ કહ્યું હતું! એટલું જ નહીં પણ પોલિસે મારા, મારા દિયેરના અને મારા પતિના ગ્રીન કાર્ડસ અને પાસપોર્ટ જોવા માગ્યા કે અમે લીગલ છીએ કે નહીં! જતાં જતાં પોલિસે કહ્યું, “જો સવિતા કોઈ ફ્રોડમાં પકડાય તો અમારે અમારી જાતને ઈનોસન્ટ પ્રુવ કરવાની રહેશે કારણ કે અમે પ્રોપર આઈડેન્ટીટી વિના એને અમારા ઘરમાં લીધી છે!” સવિતા ઘણું ઈંગ્લીશ સમજતી થઈ ગઈ હતી. એ બેઠીબેઠી હસતી હતી! મારા દિયેર બોલ્યા, “સવિતા તો આમ જ રહી અને આપણે પોલિસના ચોપડે ચડી ગયાં!” મને ગુસ્સો પણ આવતો હતો અને એ જે રીતે બોલ્યા એ સાંભળી હસવું પણ આવતું હતું! સવિતાને વિઝા ખાલી ચાર અઠવાડિયાનો મળ્યો હતો. મારા દિયર કહે, “ભાભી, સવિતાનો વિઝા એક્સપાયર થઈ ચૂક્યો છે તો આપણે એને ઈમીગ્રેશન ઓફિસ પર લઈ જઈને કહીએ કે એ અહીં ઈલલીગલી છે તો એને ડિપોર્ટ કરો!” મેં કહ્યું, “વિનુ આવી જાય પછી વિચારીએ તો?” મારા દિયર કહે, “ચાલો, કઈં નહીં થાય!” સવિતા વીલીંગલી સાથે આવીને કહે, “આ પણ મારી સાથે થઈ ચૂક્યું છે! એ લોકો મને કઈં કરી શકે નહીં કારણ મેં કોઈ કાયદો નથી તોડ્યો!” અમે ઈમીગ્રેશન ઓફિસ પર પહોંચી, ફરિયાદ વિભાગમાં ફરિયાદ નોંધાવી. અમને અને સવિતાને એ લોકો એક બીજા રૂમમાં લઈ ગયાં. મારા દિયરે સાદું સત્ય કહ્યું કે સવિતાનો વિઝા પુરો થઈ ગયો છે. એ અહીં ગેરકાયદાસર છે. તમે એને પાછી મોકલવાનો સમન્સ આપો. ટિકિટના પૈસા અમે આપી દેશું! જવાબમાં ઈમીગ્રેશન ઓફિસરે કહ્યું, “જુઓ, જ્યાં સુધી એ કોઈ ગૈરકાનુની એક્ટીવીટીમાં સંડોવાય નહીં ત્યાં સુધી હ્યુમન રાઈટસ કમીશન પાસેથી મંજૂરી લીધા વિના અમે ડિપોર્ટેશન કાયદા પ્રમાણે કરી શકીએ નહીં!” સવિતામા મરકમરક થઈ રહ્યાં હતાં! અમે નીકળતાં હતાં કે ઓફિસરે અમારા આઈડી માગ્યા. અમે પોલિસના ગયા પછી પાસપોર્ટ અને ગ્રીનકાર્ડ હાથવગા હોવાથી સાથે જ લઈ આવ્યા હતાં. ઈમીગ્રેશન ઓફિસરે બધું નોંધી લીધું! અમે કાર પાસે આવ્યાં, રડમસ ચહેરે. ગાડીમાં બેસતાં મારા દિયર બોલ્યાં, ”આવું તો પહેલીવાર થયું છે કે વગર ગુને આપણે એક જ દિવસમાં બેવાર પોલિસને અને ઈમીગ્રેશનને ચોપડે ચઢી ગયાં અને સવિતામા તો આમ જ રહ્યાં!” સવિતા સાથે, અમે બધાં જ હસી પડ્યાં! સવિતાએ કહ્યું, “મેમસા’બ, મને ખબર છે કે તમારા ફ્રેન્ડસર્કલમાં મારે કારણે તમારી બદનામી થઈ છે પણ એક વાત કહું? આજે છેલ્લીવાર મારી મદદ કરી આપો. મને બેબીસીટીંગ અને નાના છોકરાઓનું કામ નથી ફાવતું. કોઈ એલ્ડર્લી ઈન્ડિયનને ઘેર મૂકાવી આપો. હું દિલથી સેવા કરીશ. તમને તંગ પણ નહીં કરું.” મેં કહ્યું, “વી ઓલ હેડ અ લોંગ ડે! કાલે વાત!”

                         બીજે દિવસે, મેં ન્યુ યોર્કમાં રહેતા અગ્રણી ભારતીય બીઝનેસમેન જેમની સાથે ગુજરાતી લીટરરી એકેડમી ઓફ નોર્થ અમેરિકાની સ્થાપના વખતે નજીકથી ઓળખાણ થઈ હતી, એમને (આજે એ હયાત નથી પણ, મારી માહિતી પ્રમાણે, એમના પત્ની હયાત છે) ફોન કર્યો. પતિ-પત્ની સેવન્ટીઝ અને લેઈટ ફીફટીઝમાં હતાં. મેં સવિતાની બધી વાત વિગતે કરી. એમણે મને તુરંત જ સવિતાને ન્યુ યોર્ક મોકલવાનું કહ્યું. સવિતાને મારે ઘરેથી મોકલતી વખતે, મેં એને બસો ડૉલર્સ આપ્યાં, અને એના માથે ટપલી મારીને કહ્યું, “અહીં ટકીને રહેજે. બની શકે તો ભણજે. બહુ જ સારા માણસો છે અને જો અહીં મને શરમાવાનો વારો આવ્યો છે તો આ ઘરમાં કદી પાછી આવતી નહીં!” સવિતા રડીને મારે પગે પડી અને બોલી, “મેમસા’બ, સા’બને પ્રણામ કહેજો.” પછી, મને પગે લાગી, બાળકોને વ્હાલ કરીને સવિતા એની મુસાફરી પર નીકળી પડી. મીડ નાઈનટીઝ સુધી ક્યારેક ક્યારેક એના ફોનો આવતાં અને મને કહેતી કે એ કામ કરવા સાથે ભણી રહી છે અને સારી છે. અમે અમારી જિંદગીના નવા પડાવ સર કરવામાં પડ્યાં હતાં. મારી સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે જીએલએના કાર્યક્રમોમાં નિયમિત જવાતું નહીં. ૨૦૦૦ એપ્રિલમાં અમે કેલિફોર્નિયા મુવ થયાં. બનાવો ઝડપથી બનતા ગયાં. બધું એક ઓર્ગેનીક ક્રમમાં થઈ રહ્યું હતું. ૨૦૧૪ના ડિસેમ્બરની આઠમી તારીખે થયેલા જીવલેણ કાર અકસ્માતમાં વિનુ આ ફાની દુનિયા છોડીને જતા રહ્યા. કેલિફોર્નિયા અને ફિલાડેલ્ફિયાના સ્નેહી, સ્વજનો, સાહિત્યની દુનિયાના મિત્રો એક સાથે અમારા આ આઘાતમાં અમારી સંગ રહ્યાં.

                        બે અઠવાડિયા વીતી ગયા પછી, શનિવારે સવારના સાડા દસ વાગે, અમારા ઘરની બેલ વાગી. મેં દરવાજો ખોલ્યો.  સરસ રીતે સજ્જ દેશી કપલ, દસ અને બાર વરસના લાગતા બાળકો સાથે ઊભાં હતાં. હું બોલી ઊઠી, “સવિતા?” અમે ઘરમાં આવ્યાં. સવિતા મને પગે લાગી. મને એના પતિ અને બાળકોની ઓળખાણ કરાવી, એક બે મિનિટના અજબ મૌન પછી, એણે મને હગ આપી અને રડી પડી. મને ઈંગલીશમાં કહે, “મેં ઈન્ટરનેટ પર એક્સીડન્ટના ખબર વાંચ્યા તો મારા માનવામાં જ ન આવ્યું! મેં મારા હસબન્ડને કહ્યું, “આપણે મેમેસાબને મળવા જવું જોઈએ!” એ મારો વાંસા પર હાથ ફેરવતી રહી. મારા આંસુ અવિરત વહેતાં હતાં. એના પતિ એમના કાળા ચશ્મામાંથી હજી મને જોઈ રહ્યા હતા. આમતેમ બધી વાત થઈ પછી મેં પૂછ્યું, “સવિતા, દર વખતની જેમ આજે પણ નોટિસ વિના આવી! તું શું કરે છે આજ કાલ?” “મેમસા’બ, હું દાદાજીને ત્યાં રહીને નર્સ બનીને મારા પતિની સાઇકાયેટ્રીની ઓફિસમાં કામ કરતી હતી. કાર અકસ્માતમાં મારા પતિની પ્રથમ પત્ની, બે નાનાં ભૂલકાં મૂકીને છ વરસ પહેલાં અવસાન પામી. મેં એમની સાથે લગ્ન કરી લીધાં જેથી બાળકો અને પ્રેકટીસ બેઉ સચવાય! અક્સ્માતમાં એમની બેઉ આંખો જતી રહી છે મેમસા’બ!”

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૭ (જયશ્રી વિનુ મરચંટ)

“વક્તને કિયા ક્યા હસીં સિતમ!”

                    “નિરંજન ઈઝ નો મોર!” રાતના સાડા નવ વાગે, ૧૯૮૮ની જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનાની રાતે, વિનુ ઘરમાં આવતાવેંત આ એક વાક્ય બોલ્યા અને સોફા પર ફસડાઈ પડ્યા. બાળકો સૂઈ ગયા હતાં. છેલ્લા ચાર દિવસથી નિરંજન અમારા ઘરની નજીક આવેલી હોસ્પિટલમાં એડમીટેડ હતો. વિનુ રોજ સાંજના ત્યાં જતા હતા અને એની પાસે બેસતા.  એમના હાથ પર હાથ મૂકી, એમની બાજુમાં હું બેઠી. “ખાલી ૨૫ વરસનો એ છોકરો…. ચાર દિવસની માંદગી…ને આમ જતો રહ્યો…!” બહુ જ ઓછાબોલા વિનુના અવાજમાં ડૂમો અને કંપ એકસાથે હતા. બેચાર મિનિટનું એ મૌન એટલું તો ઘટ્ટ હતું કે કરવતથી વહેરી શકાય! થોડાક સ્વસ્થ થયા અને કહે, “સહુ પહેલા અનિતાને ફોન કર, ઈન્ડિયામાં. હું નાહીને આવું છું.” અનિતા વિનુ સાથે પહેલા ધોરણથી સ્કૂલમાં ભણતી હતી અને આજ સુધી વિનુની બહુ સારી મિત્ર રહી હતી. નિરંજન અનિતાનો પુત્ર હતો. મેં કહ્યું, “તમે આવો, પછી સાથે ફોન કરીશું.” હકીકતમાં તો મારામાં હિંમત નહોતી કે હું અનિતાબેનને ફોન કરી શકું! જે હોસ્પિટલમાં નિરંજન હતો, તે જ હોસ્પિટલના પેથોલોજી ડિપાર્ટમેન્ટથી મેં અમેરિકામાં મારી કેરીયરની શરૂઆત કરી હતી. હું વિચાર કરતી હતી કે અનિતાબેનને વિનુ આ સમાચાર આપશે કઈ રીતે? હજી ગઈ કાલે તો નિરંજનની બિમારીનું નિદાન થયું હતું, માઈલોસીટીક લ્યુકેમિયા (બ્લડ કેન્સરનો એક પ્રકાર), પણ આટલે જલદી આમ એ જતો રહેશે, એવી કલ્પના પણ નહોતી! ૧૯૮૮માં પણ બ્લડ કેન્સર એટલે લાઈફ કેન્સલ એમ જ ગણાતું, પણ આમ, આટલે જલદી? હું હજુ તો પોતે આ સમાચાર આત્મસાત કરતી હતી. ત્યાં વિનુ ફ્રેશ થઈને આવ્યા અને અમે ઈન્ડિયા ફોન જોડ્યો.

                    વિનુએ જ અનિતાબેનને સમાચાર આપતાં કહ્યું, “રડ નહીં એવું નહીં કહું તને, પણ જો તારા પતિ ત્યાં હોય તો એમની સાથે પણ વાત કરું.” થોડી ક્ષણો વિનુ ચૂપ રહ્યા અને પછી વાતચીત પાછી શરૂ થઈ. વિનુ બોલ્યા, “સાહેબ, નિરંજન ચાર દિવસથી બિમાર હતો હોસ્પિટલમાં. ગઈ કાલે એને બ્લડ કેન્સર છે એવું નિદાન થયું અને આજે, હમણાં બે કલાક પહેલાં, એનું નિધન થયું છે તો……..(એકાદ મિનિટ સામે છેડેથી કોઈ બોલતું હોય એવું લાગ્યું),” પછી, વિનુ બોલતા રહ્યા “હલો, હલો, આર યુ ધેર? હલો…!” વિનુએ ગુસ્સાથી ફોન મૂકીને કહ્યું, “આઈ ડોન્ટ બીલીવ ઈટ! અનિતાનો વર કહે છે કે, નિરંજન તો એના માટે એણે જ્યારે, મણીપાલમાં એના મેડીસીનનું ફાઈનલ ઈયર પૂરૂં થાય એ પહેલાં જ, મુંબઈથી એક આફ્રિકન છોકરીને ભગાડીને મણિપાલ લઈ જઈને લગ્ન કર્યા ત્યારે જ મરી ચૂક્યો હતો! હી ડઝ નોટ નો એની અધર નિરંજન! અને ફોન ડીસકનેક્ટ કરી દીધો!” મેં વિનુને શાંત પાડતાં કહ્યું, “કાલે પાછો ફોન કરીશું. હમણાં તમે શાંત થાવ. પેગીને સમાચાર આપ્યાં?” વિનુ બોલ્યા, “હા, હોસ્પિટલવાળાઓએ જ આપ્યા. હોસ્પિટલમાં, ઈમરજન્સી કોન્ટેક તરીકે એનું જ નામ અને એડ્રેસ એણે લખાવ્યા હતા. બોડી મળતા તો હજી બે-ત્રણ દિવસ થશે ત્યાં સુધી ફ્યુનરલની વ્યવસ્થા પણ કરવાની છે.” ઉદાસીમાં ઘેરાયેલાં હું અને વિનુ બેઉ સૂવા માટે ગયા.

                    બીજે દિવસે, વહેલી સવારે, છ વાગે ઊઠીને વિનુએ અનિતાબેનને ફોન કર્યો. એ એકલા હતા. અમે બેઉ, ફોન સ્પીકર પર મૂકી, એમની સાથે વાત કરી શક્યા. વિનુએ સાવ ક્લીયર શબ્દોમાં પૂછ્યું, “અનિતા, તું આવવાની છે? તારે આવવું જોઈએ. તારા પોલિટિશિયન હસબન્ડથી ડરવાનું છોડ! તારા બાળકના મરણપર તો એના માટે ઢાલ બની ઊભી થા.” સામે છેડેથી રડતાં એ બોલ્યાં, “મને એ કહે છે કે નિરંજનને લઈને એમના કેટલા બધા અરમાન હતા, એ બધા પર માત્ર પાણી જ નથી ફેરવ્યું, પણ એક કાળી, આફ્રિકન છોકરી સાથે લગ્ન કરીને, નિરંજને એમને સમાજ સામે શરમાવ્યા છે અને એમનું ઉન્નત મસ્તક નીચું કર્યું છે. મને કહે છે કે હું જો ત્યાં એના અંતિમ સંસ્કાર માટે આવીશ તો એ મને છૂટાછેડા આપશે. નિરંજને ઘર છોડતા પહેલા એમને ગુસ્સામાં કહ્યું હતું, કે, મારા પતિ જે જોહુકમી મારા પર અને એના મોટાભાઈ પર ચલાવે છે તે એના પર નહીં ચાલે. નિરંજન ઘણું બોલી ગયો અને જ્યારે એણે એમ કહ્યું કે એને ન એમના (એના પિતાની) પોઝીશનની પડી છે કે ન એમના (એના પિતાના) પાવર કે પૈસાની પડી છે. એણે કાળી છોકરી સાથે લગ્ન કર્યા એમાં શું ગુનો કર્યો? અને એ, પેગી સાથે અમેરિકા જતો રહ્યો!. મારો ૨૫ વરસનો દિકરો… ઘર તો મેડિકલ કોલેજમાં એ ગયો ત્યારે જ ૧૭ વરસની ઉમરે છોડી દીધું હતું ને હવે દુનિયા પણ છોડી દીધી! વિનુ, મને ગીલ્ટી લાગે છે કે ન તો મારા બચ્ચા માટે હું એના જીવતા કઈં કરી શકી કે ન એના મરણ પછી. પણ મને કહે એની પત્ની તો છે ને ત્યાં?” વિનુએ કહ્યું, “તને ખબર નથી લાગતી પણ પેગીના અને એના ડિવોર્સ બે વરસ પહેલાં જ થયાં હતાં.” અનિતાબેન બોલ્યાં, “જેને માટે થઈને એણે પોતાના કુટુંબને છોડ્યું, એ એને છોડીને જતી રહી! મારો દિકરો.. ક્યા ગુનાની આવી સજા ભોગવી રહ્યો છે?” અનિતાબેન ડૂસકાં ભરીને રડી રહ્યાં હતાં. વિનુથી રહેવાયું નહીં અને કહી નાંખ્યું, “તારા હાથમાં છે કે તું તારા સંતાનને પ્રેમ કરે છે એટલે, એના જીવતાં જે ન કરી શકી, તે, એના મરણ પર કર. તારા હસબન્ડની આ જોહુકમી સામે બંડ પોકારીને આવ. જો તું આવવાની હોય તો અમે ફ્યુનરલની તારિખ પણ આગળ ધકેલીએ. ટિકિટ હું મોકલું છું. આમ શું રડીને બેસે છે? ભણેલી છે અને આમ અભણ સ્ત્રી જેમ જુલમ સહે એમ તારા વરની અનરીઝનેબલ વાતો સહ્યાં કરીને તું એને પ્રોત્સાહન આપે છે. ઈફ યુ લવ યોર સન, ધેન ટેઈક અ સ્ટેન્ડ અનિતા એન્ડ મેક યોર હસબન્ડ ઓલ્સો, ક્મ વીથ યુ. તારો ફાઈનલ જવાબ જાણવા, હું કાલે આ જ સમયે પાછો ફોન કરીશ. નિરંજનના ક્રિયાકર્મની શું વ્યવસ્થા કરવી છે અને તું તારા પતિ સાથે આવવાની છે કે નહીં, એ ખબર પડે.” સામે છેડેથી એક અસહાય માના અવિરત ડૂસકાં ચાલુ હતાં.

                ત્યાર બાદ, નિરંજનના અગ્નિસંસ્કાર અને ફ્યુનરલની વ્યવસ્થાની વાતો કરવા બીજા મિત્રોને ફોનો કર્યા. આખી ટ્રાઈસ્ટેટની ઈન્ડિયન કમ્યુનીટી આજે એકજુટ હતી, ભાષા, ધર્મ, જાતિના ભેદ વિના! મને થયું, “કેટલું સરળ છે આપણને કે દુખ પડે બધા એક થઈ જઈએ છીએ પણ એકમેકના સુખને કેમ નથી માણી શકતા? સામા માણસે સુખી કઈ રીતે થવું એના વિષેના આપણા અભિપ્રાયો કેટલા જલદ હોય છે કે જો એ ન બને તો સંબંધો તૂટી પડે!” આવા બધા વિચારોમાં એ દિવસ પૂરો થયો. બીજે દિવસે, શનિવાર હતો. વિકએન્ડની છૂટ્ટી હતી. અનિતાનો ફાઈનલ જવાબ આવી ગયો કે એ નીકળી શકે એમ નથી. આથી કમ્યુનીટીના આગેવાનોએ ફ્યુનરલ રવિવારે બપોરે એક વાગે નક્કી કર્યુ હતું. બાળકો પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતા. મને પણ આ વીકએન્ડ કામ નહોતું કરવાનું. વિનુ પોતાની ઓફિસનું કામ કરી રહ્યા હતા. ત્યાં તો ફોન આવ્યો ને વિનુએ વાત કરી. વિનુના ફોન કોલ ખૂબ જ સંક્ષિપ્ત રહેતા. વિનુએ રસોડામાં આવીને મને કહ્યું, “પેગી હમણાં અહીં મળવા આવી રહી છે. અહીં સેંટર સિટીની હોટલમાં ઉતરી છે. નિરંજનના ફ્યુનરલમાં તો આવશે.” હું પણ તૈયાર થવા ગઈ. એકાદ કલાકમાં પેગી એકલી મળવા આવી. ખૂબ જ અપસેટ હતી. અમને વળગીને ખૂબ રડી. અમે સહુ બેઠાં. પેગી બોલી, “નિરી વોઝ અ નાઈસેસ્ટ મેન.” પછી અંગ્રેજીમાં જ બોલતી રહી, કે કઈ રીતે એ અને નિરંજન મળ્યાં ને લગ્ન કર્યા અને પછી અમેરિકા આવ્યાં. નિરંજનનું બ્લડ કેન્સર ડિટેક્ટ થયું એના પહેલાં, પેગી અને એ ગયા મહિને જ મળ્યાં હતાં અને ખૂબ જ વાતો કરી હતી,” વગેરે, વગેરે. મારાથી રહેવાયું નહીં, અને મેં પૂછી લીધું, “આટલા એકમેકને પસંદ કરતાં હતાં તો તમે ડિવોર્સ કેમ લીધાં?” પેગી સહજતાથી બોલી, “વી વેર નેવર ઈન લવ. રીઝન વોઝ સમથીંગ એલ્સ. નિરી વોન્ટેડ ટુ હેલ્પ મી ટુ ગેટ આઉટ ફ્રોમ ઈન્ડિયા જેથી મારું ફરધર એક્સ્પ્લોઈટેશન (શોષણ) ન થાય! મારી અને નિરીની મૈત્રી ખૂબ જ અદભૂત હતી.” પછી, પર્સ ખોલીને ચેક્બુક કાઢી, વિનુને કહે, “હું ફ્યુનરલ હોમ ગઈ હતી. એમણે કહ્યું કે તમે એક્સપેન્સનો ચેક આપ્યો છે તો આ ચેક પ્લીઝ રાખી લો. એઝ અ એક્સ વાઈફ, મારે પૈસા અપવા છે. અને હા, હિંદુ વિધિ પ્રમાણે, હીઝ બ્લડ શુડ ડુ રીચ્યુઅલ તો મારો ત્રણ વરસનો દિકરો અગ્નિ આપશે.” એણે ૭૦૦૦નો ચેક લખ્યો. ચેક લેતાં વિનુએ કહ્યું, “નિરંજન અમારે ઘરે ખૂબ આવતો પણ એના દિકરા વિષે કદી કીધું નહોતું.” પેગી બોલી, “કારણ કે એ એનો દિકરો નથી એક્ચ્યુઅલી. મારો દિકરો નિરીના પિતાનું સંતાન છે. હું એના પિતાની ઓફિસમાં સેક્રેટરી હતી. તો ચાલો, કાલે ફ્યુનરલ હોમમાં કાલે મળીએ છીએ” પાછી અમને બેઉને ભેટી. એની આંખોમાં આંસુ હતાં. મારાથી પૂછાઈ જવાયું, “આપનો દિકરો હમણાં ક્યાં છે?” સહજ રીતે પેગી બોલી, “મેં પાછા લગ્ન કર્યા અને મારા પતિ સાથે છે. મારા પતિ પણ કાલે નિરીના ફ્યુનરલમાં હાજર રહેશે. સી યુ ટુમોરો.” મેં દરવાજો ખોલ્યો. પેગી ગઈ. વિનુ ચેક લઈને ગુમસુમ ઊભા હતા. હું પણ દરવાજામાં જ ઊભી હતી. પેગી ડ્રાઈવવેમાંથી ગાડી કાઢતી હતી. મારી દિકરી ત્યારે જ એની ગેમમાંથી પાછી આવી અને અંદર આવીને કહે, “હુ વોઝ શી?” વિનુ અને હું જોતાં રહ્યાં. જવાબ આપીને પણ કેમ સમજાવીએ ૧૫ વરસની દિકરીને? મને “અમર પ્રેમ”નું ગીત યાદ આવી ગયું, “યે ક્યા હુઆ, કબ હુઆ, કો છોડો, યે ન સોચો!”

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૬ (જયશ્રી વિનુ મરચંટ)

“જબ કોઈ બાત બિગડ જાયે!”

“જયુબેન, ફક્ત બે ત્રણ કલાક મને તમારા ઘરે રહેવા દેશો? પ્લીઝ?” ૧૯૭૩માં, કદાચ જાન્યુઆરી કે ફેબ્રુઆરીની કોઈ શુક્રવારે સાંજના ચાર વાગે અમારા મુંબઈના ઘરે શીલાબેન બહુ જ વિચલિત સ્થિતિમાં આવ્યા. મને બરાબર યાદ છે કારણ હું ઘરમાં એકલી જ હતી અને વિનુ તે જ દિવસે, એમના કામ માટે, પાંચ દિવસો માટે મદ્રાસ જવા નીકળ્યા હતા. વીકએન્ડ માટે હું મલાડ મારે પિયેર જવાની તૈયારી કરી રહી હતી. હું મારા પ્રથમ સંતાન સાથે પ્રેગનન્સીના પ્રથમ ટ્રાયમેસ્ટરમાં હતી. મનમાં હું ખુશ થતી હતી કે ઓચિંતી જઈને મા અને ભાઈ (પિતાજી)ને સરપ્રાઈઝ આપીશ! હું આવી રીતે, “સરપ્રાઈઝ” આપતી ત્યારે ભાઈ કહેતા, “દિકરા, અમેરિકા ભણવા ગઈ હતી ત્યાંથી આ શીખી આવી છે તું! પણ, “સરપ્રાઈઝ” અને “શોક”, બેઉમાં ફરક છે, એ સમજે છે કે નહીં!” પણ, ખુશ ખૂબ થતાં. મને એમની આ ખુશી જોવી બહુ ગમતી. હું મારા વિચારોમાં મગ્ન હતી ત્યાં જ ડોરબેલ વાગી અને ઓચિંતા જ, શીલાબેન આવી રીતે આવી ચડ્યાં. મેં કહ્યું, “આવો, આવો, શીલાબેન. જરા પણ ફિકર ન કરતાં. આ તમારું જ ઘર છે.” શીલાબેન એમના પતિ સાથે સંયુક્ત, ભાટિયા કુટુંબમાં, અમારી સોસાયટીની બાજુની સોસાયટીમાં રહેતા હતા. એમના પતિનું કુટુંબ બહોળું હતું. એમના પતિ સહિત, ચાર ભાઈઓ, એક બહેન અને સાસુ-સસરા બધા સાથે રહેતા. બહેનના લગ્ન થઈ ચૂક્યા હતાં. પેડર રોડ સ્થિત, સોસાયટીની નોર્થ-ઈસ્ટ વિંગના, આખા ત્રીજા ફ્લોરના ત્રણ બેડરુમના, ચાર ફ્લેટ્સ એમના કુટુંબના હતા પણ રસોડું એક હતું. એમના પતિ સૌથી નાના હતા અને ઘરમાં બધાના ખૂબ લાડકા હતા. બધાં જ ભાઈઓ અને બહેનો મુંબઈની તે સમયની સારામાં સારી સ્કૂલ અને કોલેજીસમાં ભણ્યા હતાં. એમના પતિ તો એ સમયે અમેરિકાથી એમ.બી.એ. ભણીને આવ્યા હતા. આખું કુટુંબ ઘણું જ મોર્ડન ગણાતું. કુટુંબનો એક્સપોર્ટ ઈમ્પોર્ટનો મુખ્ય બિઝનેસ હતો અને સાથે અનેક બીજા ક્ષેત્રોમાં પણ કુટુંબના સૌ સભ્યો સાથે બિઝનેસમાં હતા. શીલાભાભીનું ઘર મોર્ડન ફર્નિચરથી અને એ સમયની બેસ્ટ સાધન-સગવડથી સજ્જ હતું. સંયુક્ત કુટુંબની નવ ગાડીઓ હતી અને પાંચ તો ડ્રાઈવર હતા. દેખીતી રીતે, કોઇ પણ દુઃખની છાયા પણ આ ઘરના કોઇ પણ સભ્ય પર પડી હોય એવું કોઈ પણ સપનામાંયે વિચારી શકે નહીં. હું અમારા ઘરથી માત્ર પાંચ મિનિટ દૂર, મહાલક્ષમીના મંદિરમાં સાલસ સ્વભાવના શીલાભાભીને પહેલીવાર મળી હતી અને પછી તો અમારી વચ્ચે સખ્ય થઈ ગયું. ક્યારેક એકબીજાના ઘરે આવવા જવાનો સંબંધ પણ થઈ ગયો હતો. શીલાભાભી અમારી જ ન્યાતના, ભાટિયા હતાં અને ગોંડલમાં મોટા થયાં હતાં. એસ.એસ.સી સુધી ગોંડલમાં ભણ્યાં અને રાજકોટ જઈને હોમ સાયન્સમાં ડીગ્રી લીધી હતી. નાના ટાઉનમાંથી આવીને પણ, કોઈ જાતની તકલીફ કે કોમ્પલેક્સ વિના, શીલાભાભી એમના મુંબઈના મોર્ડન, ભાટિયા ફેમિલીમાં, દૂધમાં સાકર ભળે એમ ભળી ગયા હતાં. સદાય સ્મિત સાથે પ્રસન્ન મુખ, મોઢા પર કોઈ એક રેખા પણ અપસુખની નહીં અને કદી પણ કોઈ જ ફરિયાદ નહીં એવા શીલાભાભી, આ રીતે મારા ઘરે?
શીલાભાભી ઘરમાં આવ્યા અને જેવો મેં ફ્લેટનો દરવાજો બંધ કર્યો કે મને વળગીને રડી પડ્યાં. કઈં પણ પૂછ્યા-કહ્યા વિના, મેં એમની પીઠ પર હાથ પ્રસવાર્યા કર્યો. થોડીવાર સુધી એ રડતાં રહ્યાં. પછી શાંત થઈને પાણી પીધું. હું બોલી, “ભાભી, તમે જેટલું રહેવું હોય એટલું રહી શકો છો. કહો, હું કઈ રીતે તમને મદદરુપ થઈ શકું?” પાછા એમની આંખમાં પાણી આવ્યાં. મને કહે, “બસ, મને જરાક વાર શાંતિથી બેસી, વિચારવું છે કે મારે શું કરવું છે. વિનુભાઈ ક્યારે આવે છે ઓફિસથી?” મેં કહ્યું, “વિનુ તો ઓડિટ માટે મદ્રાસ (આજનું ચેન્નઈ) ગયા છે અને ગુરુવારે પાછા આવશે. આરામથી બેસો. હું ચા બનાવું છું. હજી તો સાંજના સાડા ચાર જ વાગ્યા છે.” હું રસોડામાં ગઈ. લિવિંગરૂમમાં બેઠેલા શીલાભાભીની દશા જોઈ મને હજારો એવા વિચારો આવતા હતા કે શીલાભાભીને એમના સાસુસસરા ત્રાસ આપતા હશે? મુંબઈમાં ઉછરેલી મોટા ભાટિયા ઘરની એમની જેઠાણીઓ અને જેઠ હુકમ ચલાવતાં હશે કે પછી પરણેલી નણંદ હેરાન કરતી હશે? કદાચ, પતિ અને સાસરિયાં મળીને, પિયેરથી પૈસા લાવવા માટે દબાણ કરતા હશે કે લગ્નને પાંચ વરસ પૂરા થયા છતાં બાળક નથી એ માટે મેણાં મારતાં હશે? શું હોય શકે? મારા મગજમાં વિચારોનું તુમુલ યુધ્ધ ચાલતું હતું.
હું ચા-નાસ્તો લઈને બહાર ગઈ. મેં શીલાભાભીને કહ્યું, ‘ચાલો, મારો પણ ચાનો સમય થયો છે, આપણે ચા-નાસ્તો કરીએ”. શીલાભાભી થોડા સ્વસ્થ થઈ બોલ્યાં, “જયુબેન, મારા સાસરિયાં તો ખૂબ જ સારા છે. સાસુ-સસરા તો મને દિકરીથી પણ અદકી રાખે છે. જેઠ-જેઠાણીઓ, નણંદ-નણદોઈ અને એમના સઘળા સંતાનો મારી સાથે ખૂબ જ પ્રેમથી વર્તાવ કરે છે. પૈસેટકે તો જરાય દુખ નથી, પણ,…!” અને ચાનો કપ ટિપોય પર મૂકી, ફરી ડૂસકે ચઢી ગયાં. હું ચૂપ રહી, એમનો હાથ મારા હાથમાં લઈ સહેલાવતી હતી. એકાદ મિનિટ પછી શીલાભાભી પોતે શાંત થઈ બોલ્યાં, “જયુબેન, એમણે, (એમના પતિએ) તો મારી સાથે સાત ફેરા ફરતી વખતે સોગંદ લીધા છે કે મારી રક્ષા કરશે અને મને સદા સત્કર્મમાં સાથ આપશે. કોઈ પણ મુશ્કેલીમાં મારો સાથ આપશે! જ્યારે એ જ મને આજે એવું કઈં કરવાનું કહે છે કે જે મારી નૈતિકતાના ધોરણો મને કરવાથી રોકે છે! ક્યારેક થાય છે કે હું શા માટે મારા સાંતાક્રુઝમાં રહેતા ફોઈને ત્યાં પાંચ વરસો પહેલાં કોલેજના વેકેશનમાં આવી હતી? જો હું મુંબઈ આવી જ ન હોત તો એમની સાથે પરણવાનો સવાલ જ ન આવત! એ સમયે, હું કોઈના લગ્નમાં ફોઈના કુટુંબ સાથે ગઈ હતી. એમણે, ત્યાં એ લગ્નમાં, મને જોઈ હતી. (પછી ભાટિયા ભાષામાં એમનાથી બોલાઈ જવાયું) હી પોતેજે મમ્મી-પપ્પાકે ગની, મળે સાથે, મીંજે ઘરે ગોંડલ આવ્યા, સગાઈજો માગો ગનીને! (એ પોતાના મમ્મી-પપ્પા અને બધા સાથે મારા ઘરે ગોંડલ મારી અને એમની સગાઈનું માગુ લઈને આવ્યા હતાં!) પચ્ચીસ વરસના શીલાભાભી આજે પણ એટલા સુંદર લાગતા હતાં કે જો કોઈને ખબર ન હોય કે એ પરણેલા છે તો સાચે જ માગુ લઈને જાય! સાડાપાંચ ફૂટ ઊંચા, ગૌરવર્ણ, પાતળું, સુડોળ શરીર અને નમણાશ તો અંગઅંગથી ઝરે, એવા શીલાભાભીને મારાથી અચાનક જ કહેવાઈ ગયું,”ભાભી, તમને તો આજે કોઇ જોય તો એ પણ માગુ લઈને આવે!”
શીલાભાભી શરમાઈને કહે, “તમે પણ શું જયુબેન!” પછી, કહે, “જયુબેન, મારું કહેવાય એવું અહીં કોઈ નથી. મારા મા-બાપુની ઉંમર થઇ ગઈ છે. હું એમનું એક જ સંતાન છું. હું જે તમને જે કહી રહી છું, તે, મારા સમ કોઈને નહીં કહેતાં. એ, મારા વર, મને ફોર્સ કરી રહ્યા છે કે અમે કાલે માથેરાન બે દિવસ માટે એમના મિત્ર સાથે જઈએ. એમના મિત્ર પરણેલા નથી, અને,…..!” શીલાભાભીનું મોઢું લાલલાલ થઈ ગયું, હું ચૂપચાપ હતી અને સાચે જ, ત્રેવીસ વરસની હું સમજી નહોતી શકતી કે શું બોલું! શીલાભાભીએ ગળું ખંખેર્યું, અને મારો હાથ પકડ્યો અને કહ્યું, “મારા પતિ મને એની સાથે રાત ગુજારવાનું કહી રહ્યા છે….!” અને એમણે રડવા માંડ્યું. મેં બુધ્ધુની જેમ કહ્યું, ”પણ કેમ, ફોર્સ કરી રહ્યા છે? શું એ મિત્ર એમના બિઝનેસ કલીગ છે કે જેમના થકી એમને ફાયદો થવાનો છે? અને જો તમે નહીં જાવ તો શું કરી લેશે?” શીલાભાભી બોલ્યાં, “જો નહીં કરું તો એ મને ગોંડલ, મારા પિયેર પાછી મોકલી દેશે. મારા મા-બાપને મોટી ઉંમરે હું જન્મી હતી. મને પાછી મોકલશે તો ગોંડલમાં એમની આબરૂના ધજાગરા થશે!” મેં પૂછ્યું, “તમને પિયેર પાછા મોકલવા માટે તમારા વરને કઈંક તો રીઝન આપવું પડશે જ! એવું થોડું કહેશે કે એમણે, તમને, એમના મિત્ર સાથે રાતના રહેવાનું કહ્યું અને તમે ના પાડી એટલે પાછા મોકલી આપ્યા!” શીલાભાભી ધ્રુસકાં ભરતાં કહે, “અમે ગયા મહિને ઉદેપુર ગયાં હતાં. એક દિવસ અમે શ્રીનાથજી જવાના હતાં ત્યારે મુંબઈથી એમના કોઈ ફોરેનના ઘરાક આવ્યા હતા. શ્રીનાથજીથી ઉદેપુર પાછા આવીને એ અને એમના ઘરાક, હોટલની અમારી રૂમમાં ડ્રીન્ક્સ લેતાં હતાં. બેઉએ મને પરાણે વ્હીસ્કી પીવડાવી. પહેલાં મેં કદી આલ્કોહોલવાળા ડ્રીન્ક્સ લીધાં નહોતાં. પછી એમણે મ્યુઝિક મૂક્યું. મને તો ભાન જ ન હતું અને એમણે એ કસ્ટમર સાથે ડાન્સ કરતાં, મારા ફોટા પાડી લીધા! હવે મને બ્લેક્મેલ કરી, આ હીણું કામ કરવાનું કહે છે! એ કહે છે કે આ ફોટા બધાને તારું કેરેકટર ખરાબ છે એ બતાવવા માટે પૂરતા છે!” અને ફરી શીલાભાભીએ રડવા માંડ્યું. મારા જુવાનીના ગુસ્સામાં અને “સમાજકો બદલ ડાલો”નું જોશ ભળી ગયું અને મેં કહ્યું, “ભાઈ આટલા બદલાઈ કેમ ગયા? પાંચ વરસના પરણિત જીવન પછી ઓચિંતું આવું કેમ કરે છે? હું સમજું છું કે તમારા માટે છૂટાછેડા લેવા કે પાછા જવાના ઓપશન નથી અને આવા ફોટા એમની પાસે હોવાથી, એમના માતા-પિતાને પણ કહેવાનો સવાલ નથી આવતો તો આમ રડીને બેઠા રહેશો અને એમના જુલમ સહેતા રહેશો? કઈંક તો કરવું પડશેને ભાભી? એક વાત મને હજી નથી સમજાતી ભાભી કે, તમારા પતિ આવું કેમ કરે છે?” એમના ડૂસકાં હજુ ચાલુ હતાં. “અમને પાંચ વરસથી બાળક નથી. એમને કોઈનું બાળક દત્તક નથી લેવું. એમને પોતે ખૂબ જ હેન્ડસમ છે એનું ગુમાન છે અને બાળક દત્તક લેતાં એમના અભિમાનને ઠેસ લાગે છે.” મારાથી વચ્ચે બોલાઈ જવાયું, “પણ આ રીતે તમને દૂણવાના? આવું એ શા માટે કરી રહ્યા છે?” શીલાભાભીનો બંધ તૂટી ગયો, એકી શ્વાસે એ બોલી ગયાં, “કારણ કે એ નપુંસક છે. પાંચ વરસથી હું બળી રહી છું, મારું અંગેઅંગ બળી રહ્યું છે! હું તો આમ સાવ કુંવારી રહીને પણ ખુશ રહી લઈશ. પણ આમ કોઈની પણ સાથે..? ઓ મા, રે … !” શીલાભાભી મારા હાથમાં ઢગલો થઈને પડ્યા. મને ખબર જ ન પડી કે મારી આંખોમાંથી ક્યારે આંસુ વહેવા માંડ્યાં!
અમારો ફ્લેટ ગ્રાઉન્ડફ્લોર પર હતો. બહાર, કોરીડોરમાં, વોચમેનના રેડિયો પરનું ગીત ઝીણા આવાજે અમારા લિવિંગરૂમમાં સંભળાઈ રહ્યું હતું. “વક્તને કિયા ક્યા હંસીં સિતમ!’

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૫ (જયશ્રી વિનુ મરચંટ)

“અબ કહાં જાયેં હમ!”

ઓક્ટોબર ૧3, ૨૦૧૭, ઈન્ડિયાના મર્ડર ક્રાઈમના “બ્રેકિન્ગ ન્યુઝ” દેશી ટીવી ચેનલ પર સાંભળ્યા કે રાજેશ અને નુપુર તલવારને એમની દિકરી, અરુષી અને ફુલટાઈમ ઈન-હાઉસ હેલ્પર, હેમરાજના ખૂનના આરોપમાંથી મુક્ત કર્યા. મને થયું, જેલમાંથી બહાર આવીને એ લોકો હવે ક્યાં જશે? કઈ રીતે આગળ જશે? હું અસંમજસમાં હતી અને મને યાદ આવ્યાં, અમારા છનુકાકા! વિનુ કહેતા, “ઘણા માણસો ડીએનએ પ્રમાણે એવા હોય કે વિપરીત સંજોગોમાંયે, ક્યાં જશું, શું થશે કે શું કરીશું, એવા પ્રશ્નો સતાવતા નથી! છનુકાકાને જો!” અમને અમેરિકા આવ્યે માંડ છ મહિના થયાં હતાં. અમારું પહેલું એપાર્ટમેન્ટ ફિલાડેલ્ફિયાના સબર્બ, અપરડર્બીમાં હતું. ત્યાં એપાર્ટમેન્ટનું મહિનાનું ભાડું સસ્તું હોવાથી, અમારું કોમ્પલેક્સ ઈમીગ્રન્ટો માટે સ્વર્ગ ગણાતું. એ કોલોનીની એક્ઝીટના રસ્તાની જમણી બાજુ ટાઉન હોમની હાર હતી. ડાબી બાજુએ બસસ્ટોપ હતું. સામી બાજુ એક નાનું શોપિંગ સેન્ટર હતું. અમે બધાં ઈમીગ્રન્ટો માટે એ બસસ્ટોપ અને શોપિંગ સેન્ટર નવા દેશીઓને મળવાનું મીટિંગ સ્થાન હતું. વિનુ સવારના એ બસ સ્ટોપ પરથી ઓફિસ જતા. એક દિવસ, રાબેતા મુજબ બસની રાહ જોતા હતા ત્યાં પિસ્તાળીસ-પચાસની ઉમરના છનુકાકા આવીને, હિંદીમાં કહે, “તમે દેશી હો?” ઓછબોલા વિનુએ ડોકું ધુણાવ્યું. “તુમ બસમાં જાવાના હૈ?” વિનુથી એમની હિંદીનો મારો સહન ન થયો આથી નછૂટકે બોલ્યા, “ગુજરાતી છું.” છનુકાકા આંખોમાં આંસુ સાથે એમને ઓલમોસ્ટ ભેટી પડ્યા. પછી કહે, “હું રાજકોટથી છું. આંઈ પેલા ટાઉન હોમ છેને, ત્યાં મારી બેન ભેળો રઉં છું. બેનબનેવી ડોક્ટર છે. ઈ કામે વયા જાય. હું ટાઈમપાસ કરવા બસ સ્ટોપ પર સવારના સાડાસાતથી સાડાનવ લગી ઊભો રઉં. દેશીઓને મળીને ખુશ થાઉં.” વિનુ કઈં પૂછે એ પહેલાં છનુકાકા કહે, “તમે ક્યાં રહો છો?” વિનુએ કહ્યું, “આ કોમ્પ્લેક્સમાં.” છનુકાકા કહે, “ક્યાં, કયા મકાનમાં? હું આંઈ તો મહિનાભરથી છું અને બધાય દેશીને ઓળખું. બધાયને ઘેર જવાનો આપણો સંબંધ છે!” વિનુને થયું, કાકા પીછો છોડવાના નથી, આથી બોલ્યા, “આઈ” બિલ્ડિંગમાં, બીજે માળે, ૧૦૫ નંબરના એપાર્ટમેન્ટમાં.” છનુકાકા કહે, “સાંજના તમે પાંચ વાગે ઘરે પહોંચો?” વિનુએ માથું ધૂણાવીને હા પાડી. ત્યાં તો એમની બસ આવી ગઈ. વિનુ ઉપર ચડતા હતાં ત્યારે કહે “સાંજના છ વાગે ચા પીવા તમારે ઘેર આવીશ.”
રોજના ટાઈમે વિનુ ઘરે આવ્યા. હું તે સમયે લોકલ કાઉન્ટી હોસ્પિટલમાં નાઈટ શીફ્ટ માટે ટ્રેનિંગ લેતી હતી. હું ચા બનાવીને કીટલીમાં રેડી રહી હતી ત્યાં તો નીચેથી રિંગ વાગી. હજુ અમે ઊભા થઈ, મેઈન દરવાજો ખોલવા બટન દબાવી પૂછીએ કે કોણ છે, એ પહેલાં ઘરના દરવાજાની રિંગ વાગી. વ્યુઈંગ ગ્લાસમાંથી જોયું તો દેશીભાઈ, ઈસ્ત્રી ટાઈટ, સફેદ દૂધ જેવો લેંઘો-ઝભ્ભો પહેરી ઊભા હતા. મેં દરવાજો ખોલ્યો તો સીધા ઘરમાં ધસી આવ્યા અને કહે, “લ્યો, સમયસર આવી ગયો. નીચે સુરી સાહેબ દરવાજો ખોલતા હતા તો હુંય આવી ગયો. વિનુભાઈ, યાદ છે ને, આપણે સવારે બસ સ્ટોપ પર મળ્યા હતા? નીચે મેં તમારું નામ વાંચી લીધું.” પછી ખુરશી પર બેસતા કહે, “તમે તો બેન, ચા પણ તૈયાર રાખી છે ને કાંઈ! હવે મારું નામ કહું બેન. હું છનુ અમીન. આંઈ બાજુના ટાઉન હોમમાં મારી નાનકી ડોક્ટર બેનને ત્યાં બે મહિનાથી છું.” છનુકાકાએ પોતા વિષે જણાવતા કહ્યું, “ભઈ, હું સૌથી મોટો. માબાપાએ બઉ ભણાવવાની મથામણ કીધી પણ મને ભણતર નો ચઈડું! પછી બાપાએ આફ્રિકા ધકેલ્યો. ઈદી અમીને બધાય દેશીને, પાઈ પૈસો હારે લીધા વિના ત્યાંથી કાઈઢા. હારું થ્યું કે મેં મારી કમાણી ઘર ભેગી કરી હતી. તેમાંથી ભાઈ અને નાનકી ભણી ગ્યાં, માબાપા અને ભાઈ માટે ઘર બનાવરાવ્યું. માબાપા મોટા ગામતરે ગ્યા. ભાઈ કીયે કે ઈ ત્રણ છોકરા સોત ઘર છોડીને ક્યાં જાય, તે ઘર એના નામ પર કરી દીધું. પછી નાનકીએ મને આંઈ બોલાઈવો. આવડી મારી કથા.” વિનુ તો ચૂપચાપ સાંભળતા હતા. મેં રસોઈ કરતાં પૂછ્યું, “છનુકાકા, તમારા પત્ની ને સંતાનો ક્યાં છે?” છનુકાકા બોલ્યા, “બેન, હું તો આફ્રિકામાં મજૂરી કરતો’તો. ભઈણો નો’તો, તે મને કોણ છોડી દે? કોઈ અભણને પૈણી એનેય મારી હારે દુઃખી કરવી? આપણે ફક્કડરામ સારા. આતો તમે બેન પૂઈછું તો કઉં કે આપણનેય એકવાર કોઈ ગમી ગઈ’તી હોં. ઈ મેટ્રીક લગણ ભણેલી હતી. હું તો જઈને પૂછી આવ્યો કે હું આફ્રિકામાં મજૂરી કરું છું. તને લવમાં રસ છે?” મેં માંડમાંડ હસવું ખાળીને કહ્યું, “તો એણે શું કીધું?” છનુકાકા બોલ્યા, “કીધું શું, એક લાફો ચોડી દીધો, આ જમણા ગાલે! ઈ પૂરું નો’તું તે એના ભાઈને મોકલી મને ધીબી નાઈખો!” વિનુએ મરકીને કહ્યું, “છનુકાકા, ખરા છો તમે!” છનુભાઈ બાળક જેવું હસીને બોલ્યા, “જે સાચું છે તે છે!” મેં કહ્યું, ‘કાકા, તમે હવે જમીને જજો. પંદર-વીસ મિનિટમાં રસોઈ તૈયાર.” કાકા કહે, “એક શરતે જમીશ, જો મને રોટલી બનાવવા દે’શો તો.” વિનુ બોલ્યા, “આજે નહીં. તમે પહેલીવાર આવ્યા છો.” કાકા કહે, “બેન, મજાની બે-પડની રોટલીઓ બનાવીશ. ન ગમે તો તમે બનાવજો.” અને કાકા રોટલીઓ બનાવીને જ જંપ્યા! જતા જતા કાકા કે’તા ગયા, “વિનુભાઈ, કાલથી હુંય બસમાં ભેળો આવીશ. પંખા અને એરકન્ડિશન રિપેર કરવાની દુકાનમાં કામ મળ્યું છે. ૪૨મી માર્કેટ સ્ટ્રીટ પર. બસમાં હારે જઈશું.” અને બાળકોને વ્હાલ કરીને ગયા.
બીજે દિવસે કાકા વિનુ ભેગા બસમાં ગયા. એમની પાસે બસનો મહિનાનો પાસ હતો. બસ ડ્રાઈવર ફ્રેન્ડલી હતો ને રોજિંદા મુસાફરોને ઓળખે. વિનુએ એમનો પાસ બતાવ્યો. કાકાએ એમનો બતાવ્યો. બસ ડ્રાઈવર કહે, “ન્યુ વન ટુ ધીસ ટ્રાન્સીટ રુટ?” કાકા શું સમજ્યા તે ખબર નહીં, પણ બોલ્યા “હું વન જ છું સીંગલ, નો વન સાથે બીજું!” વિનુ અને કાકા બસ ડ્રાઈવરની પાછળની સીટ પર બેઠા. કાકા સ્ટોપ પર ઊતરતા પહેલાં વિનુને કહે, “માળો, જોજો, મને પાછો પૂછશે કે મેં ટિકિટ કઢાવી કે નહીં!” વિનુ કહે, “નહીં કાકા, એક વાર જ પાસ બતાવવાનો.” કાકા કહે “તમે જોજો! મારી હારે આ પે’લાં પણ થ્યું છે!” ને, કાકા ઊતરતા હતા ત્યારે બસ ડ્રાઈવરે દરવાજો ખોલતા કહ્યું, “ટેક ઈટ ઈઝી.” કાકાએ વિજયી નજરે વિનુ સામે જોયું અને કહ્યું, “મેં ન’તું કીધું?” પછી ડ્રાઈવરને પાસ બતાવતાં કહે, “ટિકિટ તો ભઈલા, પહેલેસે ટેકન હોં!” એ વખતે, વિનુ કદી ઓફિસે પહોંચીને ફોન ન કરે પણ તે દિવસે એમનો ફોન લંચ ટાઈમે આવ્યો. ત્યારે હું ઊઠી ગઈ હતી. વિનુ વાત કરતા હસતા હતા ને હું સાંભળતાં! પછી કહે, ”કાકા ખરેખર ભગવાનના માણસ છે. આવા બંદા આજના વખતમાં મળવા મુશ્કેલ છે.” બે અઠવાડિયા પછી, શનિવારે સવારે કાકા ઘરે આવ્યા. વિનુને કહે, “ભઈ, જરીક મદદની જરૂર છે. મારી નાનકીના વરને, હું ત્યાં રઉં છું ઈ નથી ગમતું. મારે કારણ ઈ બેઉને ટંટો થાય ઈ મને નથી ગમતું. તે તમારા મિત્ર, જે તમારી હારે બસમાં હોય છે, ઈ, તુલસીદાસ સંપટના ઘેરથી દેશમાં ગ્યા છે, ચાર મહિના માટે. મને સાથે રે’વા દે, તો અડધું ભાડું ભરીશ. ન થાય તો ચિંતા નો કરતા, કાંઈ ને કાંઈ જુગાડ થઈ જશે.” વિનુએ તુલસીભાઈને કહ્યું અને ચાર મહિના માટે કાકાની વ્યવસ્થા થઈ ગઈ. કાકા ઘરે આવ્યા ત્યારે ગળગળા થઈને બોલ્યા, “ભઈ, આજના ટાઈમે, સગું કોઈ માટે ન કીયે પણ તમારો પાડ કે તમે કીધું.” વિનુ કહે,”મૂંઝાતા વિના કામ હોય તો કે’જો.” પછી તો, અમારા એપાર્ટમેન્ટના દેશીઓની દરેક વીક એન્ડની પાર્ટીઓમાં કાકા હોય જ અને બધાયને કૂકીંગમાં, પીરસવામાં, ઊંચું-નીચું કરવામાં અને વાસણો સાફ કરવામાં મદદ કરતા. ક્યારેક કોઈ જો કાકાના ઈંગ્લીશની કે હિંદીની મસ્તી કરતા તો કાકા પોતેય એમાં શામિલ થતા. એકાદી પાર્ટીમાં કાકાને કોઈએ પૂછ્યું, ‘તમે રિપેરશોપમાં કામ કરો તો સુપરવાઈઝર સાથે કામની વાત કઈ રીતે કરો?” કાકાએ જરા પણ ઓછપાયા વિના કહ્યું, “મારા જેવા ઘણાય દેશી કામ કરે જેને ઈંગ્લીશના ફાંફા છે. પણ સુપરવાઈઝર હોશિયાર હોં. બધું સમજે. હમણાંનો દાખલો આપું! આ પરમ દિવસે સુપરવાઈઝરે એક પંખો સામે લાવીને કહ્યું, “ફાઈન્ડ રોંગ ફેન!” મને પંદર મિનિટમાં ડિફેક્ટ પકડાણી. સુપરવાઈઝરને કીધું, “ગુડ ફેન, નો પવન. નીડ આપણે ચાર- હા, યાદ આવ્યું, ફોર બેરિંગ ને ફેન વોક બરાબર.” તો એ સમજી ગ્યો અને કે’, “ઓકે, રિપેર એન્ડ બ્રીંગ પવન”. બધાં હસતાં હતાં તો કાકાએ જે કહ્યું તે ૩૮ વરસો પછી પણ મને યાદ છે, કાકા બોલ્યા, “ભઈ માણસને સમજવા માટે ભાષાની જરૂર ક્યાં? ભાષા તો ભાગલા પાડે!”
એક દિવસ, શનિવારે બપોરે બે વાગે કાકા આવ્યા અને વિનુને કહ્યું, ”ભઈ, જરા બેનને ઘર મારી હારે આવોને. બેનબનેવી કામથી બે મહિના ઓહયા (ઓહાયો) ગયા છે. મને આવતાજતા ઘરની ધ્યાન રાખવાનું કીધું’તું. તે હું ઘર ખોલી જોવા ગ્યો’તો તો કોઈ ગોરી મેડમ આવી. મને લાગ્યું કે ઈ તો ઘરના માલિકનું કાઈંક પૂછે છે તે મેં યસ, નો કહીને કામ ગગડાવ્યું. પણ ઈ મારી બેટી, ઘરની લોન પર, ઘરના વેચાણનું પાટિયું ઠોકી રઈ છે! એને ઊભી રાખી, તમને લેવા આઈવો. તમે ગોરી મેડમ સાથે વાત કરોને!’ વિનુ અને હું ત્યાં પહોંચ્યા. સેન્ચુરી ૨૧વાળી ગોરી રિયલટરે પોતાનું કાર્ડ આપીને ઓળખાણ આપી. કાકા બોલ્યા, “આપણને પણ આઈપું છે કાર્ડ!” રિયલટર સાથે વાત કરતાં ખબર પડી કે કાકા ઘરનો દરવાજો ખુલ્લો રાખીને બહાર આંગણામાં મૂકેલી ચેર પર બેઠા હતા. ત્યારે રિયલટર બેન નેબરહુડમાં હતી એટલે એમને ઘર વેચવાનું છે કે નહીં એ પૂછ્યું ને કહ્યું કે આ ફ્રી એસેસમેન્ટ છે. પછી ઘર જોવા તથા ભાવ નક્કી કરવાની રજા માગી. કાકા શું સમજ્યા એમને ખબર! વિનુએ રિયલટરને સમજાવ્યું કે કાકા કેરટેકર છે, ઓનર નથી. ઓનર બહારગામ છે. ભાષાની તકલીફથી આવું થયું છે. રિયલટર વ્હાઈટ લેડીએ ખેલદિલીથી હસીને ખુલાસો સ્વીકાર્યો અને કાકાની સહી કરેલા, ને, રજા આપતા કાગળો પરત કરીને ગયા. વિનુએ કાકાને કહ્યું, “કાકા, આમ કોઈ સહી કરતું હશે? બીજીવાર ન કરતા. ક્યારેક તકલીફમાં આવશો.” કાકા એટલી સાલસતાથી બોલ્યા, “ભઈ, મને તો કઈં “ફ્રી” સમજાણું એ પછી થ્યું, આપણને અંગ્રેજીમાં સહી કરતાં આવડે, ઈ ગોરીને દેખાડવાનો મોકો ક્યાં મળવાનો! તે ઉત્સાહમાં, સહીયું કરી આપી! માફ કરજો ભઈ, તમને મારે કારણે પીડા થઈ.” કાકા ગળગળા થઈ ગયા હતા! એના પછી તો, કાકા ૧૯૮૧માં એક ચર્ચમાં નોકરી કરવા એલનટાઉન, ફિલાડેલ્ફિયાથી ૬૦-૭૦ માઈલ દૂર ગયા. ક્યારેક ફોન આવતા. વરસમાં એકાદવાર કાકા, જૂના એપાર્ટમેન્ટના ગ્રુપમાંથી કોઈને ત્યાં, પ્રસંગોપાત, આવતા પણ ખરા. બધાના સંતાનો મોટા થતાં ગયાં. અમે કારકિર્દીમાં અને બાળકોના ભણતરમાં ગળાડૂબ વ્યસ્ત રહેવા લાગ્યાં. સમય સાથે, કાકા સાથેનો કોન્ટેક છૂટતો ગયો. કાકા ધીરેધીરે વિસરાતા ગયા.
૧૪મી ઓક્ટોબર, ૨૦૧૭ને દિવસે, એક મિત્રની ૪૫મી લગ્ન તિથિમાં હાજરી આપવા હું ફિલાડેલ્ફિયા ગઈ હતી. મેં અમારા જૂના મિત્રોને પૂછ્યું, “છનુકાકાના કોઈ ખબર?” ત્યાં હાજર રહેલા ૧૨ કપલ, હું-વિનુ અને કાકા, સહુએ સાથે એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સથી અમેરિકાના વસવાટની સફર શરૂ કરી હતી. કાકા ક્યાં ગયા કે કયાં છે એની ખબર કોઈનેય નહોતી. એક મિત્ર બોલ્યા, “રીયલી શેમ ઓન ઓલ ઓફ અસ! કાકા આપણી વચ્ચેથી સરકી ગયા ને આપણે ખબર જ ન રાખી!” ત્યાં જ, ડીજેએ ગીત વગાડ્યું, “જબ કોઈ બાત બિગડ જાયે, જબ કોઈ મુશ્કિલ પડ જાયે, તુમ દેના સાથ મેરા, ઓ હમનવાઝ!” લોકો ટેબલ છોડીને ડાન્સફ્લોર પર જવા માંડ્યાં.

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૪ (જયશ્રી વિનુ મરચંટ)

“ઓ સજના, બરખા બહાર આઈ!”

 

           વિનુને અને મને વરસાદની મોસમ ખૂબ ગમતી. હું હંમેશા કહેતી, “વિનુ, મને તો એમ જ લાગે છે કે વરસાદ મારા માટે ખાસ વરસી રહ્યો છે!” અમે જ્યારે મુંબઈમાં રહેતા હતા ત્યારે એકેય વરસાદની સીઝન એવી નહોતી ગઈ જેમાં અમે મલ્હાર રાગની મહેફિલમાં ન ગયા હોઈએ. મલ્હાર રાગના વિવિધ સ્વરૂપો વિષે એ સમયે મને યાદ આવે છે ત્યાં સુધી, પાટકર હોલમાં, ઓગસ્ટના અંતમાં, નામી કલાકારો સાથે કોન્સર્ટ ગોઠવાતી, અને અમે બેઉ દરેક વર્ષે આ મહેફિલમાં જરૂર જતાં, પણ, ૧૯૭૪માં અમે મલ્હાર રાગની મુંબઈમાં ગોઠવાતી કોન્સર્ટમાં જઈ શક્યા નહોતા અને એનો અમને છાનો વસવસો હતો. એવામાં છાપામાં વાંચ્યું કે લોનાવલામાં પંડિત વિષ્ણુ ગોવિંદ જોગ વાયોલિન પર મલ્હાર રાગના જુદા જુદા વેરીએશન્સ રજુ કરશે. એ જમાનામાં ઈન્ટરનેટની સગવડ હતી નહીં. અમે કોઈને ઓળખતાં નહોતાં કે લોનાવલાથી આ મહેફિલની ટિકિટ કઢાવી મૂકે. વિનુને ઓફિસમાં કામ થોડું સ્લો હતું. અમે નાનું વેકેશન લેવાનું નક્કી કર્યું અને સાત-આઠ દિવસો માટે બંગલો ભાડે લઈને, સહકુટુંબ, લોનાવલામાં વરસાદની ઝરમર સાથે વરસાદી રાગોની સૂરાવલિ માણવા પહોંચી ગયા.

           બંગલાના કેરટેકર ભાઈએ અમારા માટે બધી વ્યવસ્થા કરી રાખી હતી. અમે રવિવારે સાંજના સાડા સાતે પહોંચ્યા. બંગલો નાનકડી ટેકરી પર હતો. મુખ્ય સડક પરથી, ઠેઠ બંગલા સુધી આવવા માટે એક કિલોમિટર પાકો રસ્તો હતો આથી કારને બંગલાની પોર્ચ સુધી લાવવામાં કોઈ તકલીફ ન પડી. બીજે દિવસે, સવારના હું છ વાગ્યામાં ઊઠીને ચાલવા નીકળી. મેં જોયું કે બંગલાની ડાબી બાજુના ઢોળાવ પરથી જતી કાચી-પાકી કેડી હતી, જેના પર આવતા-જતા શ્રાવણિયા વરસાદને કારણે લીલ બાઝી ગઈ હતી. આ કેડી, ઝૂંપડી જેવા આકારના પતરાની દિવાલો અને પતરાની છત વાળા ઘર સુધી જતી હતી. મને કુતૂહલ થયું કે કોણ રહેતું હશે આ ઘરમાં? આજુબાજુ એક એકર સુધી બીજું કોઈ ઘર ન હતું. હું લપસણી કેડી પર લાકડી સાથે ધીરે-ધીરે ચાલતી હતી જેથી લપસી ન પડાય. ત્યાં તો, સુમધુર અવાજમાં, રાગ ખમાજ પર આધારિત “પરખ” ફિલ્મનું ગીત, “ઓ સજના બરખા બહાર આઈ” કાન પર પડ્યું. આળસભરી ભીની સવારે, સૂરજ અડધો સંતાયેલો અને અડધો નીકળેલો હતો. પંખીઓ પણ આળસીને, માળામાંથી હજુ બહાર નહોતા પડ્યા, એવા સમયે, કોઈ પણ બેકગ્રાઉન્ડ સંગીત વિના ગવાતા આ ગીતના સૂરો એટલા પાક્કા હતા કે સાજ અને સાજિંદાની કમી સાલતી નહોતી. હું જ્યાં હતી ત્યાં જ આંખ મીંચીને ઊભી રહી ગઈ. અવાજ ધીરે ધીરે નજદીક આવતો ગયો અને પછી ઓચિંતો જ મારા કાનમાં મીઠ્ઠો અવાજ આવ્યો, “મેમ’સાબ, મોડું થઈ ગયું દૂધ લઈને આવતાં.” મેં આંખ ખોલી. મેલાંઘેલાં ચણિયા-ચોળી ને ફાટેલી ઓઢણી પહેરેલી બાર-તેર વરસની છોકરી મારી સામે ઊભી હતી. મેં પૂછ્યું, ‘કોણ છે તું દિકરા? આ તું ગાતી હતી?” છોકરી થોડા ચિંતાજનક સ્વરે બોલી, “મેમ’સાબ હવેથી નહીં ગાઉં. પણ મેનેજરબાપાને ન’ઈ કે’તા.” મેં હસીને કીધું, “જો ગાઈશ નહીંને તો મેનેજરબાપાને કહી દઈશ. તારું નામ શું છે દિકરા?” એના મોઢા પર ખુશી ઝલકી, “મારું નામ ઝીણી છે. મેમસા’બ, તમને ગમ્યું મારું ગાવાનું? હું ગયા વરસ લગી સ્કૂલમાં જતી તો મારા સંગીતના સરે સરગમ અને એને ગાવાની રીતો શીખવાડી હતી.” અને, હું પણ એની જોડે વાતો કરતાં કરતાં પાછી ઉપર તરફ ચાલવા માંડી. લપસણી ટેકરીના ઢાળ પર હું લાકડી સાથે ધીમે-ધીમે ઉપર તરફ ચાલતી હતી તો ઝીણી કહે, “બેન, હું ઉપર જલદી જઈને તમારા માટે ચા-પાણી મૂકું છું. તમતમારે આવો.” અને ઝીણી દૂધનું બોઘરણું લઈને પલક ઝપકતાં દોડીને બંગલા પર પહોંચી ગઈ. દૂધના બોધરણા સાથે, પાછલા વરંડામાંથી ઠેકડો મારીને મેં એને ઘરમાં જતાં જોઈ ત્યારે મને થયું,”એકવાર તો જીવનમાં, આવો ઠેકડો મારીને જોવું જોઈએ કે આપણાથી આ વરંડામાં કૂદાય છે કે નહીં!”

        પછી તો અમારો ક્રમ થઈ ગયો હતો. ઝીણી વહેલી સવારે અવનવા ગીતો ગાતીગાતી ટેકરી ચઢીને, વરંડામાં ઠેકડો મારીને ઘરમાં આવતી. ઘરનાં નાના-મોટા બધા કામ હસીને કરતી. એનું ઘાટીલું શ્યામ વદન એના હસમુખા સ્વભાવ અને સૂરોના સંગાથને લીધે રૂપાળું બની જતું. અમને લોનાવાલા ગયે ત્રણ દિવસ થયા હતાં. ઝીણીને સૂર, તાલ અને લયની ઈશ્વરદત્ત ભેટ હતી. મેં વિનુને પૂછ્યું, “ઝીણીને આપણે જલસામાં લઈ જઈએ? આપણી સાથે સરુબેન તો આવ્યા છે તો તેઓ બાળકોને રાખશે.” વિનુએ કહ્યું, “એની મા સાંજના રસોઈ કરવા અહીં આવે ત્યારે એમની સંમતિ લઈ લેજે અને સાથે કેરટેકરને પણ પૂછી લેજે. હા, પાડે તો લઈ જઈશું.” ઝીણી ગાતી ત્યારે ઝરમર વરસાદમાં ઝબોળાયેલા સૂરોનું જાણે ઘેન ચડતું હોય, એવું લાગતું. ઝીણીની ગાયકીનું ફલક વિશાળ હતું. એ ભજનો ગાતી, ફિલ્મોના ગીતો ગાતી અને કવિતાઓ પણ ગાતી. સાંજના છ વાગે એ ઘરે જતી અને એની મા કામ કરવા આવતી. અમારી જોડે ત્રણ દિવસમાં ઝીણી એવી ભળી ગઈ હતી કે મને થતું, એના વિના મુંબઈમાં રહેવાશે કેમ? ચોથે દિવસે, સવારે, ઝીણીને બદલે ઝીણીની મા, સુખી કામ પર આવી. “સુખી, ઝીણી બિમાર છે? કેમ તમે આવ્યા બેન?” પાછલા વરંડામાંથી ટેકરીને તળિયે આવેલા એના ટીનના ઘરને જોતાં મેં પૂછ્યું. સુખીનું મોઢું ઊતરી ગયેલું હતું. એ રડતાં બોલી “ઝીણી આજે સાંજથી હવે આં’ય રે’શેય ન’ઈં. બાવાજીની જમાતની સેવામાં અમારે એને તેરમા વરહે આપી દેવાની છે. આજે એને તેરમું વરહ બેઠું. મોટા બાવાજી ગઈ કાલે રાતના આવી કહી ગયા.” હું કઇં જ સમજી નહીં પણ એટલી સમજણ પડી કે ઝીણીનો સોદો થઈ રહ્યો હતો. મેં સુખીને હલબલાવી નાંખી. “તું શું બોલે છે, તને ખબર પણ છે? બોલ શું કરવાના છો ઝીણી સાથે?” સુખી ડઘાઈ ગઈ. એની આંખોમાંથી આંસુ વહેતાં હતાં. “બુન, અમારા કુળદેવતાની આણ સે’ કે ચાર છોડીયું હોય, ને મોટી છોડી તેરની થાય, તી’ લગણ કુંવારી હોય, ત’ઈં એને કુળદેવતાના થાનકે રે’તા, મોટા બાવાજીને દઈ દેવાની. ઈ પછી મોટા બાવાજી એને જેને હોં’પે, ઈ બાવાની ને કુળદેવતાના થાનકની ચાકરી કરવામાં એણે જીવતર કાઢી નાંખવું. બુન, મારી ઝીણીને પૈણાવવા ઘણું કીધું પણ ધણી વિણની, મારા જેવી બાઈ માણહની ગરીબ છોડીને કોણ પૈણે? બળ્યું, એના નસીબે જી લઈખું હોય ઈ જ થાવાનું” હું સ્તબ્ધ થઈ ગઈ હતી. મેં બેબાકળી બનીને સુખીને કીધું, “કાંઈ ન કરતી, મને સાહેબ સાથે વાત કરવા દે! સાહેબ ગયા છે ચાલવા સારુ, તો, આવે ત્યાં સુધી, ઝીણીને બોલાવ આંઈ.” હજુતો બોલી પણ નથી રહી હું, ત્યાં તો ટેકરીની તળેટીમાં ઢોલ અને નગારાં વાગતાં હોય એવું લાગ્યું અને સાથે, નાતના થોડા લોકો અને લંગોટી પહેરેલા થોડા બાવાજીઓ ચાલતાં ચાલતાં, સુખીના ટીનના ઘર નજીક પહોંચ્યાં. પછી નીચે બેઠાં. ઢોલ-ત્રાંસા જોરશોરથી વાગી રહ્યાં હતાં. સુખી બોલી, “બુન, હવે કાંઈ નો’ થાય. કાં’તો ઝીણી બાવા હારે જાય અને કાં’તો, મારે, મારી છોડિયું મેલી જાવું પડહે. હું તો વઈ જાઉં પણ પછી આ ચારેવ છોડિયુંને, અમારી કોમના ગામના ઉતાર, વેચી મારહે..! આંઈ એકવાર બાવા આઈવા પછે કાંઈ નો’ થાય.” ને સુખી હિબકાં ભરીને રોતી રોતી પાછી રસોડામાં જતી રહી. મને તો સમજણ નહોતી પડતી કે કરવું તો શું કરવું! ઝીણીને પણ નવા, ભગવા કપડાં પહેરાવી, ગળામાં ફૂલોની માળા નાખી, બેચાર બૈરાઓ બહાર લઈ આવ્યાં. મેં સુખીને કહ્યું, ”તમે આંઈ આવ્યા કેમ? ઝીણી સાથે રહો પાછા જાવ.” સુખી રસોડામાંથી જ કહે, “મારે તો કામ નહોત તોયે બહાર જાવું પડત. ઝીણીને બદલે હું જવાની હંવ તો જ મારાથી ત્યાં રે’વાય અને ઝીણીએ તઈંથી જતા રે’વું પડહ! બુન, આ સંધુય તમ શે’ર વાલાને નો હમજાય!” ને, પછી, “ઓ મારી ઝીણકી.!.” કરીને, રસોડામાં દૂધ ગરમ કરતાં-કરતાં, ચોધાર આંસુએ, સુખી ઠૂઠવો મૂકીને રડી રહી હતી. કેરટેકર ભાઈ દસ વાગ્યા સુધી નહોતા આવવાના. વિનુ મોર્નિંગવોક માટે નીકળી ગયા હતા. હું વરંડામાં ખોડાઈ ગઈ હતી. મને થયું કે પોલિસને ફોન કરું પણ વિનુને પૂછ્યા કર્યા વિના, પોલિસના લફરામાં પડવાની મારી કાયરતા, ખુલ્લેઆમ, મારો ઉપહાસ કરી રહી હતી. હજુ કઈં સમજાય ત્યાં તો, ટેકરી નીચે, ઓચિંતી જ અફડાતફડી ચાલુ થઈ ગઈ અને બૂમો સંભળાઈ. “મારી નાઈખો બાવાને…રાં….ની! મરવાની થઈ, ભાગો, મારી નાખહે હંધાયને!” બધા ભાગવા માંડ્યા. મેં જોયું તો તેર વરસની ઝીણી હાથમાં લોહી નીગળતો લોખંડનો નવ ઈંચ લાંબો દસ્તો લઈને રણચંડી સમી બાકીની નાની ત્રણ બેનોને પોતા પાછળ ઢાંકીને ઊભી હતી. નીચે બાવાજીના મસ્તક પરના ઘામાંથી વહેતું લોહી આટલે દૂરથીયે દેખાતું હતું. બાવાજીની જમાતવાળા, બીજા ડઘાયેલા પડછંદ બાવાઓ પણ પાછળ ખસી ગયા હતા. ઝીણી શાંતિથી કઈં પણ બોલ્યા વિના પથ્થરની જેમ ઊભી હતી. કળ વળતાં બીજા બાવાઓએ ઝીણીને પકડવાની કોશિશ કરી જોઈ પણ એવું લાગતું હતું કે એ લોકો ફાવતા નહોતાં. મેં સુખીને કીધું, “અરે, સુખી જા, નીચે તારી દિકરી પાસે! કામ મૂક અને જા, જો શું થઈ ગયું!”

           સુખીએ આ સાંભળ્યું અને રડવાનું બંધ કરી, રસોડામાંથી જ જવાબ આપ્યો, “ઝીણીએ બાવાને હાચે મારી કાઈ’ઢો?” હું આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. પોલિસની મોટરબાઈક દેખાઈ રહી હતી અને સાઈરન સંભળાઈ રહી હતી. નીચે લોકોની અફડાતફડી ચાલુ હતી. સુખી લપસણી ટેકરી પરથી નીચે ધીરે-ધીરે ઊતરી રહી હતી, એને નીચે ઉતરવાની કોઈ જલદી હોય એવું નહોતું લાગતું. ઝરમર વરસાદ હજુ પડી રહ્યો હતો. સરુબેન અને બાળકોનો રૂમ હજુ બંધ હતો. એ લોકો ઊઠ્યાં નહોતાં. ત્યાં જ આગળનો દરવાજો ચાવીથી ખૂલવાનો અવાજ આવ્યો અને વિનુએ અંદર આવીને લીવીંગ રૂમમાં રેડિયો ચાલુ કર્યો. એનાઉન્સમેન્ટ આવી રહી હતી, “વિવિધ ભારતી પર “આપકી પસંદ”મેં અબ પેશ કરતે હૈં, ફિલ્મ “ઉજાલા” કા યહ નગમા, સંગીત શંકર-જયકિશનકા હૈ, લિખા હૈ શૈલેન્દ્રને ઔર ગાયા હૈ મન્નાડેને “અબ કહાં જાયેં હમ, યે બતા અય જમીં, ઈસ જહાંમેં તો કોઈ હમારા નહીં!”

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૩ (જયશ્રી વિનુ મરચંટ)

કોઈ હોતા જિસકો અપના, હમ અપના કહ લેતે યારોં”

“આજે ઓગસ્ટ ૧૯, ૨૦૧૦, ગુરુવાર, પારસી ન્યુ ઈયર છે. મારી પારસી મિત્ર, પરીનાઝ ખંભાતાને આ દિવસ નિમિત્તે હેપ્પી ન્યુ ઈયરનું કાર્ડ છેલ્લા દસ વર્ષોથી હું મોકલી રહી છું, જે એને આ દિવસે મળે એવો “થેંક યુ” કહેતો એનો ફોન આવે, આવે અને આવે જ, પછી ભલેને એ દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય! આજે દિવસ પૂરો થયો અને એનો ફોન નથી આવ્યો. કોને ખબર, મેમસાહેબ આ દેશમાં છે કે નહીં! કઈં કહેવાય નહીં, મેડમ કોઈ અજાણ સ્પેસમાં પહોંચી હોય!” અને સ્માઈલી ફેસ સાથે એ દિવસની ડાયરીનું પાનું આ ઘટના સાથે પૂરું તો કર્યું પણ બીજે દિવસે મને તાલાવેલી રહી કે ક્યારે પરીનાઝનો ફોન આવે! મેં એના ઘરના નંબર પર ફોન કર્યો. ન તો આન્સરીંગ મશીન આવ્યું કે ન તો કોઈ રેકોર્ડિંગ. આથી એટલું ચોક્કસ જ હતું કે મેડમે ઘર નથી બદલ્યું. મેં એના સેલ પર ફોન કર્યો તો ‘સબસ્ક્રાઈબર ઇઝ આઉટ ઓફ નેટવર્ક”નો મેસેજ આવ્યો. ક્યાં ઉપડી હશે પરીની સવારી? એ મને હંમેશા કહેતી’ “જોની, જે બી થાય તે સારા સાટુ થાય. ઈફ આઈ વોઝ મેરીડ, આઈ વુ’ડ નોટ હેવ લીવ્ડ લાઈફ ઓન કમ્પલીટલી માય ટર્મસ!” પરી અને હું, નેબરથી પણ વિશેષ, બહેનો જેવા હતાં. પરી અમેરિકામાં બિલકુલ એકલી, અમારી બાજુના ઘરમાં-લીટરલી નેક્સ્ટ ડોર- ૨૨ વરસો સુધી રહી હતી. પરી ૨૦૦૭માં રિટાયર થઈ, કેનેડામાં અને પછી તો એના ઘોડા બિલકુલ છુટ્ટા થયા હતા. ન જાણે એ કેટલા દેશો ફરી હતી અને હજુએ ફરશે..! એક નિયમ હજુ એણે રાખ્યો હતો કે એ જ્યારે પણ દેશની બહાર જાય તો મને હંમેશા જ ફોન કરે કે ઈ-મેલ મોકલે જ! આજે એ આમ “આઉટ ઓફ નેટવર્ક” ક્યાં ગઈ હશે? મેં ઘરના ફોન પર અને સેલ પર વોઈસ મેસેજીસ ચેક કર્યા પછી મારી ઈ-મેલ ચેક કરી, મારા વર્ક પરની પણ ઈ-મેલ ચેક કરી. એમાંયે કઈં મેસેજ નહોતા. ફેસબુક હજુ મેં હમણાં જોઈન કરી હતી. પરી મારા ફેસબુક પર ફ્રેન્ડ હતી. મેં જોયું કે એમાં કઈં ફોટા છે પણ એમાંયે કઈં જ ક્લુ ન હતી. મેં વિનુને કહ્યું, “આઇ હોપ. કે પરી ઇઝ ઓકે. આવી રીતે તો ક્યારેય ગઈ નથી.” વિનુ શાંતિથી બોલ્યા, “ચિંતા નહીં કર. બધું બરાબર થઈ રહેશે.” મારા મનમાંથી પરીનાઝ ખસતી નહોતી. અમે ૨૦૦૦ ડિસેમ્બરમાં કેલિફોર્નિયા મુવ થયા અને પરીનાઝ ૨૦૦૧માં ટોરાન્ટો મુવ થઈ હતી. ફિલાડેલ્ફિયામાં ૨૨ વરસો સુધી અમે “લીટરલી નેક્સ્ટ ડોર નેબર” રહ્યા હતા. અમે કદી એકમેકને કહ્યા વિના ન તો આઉટ ઓફ સ્ટેટ ગયા છીએ કે ન તો આઉટ ઓફ કન્ટ્રી! ક્યાં હતી પરીનાઝ ખંભાતા? આ સાથે, કેટલી બધી જૂની વાતો યાદ આવતી હતી!
પરીનાઝને અમે ૧૯૭૫માં મુંબઈમાં મળ્યા હતાં. અમે, મુંબઈની જેસલોક હોસ્પિટલની સામેની બિલ્ડિંગમાં રહેતાં હતાં, એના છઠ્ઠા માળે, એક બેડરૂમના ફ્લેટમાં પરીનાઝ છેલ્લા ત્રણ મહિનાથી ભાડૂત તરીકે રહેવા આવી હતી. એવું કહેવાતું હતું કે એ કોઈ પંજાબી પાયલેટ સાથે લીવ-ઈન રીલેશનશીપમાં હતી. અમે બધાએ લીફ્ટમાં આવતા-જતા એને જોયો પણ હતો. પરી ચાર્ટડ એકાઉન્ટટન્ટ હતી અને ગોદરેજ ઈન્ડસ્ટ્રીસમાં ઉચ્ચ પદ પર કામ કરતી હતી. નવરાત્રિના ફંકશનમાં અમે બિલ્ડિંગના ટેરેસ પર મળ્યા હતાં. બધા હળીભળી રહ્યા હતાં. માથાથી પગ સુધી ફુલી “ડેક્કડ અપ,” પરીનાઝે પોતાની ઓળખાણ આપી. વિનુ ત્યારે સી.એ.ની પ્રેક્ટીસ કરતા હતા એવું મેં એને કહ્યું તો ખૂબ ખુશ થઈને કહ્યું, “ચાલો, મારા ફિલ્ડનું કોઈ તો મલ્યું પણ બે અઠવાડિયામાં હું તો ચાલી જઈશ, અમેરિકા, કાયમ માટે પણ તમોને કાગળ લખતી રે’વસ! મજા પડી ભાભી, તમોની જોડે વાતો કરવાની!” મેં પરીનાઝને તરત જ જવાબ આપ્યો, ”અમારા ગ્રીન કાર્ડની એપ્રુવલ આવી છે પણ અમે વિચાર કરીએ છીએ!” એ તરત જ બોલી, “આઈ વીલ કમ ટુ યોર પ્લેસ ટુમોરો ઓન્લી. વી વીલ ટોક.” બીજે દિવસે રવિવાર હતો. પરીનાઝ આવી. અમારા સહુ સાથે એવી રીતે મળી કે જાણે અમને કેટલાયે લાંબા ગાળાથી જાણે છે. પરીએ તે દિવસે અમને એ પણ કહ્યું કે, એનો બોયફ્રેન્ડ, શમશેરસીંગ, પાયલેટ છે અને પંજાબી શીખ છે. એના મા-બાપે અને ભાઈએ એને “ડીસઓન” કરી હતી. એમણે એને પોતાના મા-બાપ-ભાઈ અને શીખ બોયફ્રેન્ડ વચ્ચે પસંદગી કરવાનું કહ્યું અને એણે ઘર છોડી દીધું. એનો પ્લાન અમેરિકા સેટલ થઈને, એના બોયફ્રેન્ડને બોલાવી લેવાનો હતો. પરીને પણ વિનુની જેમ, તે સમયના કાયદા પ્રમાણે, ચાર્ટડ એકાઉન્ટટન્ટના ક્વૉલિફિકેશનને કારણે, 3rd પ્રેફરન્સની કેટેગરીમાં ગ્રીન કાર્ડની એપ્રુવલ મળી ગઈ હતી આથી સેટલ થવામાં કોઈ પણ મુશ્કેલી આવવાનો સંભવ નહોતો. જતાં જતાં પરીએ કહ્યું, “તમે ને બદલે “તું” કહું અને “જયશ્રીબેન”ને બદલે “જયુ” કહું તો તને ચાલશે? મને નાની બેનનો ખૂબ જ શોખ હતો.” મેં હસીને બેઉ હાથ ફેલાવીને કહ્યું, “અરે, ચોક્કસ જ!” અને અમે ભેટીને છુટ્ટા પડ્યાં. પરી અમેરિકા આવી ગઈ. એનો બોયફ્રેન્ડ પણ મુવ થઈ ગયો અને બેઉએ અમેરિકન કોર્ટમાં લગ્ન પણ કરી લીધાં હતાં. પરીના માતા-પિતા-ભાઈ અને અન્ય સગાવહાલાંઓએ, પરીનાઝ સાથેના બધા જ સંબંધો કાપી નાખ્યા હતા. પરી, અમેરિકાથી પત્ર નિયમિત લખતી અને સમય મળે બે-ત્રણ મહિને એકાદ વાર ફોન પણ કરી લેતી. અચાનક જ ૧૯૭૭માં એનો એક પત્ર આવ્યો, “જયુ, હું અને શમશેર અલગ થઈ ગયા છીએ. મારી સાથે લગ્ન કર્યા ગ્રીન કાર્ડ માટે! અહીં આવીને, બે વરસમાં જ એની કેટલી અફૈર્સ અને કેટલી ચીટિંગ! ફર્ગીવીંગની લિમિટ આવી ગઈ હતી. હું ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયામાં મુવ થઈ ગઈ છું. મારું એડ્રેસ નોટ કરી લેજે. હું થોડા દિવસોમાં ફોન કરીશ. જયુ, કદાચ, મારા નસીબમાં મારું પોતાનું કોઈ હોય એવું કદીયે થવાનું નથી. મને માણસો પર ભરોસો નથી રહ્યો. મા-બાપ જ જો એક પળમાં પરાયા કરી નાખે તો બીજાની વાત શી?”
પછી તો, અમારું પણ અમેરિકા જવાનું નક્કી થયું. જોગાનુજોગ, અમે પણ ફિલામાં સેટલ થયાં. પરીએ એના કોમ્પ્લેક્સમાં શરુઆતમાં એપાર્ટમેન્ટ અપાવવામાં મદદ કરી. બે વરસમાં અમે બાજુબાજુમાં ઘર લઈ, બાવીસ વરસો રહ્યાં. પરીનાઝ ખંભાતાની આ સમય દરમિયાન અનેક રીલેશનશીપ થઈ પણ ક્યાંયે કશું વર્ક આઉટ ન થતું. ૧૯૯૮ પછી એણે બધાં જ પ્રયત્નો છોડી દીધાં અને પરીનાઝ માત્ર આજમાં જ જીવતી હતી, ખુશી-ખુશી. અમારી સાથે એના પ્રેમમાં જરા પણ ફરક નહોતો પડ્યો. વિનુના હાર્ટએટેક પછી અમે કેલિફોર્નિયા મુવ થતાં હતાં ત્યારે પરીનાઝે કહ્યું, “મને હવે આ ઘરમાં નથી રહેવું. હું તો તમારી યાદ કરતી રે’વસ અને રડતી રે’વસ! અમારી કંપનીની હેડઓફિસ ટોરાન્ટો, કેનેડામાં છે તો હું ત્યાં જ મુવ થઈ જઈશ. કદાચ, નવી જગાએ નવું નસીબ! કોઈ મલી પન જાય!” અને પરીએ આંખ મીંચકારી. પરીનાઝને મેં કદી ભૂતકાળને વાગોળીને “દુઃખીમન મેરે” કરીને હારીને બેસી પડતી જોઈ નહોતી. નવરાત્રિમાં ફિલામાં થતાં ગરબા-રાસમાં પરી ઉત્સાહથી ભાગ લેતી. ક્રિસમસમાં, દિવાળીમાં, જૈન દેરાસરના ઉત્સવોમાં, બધામાં ઉમંગથી ભાગ લેતી. પરીને લેટેસ્ટ ફેશનના, નવી ઢબના કપડાં પહેરવાનો, મેચિંગ ઘરેણાં, મેચિંગ શુઝ અને ફુલઓન મેક-અપ વિના કદી ઘરની બહાર જતાં ન મેં ઈન્ડિયામાં જોઈ હતી કે ન અહીં, પછી ભલેને લગ્નમાં જવાનું હોય કે ગેસ સ્ટેશન પર ગેસ ભરાવવા. એ જ્યારે તૈયાર થતી, ત્યારે, હું એને કહેતી, “તું પરી જેવી દેખાય છે, નાઝ!” એ હસીને કહેતી, “થેંક યુ જય! કોઈ મેનને નથી લાગતી સુંદર, ટુ બેડ કે યુ આર નોટ મેન!” અને હું પણ હસી પડતી. પરીનાઝ અને હું એક્મેક પર ગુસ્સે હોઈએ ત્યારે અથવા બહુ હેત ઊભરાય ત્યારે, હું એને “નાઝ” કહેતી અને એ મને “જય” કહી બોલાવતી. અમારા, જુવાનીના દિવસોમાં એકબીજા સાથે મતભેદ પણ થતાં અને દલીલબાજી પણ થતી. તે છતાં, અમારા મન એકબીજા સાથે મળેલાં હતાં. અમે ફોન પર પંદરેક મિનિટ વાત કરીએ પછી પરીનાઝ કહેતી, “પાછળનો દરવાજો ખોલ, હું ઘરમાં આવું છું. મારે, બચ્ચાઓને જોવા છે.” વિનુ અમને બન્નેને હંમેશાં ટોકતાં,”ફોન પર સમય બરબાદ કરીને પછી મળો છો તો પહેલેથી જ આવી મળોને!” પરી કહેતી, વિનુને, “તમે લકી છો કે જય તમારી વાઈફ છે.” આમ મીઠ્ઠા ઝઘડા થતાં રહેતાં.
તે દિવસે, ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૧ હતી. ઓગસ્ટ ૧૯, ૨૦૧૦ને છ મહિના પૂરા થયાં હતાં. રોજ જ હું ઈ-મેલ, વોઈસ મેલ અને ફેસબુક જોતી રહેતી. હું કેનેડામાં પરીને ઘરે જઈ શકી નહોતી આથી ત્યાંના એના મિત્ર-વર્તુળથી પણ અજાણ હતી. પરી રિટાયર થઈ ચૂકી હતી આથી એની કંપનીમાં પણ ફોન કરવાનો અર્થ નહોતો. મારા સંતાનો પણ પૂછતાં રહેતાં, “વી હોપ ધેટ પરી આન્ટી ઈઝ સેફ.” અને, એક દિવસ, સાંજે, પરીનો ફોન આવ્યો. હું તો ખુશીથી પાગલ થઈ ગઈ. મેં પહેલાં તો એને ધમકાવવી કે આમ તે કોઈ ડિસએપીયર થતું હશે? ક્યાં હતી અને શું કરતી હતી? તું ઠીક તો છે ને?” એ હસી અને કહે, “મારે જાણવું હતું કે વ્હેર ડુ આઈ બીલોન્ગ! માન કે ન માન, હું લગભગ આખી દુનિયા આ છ મહિનામાં ફરી આવી છું. આફ્રિકા, રશિયા, બીજા બધાં જ યુરોપિયન દેશો, રોમ, તિબેટ, ચાયના, નેપાલ, હિમાલય, એન્ટાર્ટિકા, મક્કાથી માંડીને બધાં જ મીડલ ઈસ્ટર્ન કન્ટ્રીસ, યુ નેઈમ ઈટ.” મેં પૂછ્યું, “કેમ ઓચિંતા જ? માણસ કઈં કહીને તો જાયને? શી જરુર પડી એવી?” પરી હસીને બોલી, “મને શોધવા નીકળી હતી. મારું કઈંક શોધવા નીકળી હતી.” ‘મેં રીસથી કહ્યું, “તારું જે છે એને તું એમ જ છોડીને ચાલી જાય અને પછી કહેવું કે મારું કોઈક શોધવા નીકળી હતી. અન-બીલીવેબલ!” મેં ગુસ્સાથી કહ્યું. પરી બોલી, “સાંભળ, કાલે સાન ફ્રાન્સિસ્કોમાં ફક્ત એક જ દિવસ છું. તું મને મળી શકે? ઘરે આવવાનું કહેતી જ નહીં. ટાઈમ નથી.” અમે જગા નક્કી કરી. બીજે દિવસે, સાન ફ્રાન્સિસ્કોના એક પાર્કમાં, બપોરના ત્રણ વાગે અમે મળવાના હતાં. લંચ માટે મળવાની ના પાડી હતી. હું એને શોધતી હતી. ત્યાં જ મારી પાછળથી એ જાણીતો અવાજ આવ્યો, “જય!” અને પાછળ ફર્યા વિના મારા મોંમાંથી નીકળી ગયું, “નાઝ!” અને મેં ખુશીથી ઊછળીને પાછળ જોયું, ત્યાં તો એક નન મારી આગળ આવી, મારો હાથ મિલાવીને કહે, “કોલ મી નેન્સી, સિસ્ટર નેન્સી પેરી!”
….ને, …….પછી, હું પાછી ઘરે, બાર્ટમાં આવવા, સાન ફ્રાન્સિસ્કોના વેનાસના ટ્રેન સ્ટેશને સાંજના પાંચ વાગે પહોંચી. હું i-phone પર on-line મ્યુઝિક સાંભળતી હતી ટ્રેનની રાહ જોતાં. “ઓ સજના, બરખા બહાર આઈ!”

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૨. (જયશ્રી વિનુ મરચંટ)

“કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોંકી મંઝીલ, રાહેં”

“નવેમ્બર ૩૦, ૨૦૧૬, આજે મારી ડાયરીમાં શું લખું અને કેટલું લખું, સમજ નથી પડતી. આજે એક એવી જિંદાદિલ અને નિઃસ્વાર્થ સેવાભાવી વ્યક્તિને, ભારતે જ નહીં, પણ આ પૃથ્વીએ ખોઈ છે. મને મારા મિત્રનો ફોન આવ્યો કે, “દક્ષાબેન ઈઝ નો મોર, હું સૂન થઈ ગઈ. દક્ષાબેનને, વિનુ અને હું બે વાર મળ્યા હતા. એક વાર, કદાચ, ૮૯-૯૦ની સાલમાં અને બીજીવાર, ૯૫-૯૬માં, બેઉ વાર, મારા વ્હાલા નાનાભાઈ, ડોક્ટર રાકેશ અને નીલા કોહલીને ઘરે, ન્યુ જર્સીમાં મળવાનું થયું હતું. દક્ષાબેન, સ્વજનો અને મિત્રોએ સ્થાપેલા, “ફ્રેન્ડ્સ ઓફ આર્ચ”ના ફંડ રેઝીંગ માટે અહીં આવ્યા હતાં પણ, માત્ર પૈસારુપી મદદ જ નહીં, તેઓ તો પ્રોગ્રામમાં હાજર રહેલા બધાંનું મન જીતીને પાછા ગયા હતા. બે મુલાકાતમાં, દક્ષાબેન એક અમીટ છાપ મારા અને વિનુના મન પર છોડી ગયા હતાં. વિનુના ગયા પછી, જ્યારે દક્ષાબેન આટલી નાની વયે જતાં રહે ત્યારે, થાય છે, ઉમદા- નોબલ- માનવીઓને, આ ઈહલોકમાંથી, આટલે જલદી બોલાવી લઈને, ઈશ્વરને શું મળતું હશે, જો ખરેખર ઈશ્વર હોય તો…!” આટલું જ એ દિવસના પાના પર લખ્યું હતું. માર્ચ મહિનાની ૨૮મી તારીખ, ૨૦૧૭ની સાલમાં, ફેબ્રુઆરી ૨૦૧૭નો, “નવનીત-સમર્પણ”ના અંકમાં ભાઈશ્રી સુદર્શન આયંગરનો લેખ, “ડોક્ટર દક્ષા પટેલ, સમન્વયી ભાવબુદ્ધિની સેવાયાત્રા”નો લેખ વાંચતાં દક્ષાબેન સાથેની એ મુલાકાતો યાદ આવી ગઈ અને મને મારી નવેમ્બર ૨૦૧૬ની ડાયરી કાઢીને વાંચવાનું મન થયું હતું.
દક્ષાબેનને પહેલીવાર મળી ત્યારે, મેં કહ્યું કે તમે ગુજરાતી મધર ટેરેસા છો, તો એમણે જે કહ્યું હતું એનો અક્ષરેઅક્ષર મને યાદ છે, “જયશ્રીબેન, મધર ટેરેસા થવા માટે પ્રાણી માત્ર માટે અપાર કરૂણા અને સમતા જોઈએ. મને નથી લાગતું કે હું એટલી કરૂણામય છું, હા, કર્મ કરતાં રહેવું મને ગમે છે.” અમેરિકાના લગભગ ચાર દાયકાના વસવાટ દરમિયાન, અનેક ભરતીય મૂળના તથાકથિત ડોક્ટરોને અને હેલ્થ પ્રોફેશનલોને મળી છું. અનેકના મોઢે, પાછા વતનમાં, ગામડાઓમાં જઈને સેવા કરવાની પ્રબળ ભાવના પણ સાંભળી છે પણ, આજીવન ભેખ ધરીને સેવા કરનાર જોયા તે હતાં, ડોક્ટર દક્ષાબેન અને ડો. અનિલભાઈ પટેલ. દક્ષાબેનનો જન્મ મધ્યમ વર્ગીય જૈન કુટુંબમાં થયો હતો. નાનપણથી તીવ્ર બુદ્ધિમતા ધરાવનારા દક્ષાબેને સુરતની મેડિકલ કોલેજમાંથી એમ.બી.બી.એસની ડિગ્રી મેળવી. દક્ષાબેનને મેં સવાલ પૂછેલો, “આપના ભાઈ-બહેનો અહીં છે તો આપને એવું ન થયું કે અમેરિકા જઈને મેડિસિનની પ્રેકટીસ કરું? ગુજરાતના એવા ગામોમાં જવાની ઝંઝટ કેમ કરું કે જ્યાં વિજળી નથી કે નથી સ્વચ્છ પાણી પીવાની સગવડ?”” જરાયે જજમેન્ટલ થયા વિના મને એમણે કહ્યુ, “જયશ્રીબેન, મેં પણ વિચાર્યું હતું કે શહેરમાં મજાની પ્રેકટીસ કરીશું, કોઈ વેલ ટુ ડુ ડોક્ટરની સાથે લગ્ન કરીને, આશાએશની જિંદગી ગુજારીશું. પણ મેડિકલ કોલેજમાં ભણતી વખતે, જેમજેમ ગરીબી, બિમારી, સામાજિક સ્તરની અસમાનતા અને એથી પેદા થતાં અનેક કોમ્પલિકેટેડ પ્રશ્નો સમજાવવા માંડ્યા, ત્યારે થયું કે મારે અહીં, આપણા જ લોકોમાં રહેવું. અનિલ અમારી કોલેજમાં રજિસ્ટ્રાર તરીકે જોડાયા હતા. એમને પ્રિવેન્ટિવ મેડિસનમાં ખૂબ જ રસ હતો. હું એમની પ્રત્યે આકર્ષાઈ. બસ, પછી મને મારું ધ્યેય મળી ગયું. અને સગવડો-તકલીફોનું સમીકરણ સોલ્વ કરવાની તકલીફ ન રહી. અનિલે ગામડાઓમાં ફરીફરીને એટલું બધું કામ કર્યું છે આ ક્ષેત્રમાં, જ્યારે ભારતના મોટા શહેરોમાં પણ પ્રિવેન્ટિવ કેર અને વેક્સીનેશન વગેરે માટે સામાજિક જાગૃતિ તો શું પણ એ શબ્દોની સમજ પણ નહોતી. લગ્ન પછી, અમે આદિવાસીઓમાં જઈને કામ કરવાનું નક્કી કર્યું, પણ, સામાજિક આરોગ્ય–પબ્લિક હેલ્થ-ની સાયન્ટીફિક સમજણ વિના આવી કેર આપવી શક્ય નહોતી. આથી મેં દોઢ વરસ અને અનિલે કાયદેસર રીતે ચાર વરસ લંડન સ્કૂલ ઓફ હાઈજિન અને ટ્રોપિકલ મેડિસિનમાં પબ્લિક હેલ્થનો અભ્યાસ કર્યો. બે-અઢી વરસ, મેં આજીવિકા માટે હોસ્પિટલમાં નોકરી કરી. અમે જ્યારે ૧૯૭૯માં પ્લાન પ્રમાણે ભારત આવ્યાં ત્યારે અમારો પુત્ર આકાશ એક વરસનો હતો. ગાંધી અને વિનોબાજીના ગ્રામ નવનિર્માણના કાર્યમાં ખૂંપી ગયેલા કેટલાક મિત્રોની સહાય મળી અને અમે રાજપીપળાથી કાર્ય શરૂ કર્યું. ૧૯૮૨માં, માંગરોળમાં એકશન રિસર્ચ એન્ડ કમ્યુનીટી હેલ્થ – આર્ચ-ની સ્થાપના થતાં આ કાર્યોને નવું બળ મળ્યું. આ એક સામાજિક જાગરુકતાથી પ્રેરાયેલો નિર્ણય હતો, કરૂણાથી નહીં. આથી જ મને મધર ટેરેસા કહો તો મધર ટેરેસાની દરેક જીવ માટેની કરૂણાને અન્યાય થાય.” આ જવાબમાં પોતે સમાજને માટે એક મિસાલ કાયમ કરી રહ્યા છે એની મોટપનો જરાયે ભાર નહોતો.
અમે બીજીવાર, ‘૯૦ની શરૂઆતમાં, રાકેશ અને નીલા કોહલીને ઘરે, દક્ષાબેનને ફ્રેન્ડ્સ ઓફ આર્ચમાં એમના કાર્યક્ષેત્ર, કાર્યપધ્ધતિ અને ભાવિ યોજનાઓની વાત કરતાં અને ફોટાનું આલબમ બતાવતાં સાંભળ્યાં. માઈન્ડ ઈટ, કે એ સમયે ન પાવર પોઈન્ટના પ્રેઝન્ટેશન હતાં કે ન ફેન્સી ટેકનોલોજી હતી. એવા સમયે સાદા પ્રોજેક્ટર અને રેગ્યુલર ફોટાથી કામ ચાલતું હતું. એમણે અમને સૌને એક ફોટો બતાવ્યો જેમાં, પતરાના છાપરાવાળું ઘર હતું. જ્યારે તેમેણે કહ્યું કે એ એમનું ઘર છે, ત્યારે રૂમમાં એક સોપો પડી ગયો. પછી ક્લીનીકની રૂમો, જે સાવ સાદી પણ એની સ્વચ્છતા આંખે ઊડીને વળગે એવી હતી. પછીનો ફોટો, નહિવત, મેલાંઘેલાં વસ્ત્રો પહેરેલી આદિવાસી સ્ત્રીનો હતો. એના માથે એક ટોપલામાં ઈંટોનો બોજો અને કેડમાં બાળક, કદાચ દોઢ બે વરસનું હતું, એટલું જ નહીં પણ એ સ્ત્રી સાત-આઠ માસ સગર્ભા હતી. બીજો ફોટો હતો, જેમાં લેબ રિઝલ્ટ્સ હતા. હાજર રહેલામાં ઘણા ડોક્ટરો અનેક જુદાજુદા હેલ્થફિલ્ડ સાથે સંકળાયેલા હતા. એમણે મને પૂછ્યું, “જયશ્રીબેન, તમે ક્લીનિકલ લેબમાં ઘણું કામ કર્યું છે. શું કહે છે આ લેબ રિઝલ્ટ્સ તમને? વિગતવાર વાંચો. રિઝલ્ટમાં શું દેખાય છે?” મેં કહ્યું, “આમાં તો લાલ રક્તકણો ઓછા છે, હિમોગ્લોબીન તો માત્ર 5.4 gms/dl and હિમેટોક્રીટ 16%, પ્લેટલેટ 110,000/mcL ?આ રીપોર્ટ કોનો છે? આટલી એનિમિક? થેંક ગોડ કે વ્હાઈટ કાઉન્ટ નોર્મલ છે. નહીં તો ૩ સેલ લાઈન્સ ડિપ્રેસ્ડ, યુ નો, વોટ આઈ મીન!” દક્ષાબેને એક સવાલ અમને સામો પૂછ્યો, “અહીં જો આવો રીપોર્ટ હોય તો ડોક્ટર શું કરે?” હાજર રહેલા બધા ફિઝિશયનો કહે, “હોસ્પિટલાઈઝેશન અને બીજા ઈન્વેસ્ટીગેશનસ કરીએ, એ જોવા કે બ્લડ લોસ શેનાથી છે. પેશન્ટને સંપૂર્ણ આરામ ત્યાં સુધી કરાવીએ.” દક્ષાબેન બોલ્યા, “આ બ્લડ રિપોર્ટ પહેલા ફોટામાંની આદિવાસી સ્ત્રીનો છે, એના બ્લડટેસ્ટ માટે બ્લડ આપીને, તરત પાછી દાડિયે જતી રહી, પેટના બાળકને અને કેડના બાળકને લઈ, માથા પર ઈંટ-માટીના તગારાની મજૂરી કરવા, જેથી એનો દારૂડિયો ધણી અને છોકરું જમી શકે. એમાંથી જો કઈં બચે તો પછી એ પોતે જમી શકે! ધણી તો એની રોજની કમાઈ દારૂમાં ઊડાડે અને જ્યાફત કરવી હોય દારૂની, ત્યારે, પોતાની સ્ત્રીને પોલિસના અધિકારીઓ પાસે મોકલે!” બધાં જ સ્તબ્ધ! ત્યાં હાજર રહેલી એક મારી મિત્ર એના છ-સાત વરસના બાળકને જમાવા આપતી હતી. દક્ષાબેનની વાત સાંભળી એનું ધ્યાન ચૂકી ગયું. બાળકે થાળીને ધક્કો માર્યો ને આખી થાળી ઊંધી વળી ગઈ. એ બધું ખાવાનું ભેગું કરીને, ગારબેજમાં નાખવા ગઈ. દક્ષાબેનનો ૧૦-૧૧નો પુત્ર ત્યાં હતો, એ અનાયસે બોલી ઊઠ્યો, “મમ્મી, મારી ક્લાસનો ભીખો અને એનો ભાઈ, આ ખાવા મળ્યું હોત તો કેટલા ખુશ થાત?” આખા ઘરમાં માથાની હેરપીન પડે તોયે સંભળાય, એટલી શાંતિ છવાઈ ગઈ! દક્ષાબેને દોર સંભાળી લીધો, “મારે બસ, જાણકારી આપવી હતી. ફ્રેન્ડ્સ ઓફ આર્ચને કરાતી મદદનો એકેએક પૈસો પ્રિવેન્ટિવ કેર અને સગર્ભા સ્ત્રીઓ, માતાઓ તથા બાળકોને કુપોષણથી થતા રોગોની સારવાર અને સમજણમાં ખર્ચાય છે. અમે સારવાર આપીએ એ પહેલાં, પાણી ચોખ્ખું કેવી રીતે કરવું, નખ કેમ કપવાના, વાળ કેમ ધોવાના અને નહાવાનું શા માટે જરૂરી છે, વગેરેની સમજણ આપીએ છીએ. એટલું જ નહીં, આજુબાજુના ગામોમાં સાતમી કે એથી વધુ ભણેલાઓને હેલ્થકેરના પ્રાથમિક કામોની ટ્રેનિંગ આપીએ છીએ અને આમ રોજગારની સમસ્યામાં પણ આડકતરી રીતે મદદ કરીએ છીએ. અમે દાયણોને સુવાવડ કેવી રીતે કરવી જેથી સુવાવડ પછી થતાં દર્દો ન થાય અને બાળકો કે સ્ત્રીઓનું લાપરવાહીથી મૃત્યુ ન થાય એની પણ તાલિમ આપીએ છીએ. આ સાંભળ્યું તમે, એનો અર્થ એવો નથી કે મદદ કરવી જ જોઈએ. તમારે જ્યારે પણ તન, મન કે ધનથી સેવા આપવી હોય તો આપજો. કોઈ ફરજનો બોજો રાખતા નહીં.” પછી દક્ષાબેન કહે કે, “નીલા, તું કહેતી હતી કે સહુ મિત્રો જૂના ગીતોના શોખીન છે. આપણે જમ્યા પછી અંતકડી રમીએ” અને પોતે રસોડામાં નીલાને મદદ કરાવવા પહોંચી ગયા. અમારી સહુની સાથે એટલા ભળી ગયા કે કોઈને પણ એમની હાજરીમાં પોતે જે નથી, એ બતાવવાની જરૂર ન લાગી! જમતી વખતે એક મિત્રએ પૂછ્યું, “તમને શું લાગે છે, આમ આટલા નાના સ્કેલ પર કામ કરીને દેશની ગરીબી, અજ્ઞાન અને બિમારીને નાથી શકાશે?” એક ક્ષણ પણ વિચાર કરવામાં ન બગાડતાં, દક્ષાબેને કહ્યું, “ભાઈ, હું તો બહુ શોર્ટ ટર્મ ગોલ રાખું છું. છેલ્લા શ્વાસ સુધી મારાથી થાય એટલી દર્દીઓની સેવા કરી શકું. બાકી ક્યારે શું થશે, એ મેં સમય પર જ છોડી દીધું છે.” મેં જ્યારે “નવનીત-સમર્પણ”ના લેખમાં વાંચ્યું કે ઓક્ટોબર, ૨૦૧૬માં, એમના લીવર કેન્સરનું નિદાન થયું, ત્યારે દક્ષાબેન અમેરિકામાં, એમના દિકરાને ઘરે હતાં. કેન્સર છેલ્લા સ્ટેજનું હતું. અહીંની તબીબી ટુકડીએ કહ્યું કે દક્ષાબેનની રજા હોય તો આક્રમક ઈલાજ કરીએ બાકી સારા થવાની સંભાવના ઓછી છે. દક્ષાબેને સહજતાથી કહ્યું, “જો હું સાજી થઈને મારું કર્મ–દર્દીઓને તપાસીને, એમની સારવાર કરવાનું કામ-ન કરી શકવાની હોઉં, તો હું વિદાય લઉં. બાકીના દિવસો હું મારા દિકરાને ત્યાં, પેલિયેટિવ કેર- કેન્સરના દર્દીને દુઃખાવા રહિત રાખવાની આખરની સેવા- લઈને કાઢીશ” એમનો દેહવિલય ૩૦ નવેમ્બર, ૨૦૧૬ને રોજ થયો.
મને દક્ષાબેને એમની પહેલી મુલાકાતમાં મારા એક સવાલના જવાબમાં કહેલી વાત યાદ આવી ગઈ, “એવું છે ને જયશ્રીબેન, અનિલ અને હું નહોતને તો કોઈ બીજું આ કામ કરવા સામું આવત. મને કે અનિલને એક પળ માટેય એવો ભ્રમ નથી કે આપણે આ કામ ન ઊપાડ્યું હોત તો આ કામ થાત જ નહીં!” ન જાણે, કેમ, પણ હું મનમાં, આ ગીત, “કોઈ હોતા જિસકો અપના, હમ અપના કહ લેતે યારો, પાસ નહીં તો દૂર હી હોતા, લેકિન કોઈ મેરા અપના!” ગણગણતી મારા ડેસ્ક પર, આજ, તારીખ માર્ચ, ૨૮, ૨૦૧૭ને ડાયરીમાં આલેખવા બેઠી.

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ ૧૧ (જયશ્રી વિનુ મરચંટ)

“આજે તારીખ છે, ઓક્ટોબર ૧૮, ૨૦૦૦. કાલે, હું ઓલમોસ્ટ ૨૩ વરસની સ્ટેડી જોબ રીઝાઈન કરવાની છું, એ રંજ તો છે જ પણ કાળજામાં એક ટીસ ચૂભી રહી છે. હું, ફિલાડેલ્ફિયાની, ટેમ્પલ યુનિવર્સીટી હોસ્પિટલની લેબને આવતી કાલે છેલ્લા જુહાર કહેવાની છું. કેટલા જુદા-જુદા સેક્શન્સમાં, કેટલી જુદી પોસ્ટ પર કામ કર્યું અને કેટલા અનોખા અનુભવોનું ભાથું બાંધ્યું છે સાથે!” આજે, સપ્ટેમ્બર ૧૮, ૨૦૧૭માં, આ ડાયરી હાથમાં આવી હતી. મને યાદ આવ્યો, તે દિવસ, જ્યારે જુનું અને જાણીતું છૂટી રહ્યું હતું અને દોઢ મહિનામાં તો ઈસ્ટ કોસ્ટથી, અમારું ૨૩ વરસોનું ઘર અને વતનથી દૂર વતન, ફિલાડેલ્ફિયા છોડીને ઠેઠ વેસ્ટ કોસ્ટ, સાન ફ્રાન્સિસ્કો મુવ થવાના હતા. મેં આગળ વાંચવું ચાલુ રાખ્યું “મને આજે ઊંઘ નથી આવતી. વેરણ નીંદરડીનો કોઈ ગરબો તો હતો પણ શું હતો એ? આવા અસંબધિત વિચારોમાં વિહરવાની મજા મારે માટે, મને પામવાની સફરનો એક ખૂબ જ અગત્યનો હિસ્સો છે અને ઈચ્છું કે સદાયે રહે” બસ, તે દિવસની ડાયરીનું આટલું જ લખેલું પાનું, આજે, ફરીને વાંચતાં, મારી ઊંઘ હરામ થઈ ગઈ. મને યાદ આવી ગઈ, મારી અને વિનુની જામનગરની એ ટ્રીપ!
અમારા લગ્ન પછી, પગે લાગવા, જામનગર સ્થિત, કુળદેવીના સ્થાનક પર જવાનું બન્યું નહોતું, તે ઠેઠ, ૨૦૦૫માં, લગ્નના તેંત્રીસ વરસો પછી બન્યું હતું. અમારા કુળગોર, જામનગરના એરપોર્ટ પર અમને લેવા હાજર હતા. સવારના સાડા અગિયાર થયા હતાં. અમે સીધા જ દેવીના સ્થાનક પર પહોંચ્યા, પૂજા પૂર્ણ કરી દોઢ વાગ્યા સુધીમાં ફ્રી થઈ ગયાં. લંચનો સમય હતો. અમારા કુળગોર કહે, “આપની જમવાની વ્યવસ્થા વીશી ચલાવતાં કુટુંબમાં કરી છે. ભાઈ પોતે પણ સરસ રસોઈ બનાવે છે અને ઘરની જેમ પ્રેમથી, તાજી રસોઈ જમાડે છે.” અમે ત્યાં પહોંચ્યા. ગેટ પર બોર્ડ હતું, “જસુ વીશી”. આગળ નાનકડી વાડીમાં, ટામેટાં, મરચાં, કાકડી, ભીંડા, મેથી અને કોથમીરના છોડોની સુગંધથી, વિશાળ, પણ ખૂબ જ, સ્વચ્છ આંગણું મઘમઘતું હતું. એનક્લોઝ્ડ આંગણાંમાં, ડાબી બાજુ, જમાડવાની વ્યવસ્થા હતી. જમણી બાજુ, રસોઈની ચોકડી હતી. ચોકડીમાં લાકડાના ઘોડા પર તાંબા-પિત્તળના, ચકચકિત વાસણો સરસ રીતે ગોઠવીને રાખ્યા હતાં, જે આવનારાની આંખો આંજી નાખતાં. મેં તરત જ કેમેરો કાઢીને ફોટો લીધો. બે માણસો ચોકડીમાં રસોઈયાને મદદ કરી રહ્યા હતા. આખાયે દ્રશ્યમાં, સ્વચ્છતા આંખે ઊડીને વળગતી હતી. રસોઈ કરનાર ભાઈનું ધ્યાન અમારા તરફ ગયું અને વિનુ, એમના સ્વભાવ વિરુધ્ધ, એકદમ જ ચમકી ગયા. મેં નોટિસ કર્યું. રસોઈયાભાઈએ એક મ્લાન, આવકારભર્યું, સ્મિત અમને આપ્યું. રસોઈ કરનાર ભાઈ, પોતે જમાડવા માટે હાજર હતા. જતાં પહેલાં, એક મર્માળું સ્મિત કરીને વિનુને એમણે એટલું જ કહ્યું, “વિનુભાઈ, રાતના સમય લઈ, અહીં જ જમવા માટે આવજો.”
બપોરે અમે જામનગરની ટૂર લીધી. સાડા છ વાગે, અમારી જ્યાં રહેવાની વ્યવસ્થા હતી એ હોટલમાં જઈ ફ્રેશ થઈને આરામ કરતાં હતાં. કુળગોર રાતના આઠ વાગે લેવા આવવાના હતાં. મેં વિનુને પૂછ્યું, “તમે પેલા રસોઈયાભાઈને જોઈને થોડાક ચમકી ગયા હતા. એ ભાઈએ પણ તમને નામથી બોલાવી, રાતના સમય લઈ આવવા કહ્યું. તમે એમને ઓળખો છો?” વિનુ બોલ્યા, “ક્યાંક મળ્યાં હશું.” એમનું બોલવાનું હંમેશાં સીમિત રહેતું, આથી મને એમના જવાબમાં કઈં નવું ન લાગ્યું. અમે સાડા આઠ વાગે પાછા વીશી પર પહોંચ્યાં, ત્યારે, રસોઈ કોઈ બીજા ભાઈ કરી રહ્યા હતા. સવારવાળા ભાઈ, સહુને આગ્રહ કરીને જમાડતા હતા. અમારી વ્યવસ્થા આ ટાણે, અંદરના બેઠકખંડમાં કરવામાં આવી હતી. સવારવાળા ભાઈ અમને મળવા આવ્યા. વિનુની સાથે હાથ મિલાવીને કહે, “ઓળખાણ પડી?” વિનુએ પણ હસીને કહ્યું, “કેમ નહીં, હમી….” અને વિનુને અધવચ્ચે જ અટકાવીને કહ્યું, “હમીર સેઠ.” વિનુ પણ બોલ્યાં, ઓફ કોર્સ, હમીર સેઠ.” હમીરભાઈએ મને હાથ જોડી પૂછ્યું, “કેમ છો ભાભી? હું અને વિનુ એક જ ક્લાસમાં ભણતા હતા અને સ્વિમિંગ કોમ્પીટીશનમાં ભાગ લેતાં હતાં.” અમે જમતાં હતાં ત્યાં સુધી હમીરભાઈ વિનુ સાથે વાત કરતા બેઠા હતા. મને એક મૂંઝવણ થયા કરતી હતી કે સવારે એ કેમ કશું ન બોલ્યા? પણ, તે ઘડીએ હું કશુંયે કહ્યા વિના, વાતોના પ્રવાહમાં વહેતી રહી. જમ્યા પછી, હમીરભાઈએ કુળગોરને કહ્યુ, “આપ જાઓ, હું વિનુ અને ભાભીને મૂકી આવીશ.” પછી, અમને અંદરના એક ખંડમાં લઈ ગયા. ત્યાં વ્હીલ ચેરમાં એક બહેન હતાં. હમીરભાઈ એમની નજીક જઈ બોલ્યાં, “જસુ, ઓળખ તો કોણ આવ્યું છે?” વિનુના મોઢા પર આનંદ અને ઉદાસી મિશ્રિત ભાવ હતા, ને એ સાથે જ વિનુ બોલ્યા, “હું ઓળખુ છું, જાસ્મીન મહેતા.” જાસ્મીનબહેનનાં મોઢા પર એક પ્રકારનું અદભૂત સુખ વર્તાતું હતું. વિનુનો હાથ એમણે એમના ડાબા હાથમાં પકડી રાખ્યો અને એમની આંખોમાંથી દડદડ આંસું વહેતાં હતાં. વિનુના ગળામાં ડૂમો હતો અને માંડ બોલી શક્યા, “ઈટ ઇઝ ઓકે.” જાસ્મીનબહેનને જમણા અંગનું પેરેલીસીસ થયું હતું. અને ઊભા થવા કે સ્પષ્ટ બોલવા માટે અસમર્થ હતાં. અમે થોડી વાર અંદર બેઠાં. હમીરભાઈ, વિનુ અને જાસ્મીનબહેન એકમેકના સંગાથનો આનંદ અનુભવી રહ્યાં હતાં, એ એમને જોનાર કોઈ અજાણ્યો માણસ પણ પામી શકે, એટલું બોલકું દ્રશ્ય હતું. મેં કેમેરા કાઢી, ત્રણેયને પૂછ્યું કે હું ફોટો લઈ શકું તો હમીરભાઈ બોલ્યા, “શું ભાભી, ખરા છો! મારા વાસણોનો ફોટો લીધો ત્યારે તો પૂછ્યું નહીં અને હવે માણસોના ફોટા વખતે પૂછો છો!” હું થોડીક ઓઝપાઈ પણ, વાત તો સાચી હતી. આટલા બધા વરસો પછી પણ અકબંધ રહેલા પોતાપણાને કારણે, “સો કોલડ અમેરિકન મેનર્સ”માં, અહીંના લોકોને દોઢ ડહાપણ લાગે એમાં નવાઈ નહોતી. મેં ફોટા પાડ્યાં. અમે જાસ્મીનબહેનને “આવજો” કહીને નીકળ્યાં. મેં બહાર આવીને કહ્યું, “હમીરભાઈ, જાસ્મીનબહેનનો સૂવાનો સમય થશે. અમે તો ટેક્સી કે રિક્ષામાં જતાં રહીશું.” વિનુએ પણ કહ્યુ, ‘તુ જાસ્મીન સાથે બેસ. હેરાન ન થા.” હમીરભાઈ સહજતા બોલી ગયા, “એને ક્યાં ઊંઘ આવે છે! છેલ્લા કેટલાયે વરસોથી જાસ્મીન અનિદ્રાના રોગથી પીડાય છે.” વિનુ અને હું આગળ શું બોલીએ એની અસંમજસમાં ચૂપ રહ્યાં.
હમીરભાઈના કંપાઉન્ડમાં બે ત્રણ રિક્ષા અને ટેક્સીઓ ઊભી હતી. અમને બહાર બાંકડા પર બેસાડીને કહ્યુ, “તમે બસ એક દસ મિનિટ આપો તો રિક્ષા ને ટેક્સી ડ્રાઈવરોનો હિસાબ લઈ, એમને છૂટા કરી દઉં.” કામ પતાવી, હમીરભાઈ પાછા આવી ગયા. હમીરભાઈ ટેક્સીમાં ડ્રાઈવરની સીટ પર બેઠા અને હું અને વિનુ એમની બાજુમાં બેઠાં. હમીરભાઈ વિનુ તરફ જોઈ, હસીને બોલ્યા, “ભાભી, વિનુ એવો ને એવો જ રહ્યો! કેટલાયે સવાલો થતા હોય પણ કદી, સામા માણસને સવાલો કરી મૂંઝવવાનું એના સ્વભાવમાં નહોતું અને આજેય નથી. મને નથી લાગતું, તું કઈં પૂછશે. હું જ કહું શું થયું અને હું અને જાસ્મીન અહીં કેવી રીતે આવ્યા. તને તો ખબર છે કે જાસ્મીનના લગ્ન એના મામાએ એસ.એસ.સી. પાસ થતાં જ કોઈ ૫૫ વરસના વિધુર સાથે કરી નાખ્યા હતા. એમ સમજોને એને વેચી જ નાખી હતી આથી મા-બાપ વિનાની ભાણજીનો બોજો ઊતરી જાય! હું તો એટલો ભણવામાં હોશિયાર નહોતો. માંડ ૩૭% માર્ક્સ સાથે, એસ.એસ.સી.માં પાસ થયો, એમાં જ ખુશ હતો. ચાચા-ચાચીએ, મને મોટો કર્યો હતો. એમને કોઈ છોકરા નહોતા. હું એસ.એસ.સી. પાસ થયો કે મને એમની બટાટાવડા-સૅન્ડવિચની લારી અને ચાલની રૂમ સોંપી, બેઉ ગામ જતા રહ્યાં. એક દિવસ, જાસ્મીનને મેં ફાટેલી સાડીમાં, મોઢું છુપાવી, એક પગ ઘસડીને ભીખ માંગતી જોઈ. હું માની ન શક્યો જે જોયું તે! હું લારી છોડીને એની પાસે દોડી ગયો. મારા હાથોમાં એ ઢળી પડી. હું એને ઘરે લઈ આવ્યો. જાસ્મીનના ધણીએ એને ઢોરમાર મારી, ઘરમાંથી કાઢી મૂકી હતી. જાસ્મીનનું રુપ એનું દુશ્મન બની ગયું. એના મોટી વયના પતિને વહેમ હતો કે એની બીજીવારની આટલી દેખાવડી, નાની વયની પત્નીને જો દાબમાં નહીં રાખે તો એ ખરાબ ચાલચલગતની થઈ જશે! જાસ્મીનનો ઈલાજ કરાવવા, ડોક્ટર પાસે લઈ ગયો તો ખબર પડી કે બેસુમાર મૂઢમારથી જમણા હાથ અને પગના જ્ઞાનતંતુઓ મરી ચૂક્યા હતા, ટૂંકમાં, કદીયે સારો ન થાય એવો પેરેલીસીસ થયો હતો. ડોક્ટરે એને બે અઠવાડિયા માટે નર્સીંગહોમમાં રાખી. આપણા ક્લાસમાં બધાને ખબર હતી કે હું જાસ્મીનને કેટલો ચાહતો હતો પણ બોલી શક્યો નહોતો. જ્ઞાતિ, ધરમ અને ક્લાસ બધું જ વચ્ચે આવતું હતું. આજે, ઉપરવાળાએ મારો પ્યાર મારી ઝોળીમાં નાખ્યો હતો એની મને ખુશી હતી. મારે હવે જે કરવાનું હતું તે જલદી કરવાનું હતું. ચાલીની જગ્યા કાઢી નાખી. મારી લારી વેચી દીધી. મને રસોઈનો શોખ હતો તેથી કામની મને ચિંતા નહોતી. જ્યાં કોઈ અમને ઓળખતું ન હોય ત્યાં વસવું હતું અને જામનગરમાં વસવાનું નક્કી કર્યું. મુંબઈમાં જાસ્મીનનો પતિ છૂટાછેડા આપવાનો નહોતો. જાસ્મીન તન-મનથી સાવ મૂરઝાઈ ગઈ હતી. જાસ્મીન જૈન હતી, આથી મેં પણ જૈન ધર્મ પાળવાનું નક્કી કર્યું. નોનવેજ ખાવાનું છોડી દીધું. અહીં પણ, શરૂઆત બટાટાવડા અને મુંબઈના સૅન્ડ્વિચની લારીથી કરી. આજે જે પણ કઈં છે તે જાસ્મીનના નસીબની યારી છે. સવારના મારા કર્મચારીને કઈંક ઈમરજન્સી આવવાથી હું રસોઈ કરતો હતો, બાકી હું રસોઈ હવે નથી કરતો.” એમની વાત પૂરી થઈ, ત્યાં સુધી અમારી હોટલ પણ આવી ગઈ.
અમે નીચે ઊતર્યા. હમીરભાઈ પણ ઊતર્યા. વિનુનો હાથ પકડીને કહે, “દોસ્ત, થેંક યુ!” વિનુએ પૂછ્યું, “અરે, શેને માટે? આઈ એમ વેરી હેપ્પી ટુ સી યુ બોથ.” હમીરભાઈ કહે, “મને ખબર છે કે તું સવારના મને ઓળખી ગયો હતો છતાં કઈં ન બોલ્યો, એટલા માટે!” પછી આંખોમાં આંસુ સાથે વિનુને ભેટી પડ્યા. હમીરભાઈ ગયા. અમે હોટલમાં પ્રવેશતાં હતાં ત્યારે મેં વિનુને પૂછ્યું, “તમે જો ઓળખી ગયા હતા તો મને પણ નહીં કહ્યું કશું?” મારા સ્વરમાં, પત્નીના અધિકારની અવગણના થઈ હતી એનો વિરોધ હતો પણ વિનુ જેનું નામ, એક વાક્ય જ બોલ્યા, “શું બોલું, એનું પહેલાનું નામ હમીદ સૈફ હતું!” હું અવાક થઈ ગઈ! હોટલની લોબીમાં બીગ સ્ક્રીન ટીવી પર, જૂની, પ્રદીપકુમાર અને મીનાકુમારી અભિનીત, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ, “આરતી”નું ગીત આવી રહ્યું હતું, “કભી તો મિલેગી, કહીં તો મિલેગી, બહારોંકી મંઝીલ, રાહેં!”